ભાઇ-બહેનનો પ્રેમઃ માત્ર સગપણ નહીં, સ્નેહનો નાતો

તુષાર જોષી Tuesday 09th August 2016 13:52 EDT
 

‘હર્ષા, તારા વ્હોટ્સએપ પ્રોફાઈલમાં આ ફોટો કોનો છે પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે સાથે?’ સખીએ પૂછ્યું અને પછી લાગણીથી લથબથ સંબંધોની વાત હર્ષાએ એને માંડીને કહી.
વાત છે સૌરાષ્ટ્રની કલાનગરી તરીકે ઓળખાતા ભાવનગર શહેરની. આ નગરમાં ૧૯૭૦ના દાયકાના આરંભે હર્ષાનો જન્મ થયો. શહેરના હાર્દ સમા વિસ્તારમાં રહેતા જૈન વ્યાપારી પરિવારમાં દીકરીઓમાં સૌથી નાની. એનાથી નાનો એક ભાઈ અને કાકા-દાદાનો સંયુક્ત પરિવાર. એમાં દસથી વધુ કઝીન્સ દસથી વધુ રૂમના વિશાળ ઘરમાં સંપીને રહે અને આનંદ કરે.
હર્ષાના કઝીન બ્રધરના મિત્રની આવન-જાવન ઘરમાં હતી. પરિવારમાં દીવાળી, ધુળેટી જેવા તહેવારો હોય કે સિનેમા જોવા જવાનું હોય સહુ સાથે જ હોય. હર્ષાના પરિવાર સાથે આ મિત્ર અને તેની બહેનનો પારિવારિક સંબંધ ઘનિષ્ટ બનતો ગયો અને હર્ષાએ અને તેની બહેનોએ એક રક્ષાબંધનના પર્વે રાખડી બાંધીને તેની સાથે ભાઈ-બહેનના નિર્મળ સ્નેહની ગાંઠ બાંધી.
લાડકોડમાં ઊછરેલી હર્ષાને કોઈ વાતે વાંકુ પડે અથવા તો ક્યારેક ગુસ્સે થાય ત્યારે કોઈથી ન માને તો એના પપ્પા હસમુખભાઈ કહે, ‘એના ભાઈને બોલાવો... એના સિવાય એ કોઈનું નહીં માને’ અને વાત પણ સાચી હતી. મોટો ભાઈ આવે, બહેનને સમજાવે અને બહેન માની જાય.
એવું જરાય નહીં કે એ બંને ઝઘડે નહીં. એક વાર મકર સંક્રાંતિના દિવસે કાંઈ વાંકુ પડ્યું તો અબોલા લીધા. તે છ મહિના ચાલ્યા, બંને એકબીજા સાથેના સંવાદો ત્રીજી વ્યક્તિના માધ્યમથી કરે. આખરે હર્ષાએ પર્યુષણના ઉપવાસ સમયે પારણાં કર્યાં ત્યારે બંનેના ‘કહેવાતા’ અબોલા તૂટ્યા.
એ જમાનાની ‘સાહેબ’ ફિલ્મ સહુએ સાથે જોયેલી. એમાં અનિલ કપૂર એની બહેનની આંખમાં આંખ મેળવીને કે માથે હાથ મૂકીને જુઠ્ઠું બોલતો નથી. આ દૃશ્યની એવી અસર થઈ કે આજે પણ આ બંને ભાઈ-બહેન એકબીજા સાથે જૂઠ્ઠું બોલતા નથી.
પરણીને બેંગ્લોર સ્થાયી થયેલી હર્ષાનો ભાઈ સ્ટેજના કાર્યક્રમોમાં જોડાયેલો હોવાને કારણે પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે સાથે સ્ટેજ પરનો એ યાદગાર ફોટો હર્ષાએ ગૌરવ સાથે એના વ્હોટ્સ એપ પ્રોફાઈલના DPમાં મૂક્યો. એ જોઈને એની સખીએ પે’લો પ્રશ્ન પૂછ્યો હતો.હર્ષાના પતિ ચંદ્રેશ પણ ભાઈ-બહેનના આ સ્નેહથી રાજી થાય અને દીકરીઓ પણ મામાના ઘરે અમદાવાદ જવા હંમેશા તૈયાર હોય.
હર્ષાને બાળપણથી સહુ ‘પુરી’ કહેતા. આજે પણ ભાઈની દીકરીઓ પુરીફઈ વર્ષમાં એકાદ વાર અમદાવાદ ન આવે તો મીઠો ઝઘડો કરી બેસે એટલો અનહદ પ્રેમ બંને પરિવારોના બાળકોમાં પણ સચવાયો છે. આજે પણ ક્યારેક કોઈ વાતે દીકરી સાથે હર્ષા સંમત ન થાય તો દીકરી મસ્તીમાં કહે છે ‘મામાને કહો એટલે એમની બહેન માની જશે.’
રક્ષાબંધનનું પર્વ આવ્યું એટલે સહજપણે આ ઘટનાનું સ્મરણ થયું. લોહીની સગાઈ હોય ત્યાં તો ભાઈ-બહેનનો પ્રેમ સચવાય જ, પરંતુ પાડોશમાં રહેતા પરિવારના બાળકો વચ્ચે લાગણીનો સેતુ બંધાય. બહેન ભાઈને રાખડી બાંધે અને દાયકાઓ સુધી એ પ્રેમ સતત સંવર્ધિત થાય એ વાત ગૌરવપ્રદ છે.
ભાઈ-બહેનના પ્રેમની વાત જ વિશ્વમાં નિરાળી અને નોખી છે. ક્યાંયે સ્વાર્થ નહીં, માત્ર સમર્પણ છે એમાં. દંભ નહીં, દાયિત્વ છે એમાં. સગપણ માત્ર નહીં, સ્નેહ છે એમાં.
ભારતીય સંસ્કૃતિમાં અને ઈતિહાસમાં પણ ભાઈ-બહેનના સ્નેહની અનેક કથાઓ વાંચવા મળે છે. ફિલ્મી ગીતોમાં અને કાવ્યોમાં કે સાહિત્યમાં પણ આ સંબંધની લાગણી ઝીલાઈ છે. ભાઈ-બહેનનો આ પ્રેમ જ્યાં અને જ્યારે પ્રગટ થાય છે ત્યાં અને ત્યારે આનંદના અજવાળાં રેલાય છે.

ઃ લાઈટ હાઉસ ઃ

યે રાખી બંધન હૈ ઐસા,
જૈસે સુભદ્રા ઔર કિશન કા,
જૈસે બદરી ઔર પવન કા,
જૈસે ધરતી ઔર ગગન કા...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter