ભારતીય સભ્યતા-ગરિમાની હરતીફરતી યુનિવર્સિટી

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 10th September 2018 05:46 EDT
 

‘આભિજાત્યનું મૂર્તિમંત સ્વરૂપ...’

‘કેબીસી શરૂ થયું ત્યારથી જ એમની શાલીનતા સ્પર્શી ગઈ છે...’
‘એમના સંઘર્ષમાંથી બોધપાઠ લેવો જોઈએ...’ આવા અનેક વાક્યો અને વાતો ફેસબુક પર વાંચવા મળી એ વ્યક્તિત્વ એટલે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન.
લેખક-ફિલ્મ સમીક્ષક અને મિત્ર સલીલ દલાલે કેનેડાથી તેમના ફેસબુક પેજ પર હમણાં તારીખ પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસે એક પોસ્ટ મુકી. તેઓએ લખ્યું છે કે ‘પરોક્ષ રૂપ સે હમ સભી કો શિક્ષા દેનેવાલે આપ કો હમ તો સાષ્ટાંગ પ્રણામ કરતે હૈ, સર જી!’ એમના આર્ટીકલ પર વાત કરીએ તો એમણે શીર્ષક આપ્યું છે ‘KBC શાલીનતા કી પાઠશાલા...’
તેઓ લખે છે, ‘અમિતાભ બચ્ચનજી કો કૌન બનેગા કરોડપતિ કા સંચાલન કરતે દેખના એક વર્ગખંડ મેં બૈઠકર શિક્ષા પ્રાપ્ત કરને જૈસા હૈ, ૭૫ સાલ કે બચ્ચન દાદા ઉનસે કઈ સાલ છોટે કો ભી આપ કહેતે હૈ... અગર કોઈ સીખના ચાહે તો ઘર બૈઠે બૈઠે, ખેલ કા મજા લેતે લેતે ભારતીય શાલીનતા ઔર ભદ્રતા કે પાઠ પઢ સકતે હૈ...’
KBCની આ દસમી સીઝન છે. જેમણે જેમણે અત્યાર સુધીની સીઝન જોઈ છે તેઓ આ શબ્દો સાથે સહમત થશે જ. હોટ સીટ પર બેઠેલા સ્પર્ધક, એની સાથેના પરિવારજનો, ફોન કોલ્સ કે વીડિયો કોલ્સ પર આવતા સ્વજનો, એક્સપર્ટસ અને ફિલ્મ લોન્ચિંગ માટે આવતા કલાકારો સાથેના વાણી-વર્તન-વ્યવહારમાં અમિતાભ બચ્ચન જે શાલિનતાથી-સહજતાથી-આદર સાથે વાત કરે છે એ એક અર્થમાં પાઠશાળા જેવું જ છે. સ્પર્ધક સાથે પ્રશ્નના જવાબ સંબંધી વાતો કરતા સ્પર્ધકના જીવનને, પોતાના અનુભવને, સાંપ્રત સમયને સરળતાથી વણી લે છે બચ્ચન સર..
મોટા ભાગના સ્પર્ધકો કહે છે કે, ‘હોટ સીટ પર બેસતી વખતે અમને સતત મનમાં હોય કે ઓહ... હું અમિતાભ બચ્ચન સામે છું. કાંઈ બોલી ના શકાય એવી સ્થિતિ હોય, પરંતુ એક વાર વાતનો દોર શરૂ થાય પછી લાગે કે આપણા જ કોઈ સ્વજન સાથે આપણે વાત કરી રહ્યા છીએ.’ એમનો હાથ પકડવો, એમને ભેટવું, એમને પગે લાગવું અને એના અસ્તિત્વની આસપાસ હોવું એ જ મોટા ભાગના સ્પર્ધકો માટે સૌથી મોટું ઈનામ હોય છે એવી અનુભૂતિ ક્યાંકને ક્યાંક એ સ્પર્ધકો વ્યક્ત કરતા રહે છે, દર્શકો એ જુએ પણ છે, દર્શકોને પણ અમિતાભ બચ્ચનના વાણી-વિવેક અને સહજતા સ્પર્શી જાય છે. હસીમજાક કરતા કરતા પણ તેઓ ક્યારેય કોઈ સ્પર્ધકને ઉતારી પાડતા નથી. બલ્કે મોટા ભાગે એને સંઘર્ષ માટે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે. નાની નાની બાબતોની સંભાળ લઈને, નોંધ લઈને સ્પર્ધક સાથે પોઝિટિવ કોમ્યુનિકેશન કરતા રહેવામાં બચ્ચન સર અદભૂત કાર્ય કરે છે.
તાજેતરમાં ક્યાંક વાચ્યું હતું કે, યુનિસેફે ૯થી ૧૮ વર્ષના બાળકોનો સર્વે કર્યો. પૂછ્યું કે, જાણકારી મેળવવા શું જુઓ છો? ૬૬ ટકા એ કહ્યું મેગેઝિન, ૭૭ ટકા એ કહ્યું સોશિયલ મીડિયા, ૯૨ ટકા એ અખબાર અને ૯૬ ટકા એ ટેલિવિઝન કહ્યું. વાત ટેલિવિઝનની છે તો એક એવા જ સર્વેનું સ્મરણ થાય જેમાં બાળકોને પૂછાયું હતું કે તમારા જન્મદિવસે તમે કઈ સેલિબ્રિટીને ઘરે બોલાવવા ઈચ્છો છો? જવાબમાં સૌથી વધુ એટલે કે ૧૫ ટકાએ નામ આપ્યું હતું સદીના શહેનશાહ અમિતાભ બચ્ચનનું.
અભિનય ક્ષેત્રે એમની અપાર લોકપ્રિયતા દુનિયાએ સ્વીકારી જ છે. પરંતુ કેબીસીમાં એમનું જે વ્યક્તિત્વ દર્શકો સામે આવ્યું છે એમાં એમની શુદ્ધ હિન્દી ભાષા, જે ભારેખમ ના લાગે, બોલચાલની હોય, અભિવ્યક્તિમાં સાહજિકતા, સંબોધનમાં નાનામાં નાના માણસને આદર, દરેક સ્પર્ધકને તેઓ પોતાના જ સ્વજન લાગે એવી આત્મીયતા જેવા ગુણો સાહજિકપણે નીખરી આવ્યા છે.

•••

અદાકાર અમિતાભ બચ્ચન સદીના મહાનાયક સહિતની અનેક ઓળખ અને એવોર્ડ ધરાવે છે પરંતુ કેબીસીના સંચાલક - હોસ્ટ તરીકે એમણે સ્પર્ધકો-સાથી કર્મચારીઓ-ટેક્નિશ્યનો-દર્શકો પર પોઝિટિવ વાઈબ્રેશન આપનારી જે ઈમેજ છોડી છે એમાં એમની ગરિમા-શાલીનતા અદભૂત રીતે વ્યક્ત થયા છે.
આવા કલાકારો સ્વાભાવિક રીતે એક હરતીફરતી યુનિવર્સિટી બની રહે છે. જેમની પાસેથી ઘરે બેઠાં આપણે કાંઈને કાંઈ શીખી શકીએ-અને આવું થાય ત્યારે કલાસાધનાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter