મનને કેળવીએ તો પ્રગટ થાય સાચી સમજણ

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 14th March 2023 06:12 EDT
 
 

મન... બે અક્ષરનો જ એક શબ્દ, પરંતુ એનો વ્યાપ અગાધ અને એની શક્તિ અમાપ. આ મન જો ધારે તો એક વિચારમાત્રથી સર્જન પણ કરે અને વિસર્જન પણ કરે. કથા સત્સંગમાં એક ઉદાહરણ અનેકવાર સાંભળ્યું છે કે એક માણસે બીજા માણસને કહ્યું કે ‘મને બ્રિટન જવાનો વિચાર આવે છે, કેટલો ખર્ચો થાય?’ જવાબ મળ્યો કે વિચાર કરવામાં ક્યાં કશો ખર્ચ થવાનો છે?

વાત પણ સાચી છે, આપણે જ્યાં બેઠાં હોઈએ ત્યાં બેઠાં બેઠાં વિશ્વભ્રમણ પણ કરી શકીએ અને મજા પડે તે સુખ ક્ષણભરમાં માણી પણ શકીએ. મનમાં સંકલ્પ પણ છે અને મનમાં વિકલ્પ પણ છે, આપણા સુખ–દુઃખનું નિર્માતા જ મન છે. કોઈ એક સ્થિતિ એક પળે સુખ આપે છે અને એવી જ સ્થિતિ બીજી પળે દુઃખ આપે છે એના મૂળમાં પણ આપણું મન જ હોય છે. એક ગીતમાં ગવાયું છે, ‘મનવા, તું રાવણ તું રામ...’
આ મન દ્વારા જ સગપણ કે સંબંધો સર્જાય છે અને તેના વિચારોથી જ એ તૂટે પણ છે. એના થકી જ વિવાદ પણ થાય છે અને એના થકી જ સંવાદ પણ થાય છે. એક મોટિવેશનલ સ્પીકરને એક સેમિનારમાં પ્રશ્ન પુછાયો કે ‘માનવ સંબંધોમાં સૌથી નાજુક કઈ બાબત છે, જેનું વિશેષ ધ્યાન રાખવું પડે છે? જવાબ હતો કે મન...’
કેટલાક લોકો દેખાવે સાવ સીધાસાદા લાગે પરંતુ એમનું મન જાણે - અજાણે એમને દલીલો કરવા, પોતાનું ધાર્યું કરવા પ્રેરિત કરતું હોય છે. સમયે સમયે, તેઓ ચેસની રમતની જેમ પોતાના સવાલો અને જવાબો એમના મનની દોરવણી મુજબ આપતા જાય છે, પછી જો સામેના માણસની વાતમાં ક્યાંક અટવાય તો છેલ્લા પાટલે બેસીને રાડારાડી કરે છે એટલે સામેનો માણસ પડતું મૂકે છે અને છોડોને યાર...!
તમે અનુભવ કરજો, મોટા ભાગે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દોષો સ્વીકારતી નથી, સ્વીકારવા નથી, ત્યારે એમનું મન એમને એક પછી એક નવા નવા બહાના બતાવે છે. આખરે પોતે સત્ય છે, બીજા ખોટા છે એવી દલીલો કરે છે. આ દલીલો કોઈ પણ સંબંધોને લુણો લગાડે છે.
એક બહેનને લગ્નના 20–22 વર્ષ પછી પણ વાતે વાતે એમના લગ્ન પછી એમણે કઈ કઈ મુશ્કેલી વેઠી એ જ બતાવવું હોય. સાંપ્રત સમયની વાત સાથે ગમેતેમ કરીને તેઓ પેલો છેડો ગોતી જ લાવે. પરિણામે ઘરમાં વ્યર્થ દલીલો થયા જ કરે. હવે જે સમયે જે તે સ્થિતિ સર્જાઇ એના પણ કારણો હશે, એનો અભ્યાસ મહત્ત્વનો નહીં - બસ અમે જેટલું વેઠ્યું એટલું કોઈએ ક્યાં વેઠ્યું છે?
એવી જ રીતે વિદેશમાં રહેતા એક ભાઈને પણ એવી ટેવ કે એમના સંતાનો પાસે હંમેશા પોતાના બાળપણમાં ને કિશોરાવસ્થા કે યુવાવસ્થામાં પોતે વતનમાં કેવો સંઘર્ષ કર્યો એની વાર્તા જ કર્યા કરે. બાળકો થોડો સમય સાંભળે પછી ના સાંભળે એટલે ગુસ્સે થાય કે મારી વાતમાં કોઈને રસ નથી. અરે ભલા માણસ, તમારા સંઘર્ષ સાથે એમની સ્થિતિ ના સરખાવો.
એવા જ એક ભાઈ છે, જ્યારે ને ત્યારે સવાર પડે ત્યારથી એમના સંતાનોને આદર્શ સ્થિતિની વાત કરે. વહેલા ઊઠવું જોઈએ, સમયબદ્ધ જીવન જીવવું જોઈએ, બધી ચીજ ભૂલી ના જવાય, નિયમિત અને શુદ્ધ ખાવું જોઈએ... હવે આ બધી વાતો સાચી જ છે, પણ નવી જનરેશન સાંભળે તો ઉત્તમ... ના સાંભળે તો એમને દુઃખ થાય કે મારી વાત કોઈ સાંભળતું જ નથી.
એક વ્યક્તિ ઘરમાં સામાન્ય વાતચીતના સંદર્ભમાં નિવેદન બધાની વચ્ચે કરે. બે મહિના પછી કહે એ પણ વ્યક્તિગત રૂપે કે મેં તમને તો કહ્યું હતું..! પેલો ભાઈ કહે મને યાદ નથી તો કહે ‘એ તમારો પ્રશ્ન છે...’ અથવા કહે કે ‘મને નથી કહ્યું, હું શા માટે જૂઠ્ઠું બોલું?’ તો કહે ‘એ તમને ખબર!’
સરવાળે આ અને આવા પ્રસંગો - ઘટનાઓ – ચર્ચા અને સંવાદો આપણી આસપાસ બનતા જ રહે છે, આવા સંવાદોમાં મૂળ માધ્યમ મન છે. આ મનને જો આપણે કેળવીએ તો સાચી સમજણ પ્રગટ થાય અને જેને સમજાય એના થકી મધુર હાસ્યના અને મૌનના અજવાળાં રેલાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter