માતાઃ સમતા અને મમતાનું દિવ્ય સ્વરૂપ

તુષાર જોષી Tuesday 06th June 2017 10:58 EDT
 

‘અમે દેવકા રહેતા, દર મહિને ખરીદી માટે બા રાજુલા જાય, મને સાથે લઈ જાય. આઠ કિલોમીટરનું અંતર, પણ બસની ટીકીટના ૪૦ પૈસા બચાવવા બા જાતે ચાલે ને મને પણ ચલાવે. આવવાનું પણ એમ જ. મુસાફરી દરમિયાન બા મને સંતોની-શૂરવીરોની કથાઓ અને ધાર્મિક વાર્તા સંભળાવતા. અમારા ઘડતરમાં આ સંઘર્ષનો-સંસ્કારનો મોટો ફાળો રહ્યો છે.’ આ શબ્દો છે વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂ. ભાઈશ્રીના.

કવિ બોટાદકરની ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ આ ગીતની પંક્તિનો ભાવ જાણે તાદૃશ્ય થઈ રહ્યો હતો. ઓઝા પરિવારના સભ્યો પાસેથી માતાના મધમીઠાં સ્મરણો સાંભળી રહ્યા હતા અમે.
લક્ષ્મીબાનો જન્મ થયો ઉનાની નજીક આવેલા કાંધી ગામે મોસાળમાં. એમના પિતા ભીમજીભાઈ મુંબઈમાં લોજિંગ-બોર્ડિંગની વીશી ચલાવતા. એ જમાનામાં લક્ષ્મીબાએ મુંબઈમાં ધોરણ-૩ સુધીનું શિક્ષણ લીધું. એ પછી રાજુલા ગયા. નાની ઉંમરે એમના લગ્ન થયા દેવકાનિવાસી વ્રજલાલ ઓઝા સાથે. જેઓ પૂનાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં સેલ્સમેન હતા એટલે લક્ષ્મીબા પણ પૂના રહ્યા. સમય જતાં વ્રજલાલભાઈએ મુંબઈમાં સ્થાયી થવાનું નક્કી કર્યું અને લક્ષ્મીબા સંતાનોને લઈ દેવકા આવ્યા. પૂ. ભાઈશ્રીની ઊંમર દસ વર્ષની હતી ત્યારે લક્ષ્મીબા ફરી મુંબઈ આવ્યા. થોડા વર્ષોમાં પતિનું અવસાન થયું.
લક્ષ્મીબાએ અથાક સંઘર્ષ કર્યો - ચોક્સાઈ, ચીવટ, ધર્મ, સ્વચ્છતા, કરકસરના સંસ્કારો બાળકોને આપ્યા અને તેમને જીવનસાફલ્યના માર્ગે ચઢાવ્યા. મુંબઈમાં રહીને મરાઠી-ગુજરાતી ભાષા જાણનાર લક્ષ્મીબા મોટાભાગે રીક્ષામાં નહીં, બસમાં મુસાફરી કરતાં. સારું પુસ્તક વાંચે કે વાર્તા સાંભળે તો તુરંત પરિવારમાં સહુ કોઈ સુધી પહોંચાડે. દીકરીઓને તળ સૌરાષ્ટ્રની રસોઈકળાની સાથે સાથે જ સીવણકામ, મોતીકામ જેવી હસ્તઉદ્યોગની કળાઓ પણ શીખવી.
દેવકામાં યોજાયેલી સ્મરણાંજલિમાં પૂ. ભાઈશ્રીએ કહ્યું કે, ‘અમારા ઘરમાં આવનાર પ્રત્યે વ્યક્તિ ભોજન લઈને જ જાય એવો એમનો ભાવ રહેતો. અને આજે મને આનંદ છે કે મારી માતાએ બહુ જ વિશાળ સંખ્યામાં લોકોને માતૃ વાત્સલ્ય આપ્યું છે.’
જિંદગીના સંઘર્ષો દરમિયાન કોઈ દિવસ કોઈની સામે ન ઝૂક્યા અને ન ડર્યાં. એટલે છેલ્લા દિવસોમાં એમને મૃત્યુનો પણ ડર ન હતો. ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય સાંભળતા સાંભળતા અને ઓમ નમઃ શિવાય મંત્રનું રટણ કરતાં કરતાં એમણે શાંતિપૂર્વક આંખો મીંચીને ૮૯ વર્ષની ઊંમરે દેહ છોડી દીધો.
પૂજ્ય ભાઈશ્રી જેવા પ્રેમાળ-તેજસ્વી વ્યક્તિત્વની ભેટ આપણને આપતા ગયા.

•••

મા કરુણાનો અવતાર છે. મા તીર્થોમાં ઉત્તમ તીર્થ છે. મા સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે. સમતા અને મમતાનું દીવ્ય સ્વરૂપ છે મા.
કાળઝાળ ગરમીના દિવસોમાં ‘બેટા, તડકામાં બહુ ફરવું નહીં.’ એમ કહેનાર પણ મા અને કડકડતી ઠંડીમાં દીકરાના બેડરૂમમાં વહેલી સવારે જઈને રજાઈ ઓઢાડનાર પણ મા... ઘરમાં થોડી મીઠાઈ કે કેરી બચી હોય ત્યારે મારે નથી જમવું, ભૂખ નથી એમ સૌપ્રથમ બોલનાર હોય છે મા... એ એના પુત્રને અને પુત્રના મિત્રોને કે દીકરીને અને તેની સખીઓને પણ એટલો જ પ્રેમ કરે છે એટલે થોડો બીમાર મિત્ર ઘરે આવ્યો તો એણે દવા લીધી કે નહીં, એને બેસવા તકિયો આપ્યો કે નહીં એની ચિંતા દીકરો કરે કે ના કરે મા તો કરે જ. માના હૈયામાં વાત્સલ્યનું ઝરણું પ્રતિપળ વહે છે.
આ ઝરણાની ભીનાશના અમીછાંટણા જેને પણ સ્પર્શે છે એ સદભાગી છે.
ઘરઘરમાં, ચાહે દેશમાં-પરદેશમાં, માતૃત્વના આવા ઘરદીવડાં ઝળહળે છે અને પૂરા પરિવારને અજવાળાં અર્પે છે.

લાઈટહાઉસ
ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે,
પણ મળે ન એક જ મા, કોઈ ઉપાયે, કાગડા
- કવિ કાગ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter