માનવીય અભિગમઃ મેડલ કરતાં મોટી સિદ્ધિ

Wednesday 07th September 2016 07:44 EDT
 
 

‘યોગેશ્વરનું હૃદય ખરેખર સોનાનું છે. તેણે જે પ્રસ્તાવ મૂક્યો છે એ તેની ખેલદિલી અને સંવેદનશીલતા દર્શાવે છે. મને તમારા વર્તન અને સિદ્ધિઓ પર ગર્વ છે.’ આ શબ્દો પોતાના ટ્વિટર પર ટ્વિટ કરનારા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના છે અને તેણે આ વાત લખી છે ભારતીય કુસ્તીબાજ યોગેશ્વર દત્તને ઉદ્દેશીને.

૨ નવેમ્બર, ૧૯૮૨ના રોજ જન્મેલા યોગેશ્વરને બાળપણથી કુસ્તીમાં રસ હતો. પરિવારના પ્રોત્સાહન સાથે એ કારકિર્દીને આગળ વધારતો રહ્યો. તાલીમ મળતી રહી અને એની સામે એ મહેનત પણ કરતો રહ્યો.
મહત્ત્વપૂર્ણ એવી ૨૦૦૬ની એશિયન ગેમ્સમાં પસંદ થયો, પરંતુ અચાનક એના પિતાનું અવસાન થયું. છતાં મન મક્કમ કરીને નવમા દિવસે એ દોહા પહોંચ્યો. ઘૂંટણમાં થયેલી ઈજા એને પીછો છોડતી ન હતી. આમ ઈમોશનલ અને ફિઝિકલ મુશ્કેલીઓ સામે લડીને એ બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યો. ૨૦૧૦માં દિલ્હીમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં એણે ગોલ્ડ મેડલ મેળવ્યો. ભારતે સરકારે ૨૦૧૩માં એને પદ્મશ્રી પુરસ્કાર પણ આપ્યો. ૨૦૧૨ની લંડન ઓલિમ્પિકમાં પરફોર્મ કરવા એ પહોંચ્યો. અહીં એક બીજો ખેલાડી પણ હતો બેસિક કુદુખોવ.
રશિયન રેસલર બેસિક કુદુખોવ મહેનતુ અને પરિશ્રમી હતો અને શાનદાર પ્રદર્શન કરતો હતો. ૧૯૯૫થી એણે રેસલર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો હતો અને વર્લ્ડ ચેમ્પિયન રહેવા ઉપરાંત અનેક એવોર્ડઝ પણ મેળવ્યા હતા.
૨૦૧૨માં બ્રિટનના લંડન શહેરમાં યોજાયેલી સમર ઓલિમ્પિકના સમયે ૬૦ કિલો કેટેગરીમાં કુદુખોવ મેડલસ જીત્યો ત્યારે એના પર અભિનંદનની વર્ષા થઈ હતી. ભારતના રેસલર યોગેશ્વર દત્તે એ સમયે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. છતાં તેણે ભારતનું ગૌરવ વધાર્યું હતું. કારણ કે આ પહેલાં ૧૯૫૨માં કે. ડી. જાધવ અને ૨૦૦૮માં સુશીલ કુમાર પછી તે ત્રીજો રેસલર હતો, જે ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યો હોય.
આ ઘટનાના પછી ચાર વર્ષ પસાર થઈ ગયા. રિયો ઓલિમ્પિક પૂરી થયા બાદ અચાનક કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો અને લેખના આરંભે સચિન તેંડુલકરે કરેલી ટ્વિટ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચી.
થયું હતું એવું કે ૨૦૧૨ની ઓલિમ્પિક આયોજનની ક્ષણોમાં ખેલાડીઓના સ્વાસ્થ્ય અંગેના ડોપીંગ ટેસ્ટ લેવાયા હતા. આ પ્રક્રિયા દરમિયાન રશિયન રેસલર કુદુખોવનો પણ ટેસ્ટ લેવાયો હતો.
એનું રિઝલ્ટ આવ્યું ઓગસ્ટ ૨૦૧૬માં. ડોપીંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો. નિયમો અનુસાર હવે બ્રોન્ઝ જીતનાર ભારતના યોગેશ્વર દત્તને એ એવોર્ડ આપવાની આઈઓસી દ્વારા જાહેરાત થઈ. યોગેશ્વરે સ્વીકારના બદલે કાંઈક નોખી વાત કરી.
વાત એમ બની હતી કે ૨૯ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ સધર્ન રશિયામાં ફેડરલ હાઈવે પર થયેલા એક અકસ્માતમાં કુદુખોવનું મૃત્યુ થયું હતું. યોગેશ્વરે કમિટીને રજૂઆત કરી કે ‘કુદુખોવ જબરદસ્ત પહેલવાન હતો, હવે તે અવસાન પામ્યા છે ત્યારે તે મેડલ મારે નથી જોઈતો, જો થઈ શકે તો આ મેડલ તેમના પરિવાર પાસે જ રહેવા દેવામાં આવે. મારા માટે માનવીય સંવેદના સર્વોપરી છે. ’
આઈઓસી અને WWW હવે નિર્ણય કરશે પરંતુ યોગેશ્વરે મેડલ પર નહીં માનવતા પર પસંદગી ઉતારીને લાખ્ખો ચાહકોના હૃદયમાં એનું સ્થાન અંકિત કરી લીધું છે.

•••

બીજાને પછાડીને પરાસ્ત કરીને જીતવાની સ્પર્ધાના એક ખેલાડી દ્વારા થયેલું એક માનવીય નિવેદન અને વર્તન એનામાં રહેલા એક સાચા ખેલાડીની ખેલદિલીના દર્શન કરાવે છે.
એકબીજાનું આંચકી લેવાની, કોઈના ખભાનો ઉપયોગ કરીને ઊંચાઈ મેળવી લેવાની વૃત્તિ સમાજમાં બધે જ વ્યાપક બનતી હોય તેવા સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે સામેથી આવતો મેડલ - જીત - પ્રસિદ્ધિ ઈનામ આ બધું જતું કરીને માનવતાપૂર્ણ અભિગમ કોઈ દાખવે ત્યારે આનંદ થાય છે. રમતગમતના મેદાનથી બહાર જ્યારે માનવતાના દીવડા પ્રજ્વલિત થાય ત્યારે અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ

સંસ્કૃતિનો જન્મ પોતાને શુભ કરવાથી થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter