માનવ મનની સંવેદનાને અભિવ્યકત કરે છે ચિત્રકલા

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 10th August 2019 06:18 EDT
 

‘આ ચિત્ર પ્રદર્શનની વાત આવી ત્યારે મને થયું કે ખૂબ સારી વાત છે, પણ જસ્મીનનું ચિત્ર પ્રદર્શન આટલું મોડું કેમ યોજાય છે? પણ આનંદ છે આખરે થયું. ભાઈ, જસ્મીને નેચરને અનોખી રીતે એક્રેલીક રંગની મદદથી કેનવાસ પર ઉતાર્યું છે. અહીં ચિત્રો દ્વારા વાસ્તવમાં સાકાર થાય છે ‘જર્ની થ્રુ નેચર’. અમદાવાદસ્થિત, અમદાવાદની ગુફા તરીકે જાણીતા સ્થળે કલાકાર જસ્મિન દવે દ્વારા રચાયેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું ત્યારે પ્રસિદ્ધ અને વરિષ્ઠ ચિત્રકાર શ્રી નટુભાઈ મિસ્ત્રીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. 

ચિત્રકલા માનવ સભ્યતાના આરંભકાળથી જ માનવ સાથે અભિવ્યક્તિના માધ્યમરૂપે જોડાયેલી રહી છે. જેનામાં ચિત્રની સૂઝ હોય, એ વ્યક્તિ કશુંક જુએ, કશુંક એની કલ્પનામાં આવે અને પછી એ રંગ-પીંછી કે અન્ય માધ્યમોથી હસ્તકલા દ્વારા કાગળ-કેનવાસ પર ઉતારે, અને સર્જાય યાદગાર ચિત્રો... જસ્મીન દવેનું મૂળ વતન ભાવનગર. અભ્યાસ અમદાવાદની સી. એન. ફાઈન આર્ટ્સ કોલેજમાં કર્યો. અમદાવાદના અખબારોમાં કામ કર્યું અને પછીથી રાજ્યના માહિતી ખાતામાં આર્ટીસ્ટ તરીકે કામ કર્યું. ભવિષ્યમાં અલગ અલગ થીમ ઉપર આધારિત ચિત્રોની શ્રેણી તૈયાર કરવાનું એનું સ્વપ્ન છે. પત્ની દીપાલી અને દીકરી રૂદ્રીના અનન્ય સપોર્ટ સાથે મારી આ પ્રદર્શન સુધીની યાત્રા થઈ છે એમ કહીને એ રાજ્ય સરકારના એના અધિકારીઓ - મિત્રો - પરિવારજનો અને ચિત્રકાર મિત્રોએ હંમેશા મને પ્રેરણા આપી છે, પ્રોત્સાહિત કર્યો છે એમ ઉમેરે છે.
ચિત્રકલા હોય કે અન્ય કોઈ પણ કલા સ્વરૂપ હોય, એ એના સર્જકને તો આનંદ આપે જ છે, સાથે સાથે એને માણનારને પણ આનંદ આપે છે. અહીં ચિત્ર પ્રદર્શન નિહાળનાર, તસવીરો લેનાર અને અભિવ્યક્તિ આપનાર દરેકના ચહેરા પર આ ચિત્રો નિહાળીને આનંદનો અનુભવ જણાતો હતો એ જ આ પ્રદર્શનની સાર્થકતા હતી.
જસ્મીન દવે એ અહીં રજૂ કરેલા ચિત્રોમાં પંચમહાભૂતને, પ્રકૃતિને, નગરને, માનવ મનને, યોગ, ધ્યાન કે આસનને પોતાની કલા વડે અભિવ્યક્ત કર્યા છે. શરીરના મૂલાધારથી સહસ્ત્રાધાર સુધીની યોગની સાત ચક્રોની યાત્રાને સુંદર રીતે આ ચિત્રોમાં કંડારી છે.
ચિત્રોમાં અભિવ્યક્ત થઈ છે માનવ મનની સંવેદનાઓ, પ્રકૃતિ અને પર્યાવરણના પ્રશ્નોને પામીને એને સાચવવાનો સંદેશ, ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક્તા અને ક્યાંક ક્યાંક અમદાવાદની પોળનું કલ્ચર... આખરે પંચતત્ત્વ અને એમાંથી બનતું શરીર, એનો સમય આવે ફરી એ જ પંચતત્વમાં વિલિન થવાનું છે એ વાત અહીં રંગો અને પીંછીના માધ્યમથી બહુ જ અસરકારક રીતે અભિવ્યક્તિ થતી જોવા મળે છે.
ચિત્રકળા નિહાળવા આવનારા વિવિધ વર્ગના - વિવિધ ઉંમરના લોકોમાં ચિત્રકળાની સાહજિક અને સીધીસાદી સમજ હતી અને પરિણામે વિશેષ આનંદદાયી બની રહેતી હતી જર્ની થ્રુ નેચર ચિત્રોની યાત્રા. જસ્મીન દવેને વર્ષ ૨૦૧૭માં રાજ્ય સરકારની લલિતકલા એકેડમીનો એવોર્ડ પણ મળ્યો છે અને ગુજરાત કલા પ્રતિષ્ઠા દ્વારા તેમનું સન્માન પણ કરાયું છે.
માણસની અંદર પડેલી કોઈ પણ કલા પ્રતિભા યોગ્ય સમયે બહાર આવે જ છે અને એ રોજિંદા કાર્યોમાંથી સમય કાઢીને કાંઈક વિશેષ, કાંઈક અનોખું, કાંઈક એવું સર્જન કે આયોજન કરવા પ્રેરાય છે જે એના માટે વિશેષ સ્મરણીય બની રહે છે. માહિતી ખાતાની સેવાઓમાં અવિરત કાર્યરત રહેનાર જસ્મીને પણ આખરે આવો સમય શોધ્યો. માત્ર ૨૨ દિવસના સમયમાં દિવસ-રાત એક કરીને અર્જુનની આંખની જેમ, એકલક્ષિતા સાથે ચિત્રો દોર્યા... અંતે એના ચિત્રોનું પ્રથમ સોલો ચિત્ર પ્રદર્શન યોજાયું. ગુણીજનોના આશીર્વાદ મળ્યા. પરિવાર અને સ્વજનોનો પ્રેમ મળ્યો અને જાણીતા-અજાણ્યા કલાચાહકોએ આવીને એની ચિત્રકલા બિરદાવી.
જસ્મીન કહે છે કે, ‘મારા ચિત્રો દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃત થવાનો સંદેશ પણ આપ્યો છે.’ આવી રીતે જ્યારે જ્યારે કલાના સ્વરૂપો નિહાળવાનો અવસર મળે ત્યારે કલાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter