રાષ્ટ્રભાવના અને સેવાભાવનાનો સુભગ સમન્વય

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 23rd November 2021 05:36 EST
 

‘એક દીવો જવાનોના ત્યાગ, પરાક્રમ અને વીરતાના નામે પ્રગટાવીએ’ રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સૈનિકો સાથે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં દીપોત્સવ પર્વ ઊજવ્યું ત્યારે કહ્યું હતું. પ્રત્યેક ભારતીયના હૃદયમાં દેશની રક્ષા સરહદ પર કરી રહેલા અને આંતરિક સુરક્ષા કરી રહેલા જવાનો માટે અનહદ આદર અને વંદનનો ભાવ શ્વસે છે. ગુજરાતની સરહદો પર ફરજ બજાવતા જવાનો પણ બારે મહિના પ્રાકૃતિક અને ઋતુગત વિષમતાઓ સહન કરીને ખડેપગે દેશની સુરક્ષા માટે સમર્પિત રહે છે. આવા સૈનિકો અને જવાનો માટે અમદાવાદના એક તબીબ અને તેમના ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી સેવા ભાવનાની આછેરી ઝલક મેળવીએ.

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આવેલી શિવમ હોસ્પિટલ ચલાવતાં ડો. પ્રકાશ કુરમિ વ્યવસાયે તબીબ છે, એમના દિલમાં એમની હોસ્પિટલમાં આવતા દર્દીઓના સ્વાસ્થ્યની ચિંતા તો છે જ, સાથે સાથે ભારત દેશની સરહદો પર ફરજ બજાવીને દેશના હિતની ચિંતા કરતા જવાનોના સ્વાસ્થ્યની સુરક્ષાની ભાવના પણ છે.
કિશોરાવસ્થાથી એમના હૃદયમાં રાષ્ટ્રપ્રેમના અને દેશ માટે વ્યક્તિગત રૂપે પોતાના કાર્યક્ષેત્ર અને આવડત દ્વારા જે થઈ શકે તે કરવાના સંસ્કારોનું ઘડતર થયું હતું. છેલ્લા થોડા વર્ષોથી તેઓએ રાષ્ટ્રભાવનાથી પ્રેરિત થઈને એક નૂતન વિચારને અમલમાં મૂક્યો છે અને તે છે સરહદ પર ફરજ બજાવતા જવાનોની સેવા કરીને સ્વયં રાજી થવાનો વિચાર. તેઓ મોટાભાગે વીકએન્ડના દિવસોમાં પોતાનું વાહન લઈને ચેકપોસ્ટ પર જાય છે અને ત્યાં જઈ જવાનોનું હેલ્થ ચેકઅપ કરે છે. સાથે ટુ-ડી ઈકો, સોનોગ્રાફી મશીન પણ લઈ જાય છે જેથી જરૂર પડે સ્થળ પર જ ટેસ્ટ થઈ શકે. તેમના નિદાનના આધારે બીજા સપ્તાહે તેને જરૂરી દવાઓ અપાય છે. ડો. કુરમિ સાથે સેવાભાવી તબીબોની ટીમ જોડાય છે અને સહુ દેશની સુરક્ષા કરી રહેલા જવાનો માટે પોતાની ક્ષમતા અનુસાર કંઈક સેવા કર્યાનો આનંદ અનુભવે છે. અત્યાર સુધીમાં આ ટ્રસ્ટ દ્વારા દસ હજારથી વધુ જવાનોનું હેલ્થ ચેકઅપ કરાયું છે. બીએસએફના કમાન્ડન્ટ શ્રી મનીષ રંજન કહે છે કે, ‘છેક અમદાવાદથી અહીં નિયમિતરૂપે આવીને આવી સેવા પ્રવૃત્તિ કરતા તબીબોની કામગીરી અભિનંદનીય છે.’
‘અમે સરહદની ચેકપોસ્ટ પર આરોગ્ય કેમ્પની સાથે વૃક્ષારોપણ કરવા અને સરહદ પર મુખ્ય પોસ્ટ પછીની પોસ્ટ પર સોલાર પેનલ મૂકવાનું કામ પણ શરૂ કર્યું છે.’ ડો. પ્રકાશ કુરમિ કહે છે.
ગુજરાત સરહદ પરની એક બટાલિયનના કેપ્ટન શ્રી સુજિતકુમાર કહે છે કે, ‘દર શનિ-રવિ જુદી જુદી સરહદો પર જઈને જવાનોના સ્વાસ્થ્યની સંભાળ લે છે તે પ્રશંસનીય કાર્ય છે.’ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ ૨૦૦૭થી આરોગ્ય-શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં કાર્ય કરે છે. ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તથા દર્દીઓને એમનું સન્માન સચવાય એ રીતે મદદ કરાય છે. અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં આ ટ્રસ્ટની સેવા પ્રવૃતિનો વ્યાપ છે. નિયમિતરૂપે કોઈને કોઈ આયોજનો થતા રહે છે અને સમાજે જે આપ્યું છે એનું ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ થતો રહે છે. આપણી સંસ્કૃતિમાં આવકના દસ ટકા રકમ સમાજસેવામાં વાપરવા માટે પ્રેરણા આપવામાં આવી છે. ડો. કુરમિના પિતાશ્રીએ એમને કમાણીના દસ ટકા રકમ સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવા કહ્યું હતું. અને આજે તેઓ આ વાતને આશીર્વાદરૂપે અનુસારીને એમના ટ્રસ્ટ દ્વારા સેવાકીય આયોજનોમાં એમનો પરિવાર, તબીબ મિત્રો અને સમાજના જુદા જુદા વર્ગના લોકોનો ઉમળકાપૂર્ણ સાથ અને સહયોગ પ્રાપ્ત થતો રહે છે.
એક તબીબ પોતાના વ્યવસાયમાં તો સતત પ્રવૃત્ત રહે જ છે, પરંતુ સાથે સાથે રાષ્ટ્રભાવના અને સેવાભાવનાથી પ્રેરાઈને નિજાનંદ માટે જ્યારે સાતત્યપૂર્ણ રીતે જોડાય છે ત્યારે સેવા પરમો ધર્મઃ અને રાષ્ટ્ર દેવો ભવઃ સૂત્રના ચરિતાર્થ થવાનો આનંદ અનુભવાય છે અને રાષ્ટ્રપ્રેમના-સેવા કાર્યોના દીવડાં પ્રગટે છે. આપણે પણ જ્યાં કાર્ય કરીએ છીએ ત્યાં એ કાર્યક્ષેત્રમાં રહીને આવા કાર્યોમાં તેલ પૂરવાનું કર્મ કરતા રહીએ, અંતરમાં અજવાળાં પાથરતાં રહીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter