લોકતંત્રનું મહાપર્વ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 15th April 2019 07:09 EDT
 

‘અમે અત્યાર સુધી તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને હજી પણ કરીશું...’
‘અમારે યુવાનોને કહેવું છે કે બીજા બધા કામ પડતા મૂકજો પણ મતદાન તો કરજો જ...’
‘લોકતંત્રને મજબૂત કરવું હશે તો મતદાન કરવું જ પડશે...’ આ અને આવા વાક્યો જુસ્સાભેર બોલનારા મતદારોની ઊંમર એકસો વર્ષથી વધુની છે. ભાનુબહેન સોમગીરી, નટવરલાલ પાઠક, મશરૂકફન અન્સારી, કુંવરબેન મકવાણા, લીલાબહેન પટેલ, જશોદાબહેન ત્રિવેદી, રામદાસ જઠાર જેવા શતાયુ મતદારો એક જ સ્થળે એકત્રિત થયા હતા. અવસર હતો અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીના ઉપક્રમે યોજાયેલા શતાયુ મતદાર સન્માન સમારોહનો.
લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી એ મહાપર્વ છે, એક અર્થમાં જાગૃતિનું પર્વ છે. મતદાન એ પવિત્ર ફરજ છે એવી ભાવના લોકોમાં જાગે અને લોકો મતદાન કરે એ દિશામાં એમને જાગૃત કરવાની દિશામાં આ પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સૌથી વધુ વયના મતદારો પણ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ઉત્સાહિત છે ત્યારે એમને સન્માનવાનો આ પ્રસંગ હતો.
આ ચૂંટણી સંદર્ભે અમદાવાદ જિલ્લા મતદાર યાદીમાં આયખાની સદીએ પહોંચેલા અને તેથી વધુ વયના ૭૧૯ વડીલ મતદારો નોંધાયા છે. કાર્યક્રમમાં શતાયુ મતદારોનું જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે તથા અન્ય મહાનુભવોના હસ્તે સન્માન કરાયું હતું. આ મતદારો યુવા મતદારો માટે પ્રેરણારૂપ હોઈ તેમના સન્માન થકી લોકશાહીના પર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે પહેલ કરાઇ છે. શતાયુ મતદારોએ પણ મતદાનને પોતાની પહેલી ફરજ ગણાવીને દરેક લોકોએ તમામ કામકાજો બાજુ પર મૂકીને પણ મતદાન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
યુવા મતદારો જેઓ ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરવાના છે તેમના માટે શતાયુ મતદારો પ્રેરણારૂપ બની રહ્યા છે એવો ભાવ આ પ્રસંગે ઉપસ્થિત સહુની વાતોમાં ઝલકતો હતો. આટલી ઊંમરે એક સારા કામમાં જોડાવાનો અને મતદાન માટે પ્રતિબદ્ધ હોવાનો ભાવ એનો આનંદ પ્રત્યેક શતાયુ મતદારોએ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. અહીં ઉપસ્થિત શતાયુ મતદારોના ચહેરા પર ગૌરવ છલકાતું હતું. આ પ્રકારે તેમના સન્માનનો કાર્યક્રમ ગોઠવાયો એનો આનંદ પણ તેમના ચહેરા ઉપર હતો.
આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે અન્ય કાર્યક્રમોમાં પ્રસારણ માધ્યમો પણ એક મહત્ત્વપૂર્ણ સેવા તરીકે આ અભિયાનમાં જોડાયા હતા. રેડિયો સિટી અમદાવાદ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે ઓનલાઈન વોટર રજીસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭૫૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરીને વિક્રમ નોંધાવ્યો હતો. તો અમદાવાદ શહેર તથા ગ્રામ્યની ૧૧૦૦થી વધુ શાળાઓમાં મતદાન જાગૃતિરંગોળી સ્પર્ધા યોજાઇ હતી. વકતૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, મહિલા સંમેલનો, યુવાનોના કાર્યક્રમ, મેરેથોન દોડ, પાંચ લાખ વાહનો પર મતદાર જાગૃતિ અંગેના સ્ટીકર લગાવવા સહિતના કાર્યક્રમો થકી મતદાન માટેની જાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો કરાયા હતા. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ મતદારોનો પણ વિશેષ ઉત્સાહ જોવા મળે છે. અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ તો ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. એમાં માટે ૪૫૦ વ્હીલચેર અને ૧૦૯૨ સહાયકો ઉપલબ્ધ કરાયા છે.
કાર્યક્રમના અંતે નિર્ભયતાપૂર્વક, પ્રલોભનથી પ્રભાવિત થયા વિના મતદાન કરવાનો સંકલ્પ ઉપસ્થિત સહુએ લીધો હતો. શતાયુ મતદારો પરિવારના દાદા-દાદી હોય એ રીતે એમની કાળજી અને સંભાળ, આદરપૂર્વક સમગ્ર કાર્યક્રમમાં અધિકારીઓએ લીધી હતી. એમને અહીં સુધી લઈને આવનાર એમમના પરિવારજનોને પણ અભિનંદન અપાયા હતા.
લોકશાહી શાસન વ્યવસ્થામાં એક એક વ્યક્તિનું એક એક મતનું મૂલ્ય છે અને એ વાતની જાગૃતિ ફેલાવવામાં આવા શતાયુ ઉમેદવારો જોડાય, એમના કાર્યને બિરદાવવામાં આવે ત્યારે સ્વભાવિક જ સામાજિક દાયિત્વના કર્મનિષ્ઠાના દીવડા પ્રગટે છે ને અજવાળા રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter