શબ્દ બરાબર ધન નહીં, જો કોઈ જાનૈ બોલ...

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 16th March 2020 12:46 EDT
 

‘હવે કોરોના ઈફેક્ટને કારણે કોલેજ બંધ છે તો ઘરમાં રહેલા અને બાકીના ઓનલાઈન મળી રહેલાં પુસ્તકો વાંચું છું.’ દીકરીએ ડેડીને કહ્યું અને પછી બંને સાથે મળીને ૨૧ માર્ચે ઊજવાનાર વિશ્વ કવિતા દિવસ તથા કાવ્યો અને તેના દ્વારા ચિત્તને-મનને પ્રાપ્ત થતી સંવેદનાઓની વાતોમાં વળગ્યા.

કાવ્યો આપોઆપ પણ રચાય છે અને પ્રયત્નપૂર્વક - પ્રસંગ આધારિત પણ લખાય છે. સરવાળે તેમાં શબ્દોમાં સમાયેલ ભાવની અભિવ્યક્તિ ભાવક - વાચક સુધી પહોંચે એ જરૂરી છે.
World Poetry Day (વિશ્વ કવિતા દિન)ની ઉજવણીનો આરંભ યુનેસ્કો દ્વારા ૧૯૯૯થી થયો. ભારતમાં કાવ્યસર્જનના ઈતિહાસ સાથે ભરત મુનીનું નામ જોડાયેલું છે. કાવ્યના અનેક પ્રકારો છે, પરંતુ આખરે બધામાં સત્યમ્ - શીવમ્ - સુંદરમ્ સમાયેલા છે. સંસ્કૃત કાવ્યોથી લઈને ભારતની વિવિધ ભાષાઓમાં અને આપણી ગુજરાતી ભાષામાં માનવ મનની સંવેદનાઓને સ્પર્શતી કવિતાઓ શબ્દોમાં વ્યક્ત થઈ છે.
અજ્ઞાનના અંધકારને, પોતાના અધ્યાત્મ જ્ઞાન વડે પ્રકાશથી ભરી દેનારા સંત કબીરે એમની કલમ થકી અનેક વાર શબ્દનું મહિમાગાન કર્યું છે. શબ્દ જીવનની અનમોલ સંપદા છે અને શબ્દ જ વ્યવહારનું મહત્ત્વનું સાધન છે ત્યારે કબીર સાહેબ લખે છેઃ
‘શબ્દ સમ્હારે બોલીયે, શબ્દ કે હાથ ન પાંવ,
એક શબ્દ ઔષધી કરે, એક શબ્દ કરે ઘાવ.’
જગતમાં જેઓ મીઠું બોલે છે, શીતળતા આપનારું બોલે છે એ જ સારા લાગે છે એ વાતની પ્રતિતી પ્રતિકો દ્વારા કરાવતા કબીર સાહેબ કહે છે,
‘કાગા કાકો ઘન હરૈ, કોયલ કાકો દે,
મીઠા શબદ સુનાય કે, જગ અપનો કરી લેત.’
અન્ય એક દોહરામાં શબ્દના અણમોલપણાને વ્યક્ત કરતાં કબીર લખે છે,
‘શબ્દ બરાબર ધન નહીં, જો કોઈ જાનૈ બોલ,
હીરા તો દામો મીલે, શબ્દ હી મોલ ન તોલ.’
તો રહીમ સાહેબ શબ્દનું જ મહત્ત્વ સ્થાપિત કરતાં કહે છેઃ
‘ઐસી બાની બોલીયે, મન કા આપા ખોય,
ઔરન કો શીતલ કરે, આપહુ શીતલ હોય.’
શબ્દ - કવિતા - કવિકર્મ વિશે ગુજરાતી ભાષામાં સુદીર્ઘ ખેડાણ થયું છે. મનોજ ખંડેરિયા શબ્દનું મહત્ત્વ દર્શાવતા કહે છે કે ‘મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’ કવિ સુરેશ દલાલ પ્રકૃતિ સાથે શબ્દ જોડીને કહે છેઃ ‘વૃક્ષ, પહાડ ને ફૂલ, શશી ને તારા થઈને, અંધકારમાં શબ્દો ઊગ્યા મારા થઈને.’
શબ્દો પણ ગમા-અણગમા સાથે આવે છે. કવિ મકરંદ દવે લખે છેઃ
‘કોઈ શબદ આવે આ રમતો રે,
કોઈ શબદ આવે મનગમતો...’
કવિતા - કવિનું કાર્ય અને જીવનના વ્યવહારો, વિપીન પરીખે અદભૂત વાત લખી છે, એક કવિતાના પુરસ્કારના જો પાંચ રૂપિયા આપવામાં આવે તો, કવિએ મહિનાની કેટલી કવિતા લખવી જોઈએ જેથી એ પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે?

•••

માનવ મન, શરીરનું એ અવયવ છે જ્યાં લાગણીઓ અનુભવાય છે. આંખ જે જુએ, મન જે અનુભવે, હૃદય જે વિચારે એને અનુરૂપ પ્રગટતી લાગણીઓને કવિના શબ્દો દ્વારા અભિવ્યક્તિ મળે ત્યારે તે કવિતા કહેવાય છે. કવિતા શું છે એ સમજવું એકેડેમીક વિષય છે અને કવિતાના શબ્દ વાંચીને જ્યાં હોઈએ એના બદલે કોઈ બીજા મનોવિશ્વમાં ભાવક તરીકે પહોંચી જવું એ બીજી વાત છે. કાવ્યો અને તેના વિવિધ પ્રકારો આપણને હંમેશા પ્રેરણા આપે છે - સમજણ આપે છે - અને આવું જ્યારે જ્યારે જ્યાં જ્યાં અનુભવાય ત્યારે ત્યારે ત્યાં ત્યાં શબ્દોના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter