સંગીત એટલે પરમાત્મા સાથેનું સીધું જોડાણ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 20th June 2022 05:47 EDT
 

‘આ જુઓને આખોયે દિવસ કાનમાં ઈયરફોન ભરાવીને કાં તો વીડિયો જોતો હોય અથવા તો ગીતો સાંભળતો હોય, આપણે કાંઈ કહીએ તો સાંભળે જ નહીં..!’ એક માતાએ એના દીકરા માટેની એક લાગણી થોડા ગુસ્સા સાથે રજૂ કરી ત્યારે દીકરો તો કાંઈ ના બોલ્યો પરંતુ એ મહિલાના પતિએ તરત ઉમેર્યું, ‘હવે આ બાબતે તું કાંઈ વધુ બોલે એટલે સારું નહીં લાગે કારણ કે ઘર-પરિવારમાં જ્યારે જ્યારે તારે કોઈ સાથે વિચારભેદ થાય છે, તારી વાત ખોટી હોય અને કોઈ માને નહીં તો તું સવારે સાત વાગ્યે ભજનના બદલે ગઝલ ને રાત્રે શાંતિપૂર્ણ સંગીતના બદલે દુનિયાભરની ટીવી સીરીયલો ઘર આખાને સંભળાય એમ જુએ જ છે ને..!!

આ સંવાદમાં આમ તો એક પરિવારની વાત છે, જે મોટા ભાગે દરેક પરિવારમાં કોઈને કોઈ સમયે બનતું જ હોય છે, પરંતુ આપણે એ સમયની દલીલબાજીમાં રહેલા દંશને કે સાચને નથી પામતા. આપણે અહીં વાત કરવી છે એ ઘટનાની બે દલીલોમાં રહેલા સંગીતની. હા, આપણા રોજીંદા જીવનમાં અનુભવ છે કે માણસ ખૂબ રાજી થાય અને ગુસ્સો કરે, આ બંને સ્થિતિમાં અનાયાસ એ સંગીતના શરણ જાય છે અને ત્યારે એનું મન કદાચ રાજી થાય છે અથવા થોડી શાંતિ અનુભવે છે.
સંગીત હૈ શક્તિ ઈશ્વર કી,
હર સૂર મેં બસે હૈ રામ
રાગી જો સુનાએ રાગીની
મીલે રોગી કો આરામ...
આ પંક્તિનો ભાવ હવે તો મેડિકલ સાયન્સે પણ સ્વીકાર્યો છે. સંગીતને અનેક રોગોની સારવાર પદ્ધતિ તરીકે બહુ બધા લોકો સ્વીકારે છે. સંગીતના શ્રવણ થકી મન માત્ર શાંત જ થાય છે, પીડા હળવી થાય છે એવું જ નથી. સંગીતના શ્રવણથી કે ગાયનથી માણસ પ્રેમથી - પ્રાર્થનાથી અને પ્રસન્નતાથી સભર પણ થાય છે. સંગીતના શ્રવણ-ગાયન સાથે જેમનો સંબંધ છે એવા કલાકારો-શ્રોતાઓ હંમેશા સંગીત દ્વારા કંઈક એવું પામે છે જે એમના ચિત્તને આહલાદક અનુભૂતિ આપે છે. સંગીતના શ્રવણથી વિચારો શાંત થાય છે, વિચારો શુદ્ધ થાય છે, ખોટું આચરણ કરવાથી માણસ અટકી જાય છે. સંગીતનો પ્રેમી હશે તે માણસ બહુ જોરથી કે ઊંચા સાદે નહીં બોલતો હોય એના સ્વરમાં મૃદુતા હશે - ઋજુતા હશે અને સહજતા હશે. સંગીત માણસને બાહ્ય અને ભીતર એમ બંને પ્રકારે સભરતા આપે છે અને એ સભરતા એના વ્યક્તિત્વમાં આપોઆપ અભિવ્યક્ત થાય છે.
જાણીતા ગાયક અને સ્વરકાર પ્રહર વોરા સંગીત સાથેનો અનુબંધ વર્ણવતા કહે છે, ‘સંગીત એટલે પરમાત્મા સાથેનું જોડાણ, હું ગાતો હોઉં કે કંપોઝ કરતો હોઉં ત્યારે એ જોડાણ અનુભવું છું. સંગીત સાથે મારો અનુભવ એક સંગીત છે. એટલે જ મારું અસ્તિત્વ છે.’
આમ જુઓ તો સંગીતના સાત સ્વર છે એમાંથી સંગીત નિષ્પન્ન થાય છે. સંગીતના સાત સ્વરોથી સર્જાય છે સંગીતનું વિશ્વ. સૂરમાં શબ્દ ભમે છે અને સર્જાય છે ગીત. ગીતમાં ઝીલાય છે, માનવ મનની જુદી જુદી લાગણીઓ. સંગીત દ્વારા જ અભિવ્યક્ત થાય છે માનવ સ્વભાવના સદગુણો અને નવરસ. ગીત-સંગીત દ્વારા એક વાતાવરણ ઊભું થાય છે જે પ્રસંગને અનુરૂપ અનોખું વાતાવરણ ઊભું કરે છે.
પ્રકૃતિમાંથી પણ આપણને સતત સંગીત સાંભળવા મળે છે, જો આપણી સજ્જતા હોય તો સવારના પહોરમાં પંખીઓના કલરવમાં અને પશુઓના કે પ્રાણીઓના અવાજમાં પણ સંગીત છે. નદી, તળાવ કે ઝરણાના વહેતા જળમાં સંગીત છે અને હવાના સ્પર્શથી ડોલી ઊઠતા પાંદડાઓ પણ એક અદભૂત રવ ઊભો કરે છે. પ્રકૃતિમાં અત્ર-તત્ર-સંગીત પથરાયેલું છે એ પ્રસારિત થતું રહે છે અને એની સાથે જેમની જેમની ફ્રિક્વન્સી મળે છે. એમના સુધી આ સંગીત પ્રસરતું રહે છે.
સંગીત મારા-તમારા શ્વાસની આવનજાવનના ધબકારમાં પણ છે અને સંગીત આપણા દ્વારા થતા અનેક કાર્યોની ગતિમાં પણ છે. સંગીત નાના બાળકના રૂદનમાં પણ છે અને સંગીત રાજી થઈને નાચી ઊઠતા માણસના નૃત્યમાં પણ છે. સ્વજનને અપાતા મીઠા આવકારમાં પણ સંગીત છે અને એના વિરહમાં ગવાતા ગીતમાં પણ છે.
સંગીત આપણને ગમે છે કારણ કે આખરે આપણા ચિત્તને એ સહજ અવસ્થામાં લાવે છે. બની શકે તો 24 કલાકમાં 24 મિનિટ પણ સંગીત સાંભળતા રહીએ તો આપણી આસપાસ સૂરોના અજવાળાં રેલાશે અને આપણને એના અજવાળે અજવાળે આગળ વધીશું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter