સંભવ છે કે તમને કે મને આપણા કલ્પનાચિત્ર પ્રમાણેના કૃષ્ણ ના મળે, પણ...

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 26th August 2019 08:08 EDT
 

‘અરે યાર, જુઓને રોજ સવાર પડે ને જીવનમાં એક નવો પ્રશ્ન આવીને ઊભો રહે છે. સાલું... આખી જિંદગી સંઘર્ષ જ કરવાનો?’ સામાન્ય વાતચીતમાં એક પારિવારિક મિત્રને ઉદાસ બેઠેલો જોયો અને ‘કેમ ઉદાસ છો?’ આટલું પૂછતાં જ એનો આ ઉત્તર હતો.
થોડાક દિવસો પહેલાં મિત્રોની વાતચીતમાં કોઈ બોલ્યું... ‘હવે લાગણીની વાત ના કરશો, સ્વાર્થ સિવાય કોઈ સંબંધો જ નથી. સાચ્ચું કહું... મને મારા પરિવારજનો ને આસપાસના માણસો પણ સમજ્યા નથી.’ એમણે વળી પોતાનો અનુભવ કહ્યો.
ત્રીજા એક કિસ્સામાં વર્ષોથી ધર્મ-ધ્યાન કરનાર માણસે જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન કહ્યું કે ‘આ કૃષ્ણનો જન્મ દર વરસે ઊજવાય છે, પણ મને તો ક્યાંય કૃષ્ણપણું દેખાતું નથી. ક્યાંય મને કૃષ્ણ શોધ્યો યે મળતો નથી.’
આવા અનેક સંવાદો આપણી આસપાસ થતા રહે છે, ક્યારેક આપણે પણ એનો એક ભાગ હોઈએ છીએ.
આ અંગે વિચારતાં વિચારતાં એક પાત્ર ધ્યાનમાં આવ્યું. જેના વિશે હમણાં જન્માષ્ટમી પર્વના વિવિધ કાર્યક્રમો-રેકોર્ડિંગ ને પ્રવચનો સંદર્ભે વાંચવા કે સાંભળવાનું થયું અને એ પાત્ર, એ વ્યક્તિત્વ એટલે સત્-ચિત્ આનંદ સ્વરૂપ જગતગુરુ શ્રીકૃષ્ણ.
કંસના કારાગારમાં એનો જન્મ થાય છે ત્યારે ઋષિઓ અને દેવતાઓ એની સ્તુતિ કરે છે જેમાં ક્યાંય કૃષ્ણ શબ્દ નથી, પરંતુ સત્ય શબ્દ નવ વાર વપરાયો છે. સંતો એવું અર્થઘટન કરે છે કે દેવતાઓ પણ સ્વીકારે છે કે કૃષ્ણ સત્ય સ્વરૂપ છે અને તે ત્રણેય કાળમાં વ્યાપ્ત છે. એટલે આજે પણ જ્યાં જ્યાં સત્ય દેખાય કે અનુભવાય ત્યાં ત્યાં કૃષ્ણ છે જ એ વાતની પ્રતિતી જેમને કૃષ્ણપ્રિય હોય એમને થવી જોઈએ.
કૃષ્ણ અવતારી પુરુષરૂપે પૃથ્વી પર અધર્મનો નાશ કરવા અવતર્યા, પણ એમણે માનવ તરીકે સાવ સાહજિક રીતે માનવલીલા કરી છે એટલે આ આપણા જેવા જ લાગે છે. કૃષ્ણનું બીજું નામ સંઘર્ષ રહ્યું. એટલે એના જીવનમાં જન્મથી નિર્વાણ સુધી ડગલે ને પગલે સંઘર્ષ રહ્યો છે. મારા ને તમારા જીવનમાં આવતા સુખ-દુઃખ, લાગણીના ઝંઝાવાત ને આઘાત, ઉતાર-ચઢાવ બધેબધું જીવ્યા છે કૃષ્ણ... ને આખરે સાહજિકપણે એનો સ્વીકાર કરીને એમાંથી જ માર્ગ શોધ્યો છે અથવા સહન કર્યું છે. ધર્મની - સત્યની - ન્યાયની રક્ષા માટે સતત લડતા રહ્યા છે કૃષ્ણ.
કૃષ્ણના જીવન વિશે લખાયેલા અઢળક પુસ્તકોમાંનું એક હરિન્દ્ર દવે લિખિત ‘આનંદપુરુષ શ્રીકૃષ્ણ’ ફરી ફરીને વાંચવા જેવું છે. આ પુસ્તકમાં તેઓ નોંધે છે કે કૃષ્ણને કોઈ જીવનમાં સમજી શક્યું નથી. બલરામ પણ અસંમત હોય ત્યારે સાથે નથી રહ્યા. સૌથી નજીક ગણાતો અર્જુન પણ નહિ ને પાંડવો પણ નહિ. યાદવો પણ નથી સમજ્યા. ભીષ્મ અને દ્રૌણ પણ સ્પષ્ટ નથી ને કૃષ્ણને પામી શકવામાં અષ્ટ પટરાણી પણ પૂર્ણરૂપે સમજ્યા નથી. કૃષ્ણને કોઈ સમજી શક્યું હોય તો તે છે દ્રૌપદી... દ્રૌપદી દુર્યોધનની ધૃતસભામાં પોતાની ઓળખ વાસુદેવસ્ય્ ચ સખીરૂપે આપે છે.
આમ પરમ તત્વને - કૃષ્ણને પણ માનવરૂપે કોઈ સમજી શક્યા નથી, નજીકના લોકો તો આપણને કદાચ ન પણ સમજે, આપણી નજીકના લોકો... એ જેમ સમજે છે એમ સ્વીકારીએ તો ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી જાય.
મહાભારતનું યુદ્ધ જીત્યા પછી અર્જુનના રથ ઉપરથી કૃષ્ણ ઉતરે છે ને રથ સળગે છે. આ દૃશ્ય પણ સુચક છે, ને સંતો એક અર્થઘટન એવું કરે છે કે જ્યાં સુધી કૃષ્ણ રથ પર છે ત્યાં સુધી જ રથ સલામત છે. અર્થાત્ આપણા જીવનરથના સારથી કૃષ્ણને બનાવ્યા હોય તો ત્યાં સુધી જ રથ સલામત છે.
જન્માષ્ટમીનું પર્વ બહુ પ્રતીકાત્મક રીતે મૂલવવા જેવું છે. અનેક સંદેશ આપણને આજના સમયમાં પણ એના જીવનમાંથી પ્રાપ્ત થાય છે.
મને અને તમને કૃષ્ણની જેવી કલ્પના છે, જેવી મૂર્તિ કે ચિત્રો છે, એવા કૃષ્ણ કદાચ ના પણ મળે, પરંતુ કૃષ્ણતત્વ જેમાં સમાયેલું છે એવા મૈત્રીસભર મિત્ર મળે, એના પ્રેમથી સભર પ્રિયજન મળે, એના સ્નેહથી સભર સ્વજન મળે, એના જેવો સત્યના માટે લડનારો મળે, એના જેવો આનંદપુરુષ મળે, એના જેવો પોતાના દુઃખોને પોઢાડીને પ્રસન્ન રહેનારો ને પ્રસન્ન કરનારો કોઈ મળે તો માની લેજો કે આપણને આપણો કૃષ્ણ મળી ગયો છે. આવો કૃષ્ણ આપણી આસપાસ જ હશે... અને આપણે પણ આવું કૃષ્ણતત્વ પ્રગટાવીએ તો આસપાસ ને અંતરમનમાં કૃષ્ણ કૃષ્ણના અજવાળા જ અજવાળાં રેલાતા હશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter