સમજણ સાથે જોડાયેલી રાષ્ટ્રભાવના

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 04th August 2018 08:48 EDT
 

‘અરે, બોસ, આજે તો મજા પડી ગઈ’

‘કેમ શું થયું?’

‘અરે, આઠ વર્ષમાં અમદાવાદમાં આટલા ખુલ્લા રસ્તાઓ, અડચણ વિના ચાલતો વાહન વ્યવહાર પહેલીવાર જોયો... સેલ્યુટ.

•••

‘જોજે હોં બેટા, હવે ક્યાંયે ચાર રસ્તા પર સ્કુટર પાર્ક નહિ કરતા, વાહન ટો થઈ જશેને દંડ ભરવો પડશે.

•••

‘હવે આ બધું થોડા દા’ડા ભઈ, ફરી પાછું એનું એ જ થઈ જશે. જ્યાંને ત્યાં વાહનો વાહનો જોવા મળશે. જોજો...’ તો મિત્રએ કહ્યું, ‘બકા, ત્યારની વાત ત્યારે, અત્યારે ઘરમાંથી પહેલા હેલ્મેટ લઈને પહેર, પછી સ્કુટર ચલાવ..’

આ અને આ પ્રકારના અનેક સંવાદો અત્યાર અમદાવાદના ઘરઘરમાં ચર્ચાઈ રહ્યા છે. જે કાંઈ થઈ રહ્યું છે એને લોકો આવકારી રહ્યા છે. પ્રશ્નો ઊભા થશે અને સાચી મુશ્કેલી હશે તો એના પણ રસ્તા નીકળશે એવો ભરોસો લોકોને તંત્ર ઉપર છે.

વાત છે અમદાવાદ મહાનગરમાં છેલ્લા દસ-પંદર દિવસથી થઈ રહેલા ટ્રાફિક નિયમનની. બન્યું એવું કે કોઈ એક તબક્કે હાઈ કોર્ટે પોલીસ તંત્રને અને અમદાવાદ મ્યુનિસીપલ તંત્રને ટ્રાફિક નિયમન યોગ્ય રીતે ન થવા બદલ જરૂરી સૂચના આપી અને શહેરનો ટ્રાફિક યોગ્ય રીતે નિયમન થાય તે દિશામાં તાત્કાલિક પગલાં ભરવા માટે કહ્યું.

તે દિ’ની ઘડીને આજનો દિ’... અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં સૌથી વધુ ટ્રાફિક જામ સર્જાય છે ત્યાં ત્યાં પોલીસ તંત્રે એક અભિયાનરૂપે કામગીરી શરૂ કરી. ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાને એમ ન કરવા સમજાવ્યા, એમને દંડ પણ કર્યો. ટ્રાફિક પોલીસે વધુને વધુ સઘન આયોજનો કર્યા. સ્ટાફને વિશેષ કામગીરી સોંપવામાં આવી. શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમનના પાઠ શીખવવામાં આવ્યા, હોસ્પિટલ્સ, મોલ વગેરેના જનરલ પાર્કિંગ ખુલ્લા કરાયા, વિનામૂલ્યે કરાયા. ખાણીપીણીના સ્ટોલધારકોને પણ માર્ગદર્શન અપાયું કે તમારા ગ્રાહકોને પહેલા કહો કે એ વાહન વ્યવસ્થિત પાર્ક કરે... પરિણામે ૨૫૦ ગ્રામ દાળવડા લેવા જનારને પણ અનુભવ થયો કે ‘પહેલાં સામે યોગ્ય જગ્યાએ ગાડી પાર્ક કરીને આવો તો જ દાળવડા આપું, નહીંતર નહીં’ એમ દુકાનદારે કહ્યું. આમ પોલીસ અને મહાનગરપાલિકાના સક્રિય પ્રયાસોથી ટ્રાફિક જામ અટક્યો, રસ્તા ખુલ્લા થયા વાહનો માટે. નગર નિયોજન માટે અનિવાર્ય અને સહુને સ્પર્શે એવું ટ્રાફિક નિયમન થતા હાલ તુરત તો લોકોને હૈયે હાશનો અનુભવ થયો છે.

•••

ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરામાં ધર્મ શબ્દના અનેક આયામો છે, અર્થો છે, વિચાર-વિસ્તાર પણ છે... આજના સમયમાં જીવાતા જીવન સાથે જોડાયેલા એવો જ એક ધર્મ હોય શકે જેને આપણે નાગરિક ધર્મ તરીકે ઓળખીએ છીએ. આ ટ્રાફિક નિયમનમાં તંત્રે જે કરવાનું હશે તે કરશે, પરંતુ વ્યક્તિગત અને સામૂહિક રીતે લોકોએ પણ એમાં સપોર્ટ સિસ્ટમરૂપે જોડાવું પડશે તો જ કોઈ પણ કાર્યના સારા અને લાંબા ગાળાના ફળ મળી શકશે.

તાલુકા મથક હોય કે મહાનગર, સાવ નાની નાની બાબતો હોય છે - જેની કાળજી લઈએ તો ટ્રાફિક નિયમનમાં આપણે પણ મદદરૂપ થઈ શકીએ જે સરવાળે આપણા માટે જ ફાયદાકારક છે. હેલ્મેટ પહેર્યા વિના સ્કૂટર ન ચલાવીએ, લાઈસન્સ કે ઇન્સ્યોરન્સ વિના પણ વાહન ના ચલાવીએ, BRTS કોરીડોરમાં વાહન ના ચલાવીએ, જ્યાંને ત્યાં ટ્રાફિકને અડચણ થાય તેમ વાહનો પાર્ક ના કરીએ, રોંગસાઈડ વાહનો ના ચલાવીએ, ઓવરસ્પીડમાં ક્યારેય વાહનો ના ચલાવીએ, કારમાં સીટબેલ્ટ બાંધીએ, ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મીઓને, સ્વૈચ્છિક સંસ્થાના મિત્રોને અને લાલ-લીલી લાઈટોને આદર આપીએ જેવા ઘણા કાર્યો સામાન્ય માણસ કરી શકે.

સામા પક્ષે બધે No Parkingના બોર્ડ લગાવવાથી પણ કામ નહિ થાય. સરળ વિનામૂલ્યે પાર્કિંગ ક્યાંકને ક્યાંક તો આપવું પડશે. જાહેર પરિવહનના વાહનો તરફ લોકો વધુ પ્રેરાય એ માટે એની ગુણવત્તામાં તંત્રએ સુધારા કરવા પડશે. બંને પક્ષે જ્યારે સમજણના દીવડા પ્રગટે ત્યારે સુવિધાના અજવાળા ફેલાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter