સમય આવી ગયો છે ગાંધીવિચારના પાયા પર ભારતનું નિર્માણ કરવાનો

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 04th April 2022 05:50 EDT
 

‘હું કાગડાના મોતે મરીશ, કુતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મુકવાનો નથી.’ આ શબ્દો ઉચ્ચાર્યા હતા દાંડીકૂચના આરંભ પહેલાં ગાંધીજીએ.

12 માર્ચ 1930ની સવારે શ્રી ખરેએ ગાયુંઃ ‘શૂર સંગ્રામ કે દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સૂર નાહિ...’ ને કસ્તુરબાએ ગાંધીજીને કંકુનો ચાંદલો કર્યો, હાથમાં લાકડી આપી... એક સુકલકડી, એકલવડીયો દેહ, જેનામાં મહામાનવ જીવતો હતો, એ ચાલી નીકળ્યા હતા દાંડી તરફ કૂચ કરવા માટે. 10 પાઈના મીઠાં પર 200 પાઈની જકાત નાખીને બ્રિટિશ સરકારે પ્રજાજીવન પણ એક અર્થમાં જુલમ આચર્યો તેની સામેની આ અહિંસક લડાઈ હતી.
ભારતની આઝાદીની લડતોમાં ઈતિહાસમાં દાંડીકૂચ એક મહત્ત્વનું સીમાચિહ્ન બની રહ્યું છે. આ મીઠાના સત્યાગ્રહે બ્રિટીશ સરકારના જાણે મૂળિયાં હચમચાવી નાંખ્યા હતાં. ગાંધીજીએ 12 માર્ચે અમદાવાદના દાંડીપુલથી શરૂ કરીને 5 એપ્રિલે દાંડી પહોંચી. 6 એપ્રિલે ચપટી મીઠું ઉપાડી, સરકારના કાયદાનો ભંગ કર્યો ત્યાં સુધીની સમગ્ર યાત્રા અને પ્રસંગો ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોથી લખાયા છે. દાંડીકૂચના લીધે પ્રજામાં સ્વતંત્રતાની ભાવના જાગી, ચેતન પ્રગટ્યું અને સરકારના ગાત્રો શિથિલ થઈ ગયા.
દાંડીયાત્રાના આ પ્રસંગોનું સહજ સ્મરણ કર્યું દાંડીમાં. અવસર હતો ગુજરાત સરકારના પ્રવાસ નિગમ દ્વારા આયોજિત ગાંધી ભજનના કાર્યક્રમનો. કાર્યક્રમમાં જાણીતા કલાકારો સર્વ શ્રી સૌમિલ મુન્શી - શ્યામલ મુન્શી અને આરતી મુન્શી તથા શેતલ ભટ્ટે ગાંધીવિચાર અને ગાંધીજીવન પ્રસંગના ગુજરાતી અને હિન્દી ગીતો પ્રસ્તુત કર્યાં.
સોલ્ટ મેમોરિયલના સભાગૃહમાં બપોરે 4થી 6 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં સભાગૃહ શ્રોતાઓથી પૂર્ણતઃ ભરાયેલું હતું અને સ્થાનિક ઉપરાંત સુરત-નવસારી જેવા શહેરોમાંથી પણ શ્રોતાઓ આવ્યા હતા અને સૂર-શબ્દની એક એક પ્રસ્તુતિને તેઓએ વધાવી હતી.
ગાંધીજીએ 81 સાથીઓ સાથે દાંડીકૂચની 245 માઈલની મહાયાત્રા કરી. જ્યારે ગાંધીજીએ મીઠું ઉપાડ્યું ત્યારે એ મહામાનવે કહ્યું હતું કે ‘બ્રિટીશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં હું આ રીતે લૂણો લગાડું છું.’ આ શબ્દાના પ્રભાવને જન-જને ઝીલ્યો અને આખરે 15 ઓગસ્ટ 1947ના દિવસે એ શબ્દો સાચા પડ્યા.
દાંડીયાત્રા દરમિયાન નવાગામમાં ગાંધીજીએ કહ્યું હતું કે ‘મુખ્ય વાત ભય કાઢવાની છે.’ ડભાણમાં તેઓએ કહ્યું હતું કે ‘પહેલા બહેનો પાંચ યજ્ઞ કરતી - ચુલા યજ્ઞ, સાંબેલા યજ્ઞ, સાવરણી યજ્ઞ, પાણી ભરવાનો અને રેંટિયા કાંતવાનો યજ્ઞ.’ સત્યાગ્રહને પ્રેમપંથ પાવકની જ્વાળા સાથે ઓળખાવી તેઓએ કહ્યું હતું કે ‘સત્યાગ્રહનો પંથ પ્રેમ પંથ છે, વેર બીજાને બાળે, પ્રેમ પોતાને બાળે ને બીજાને શુદ્ધ કરે.’
ગાંધીજી દાંડીયાત્રા દરમિયાન લાટ પ્રદેશમાં હતા, કપરો રસ્તો હતો, કાદવ ને કાંપ ખૂંદવાના હતા. કોઈએ બાપુને ઊંચકી લેવાની વાત કરી તો બાપુ કહે આ ધર્મયાત્રા છે ચાલીને જ થાય. 15મા દિવસના વિસામા સમયે ભરૂચમાં પંડિત ઓમકારનાથ ઠાકુરે ગિરિ તે ગીરાવો મઝધાર મેં... ગાયું હતું. ગાંધીજીએ દાંડીયાત્રા દરમિયાન કહ્યું હતું કે ‘અહિંસા આંધળી કે પાંગળી, ચીંથરેહાલ લાગે, પણ જ્યારે તેની સાથે ઈશ્વરદત્ત શક્તિ ભળે છે ત્યારે સામો માણસ ઝાંખો પડી જાય છે.’
જે કાર્યક્રમ થકી દાંડીયાત્રાના આ સ્મરણો યાદ આવ્યા તે કાર્યક્રમમાં શબ્દસેતુ રચવાનો અવસર મને મળ્યો તેનો આનંદ થયો ને થોડા વર્ષો પહેલાં પૂજ્ય મોરારિબાપુની દાંડીમાં યોજાયેલી કથાના શ્રોતા તરીકે જે આનંદ પ્રાપ્ત થયો હતો એનું પણ સ્મરણ થયું.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દાંડીને મહાત્મા ગાંધીના સ્મરણો સાથે જોડીને એક પ્રવાસન ધામ તરીકે વિક્સાવી રહ્યા છે. ગાંધીજીની 150મી જયંતીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહીં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું ઉદઘાટન કર્યું હતું, જે આજે ગાંધીવિચાર પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
15 એકર જમીનમાં રૂ. 110 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ સોલ્ટ મેમોરિયલમાં 41 સોલાર ટ્રી, ગાંધીજીની વિશાળ પ્રતિમા, પદયાત્રીઓની પ્રતિમા, રાત્રે લેઝરથી ચમકતો ક્રિસ્ટલ, મીઠું પકવવાની પ્રક્રિયાનું નિદર્શન, ખારા પાણીનું કૃત્રિમ તળાવ વગેરે અનેક આકર્ષણો છે, જ્યાં જઈને દર્શક ગાંધી વિચારને સમજે છે - પામે છે.
વ્યક્તિગતરૂપે હવે આપણે નાગરિક ધર્મ બજાવીને ગાંધીજીના વિચારોના ભારતના નિર્માણમાં સહયોગ આપીએ એ સમયની માંગ છે. દાંડી જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે ત્યારે દાંડીયાત્રાના સ્મરણ વાંચ્યા-સાંભળ્યા હોય એ જાણે અનુભવાય છે અને આપણી અંદર રાષ્ટ્રીય હિતમાં આપણે નિભાવવાના નાગરિક ધર્મના દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter