સર્વધર્મ સમભાવના માહોલમાં શાંતિ-સમૃદ્ધિનો ઉજાસ

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 14th November 2017 10:01 EST
 

‘મારો જનમ અહીં થયો છે, આટલું સુંદર આયોજન પહેલી વાર જોયું?

‘એટલો આનંદ આવે છે કે બોલવા શબ્દો નથી.’
‘અહીં આપણે બેઠા હોઈએ તો લાગે કે આપણા ભારતના કોઇ ગામના મંદિરમાં જ છીએ.’
આ અને આવી અનુભૂતિ રોજેરોજ ઓછામાં ઓછા પચાસ માણસોના મુખેથી સાંભળવા મળી હતી. આયોજન હતું મસ્કત - સલ્તનત ઓફ ઓમાનમાં. મસ્કત (ઓમાન) સત્સંગ પરિવાર આયોજિત સમૂહ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી જાણીતા ભાગવત કથાકાર શ્રી શરદભાઈ વ્યાસે ભાગવતી ગંગા વહાવી હતી.
મસ્કતમાં આ પહેલા અનેકવાર આવી કથાઓના આયોજનો થયા છે. આ કથાની વિશેષતા એ હતી કે પહેલી વાર સમૂહ આયોજન હતું. ૧૦૯ પોથી યજમાનો અને ૧૦૦થી વધુ સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયેલા હતા. મુખ્ય યજમાન શ્રી દેવશીભાઈ પરબતભાઈ હીરાણી પરિવાર હતો અને આયોજનની વ્યવસ્થા શ્રી ચંદ્રકાંત ચોથાણી અને કમિટી મેમ્બરોએ સંભાળી હતી.
‘ઓમાન’ શબ્દનો એક અર્થ ભૂમિ છે, અને અહીં આવનારને એ અનુભવ થાય છે કે આ ભૂમિ સૌહાર્દ, સહિષ્ણુતા, શાંતિ, સરળતા અને સમૃદ્ધિની ભૂમિ છે.
સમુદ્ર, પહાડો અને રણવિસ્તારે ઓમાનના વ્યક્તિત્વ અને વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. અહીં ઉનાળામાં ઉષ્ણાતામાન ૫૦ સેલ્શિયસ સુધી વધે છે. વરસાદ ઓછો છે અને ખજૂરના વૃક્ષોની ખેતી થાય છે. આ ઉપરાંત અંજીર, લીંબુ, કેરી, દાડમ, ઓલીવ અને વોલનટ પણ ખેડૂતો પકવે છે.
સલ્તનત ઓફ ઓમાનના સ્થાનિક કે વિદેશી બંને પ્રજા તરફ સમભાવ રાખતા સુલતાન સાહેબ કાબુસ બિન સૈદના શાસનકાળમાં ઓમાને વિકાસની નવી ક્ષિતીજો આંબી છે અને પ્રગતિશીલ રાજ્ય બન્યું છે.
સેંકડો ગુજરાતીઓએ ઓમાનને પોતાનું વતન બનાવ્યું છે અને હજારો ગુજરાતીઓએ તેને પોતાની કર્મભૂમિ તરીકે અપનાવ્યું છે. અહીં ધાર્મિક-સામાજિક-સાંસ્કૃતિક ઉત્સવો ઉલ્લાસપૂર્વ વાતાવરણમાં ઊજવાય છે. શ્રી ગોવિંદરાયજીની હવેલી, મોતીસર મહાદેવમાં નિયમિત રીતે ભક્તોની ભીડ જામે છે. અહીં શુક્ર, શનિ રજાના દિવસે અથવા રોજ સાંજ પડે આવો તો ભારતના કોઈ મંદિરમાં આવી ચડ્યા છો એવી સહજ અનુભૂતિ થાય. શ્રીમદ્ ભાગવત કથા સમૂહ ભાગવત કથા હતી એટલે ભક્તોના હૃદયમાં જાણે ભક્તિનું પૂર આવ્યું હતું.
અહીં રહેતા ઘણા પરિવારો કે જેઓ સ્વતંત્ર રીતે આવા આયોજનો ના કરી શકે, તેમને પણ આયોજનમાં જોડાવાનો અવસર મળ્યો એનો આનંદ સહુના હૈયામાં હતો અને એ રીતે આ કથા નોખી-અનોખી બની રહી હતી.

•••

ભારતથી આટલે દૂર, ભારતની જ જેમ ધાર્મિક-સાંસ્કૃતિક આયોજનો કરવા મળે એનો આનંદ વિદેશોમાં વસતા ગુજરાતીઓને વિશેષ રહ્યો હોય છે.
મસ્કત-ઓમાનની ધરતીના મૂળ માણસો સાથે ભારતીયો એક થઈ ગયા છે. અહીં માણસના વ્યવહારમાં પ્રેમ છે, આદર છે અને વાસ્તવમાં સર્વધર્મ સમભાવ છે.
નેક નામદાર સુલતાન સાહેબના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજન હેઠળ ઓમાન વિક્સિત રાજ્ય બન્યું એ વાત કહેવાનું એક પણ માણસ ચૂકતો નથી એટલો બધો આદરભાવ સહુને એમના માટે છે. અહીંની સ્વચ્છતા ઊડીને આંખે વળગે છે અને સિક્યુરિટીની તમામ શ્રેષ્ઠ સુવિધાઓ વચ્ચે પણ વિના રોકટોક અહીં આવનાર પ્રવાસી સુલતાન સાહેબના મહેલના દ્વાર પર જઈને યાદગીરીરૂપે તસવીરો પડાવી શકે છે.
સાતત્યપૂર્ણ પ્રગતિ, સૌહાર્દ અને ઉદારતાના સર્વધર્મ સમભાવના આવા વાતાવરણમાં સ્વાભાવિક રીતે જ શાંતિ અને સમૃદ્ધિના અજવાળાં રેલાય છે.

ઃ લાઈટ હાઉસ ઃ
પોતાની ક્ષમતા કરતા પણ વધુ પુરુષાર્થ કરો.
- શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન સાંભળેલું સૂત્ર


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter