સલીલભાઇ સાથેનાં સ્મરણોનાં અજવાળે

અજવાળું અજવાળું

- તુષાર જોષી Tuesday 03rd October 2023 06:33 EDT
 
 

‘તમારા શબ્દો થકી તમે અમારી સાથે સદાય રહેશો...’ ‘ફિલમની ચિલમ કાયમ યાદ રહેશે...’ ‘તમે હળવાશ માટે શાલીનતા ન છોડી, કલાનું સન્માન સાચવ્યું...’ આ અને આવા વાક્યો જેમનું શરીર શાંત થયું પછી લખાયા એ વ્યક્તિત્વ એટલે એક નિવૃત્ત સરકારી અધિકારી, કોલમિસ્ટ, સિનેમાના અભ્યાસુ, સંશોધક, સર્વપ્રિય દોસ્ત એવા શ્રી સલીલ દલાલ.

એમનું મૂળ નામ હસમુખ બી. ઠક્કર. ગુજરાત સરકારમાં નાયબ મામલતદાર રહ્યા એ પછી મનોરંજન કર કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી. એમનો જન્મ થયો ખેડા જિલ્લાના કઠાણા ગામે. પિતા ભોગીલાલ ઠક્કર અને માતા કમળાબહેનના આ સંતાનને છાપામાં આવતા ફિલ્મી સમાચારોનું આકર્ષણ નાનપણથી રહ્યું. એમણે લખ્યું છે ‘પાંચમા ધોરણથી ભણવા માટે વડોદરા બોર્ડિંગમાં રહેવા ગયા. તે વર્ષ હતું 1959, ત્યારે મારી ઉંમર સાવ નાની, મા-બાપ અને કુટુંબથી દૂર રહેવાનું. એકલતાના એ દિવસોમાં ફિલ્મી ગીતોનો સહારો દોસ્તો જેવો જ રહેતો.’ સલીલભાઈએ કિશોરાવસ્થાથી જ રેડિયો સિલોન, વિવિધ ભારતી, ઓલ ઈન્ડિયા રેડિયો, ઊર્દુ સર્વિસ, આકાશવાણીના જયભારતી કે વિસરાતા સૂર જેવા કાર્યક્રમો - મિત્રોના રેડિયોમાં સાંભળ્યા.
લેખક તરીકે ઓળખ ઊભી થયા પછી તે સમયે ‘આરપાર’ મેગેઝિનમાં ઊર્વિશ કોઠારીના સૂચનથી ‘બાયોસ્કોપ’ કોલમ શરૂ કરી, જેમાં ફિલ્મી ગીતોના શાયર– કવિના જીવનકવનની વાત એમની શૈલીમાં લખી. સમય જતાં શ્રી મનોજભાઈ ભીમાણી, ‘આરપાર’ ટીમ અને ‘સત્ય’ મીડિયા દ્વારા ‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તકમાં આ લેખ સંકલિત થયા. 2005ના વર્ષમાં શ્રી પ્રણવ અધ્યારુ સાથે મળીને એક ફિલ્મમાં આ નિમિત્તે મને વોઈસઓવર આપવાનો અવસર મળ્યો. તે સમયથી સલીલભાઈ સાથે નિકટતા કેળવાઈ. એ પછી તેઓ ગાંધીનગર – અમદાવાદ આવતા ત્યારે કે મારે વલ્લભવિદ્યાનગર જવાનું થાય ત્યારે, મહુવા અસ્મિતા પર્વમાં એમ અલપઝલપ મળવાનું થતું. મારા કામ પ્રત્યે એમનો રાજીપો પ્રગટ કરતા ત્યારે વધુ સારું કામ કરવાની પ્રેરણા મળતી.
સલીલભાઈ સાથેની રૂબરૂમાં અંતિમ મુલાકાત 29 નવેમ્બર 2018ના રોજ થઈ, અમદાવાદ મહાનગર પાલિકાના પુસ્તક મેળામાં... એ સમયે તેઓએ મને અને મારી પત્ની મનીષાને શુભેચ્છાઓ સાથે હસ્તાક્ષર કરીને એમનું પુસ્તક ‘અધૂરી કથાઓ, ઈન્ટરનેટની અટારીએ’ ભેટ આપ્યું એ હાથમાં લઉં તો જાણે સલીલભાઈને સાક્ષાત્ સામે જોતાં હોઈએ, વાત કરતાં હોઈએ એવું લાગે. આ પુસ્તકમાં એમના કેનેડાનિવાસનો સંદર્ભ લખીને એમણે લખ્યું છે, ‘કેનેડાના મેપલ વૃક્ષનું પાંદડું ખરવાની પ્રક્રિયા ઠેર ઠેર જોવા મળે. એ મેપલ લીફને મુખપૃષ્ઠ પર મુક્યા છે જે જીવન ખરી પડવાનો એહસાસ કરાવે છે.’ સલીલ દલાલના જીવનનું પાંદડું ખરી પડવાનું છે એનો અણસાર એમને પણ બીમારીના કારણે આવી ગયો હતો. એમની કોલમ હવે બંધ થઈ રહી છે એવું એમણે લખ્યું અને થોડા જ દિવસોમાં એમણે આ દુનિયા છોડી દીધી. મારા જેવા અગણિત એમના ચાહકો માટે સ્મરણોનો ખજાનો આપીને સલીલ દલાલ આપણી વચ્ચેથી ગયા છે. એમના સુધી આપણો અવાજ તો ના પહોંચે પણ તોયે પેલી પંક્તિ કહેવાનું મન થાય.
તમે ગયા છો,
તમારાથી ક્યાં જવાયું છે?
તમારા સ્મરણોના અજવાળાં ફિલ્મી દુનિયાના આકાશમાં - ટમટમતાં તારલારૂપે અમને માર્ગદર્શિત કરતા રહેશે - અજવાળાં પાથરતાં રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter