સારપ સહુમાં છે, સવાલ છે તેને પારખવાનો

તુષાર જોષી Monday 06th March 2017 06:39 EST
 

‘માની લો કે તમારા બા જઈ રહ્યા છે અને એકલા જઈ રહ્યા છે તો તમે એમને જે સીટ આપો તે આપજો મારા ભાઈ’
જ્યોતિબહેનના દીકરાએ ખાનગી બસ સંચાલકના ડેપો પર ફોનથી બુકિંગ કરાવતી વખતે કહ્યું. સામેથી પેલા ભાઈએ પણ વિવેકપૂર્વક જવાબ આપ્યો કે ‘મા કોઈની પણ હોય એ મા હોય છે, એટલે અમે વડીલોને અનુકૂળ એવી જગ્યા જ ફાળવીએ છીએ... ચિંતા ન કરતા.’
સૌરાષ્ટ્રમાંથી અનેક પરિવારો અમદાવાદ નોકરી-ધંધા અર્થે આવીને વસ્યા છે. એમાંનો એક પરિવાર જ્યોતિબહેનના દીકરાનો પણ હતો. મૂળ વતન ભાવનગર... પાંચેક દાયકા કરતા વધુ સમય જ્યોતિબહેન ભાવનગરમાં જ રહ્યા. શાળામાં શિક્ષિકા તરીકે એમણે ૩૦ વર્ષ વીતાવ્યા. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો અને તેમનામાં સંસ્કારસિંચનનો યોગ્ય પ્રયાસ કર્યો. ખાનગી શાળામાં નોકરી એટલા પગાર સાવ ટૂંકા. પરંતુ એ સમયે એમના પતિને સાથ આપવા અને પોતે નોકરી કરે તો બે પૈસા ઘરમાં બચત થાય એ ભાવથી સતત નોકરી કરતા રહ્યા. વિદ્યાર્થીઓ અને સાથી કર્મચારીઓમાં આદર-પ્રેમ અને લાગણી પામ્યા. ઘરની જવાબદારી સાથે સાથે નોકરીને પણ પૂરેપૂરો ન્યાય આપ્યો.
અમદાવાદ છેલ્લા થોડા વર્ષોથી એમના દીકરાના પરિવાર સાથે રહેતા થયા હતા. સ્વાભાવિક છે કે દાયકાઓ જે શહેરમાં વીત્યા - જ્યાં સગા-સ્નેહી-સંબંધીઓ હોય ત્યાં રહ્યા પછી એ ઘરની-ગામની માયા હોય. છતાં નવા શહેરમાં - નવા વાતાવરણમાં એ બરાબર સેટ થઈ ગયા હતા. સોસાયટીમાં જ અંબાજી માતાનું અત્યંત સુંદર મંદિર હતું અને બાજુની સોસાયટીમાં એવું જ ત્રિલોકેશ્વર મહાદેવનું મંદિર હતું એટલે સવાર-સાંજ બે-ત્રણ કલાક નિયમિતરૂપે એમની ઉંમરના બહેનોના સંગાથમાં સત્સંગ પૂરો થઈ જતો હતો. એમના જેવા જ સ્વભાવના એક બહેન સાથે એમને વિશેષ અનુકૂળ આવતું એટલે પ્રભા માસી સાદ પાડે તો પૌત્રીઓ કહેતી, ‘જ્યોતિ બા, તમને તમારા બહેનપણી બોલાવે છે.’ આમ અહીંના વાતાવરણમાં છેલ્લા એક દાયકાથી તેઓ બરાબર ગોઠવાઈ ગયા હતા. તેમના મોબાઈલ ફોનથી સગાં-સ્નેહીઓ સાથેના સંપર્કો એમણે જીવંત રાખ્યા હતા.
અમદાવાદ રહ્યા રહ્યા બે-ત્રણ મહિને ઘરની યાદ આવે ત્યારે તેઓ ભાવનગર પરિવાર સાથે અથવા એકલા જઈ આવતા. ૮-૧૦ દિવસ રહે - જાતે રસોઈ કરે ને ફરી પાછા આવી જાય. ઉનાળો શરૂ થાય એ પહેલાં એક અઠવાડિયું જઈ આવું એમ કહ્યું એટલે દીકરાએ ટ્રાવેલ્સની ઓફિસમાં ટીકીટ બુક કરાવી ત્યારે લેખના આરંભે લખેલો સંવાદ થયો હતો.
જ્યોતિબહેન ભાવનગર સુખરૂપ પહોંચી ગયા. બસના ક્લિનરે થોડો-ઘણો સામાન ઉતારી આપ્યો. ઘરે પહોંચી ગયાં. બેન્કનાને પોસ્ટ ઓફિસના ને અન્ય કામો પૂરા કર્યાં. પોતાના ભાઈ-ભાભીને મળ્યા. આનંદ કર્યો. હવે પરત જવા માટે એક અઠવાડિયા પછી બુકિંગ કરાવ્યું બસનું, ત્યારે પણ બધું બરાબર ગોઠવાયું. ઘરેથી જવા માટે રીક્ષા બોલાવવાનો પ્રશ્ન આવ્યો તો પાડોશી ધાત્રીબહેને એક રીક્ષવાળાની ગોઠવણ કરી આપી. એ વ્યક્તિ નામે ખાનચાચા સમયસર આવી ગયા ને એમણે કહ્યું, ‘બા તમે જ્યારે પણ આવો ત્યારે તમારે ફોન કરી દેવો, જરાયે ચિંતા કરતા નહીં. અમારા વ્યવસાયમાં અમે વડીલોનું જ નહીં, બધા માણસોનું પૂરું ધ્યાન રાખીએ છીએ.’ આમ એક સાલસ વ્યક્તિત્વનો ઉમદા પરિચય થયો. સરવાળે હકારાત્મક અભિગમનો પડઘો પણ હકારાત્મક પડે છે એ વાતની અનુભૂતિ થઈ.

•••

વાત સાવ નાની છે, કદાચ તમારી આસપાસ બનતી જ હશે. મહત્ત્વનું છે એમાં સમાયેલી સંવેદનાને પારખવાનું ને જીવવાનું. આપણે પેટ્રોલ પંપ પર, બસ સ્ટેન્ડ પર, રેલવે સ્ટેશન કે અન્ય સ્થળે... કેટલીય જગ્યાએ એવી ઘટનાઓમાંથી પસાર થઈએ છીએ જ્યાં સામેનો માણસ પ્રમાણમાં નાનો-અદનો કર્મચારી હોય અને એના પર વિશ્વાસ મૂકીએ તો એ પોતાની લાગણી શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરીને સામેની માણસની સુવિધા પણ સાચવતો હોય છે. સવાલ હોય છે માણસમાં રહેલી સારપને ઓળખવાની અને તેનામાં વિશ્વાસ મૂકવાની. આવો વિશ્વાસ મૂકીએ ત્યારે સામેથી એનો પોઝીટિવ ઉકેલ આવતો જ હોય છે.
સમાજમાં માણસ માણસને માણસરૂપે જુએ અને તેની સાથે યોગ્ય વ્યવહાર કરે એ પ્રાથમિક જરૂરિયાત છે. આવી રીતે જ્યારે જ્યાં વાણી, વર્તન, વ્યવહારમાં વિવેક-સભ્યતા અને લાગણી સચવાય છે ત્યારે માનવતાના દીવડા પ્રગટે છે અને અજવાળા રેલાય છે.

લાઈટ હાઉસ

મહાન બનવાની લાલચમાં માણસે માણસ બનવાનું ભૂલવું ન જોઈએ.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી