‘માનસ’ હરિકથા એટલે સાત્વિકતા, પ્રસન્નતા અને જીવનની સાર્થકતાનો અનુભવ

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 15th September 2021 08:40 EDT
 

‘ડેડી, તલગાજરડાથી પ્રસાદ આવ્યો છે...’ તલગાજરડાની ભૂમિ સાથેની મારી ચારેક દાયકાની શ્રદ્ધા પામનારી અને સમજનારી દીકરી સ્તુતિએ મને એક બોક્સ આપીને કહ્યું. કુરિયરમાં આવેલા એ બોક્સને ખોલ્યું, જોયું તો ચિત્રકૂટધામ - તલગાજરડા દ્વારા ત્રણ પુસ્તકો આવ્યા હતા.

‘માનસ’ હરિકથાના એ ત્રણ પુસ્તકો પર નજર ફેરવી મેં કહ્યું, ‘બેટા, આ વૈચારિક પ્રસાદે મારા જેવા ઘણાનાં વ્યક્તિત્વના પ્રાસાદને શ્રદ્ધા અને વિશ્વાસથી, ભજન અને ભરોસાથી બળ આપ્યું છે ને મુદિતપણું આપ્યું છે.’
લોકડાઉન દરમિયાન મોરારિબાપુએ ઘરઆંગણેથી આપેલા વક્તવ્યોમાં કોરોના મહામારી સંદર્ભે અનુશાસનની સાંપ્રત વાત તો હતી જ, એથી વધુ એમાં શાશ્વત સંદેશ પણ હતા.
‘માનસ’ હરિકથાનો સંવાદ મોરારિબાપુએ રાષ્ટ્રીય અનુષ્ઠાન લોકડાઉનના દિવસોમાં તારીખ ૨૫ માર્ચ ૨૦૨૦થી તારીખ ૨૪ મે ૨૦૨૦ દરમિયાન કર્યો હતો. તલગાજરડામાં પોતાને આંગણેથી ત્રિભુવન વટની છાયામાં એમણે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા, જેને આસ્થા ચેનલ તથા યુટ્યુબના માધ્યમથી દેશ-વિદેશના સંખ્યાબંધ લોકોએ ઝીલ્યા હતા.
મેં પણ ‘માનસ’ હરિકથા નિયમિત સાંભળી હતી અને એ શબ્દોએ સત્સંગનો આનંદ અને મનોબળ પામ્યો હતો. જૂન-૨૦૨૦માં મારી કોલમમાં એ સમયની ભાવસંવેદના વ્યક્ત કરી હતી. આજે એ પુસ્તકના વાંચન બાદ ફરી એક વાર એ વિચારોની ભાવસંવેદના અનુભવી રહ્યો છું.
ત્રણ ભાગમાં સંકલિત આ પુસ્તકના પ્રથમ ભાગમાં ૧૪૪ પાનામાં ૨૦, બીજા ભાગમાં ૧૮૪ પાનામાં ૨૦ અને ત્રીજા ભાગમાં ૨૩૨ પાનામાં ૨૧ દિવસોનો સંવાદ સમાવિષ્ટ છે.
‘માનસ’ હરિકથા જે સમયે થઈ એ સમયે વિશ્વભરમાં કોરોના સંક્રમણને કારણે અધિકાંશ લોકોના મનમાં વિષાદ, ચિંતા, ડર, માનસિક અને શારીરિક બીમારીઓ, ભવિષ્ય વિશે પ્રશ્નાર્થ, આર્થિક ભીંસ, માનવીય સંબંધોમાં ઊભા થયેલા તણાવ વગેરે વગેરેની અસર હતી. ભલે ઓછા-વત્તા અંશે પણ આજેય એની દૂરગામી અસરો આપણે જોઈએ છીએ.
બાપુના શબ્દો એ સમયે સાંભળ્યા હતા, હવે વાંચ્યા ત્યારે અનુભૂતિ થઈ કે એ વિચારો માત્ર તત્કાલીન ન હતા. જ્યારે જ્યારે વાંચીએ - સાંભળીએ ત્યારે સાત્વિકતા, પ્રસન્નતા અને જીવનની સાર્થકતાનો અનુભવ થાય છે. ‘માનસ હરિકથા’ના સંપાદક અને ગુજરાતી અનુવાદ કરનાર જાણીતા કવિ નીતિન વડગામાએ લખ્યું છે એમ ‘આ સંવાદથી લોકોનો ચૈતસિક વિષાદ પ્રસાદમાં રૂપાંતરિક થઈ ગયો.’
વિષયોનું વૈવિધ્ય, ગુજરાતી પ્રાચીન ભજનવાણી અને ઉર્દુ શાયરી, બુદ્ધ કે મહાવીરથી લઈને ઓશો, બોધકથાઓ અને સત્ય ઘટનાઓ, શ્લોક અને લોકકથા... જેમ જેમ પુસ્તકો વાંચતા જઈએ એમ એમ વાચક સામે શબ્દ દ્વારા ભાવસમૃદ્ધ અને અર્થપૂર્ણ મેઘધનુષી રંગોનું એક ચિત્રજગત જાણે રચાતું જાય છે. મનના પ્રશ્નો અને અવલોકનો કે અનુભવોનો સાચી દિશાનો જાણે ઉકેલ મળે છે.
જેટલું વંચાયું એમાં વીતેલા એક-દોઢ વર્ષના જીવનના અનુભવો પણ પ્રતિબિંબિત થાય. અંગત અનુભૂતિની વાત કરું તો મૈત્રી, કરુણા મુદિતા અને ઉપેક્ષાથી પ્રસન્નતાનું પ્રાગટ્ય, શ્રી હનુમાનજીની શરણાગતિ, સંવાદ-સ્વાધ્યાય અને સ્વીકાર, સદસાહિત્યની મિત્રતા, અખંડ શ્રદ્ધા અને સાધુ સંગ, ગુરુ-અનુગ્રહ, સાધકની સહજતા, સુખની સમજણ, અમંગલને હટાવીને મંગલની સ્થાપના જેવા કેટલાક વિષયો વીતેલા સમયમાં અનુભૂત થયા છે અને એ સમયે સાંભળેલા કે ચાર દાયકામાં ક્યાંક - ક્યારેક સાંભળેલા શબ્દોએ મને બળ આપ્યું છે, ભાવજગતની સમૃદ્ધિ આપી છે. મોરારિબાપુએ રજૂ કરેલા વિચારો પુસ્તકમાં વાંચીને સત્ય-પ્રેમ-કરુણાના અજવાળાં ઝીલ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter