ઇતિહાસવિદ્, કવિ-સર્જક બ.ક.ઠા. ૧૫૦મીએ વિસરાયા

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 07th May 2019 06:47 EDT
 
 

જે સમાજ પોતાનાં મહાન રત્નોને વિસારે પડે છે એ નગુણો ગણાય. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષની ઉજવણી કરતાં આપણે રાષ્ટ્રમાતા કસ્તૂરબા અને આદિવાસી, દલિત અને તમામ પછાતોના ઉત્થાનમાં ભવ્ય યોગદાન કરનાર ઠક્કરબાપાની દોઢસોમીને વિસારે પાડ્યાની સાથે જ ગુજરાતીઓનું મહામૂલું ઘરેણું લેખાય એવા ઇતિહાસવિદ, કવિ-સર્જક-વિવેચક અને મહા-પ્રાધ્યાપક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (૨૩ ઓક્ટોબર ૧૮૬૯ - ૨ જાન્યુઆરી ૧૯૫૨)ની સાર્ધ-શતાબ્દીને ભૂલવાનો અપરાધ કરીએ તો એ ગુજરાતીઓને માથે મહેણું જ રહે.

શાળાજીવન દરમિયાન ભણેલા બ.ક.ઠા.ની મંદાક્રાન્તામાં લખાયેલી કૃતિ ‘બેઠી ખાટે ફરી વળી બધે’ અડધી સદી વીત્યા પછી પણ હજુ વારંવાર મમળાવવાનું મન થયા કરે છે. ૧૯૬૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની એક પરસાળ સમાન ખંડમાં બ.ક.ઠા.ની શતાબ્દી નિમિત્તે એમના હસ્તાક્ષરિત-પ્રકાશિત સાહિત્ય અને પત્રચારનું પ્રદર્શન નિહાળ્યાનું સ્મરણ હજુ તાજું જ છે. ‘ભાઈ મોહન’ કે ‘પ્રિય મોહન’થી મોહનદાસ કરમચંદ ગાંધીને સંબોધીને તેમણે લખેલા પત્રો, હમણાં ડો. હંસા મહેતા લાઈબ્રેરીમાં જતાં એ ખંડની બાજુમાંથી પસાર થતાં, જાણે કે હાક મારતા લાગ્યા હતા. એમએસના ગુજરાતી વિભાગે ચાર દાયકા પહેલાં પ્રકાશિત કરેલાં ‘પ્રો. બ.ક. ઠાકોરની દિન્કી’ અને ‘વ્યક્તિપરિચય’માંથી પસાર થતાં ડો. હર્ષદ મ. ત્રિવેદીની જહેમતની સાથે જ બ.ક.ઠા. સાથે ભરૂચથી ભાવનગર, મુંબઈ, વડોદરા, પૂણે, અજમેર, અમદાવાદ અને કાઠિયાવાડના સહ-પ્રવાસની અનુભૂતિ થયા વિના રહેતી નથી. અમારા બ.ક.ઠા.અંગેના અજ્ઞાનનાં પડળ પણ દૂર થયાં.

સામાન્ય માન્યતા એવી હતી કે બ.ક.ઠા. તો આખ્ખાબોલા-સાચ્ચાબોલા સર્જક-વિવેચક અને ભાષાના જ પ્રાધ્યાપક; પણ અભ્યાસે જાણ્યું કે એ તો મૂળે ઇતિહાસના ગહન અભ્યાસી અને પ્રાધ્યાપક રહ્યા. રાજનીતિશાસ્ત્ર, અંગ્રેજી સાહિત્ય, ફિલસૂફી, તર્કશાસ્ત્ર સહિતના વિષયોના વડોદરા, પૂણે અને અજમેરમાં પ્રાધ્યાપક રહ્યા; એટલું જ નહીં, કાઠિયાવાડમાં શિક્ષણાધિકારી પણ રહ્યા. મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના શિક્ષક પણ ખરા. સ્વભાવે કડક અને સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરનારું એમનું વ્યક્તિત્વ કંઈકઅંશે એમની છબીમાં રૂઆબદાર અને ઠસ્સાદાર ચહેરાને નિહાળીને જ અનુભવાય.

‘મ્હારાં સોનેટ’થી જાણીતા બ.ક.ઠા. ભલે ‘મહાત્મા ગાંધીના બાવીસમા વાસે’ ભરૂચમાં જન્મ્યા હોય, પણ ગાંધીજીના મોટા ભાઈના સહાધ્યાયી હોવાને નાતે ‘અભ્યાસમાં નબળા મોહન’ના રાજકોટ અને ભાવનગરમાં માર્ગદર્શક પણ રહ્યા. પિતા કલ્યાણરાય રાજકોટમાં ન્યાયાધીશ હતા અને દીકરો બળવંતરાય પણ વકીલાતનું ભણે એવું અપેક્ષિત માનતા હતા. એલએલબીના વર્ગોમાં જોડાયા તો ખરા પણ ગોઠ્યું નહીં. વિલાયત જઈને આઇસીએસ થવાની ધગશ ખરી, પણ ઉંમર આડે આવી અને વિલાયત જવાનું શક્ય ના બન્યું. અધ્યાપન અને અધ્યયનનો નાદ તો હતો. બહુમુખી પ્રતિભા હોવાને કારણે પૂણેમાં હતા ત્યારે લોકમાન્ય ટિળકે પોતાના પ્રકાશનમાં જોડાવા નિમંત્ર્યા, પણ પોતાની વિચારધારા નોખી હોવાનું બહાનું કરીને એ નિમંત્રણ પાછું ઠેલ્યું.

ઠાકોરનું લગ્ન ઇ.સ. ૧૮૮૭માં ચંદ્રમણી સાથે થયું અને એ તેમને ઘરે ઇ.સ. ૧૮૮૯ની આખરે રહેવા આવ્યાં. ૧૯૧૫માં વિધુર થયેલા સમાજસુધારક બ.ક.ઠા. ઝંડાધારી નહોતા, પણ ‘બ્રહ્મક્ષત્રિય’માં તેમણે લખેલા જ્ઞાતિસુધારાવાદી અને મહિલા સશક્તિકરણ વિષયક લેખો એમના વિચારોનું પ્રતિબિંબ પાડે છે. સમાજસુધારા સાથે જ રાજકારણમાં પણ કોલેજકાળથી તેઓ રસ લેતા હોવાનું તેમની ડાયરીની નોંધો દર્શાવે છે. ડો. ત્રિવેદી નોંધે છે કે, ‘જાહેર લખાણોમાં ગાંધીજી માટે માનવાચક વિશેષણો વાપરનાર અને તેમની સાથેના મતભેદને મોળી ભાષામાં રજૂ કરનાર ઠાકોરને, પોતે વિદ્યાર્થી હતા ત્યારે, વિદ્યાર્થી ગાંધીજી માટે બહુ માન નહોતું.’

‘પંચોતેરમે’માં બ.ક.ઠા. પોતાના રાજકીય વિચારોને ખુલ્લા મૂકે છે. બ્રિટિશ શાસકો માટે એમને કૂણી લાગણી હોવાનું ઘણી વાર તગે છે. અંગ્રેજપ્રજાના આભિજાત્ય અને ઔદાર્યને એ બિરદાવે છે. બહુધા, ઠાકોરે ગાંધીજી અને તેમના નેતૃત્વ હેઠળની કોંગ્રેસનાં વિચારવલણો, પ્રવૃત્તિઓનો સરિયામ વિરોધ કર્યો છે અને તમામ માન, વિશ્વાસ, યશના અધિકારી તેમણે બ્રિટિશરોને ગણ્યા હોવાનું તારણ નીકળે છે. ‘બ્રિટિશ શાસનના દીર્ઘ ઈતિહાસ દરમિયાન અંગ્રેજોએ ભારતનો અનેક દિશામાં સંગીન વિકાસ સાધી આપ્યો છે તેવી ઠાકોરની દૃઢ માન્યતા હતી અને ભાવિમાં પણ ઇંગ્લેન્ડ ભારતના હિતમાં રહેશે એવો તેમને વિશ્વાસ હતો. મધ્યકાલમાં મોગલોએ ગુજરાતમાં સ્થાપેલી વ્યવસ્થાને ઠાકોરે રાજકીય શાંતિની સ્થાપક, તેથી સાહિત્યાદિની પ્રગતિ માટે પ્રોત્સાહક, અને ‘અપૂર્વાનન્ય’ કહી છે, પરંતુ બ્રિટિશ શાસનથી સ્થપાયેલી વ્યવસ્થાને તેમણે એથીએ ‘વધારે ઊંડાં મૂળ નાખતી, વધારે ટકાઉ અને ઉદાર સુવ્યવસ્થા’ કહી છે.’

બ.ક.ઠા. જેવી બહુમુખી પ્રતિભા ગાંધીજીના વિચારો અને પગલાંનો વિરોધ કરે તો પણ એમનાં અહિંસા વગેરે મૂલ્યોની પ્રતિષ્ઠાવાળી નૈતિક ચારિત્ર્યમત્તાના પાસાને તેમણે હંમેશાં માન આપ્યું છે, પરંતુ રાજકીય તખ્તા પરનાં તેમનાં ને તેમના અનુયાયીઓનાં કર્મોને તેમણે વખતોવખત સ્તુતિનિંદાનાં વિવિધ વલણોથી નવાજ્યાં છે; બ્રિટિશરો પ્રત્યેના તેમના અતિમાને તેમને આપણી રાજકીય વિભૂતિઓની નિંદા કરવા પ્રેર્યા છે. બ.ક.ઠા.એ ગાંધીજીની દાંડી કૂચને ‘ફૂલણજી અને નબળા ગુજરાતીઓના ફૂલણજીપણા અને નબળાઈઓને પોષનારી-પ્રદર્શનારી’ કહી છે. તેમ છતાં, છેવટનાં વર્ષોમાં તેમણે ગાંધીજી અને જવાહરલાલને કવિતામાં અપાર માનાંજલિ પણ આપી છે. ક્યારેક મિત્ર મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ સાથે ગાઢ મૈત્રી ધરાવનાર બ.ક.ઠા. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું વિચારીને પછી માંડી વાળે છે. કવિ કાન્ત ખ્રિસ્તી થયા પછી પાછા હિંદુ થયા, પણ એ બ.ક.ઠા.ને દોસ્ત તરીકે ગુમાવી બેસે છે. ક. ન. જોષી પરના ૨૭ જુલાઈ ૧૯૨૮ના પત્રમાં સરદાર પટેલને ‘અત્યંતાત્યંત વલ્ગર જીભવાળો માણસ’ કહેવા સુધી જાય છે.

બ.ક.ઠા.ના નિવૃત્તિ વય પછીના દિવસોમાં તેમના ત્રણ પુત્રોમાંના એકે દેવું કર્યું એ ફેડવા માટે આવા સ્વમાની માણસે ‘ફરી નોકરીની શોધમાં નીકળવું પડ્યું હતું’, એ દર્દનાક ઘટનાક્રમે એમને મૃત્યુ માટે ઝૂરતા કરી મૂક્યા હતા. આ મહાન સર્જકે વેદનાઓ વચ્ચે પણ અણમોલ સર્જનો મૂકીને ૧૯૫૨માં મુંબઈમાં આ ફાની દુનિયાને અંતિમ જુહાર કહીને વિદાય થયા અને કાયમ માટે અમર થઇ ગયા. આપણે કેવા ભૂંડા કે એમને સાર્ધ-શતાબ્દી ટાણે સાવ જ વિસરી ગયા!

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter