ઈતિહાસપુરુષ શ્યામાબાબુનું સહેતુક પુનઃસ્મરણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 25th June 2019 05:44 EDT
 
 

દેશમાં ફરી એક વાર ડો. શ્યામાપ્રસાદ મુકરજી (૬ જુલાઈ ૧૯૦૧ - ૨૩ જૂન ૧૯૫૩)ના જમ્મૂ-કાશ્મીરના ‘પ્રાઈમ મિનિસ્ટર’ શેખ અબદુલ્લાની કેદમાં શંકાસ્પદ સંજોગોમાં છ દાયકા કરતાં વધુ સમય પૂર્વે થયેલા મૃત્યુની તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તપાસનો નન્નો ભણ્યાનું ઈતિહાસ-સ્તવન આરંભાયું છે.

આઝાદી પૂર્વે બંગાળની ધારાસભામાં કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દી આરંભનાર ડો. મુકરજી ૧૯૪૨માં મહાત્મા ગાંધીના નેજા હેઠળ આરંભાયેલા ‘હિંદ છોડો’ ટાણે હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ તરીકે બંગાળના પ્રીમિયર અને પાકિસ્તાનવાદી ફઝલુલ હકની સરકારમાં નાણાપ્રધાન રહ્યા. જોકે ભાગલા અટકાવવા માટે ડો. મુકરજીએ કાઈદ મોહમ્મદ અલી ઝીણાને મળીને સમજાવવાનો પ્રયાસ પણ કરી જોયો હતો, પણ વિફળ રહ્યા. આઝાદીના ગાળામાં નેતાજી સુભાષચન્દ્ર બોઝના મોટા ભાઈ સરત બોઝ અને બંગાળના પ્રીમિયર રહેલા હુસૈન શહીદ સુહરાવર્દી અલગ ‘બંગાળ દેશ’ માટે ચળવળ ચલાવી રહ્યા હતા ત્યારે હિંદુ બંગાળને ભારત સાથે જોડવા માટે બંગભંગની ઝુંબેશ ચલાવનાર ડો. મુકરજી નાયબ વડા પ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની નજરમાં વસી ગયા હતા.

મહાત્માને અભિપ્રેત આઝાદ ભારતની પહેલી રાષ્ટ્રીય સરકારમાં અન્ય ચાર બિન-કોંગ્રેસી મંત્રીઓની સાથે જ શ્યામાબાબુ જોડાયા અને નેહરુ સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન બન્યા હતા. સરદાર પટેલ અને ડો. બાબાસાહેબ આંબેડકરની જેમ જ ડો. મુકરજીએ પણ એક તબક્કે ‘હિંદુરાષ્ટ્ર’ની પરિકલ્પનાનો પત્રકાર પરિષદ ભરીને વિરોધ કર્યાનું સંઘનિષ્ઠ ભાજપી નેતા અને રાજ્યપાલ તથાગત રાયલિખિત શ્યામાબાબુની જીવનકથામાં નોંધવામાં આવ્યું છે.

ભારત અને પાકિસ્તાનમાં લઘુમતીની સુરક્ષા અંગે ૮ એપ્રિલ ૧૯૫૦ના રોજ દિલ્હીમાં વડા પ્રધાન લિયાકત અલી ખાન અને વડા પ્રધાન નેહરુ વચ્ચે થનારી સમજૂતી સામે વિરોધ નોંધાવતાં ડો. મુકરજીએ ૬ એપ્રિલ ૧૯૫૦ના રોજ કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ના સહયોગથી ડો. મુકરજીએ ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી.

વર્ષ ૧૯૫૨માં શ્યામાબાબુ સહિત જનસંઘના ત્રણ સભ્યો લોકસભામાં ચૂંટાયા. ૧૯૫૩માં જમ્મૂ-કાશ્મીરના ભારતમાં સંપૂર્ણ વિલય માટેના આગ્રહી આંદોલનના ભાગરૂપે પરમિટ પ્રથાનો વિરોધ કરીને તેઓ ‘પૃથ્વી પરના સ્વર્ગ’ ગણાતા આ રાજ્યમાં પ્રવેશ્યા અને અટકાયત વહોરી એ પછી તો ૨૪ જૂન ૧૯૫૩ના રોજ એમનો મૃતદેહ જ પરત આવ્યો.

તથ્યો નીરક્ષીર કરવાની જરૂર

ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડો. મુકરજી અને સંસ્થાપક મહામંત્રી તેમજ સંઘના પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાય બેઉનાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયાં. કાલિકટમાં ડિસેમ્બર ૧૯૬૭માં ભરાયેલા જનસંઘના અધિવેશનથી અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળનાર પંડિત દીનદયાળનો મૃતદેહ ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ના રોજ મુઘલસરાય (હવેના દીનદયાળ) રેલવે સ્ટેશન પાસે બિનવારસી અવસ્થામાં મળી આવ્યો હતો. જનસંઘના બંને અધ્યક્ષોનાં મૃત્યુનાં રહસ્ય હજુ આજે પણ ઉકેલાયાં નથી.

વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી પછી ૧૯૭૭માં યોજાયેલી લોકસભાની ચૂંટણી પછી જનસંઘનો જનતા પાર્ટીમાં વિલય થયો હતો. મોરારજી દેસાઈની સરકારમાં પહેલી વાર સંઘ-જનસંઘ ગોત્રના અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ આડવાણી સહિતના નેતાઓ કેન્દ્રની સત્તામાં સહભાગી થયા. જોકે એ વેળાની દેસાઈ સરકાર મુદતપૂર્વે જ અધવચ્ચે તૂટી પડી હતી. મધુ લિમયે, રાજનારાયણ અને ચરણસિંહ થકી સંઘ અને જનતા પાર્ટીમાં જનસંઘી નેતા-સભ્યોના બેવડા સભ્યપદનો વિવાદ ઉઠાવાતાં જૂના સંઘીઓ જનતા પાર્ટીમાંથી ફારેગ થયા અને ૧૯૮૦માં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સ્થાપના કરાઈ હતી.

વર્ષ ૧૯૯૬ અને ૨૦૦૪ વચ્ચે ભાજપના નેતા વાજપેયીના વડપણ હેઠળ ત્રણ-ત્રણ વાર કેન્દ્રમાં ગઠબંધન સરકાર બની હતી. સંઘનિષ્ઠ ભાજપ ૧૯૮૪માં લોકસભામાં માત્ર બે બેઠકો ધરાવતો હતો, ૨૦૧૪માં તે ૫૪૩માંથી ૨૭૨ અને ૨૦૧૯માં ૩૦૩ બેઠકો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં બબ્બેવાર સત્તારૂઢ રહ્યો છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં પણ ભાજપ કે મિત્રપક્ષોની સરકાર છે.

કેન્દ્ર અને રાજ્યોમાં છેક ૧૯૬૭થી સમયાંતરે સત્તામાં આવતા રહેલા જનસંઘ અને ભાજપ દ્વારા કાયમ ડો. મુકરજી, પંડિત દીનદયાળ, વડા પ્રધાન રહેલા લાલ બહાદુર શાસ્ત્રી કે રેલવે પ્રધાન એલ. એન. મિશ્રા જ નહીં, નેતાજી સુભાષચન્દ્ર બોઝના શંકાસ્પદ મૃત્યુનાં રહસ્ય ખોલવા અંગે માંગણીઓ થતી રહી છે. આમ છતાં એ હજુ હાથ લાગ્યાં નથી.

અબદુલ્લા પરિવાર સાથે સત્તાશયન

ક્યારેક નેહરુ તો ક્યારેક ઇન્દિરા ગાંધી પર આક્ષેપ કરવાનાં રાજકારણ અવિરત ચાલે છે. પોતે સત્તારૂઢ હોય ત્યારે યોગ્ય ન્યાયિક તપાસ કરાવીને દેશની પ્રજા સમક્ષ આ રહસ્યોનાં નીરક્ષીર કરવાનું કોણ જાણે જનસંઘ કે એના નવા અવતાર ભાજપને સદતું નથી. અત્યારે એ જમ્મૂ-કાશ્મીરમાં પણ શાસન કરે છે. અગાઉ રાજ્યપાલના શાસન થકી અને હવે રાષ્ટ્રપતિ શાસન દ્વારા સત્તારૂઢ છે.

મોદી સરકારની પહેલી મુદતમાં પણ જમ્મૂ-કાશ્મીરમાં મુફ્તી મહંમદ સઈદ અને મહેબૂબા મુફ્તીની પીડીપી સાથે ભાજપે ત્રણ વર્ષ સંયુક્ત સરકાર ચલાવી છે. ‘શેર હમારા મારા હૈ, અબદુલ્લા ને મારા હૈ’ની ઘોષણાઓ કરનાર ભાજપ થકી ડો. મુકરજીની હત્યા માટે દોષિત ગણાવાતા શેખ અબદુલ્લાના પરિવાર સાથે પણ સત્તાનાં સહશયન કરાયાં છે.

વાજપેયી યુગમાં સત્તા મોરચામાં સામેલ ડો. ફારુક અબદુલ્લા પોતાના રાજ્યમાં મુખ્ય પ્રધાન હતા અને એમના પુત્ર ઓમર અબદુલ્લા વાજપેયી સરકારમાં વિદેશ રાજ્યપ્રધાન હતા. આવતા દિવસોમાં ફરી ભાજપ સાથે એમનું જોડાણ થઇ પણ શકે. આમ છતાં, આજે પણ મુકરજી કે દીનદયાળ જેવા ભાજપના આરાધ્યપુરુષોનાં મૃત્યુનાં રહસ્ય હજુ પ્રગટ થતાં નથી. ‘નેહરુએ ડો. મુકરજીના મૃત્યુની તપાસના આદેશ આપવાનું નકાર્યું હતુ’ એનો આલાપ ઘટનાનાં ૬૬ વર્ષ પછી પણ અખંડ છે. હજુ પણ મતબેંકને રીઝવવા કાજે પંડિત નેહરુ કે ઇન્દિરા ગાંધીને શિરે દોષારોપણ કરવાનું રાજકારણ ચાલુ રાખવાનો જ પ્રયાસ થતો હોવાનું અનુભવાય છે.

જનસંઘના સંસ્થાપકોમાંના એક અને અધ્યક્ષ પણ રહેલા ઇતિહાસના પ્રાધ્યાપક બલરાજ મધોકે કેન્દ્રમાં વાજપેયી સરકાર હતી ત્યારે વર્ષ ૨૦૦૩માં પ્રકાશિત પોતાની આત્મકથા ‘જિંદગી કા સફર’ના ત્રીજા ભાગ ‘દીનદયાલ ઉપાધ્યાય કી હત્યા સે ઇન્દિરા ગાંધી કી હત્યા તક’માં પંડિત દીનદયાળની હત્યા પાછળ ‘અપનેવાલે’ જ હોવાનું નામ પાડીને લખ્યું હોય ત્યારે એ વાતે પણ નીરક્ષીર થવું જરૂરી છે.એ.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter