ગાંધીજી જેવાં વ્યક્તિત્વો તો સદીઓમાં ક્યારેક જ જન્મે

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 27th January 2020 04:26 EST
 
 

(ગતાંકથી ચાલુ)

મહાત્મા ગાંધી ભારતીય સમાજના સમગ્રલક્ષી પરિવર્તનના આગ્રહી હતા અને આઝાદી તો એમના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે લડાયેલા જંગની આડપેદાશ હતી, એના સહિતની વાત આપણે ગત અંકે કરી ગયા. ગાંધીજીના જીવનનાં કેટલાંક વિવાદ સર્જક પાસાં સાથે જ દેશ અને દુનિયા આખી ગાંધીને આજે કેમ સ્મરે છે એની વાત પણ આપણે હવે અહીં કરીશું.

૪) અહિંસા અને બ્રહ્મચર્યના પ્રયોગો

‘હિંસા જેમ પશુજગતનો કાનૂન છે તેમ અહિંસા આપણી માનવજાતિનો કાનૂન છે.’ એવું મહાત્મા કહે છે. ગાંધીજીની અહિંસાને નહીં સમજનારાઓ એની મજાક ઉડાવે છે. બળાત્કારીને મોતને ઘાટ ઉતારવામાં ગાંધીજીની અહિંસા આડે આવતી નહોતી. ‘હું જરૂર માનું છું કે જો નામર્દાઈ અને હિંસા વચ્ચે જ પસંદગી કરવાની હોય તો હું હિંસા પસંદ કરું.’ એવું જયારે ગાંધીજી કહે ત્યારે એમની અહિંસાની વિભાવનાને સમજ્યા વિના એમની ઠેકડી ઉડાડનારાઓ અહિંસાને સમજવા માટે ‘મહાત્મા ગાંધીના વિચારો’ (સંકલન અને સંપાદન: આર. કે. પ્રભુ અને યુ. આર. રાવ, નેશનલ બુક ટ્રસ્ટ - ઇન્ડિયા)નો અભ્યાસ કરવો ઘટે.

મહાત્માના બ્રહ્મચર્યના પ્રયોગોને સરદાર પટેલે ‘અધર્મ’ કહેવાનું પસંદ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં અનપેક્ષિત ગણાય તેમ પૌત્રીની ઉંમરની કન્યાઓ સાથે નિર્વસ્ત્ર સૂવાના ગાંધીજીના પ્રયોગો સામે કિશોરલાલ મશરૂવાળા સહિતનાએ ભારે ઉહાપોહ મચાવ્યો ત્યારે કેટલીક મહિલાઓએ આશ્રમમાં આવા પ્રયોગો ચાલુ રાખવાનો આગ્રહ સેવેલો. જોકે મહાત્મા ગાંધીના આ પ્રયોગોની વાત સ્વીકારી શકાય તેવી નથી અને એને વિકૃતિ જ લેખવી પડે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના મુખ્ય ગ્રંથપાલ રહેલા ગિરજા કુમારે ગહન અધ્યયનને આધારે ગાંધીજીના બ્રહ્મચર્યના આવા પ્રયોગો વિશે લખેલાં અધિકૃત પુસ્તકો સત્તાકેન્દ્રોનાં વિકૃતિસભર જીવનનો અંદાજ જરૂર આપે છે.

૫) સાદગી અને ગામડાં ભણી પાછા વળો

મહાત્મા ગાંધી બેરિસ્ટર થઈને સ્વદેશ પાછા ફર્યા. મુંબઈમાં વકીલાત ના ચાલી. અદાલતમાં ઊભા રહીને દલીલ કરવા જતાં ટાંટિયા ધ્રુજતા હતા એટલે રાજકોટ પાછા ફર્યા. ભલું થજો અબદુલ્લા શેઠનું કે તેમને કોઈ અરજીઓ લખનારનો ખપ હતો તે મોહનદાસને આફ્રિકે તેડાવ્યા. ત્યાં ગયા પછી મોહનદાસ મહાત્મા બન્યા એટલું જ નહીં, બેરિસ્ટર તરીકેની પ્રેક્ટિસ એટલી ચાલી કે વર્ષે ૮૫,૦૦૦ પાઉન્ડ કમાવા લાગ્યા. ગોરાઓ એમને ત્યાં નોકરી કરતા હતા.

અને આ બધું છોડીને મોહનદાસ આશ્રમ જીવન ભણી વળ્યા. જાન્યુઆરી ૧૯૧૫માં ભારત પાછા ફર્યા અને દેશસેવામાં સમર્પિત થયા. સમગ્ર દેશમાં ગાંધીયુગ બેઠો. આઝાદીની લડતમાં એમનું નેતૃત્વ નેહરુ-સરદાર સહિતના સૌએ સ્વીકાર્યું. આશ્રમજીવન અને ગામડાં ભણી પાછા વળવાના મંત્ર થકી ગાંધીજી છવાઈ ગયા. અસ્પૃશ્યતા નિવારણ માટે એમણે ચળવળ ચલાવી તો ખરી પણ જેમ ઝીણા સાથે અંટસ પડી તેમ બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર સાથે પણ મહાત્માને અંટસ પડી. સ્વભાવગત રીતે ગાંધીજી પોતાનું ધાર્યું કરાવનાર હોવા છતાં ઝીણાને જેમ વડા પ્રધાનપદ ઓફર કરવા સુધી ગયા તેમ ડો. આંબેડકરને પણ સ્વતંત્ર ભારતની પહેલી નેહરુ સરકારમાં સામેલ કરવાનો આગ્રહ પણ તેમનો જ હતો.

જોકે વ્યક્તિત્વોના ટકરાવ થકી ડો. આંબેડકર કે ડો. શ્યામાપ્રસાદ મુકરજી ઝાઝો વખત નેહરુ સરકારમાં ટકી શક્યા નહીં. આઝાદીના થોડા જ સમયમાં ગાંધીજીની હત્યા અને સરદાર પટેલના નિધન પછી નેહરુયુગમાં ગાંધી-સરદારની સાદગી અને ગામડાં ભણી વળવાની નીતિરીતિ વિસારે પડવા માંડી.

૬) ગાંધીવાદ અને ગાંધીવાદીઓ

મહાત્મા ગાંધી હંમેશ કહેતા કે ગાંધીવાદ જેવું કશું નથી. મુશ્કેલી એ છે કે વ્યક્તિ જાય પછી એના નામની સંસ્થાઓ અને સ્મારકો રચાવા માંડે છે. ગાંધીજી અને સરદાર પટેલ બંને સ્મારકો અને પ્રતિમાઓના કટ્ટર વિરોધી હોવા છતાં એમના કથિત અનુયાયીઓએ સ્મારકો અને પ્રતિમાઓમાં એમને સ્થાપિત કરીને પોતાની મક્તેદારી સાબિત કરવા માંડી. ગાંધીવાદીઓએ ગાંધીની હયાતીમાં જે આશ્રમો સ્થપાયેલા હતા કે સંસ્થાઓ સ્થપાયેલી હતી એના સૂત્ર-સંચાલનમાં ગાંધીમૂલ્યોને કે ટ્રસ્ટીશિપના સિદ્ધાંતોને વિસારે પાડીને પોતીકી મિલકતની જેમ એના વહીવટ કરવા માંડ્યા. જાહેર સંસ્થાઓમાં વંશપરંપરા મુજબના સૂત્રધારો સ્થપાતા ગયા.

ગાંધીવાદી મૂલ્યો અને આદર્શો કે રચનાત્મક કાર્યક્રમો અને આશ્રમજીવનના આદર્શો વિધિવિધાન બન્યા. ગાંધીવાદી સંસ્થાઓ ધંધાદારી બનવા માંડી. ગાંધીજીનો આત્મા જાણે કે સ્વર્ગમાં પણ કણસતો હોય એવો માહોલ રચાયો. ગાંધી માત્ર સત્તા સુધી પહોંચવાનો સરળ માર્ગ બની રહ્યા.

કોંગ્રેસના શાસનકાળમાં જ નહીં, બિનકોંગ્રેસી શાસનકાળમાં પણ ગાંધીજીનું નામ વટાવીને સત્તાના ભોગવટાને લંબાવવાનો માર્ગ ટક્યો. ગાંધીના મૂળ આદર્શો કે વિચારો વિસારે પાડવા માંડ્યા. અંધજનની દૃષ્ટિએ હાથી જેવી અવસ્થામાં ગાંધીજી મુકાઇ ગયા. ક્યારેક ગાંધીજીએ સ્વાવલંબનનો આગ્રહ સેવ્યો હતો. ગાંધીવાદી સંસ્થાઓ સરકારી અનુદાનો પર નભતી કે આશ્રિત થતી રહી. ક્યારેક ગાંધીવાદી સમાજવાદના વિચારને ફગાવી દેનાર રાજકીય પક્ષ સત્તામાં આવે ત્યારે એની કને પણ અનુદાન માટે હાથ લાંબો કરીને આર્થિક મદદ કરે એનું દાસત્વ સ્વીકારવાની વિવશતામાં ગાંધીવાદી સંસ્થાઓ મુકાય પછી એમનામાં ગાંધીનું સત્વ ટકે જ ક્યાંથી? આજે આ જ અવસ્થાએ આવીને ગાંધીવાદીઓ અને એમની સંસ્થાઓ ઊભી છે. સ્થિતિ દયનીય છે. ગાંધીનું સ્વાવલંબન હવે ચપણિયાં સાથે નર્તન કરતું જોવા મળે છે.

૭) ભારતમાં ગાંધી અને વિશ્વમાં ગાંધી

અત્યારે ભારતમાં ગાંધીજીની પ્રસ્તુતતાના પ્રશ્નો ઊઠે છે ત્યારે દુનિયાભરમાં ગાંધીજી પ્રસ્તુત હોવાનું અનુભવાય છે. નારાયણ દેસાઈએ પણ ‘મારું જીવન એ જ મારી વાણી’ના અંતિમ ચતુર્થ ખંડ ‘સ્વાર્પણ’માં ગાંધીની વૈશ્વિક પ્રસ્તુતતા અંગે ખાસ્સું લખ્યું છે. અનેક દાખલા પણ આપ્યા છે. આજે માનવજાતિ સામે ઉપસ્થિત કેટલાક મહત્વના પ્રશ્નો નીચે મુજબના છે:

(૧) માણસે વિકસાવેલી ટેકનોલોજીએ એનાં અસ્ત્રશસ્ત્રોને એટલે સુધી વિકસાવ્યાં છે કે કોઈ પણ ક્ષણે એમાંથી મહાયુદ્ધ ફાટી નીકળે કે મહાપ્રલય થઇ શકે એમ છે. (૨) માણસોની આર્થિક અને રાજનૈતિક વ્યવસ્થા આજે એટલી હદે કેન્દ્રિત થઇ છે કે એમાંથી અત્યંત ક્રૂર સરમુખત્યારશાહી કે ભીષણ સામ્રાજ્યવાદ પેદા થઇ શકે એમ છે. (૩) સાધન-શુદ્ધિનો પ્રશ્ન આજે પરમ મહત્વનો બની ગયો છે. ખોટાં સાધનો વાપરવાથી માનવજાત આત્મહત્યા કરી શકે એમ છે અને ખરાં સાધનોની એની શોધ હજી અધૂરી છે. (૪) આજની અર્થવ્યવસ્થા અને બજારવ્યવસ્થા ભાવિ પેઢીઓ પ્રત્યે સાવ બેદરકારી રાખે છે. તે ઝડપભેર સૃષ્ટિનાં સંસાધનોનું ક્ષરણ અને પ્રદૂષણ કરી રહી છે. (૫) માનવતાને આજે મહાયુદ્ધ પોસાય એમ નથી. પરંતુ પૃથ્વીના પટ પર આજે અનેક નાનીમોટી લડાઈઓ ચાલુ છે. આ લડાઈઓ જ મહાયુદ્ધ માટેનું વાતાવરણ પેદા કરી શકે એમ છે. ૬. એક તરફથી માણસે પરમાણુને ફોડીને સૃષ્ટિના ક્રમમાં વિક્ષેપ પાડ્યો છે. બીજી તરફથી એ માણસના રંગસૂત્રો જોડે અડપલાં કરીને સૃષ્ટિના ક્રમમાં વિક્ષેપ નાંખે છે.

આ પ્રશ્નોનો જેટલે અંશે ગાંધીવિચારો યોગ્ય જવાબ આપી શકાશે એટલે અંશે ગાંધીવિચાર આવતી સદીઓ સારુ પ્રાસંગિક બનશે. આ તમામ પ્રશ્નોના પૂરેપૂરા ઉત્તર ગાંધીવિચાર પાસે મોજૂદ હોય જ એવું નથી; પણ ગાંધીવિચાર એ પ્રશ્નોના ઉકેલ લાવવામાં સહાયક જરૂર થઇ શકે. કમસે કામ ઉદ્દીપક (કેટલિસ્ટ)ની ભૂમિકા ભજવી શકે.

ગાંધીવિચારોની આજના સંદર્ભમાં પ્રસ્તુતતાની સમીક્ષા કરતાં એક વાત હંમેશા સ્મરણમાં રહેવી જોઈએ કે ગાંધીજી પોતે એક નિત્યવિકાસશીલ પુરુષ હતા. તેથી આજે જો તેઓ હયાત હોત તો ગઈ કાલે તેમણે કહ્યું હતું તે જ કહેત એમ કહી ન શકાય. તેમણે પોતાનાં લખાણો સંબંધે ચેતવણી આપતાં કહી જ દીધું છે કે:

‘મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં ભલે હું વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાં પાછલાને પ્રમાણભૂત માને.’

મહાત્મા ગાંધી જેવી વિશ્વપ્રતિભાની વાતને થોડાક શબ્દોમાં આવરી લેવાનો યત્ન તો આકાશને છાબમાં સમાવવા જેવું કહી શકાય. જોકે એક સામાન્યકક્ષાની પ્રતિભા સમગ્ર વિશ્વ માટે અનુસરણીય આદર્શ બની શકે એ કંઇ નાની સૂની વાત નથી. મહાત્માએ પોતાના વ્યક્તિત્વને પારદર્શી બનાવ્યું એટલે એમના ગુણ-અવગુણ સૌની નજરે ચડ્યા. એ જીવ્યા પારદર્શી અને પોતે બેરિસ્ટર હોવા છતાં સામાન્ય ગામડિયાની જેમ સાવ સાદગીથી જીવ્યા. અનેક બેરિસ્ટર મહાનુભાવો કે માલેતુજારોને એમણે સર્વસ્વ ત્યાગીને દેશસેવામાં જોતર્યા. ભલભલા રાજકીય શાસકોને એમણે પ્રેમથી વશ કર્યા. સત્ય, અહિંસા અને સત્યાગ્રહની તાકાતનો પરચો બતાવીને દેશને આઝાદ કરવા સુધીની મજલ કાપવામાં બેસુમાર લોકોનો સાથ મેળવી શક્યા. આવા ગાંધી માટે સત્ય એ જ ઈશ્વર હતો. સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ કરવાની પ્રક્રિયા એમને સહજ સાધ્ય હતી અને છતાં સાવ ઓલિયા માણસ તરીકે એ જીવ્યા અને પોતે નહીં કરેલા કૃત્યને કાજે અણસમજ હત્યારાની ગોળીએ મોતને એટલી જ સહજતાથી એ ભેટ્યા. ગાંધીજી જેવાં વ્યક્તિત્વો તો સદીઓમાં ક્યારેક જ જન્મે. આપણે એમના વ્યક્તિત્વને મૂલવવામાં સાવ જ ઉણા ઉતરવાના. (સંપૂર્ણ)

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter