ગુજરાતમાં પરપ્રાંતીયો પરના હુમલા અને હિજરતની નાલેશી

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 09th October 2018 06:22 EDT
 
 

ગુજરાતીઓ દુનિયાભરમાં વસ્યા છે. યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીને ગુજરાતીઓને પહેરેલા લુગડે ભાગવા વિવશ કર્યા હતા, એ કમકમાં આવે એવા દિવસોનું સ્મરણ હમણાં ગુજરાતમાંથી હિંદીભાષી પરપ્રાંતીયો પરના હુમલા અને હિજરતના વાતાવરણે તાજું કર્યું. મહારાષ્ટ્રમાં શિવ સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના થકી દક્ષિણ ભારતીયો, ઉત્તર ભારતીયો અને ગુજરાતીઓને ભગાડવા માટે તેમને પરપ્રાંતીય લેખાવીને કરાયેલા ઘટનાક્રમનો લાંબો ઈતિહાસ છે. ગુજરાતમાં આવું વાતાવરણ નિર્માણ થાય એ જરા નવું લાગે છે.

સાબરકાંઠામાં કોઈ બાળકી પર એકાદ બિહારીએ દુષ્કર્મ કર્યું એટલા માત્રથી તમામ બિહારી કે પરપ્રાંતીય દોષિત થઇ જતાં નથી. દુષ્કર્મના આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. સરકારે એ ખટલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો છે. આમ છતાં, સપ્તાહ સુધી વાતાવરણમાં ગરમાટો રહે છે. હજારો પરપ્રાંતીય ગભરાટ અનુભવીને હિજરત કરી વતન ભણી ભાગે છે. સઘળા બનાવો દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થવાની સાથે જ બને છે.

સરકારી પ્રવક્તાઓ અને સત્તારૂઢ ભાજપના આગેવાનો સફાળા જાગીને સમગ્ર ઘટનાક્રમ માટે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને એમની ઠાકોર સેના પર ઉશ્કેરણીનો આક્ષેપ કરવા માંડે છે. અલ્પેશ બિહાર કોંગ્રેસના સહ-પ્રભારી પણ છે. ગુજરાતના જ કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલ બિહાર કોંગ્રેસના પ્રભારી છે. અલ્પેશ સામેથી પોતે કોઈ ઉશ્કેરણી કર્યાનો નન્નો ભણે છે. ગુજરાતમાં ૨.૫ કરોડ જેટલી વસ્તી ધરાવતા એના ઠાકોર-કોળી સમાજની બાળકી પરના દુર્વ્યવહાર અંગે ન્યાય માટે સરકાર સમક્ષ રજૂઆત કરે છે. સ્વયં અલ્પેશનો દીકરો ગંભીર રીતે બીમાર હોવાને કારણે હોસ્પિટલમાં હોય છતાં એ આંખમાં આંસુ સાથે સદભાવના ઉપવાસ કરવાની જાહેરાત કરી તમામ પરપ્રાંતીય લોકોને હૂંફ આપવા કોશિશ કરે છે. ‘લાશોની રાજનીતિથી સત્તા મેળવનારાઓ’ સામે આક્રોશ ઠાલવતાં રાજકારણને તિલાંજલિ આપવાની વાત પણ અલ્પેશે કરી. ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ તો નામ પાડીને અલ્પેશને દોષ આપે છે, પણ સપ્તાહ કરતાં વધુ સમય થયા છતાં અલ્પેશ સામે કોઈ ફરિયાદ નોંધાતી નથી!

મામલો ગુજરાતના હિતનો છે. ગુજરાતની પ્રતિષ્ઠાનો છે. ગુજરાતના અર્થતંત્રને હાની પહોંચાડનારો છે. ગુજરાતમાં વસતા ૭૦ લાખ જેટલા પરપ્રાંતીયોને ગુજરાતે ક્યારેય પારકા ગણ્યા નથી, પણ આ મુદ્દે રાજકીય ખેલ ચાલે એ ગુજરાત માટે નીચાજોણું કરાવનારો ઘટનાક્રમ છે.

પરપ્રાંતીય નહીં, બધા પોતીકા જ

ગુજરાતના શબ્દકોશમાં હમણાં ઉમેરણ પામેલા શબ્દ ‘પરપ્રાંતીય’ સાથે જોડાયેલા તાજા ઘટનાક્રમે આંચકા આપવાના શરૂ કર્યા છે. સાબરકાંઠાના ઢુંઢરની કોઈ બાળકી સાથે દુરાચાર થયો હોય અને એ દુષ્ટ કૃત્યમાં સંડોવાયેલા નરરાક્ષસને ઝબ્બે કરીને એને કડકમાં કડક સજા આપવાનું કામ સત્તાધીશોનું છે. આવી ઘટનાના મુદ્દે તમામ હિંદીભાષીઓ દોષિત છે, એવું માની લઈને હુમલાઓ થાય તો મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાત માટે લાજવાના સંજોગો જ નિર્માણ થાય. મામલો રાજકીય ખેંચતાણનો નથી. સરકાર અને પ્રજા વચ્ચે સમજણના સેતુ રચીને ભાજપ-કોંગ્રેસના એકમેક પર દોષારોપણ કરવાને બદલે દોષિતોને ઝબ્બે કરવાની કામગીરી થાય અને નેતાઓ વાણીવિલાસ કરવાને બદલે સંયમ જાળવે.

ગુજરાતના બંને મુખ્ય પક્ષોમાં નેતાગીરી કરનારા ગુજરાતી અને બિનગુજરાતી તમામે મળીને આ આગને ઠારવાના પ્રયાસો કરવા ઘટે. કોણે શું નિવેદન કર્યું, એની વાતો કરીને વાતનું વતેસર કરવાને બદલે રાજ્યમાં ફાટી નીકળેલા દાવાનળને શાંત કરવાની પહેલી જવાબદારી સરકાર અને પ્રત્યેક નાગરિકની છે. ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટેભાગે પરપ્રાંતીય આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે.

રાજ્યની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી શિવાનંદ જહા નામના પરપ્રાંતીય અધિકારીને શિરે છે. જહા અને રાજ્ય સરકારના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ પણ બિહારી જ છે. અન્ય રાજ્યોના આ અધિકારીઓને ગુજરાતે ક્યારેય પારકા ગણ્યા નથી. એમની પણ સવિશેષ જવાબદારી થાય છે કે અફવાઓના જોરે રાજ્યભરમાં પરપ્રાંતીય લોકો પર થયેલા હુમલા વધુ આગળ ના વધે. રાજકીય આગેવાનોએ પણ આવા સંજોગોમાં સંયમ જાળવવાની સવિશેષ જરૂર છે. સરકારના ઇન્ટેલિજન્સ વિભાગની નરી નિષ્ફળતા રાજ્યના વિકાસ અને છબિ માટે ઘાતક નીવડે એ ચલાવી લેવાય નહીં. માત્ર નિવેદનશૂર પ્રધાનો કે નેતાઓનાં નિવેદનોનો પ્રજાને ખપ નથી. વાસ્તવમાં સરકારી તંત્રની ધાક હવે રહી નથી એનું આ પરિણામ છે.

હુમલાઓનું નવતર ગતકડું

સામાન્ય રીતે ઉત્તર પ્રદેશ કે બિહારના હિંદીભાષી લોકો પર હુમલાઓ થવાનું નવતર ગતકડું રાજ્યને લજવે એવું છે. એને નાથવાની જવાબદારી રાજ્યના શાસકો અને પ્રશાસકોની છે. કમનસીબે છેલ્લા સપ્તાહના ઘટનાક્રમે ગુજરાતને શિવસેના પ્રમુખ બાળ ઠાકરે અને એમના ભત્રીજા રાજ ઠાકરેની શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) થકી મુંબઈમાં પહેલાં ‘લુંગી પુંગી’ આંદોલન કરીને દક્ષિણ ભારતીયો અને પછી ગુજરાતીઓ કે ઉત્તર ભારતીયોને આતંકિત કર્યા હતા, એવો માહોલ આયાત થયાનું અનુભવાય છે.

બિનગુજરાતીઓ ગુજરાતમાં વસતા હોય, શાંતિથી પોતાનાઓ કામધંધો કરતા હોય અને ગુનાખોરી સાથે સંબંધ રાખતા ના હોય; તો એમને સુરક્ષા પ્રદાન કરવી એ ઊભા ગુજરાતની જવાબદારી બને છે. દુનિયાભરમાં ગુજરાતીઓ વસે છે. ક્યારેક આફ્રિકી દેશોમાં કે અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા થાય અને આપણને ઉચાટ થાય, એવું જ ચિતાનું વાતાવરણ આપણા નિર્દોષ પરપ્રાંતીય બંધુ-ભગિનીઓ પરના હુમલા અને તેમણે ઉચાળા ભરવાની ફરજ પડવાથી થવો સ્વાભાવિક છે.

સેંકડો ધરપકડો છતાં સૂત્રધાર કોણ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીથી લઈને સરકારી તંત્રના તમામે આવા ઘટનાક્રમ પાછળના ભેજાને બેનકાબ કરવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં તો શિવસેના ‘બાહેરચે યેણ્યારે લાંઢ્યે’ (બહારથી આવનારા લોકો) સામે છાસવારે આંદોલન કર્યાં હતાં. છેલ્લે છેલ્લે મનસે થકી બિહારીઓને મારવાના બનાવો બન્યા અને દેશભરમાંથી એમને વખોડવામાં આવ્યા. મુંબઈમાં પરપ્રાંતીયો પર હુમલાઓ કોણ કરતું રહ્યું એ સ્પષ્ટ હોવા છતાં આજ લગી એવા હુમલાઓમાં કોઈને સજા થયાનું જાણમાં નથી.

ગુજરાતમાં આ નવતર ખેલ શરૂ થયા છે. રાજકીય લાભ ખાટવા માટે એ હાથ ધરવાના પ્રયાસો થતા હોવાના આક્ષેપ થવાની સાથે જ સેંકડોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાક્રમ પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે એ જાહેર કરવાની જવાબદારી સરકારની જ છે. માત્ર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વચ્ચે જુગલબંધી ચાલે અને પ્રજા પીડાતી રહે એ શરમજનક માહોલ છે. સરકાર પાસે માહિતી હોય જ અને એણે મુખ્ય સૂત્રધાર કે જવાબદારને જેલભેગા કરીને કાર્યવાહી કરવાને બદલે માત્ર નિવેદનલીલા ચાલુ રાખવામાં તો ગુજરાતને આર્થિક અને નૈતિક રીતે નુકસાન થવું સ્વાભાવિક છે.

આંદોલનકારીઓના ટેકેદારોનાં ચરિત્ર

ગુજરાતમાં આંતરકલહથી મૃતપ્રાય કોંગ્રેસ આંદોલન કરાવવા જેટલી મજબૂત થઇ ગયાના આક્ષેપો થતા રહે છે. પાટીદાર આંદોલન અને ઠાકોર સેનાનું આંદોલન ક્યાંથી પ્રગટ્યું એનું પગેરું સત્તાધીશોએ મેળવી લીધું જ છે. ગુજરાતમાં કોંગ્રેસ બળૂકી થઇ ગઈ હોય તો એ સત્તાસ્થાને હોત. સત્તાસ્થાને તો ભાજપ છે. તંત્ર અને સત્તા એની પાસે છે. કેન્દ્ર એની પાસે છે. કેન્દ્રનું ગૃહ મંત્રાલય એની પાસે છે. ચૂંટણીઓ જીતવા માટે કે મત મેળવવા માટે નિવેદનો કરતા રહેવાને બદલે પગલાં લેવાની જરૂર ખરી. આંદોલનકારીઓનાં પગેરાં સત્તાધીશો ભણીના સંકેત આપતાં હોય તો એમનાં આંદોલન ઠારવાના પ્રયાસ થતા નથી. વાણીવિલાસ હવે બહુ થયા.

રાજ ઠાકરેએ બિહારીઓ સામે જે આંદોલન કર્યું એના થકી હજારો કરોડ રૂપિયાની નુકસાની મહારાષ્ટ્રે ભોગવવી પડી હતી. ગુજરાતને તો એનાથી વધુ નુકસાન થઇ શકે કારણ અત્યાર લગી દત્તા સામંત કે શિવસેનાનાં હિંસક કામદાર સંગઠનોથી ગુજરાત છેટું રહ્યું છે. ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે માત્ર ગુજરાતીઓ જ નહીં, બિનગુજરાતીઓ પણ આવતા રહ્યા છે. આવા સંજોગોમાં જે કોઈ આંદોલનકારી દિલ્હીના આંટા મારીને ભગવો ખેસ ધારણ કરવા તલપાપડ હોય અને એ જ જો આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલો હોય તો પણ ગુજરાતના વિશાળ હિતમાં એને ઝબ્બે કરી પ્રજા સમક્ષ બેનકાબ કરવાની અનિવાર્યતા ઊભી થઇ છે. ગુજરાત મુંબઈ નથી. ગુજરાતમાં ઠાકરેની સેનાને ઝાઝો પ્રતિસાદ ક્યારેય મળ્યો નથી.

ગુજરાત પરંપરાગત રીતે શાંતિથી ઉદ્યોગ ધંધા કરવાવાળી ભોમકા તરીકે જાણીતું રહ્યું છે. આવા સંજોગોમાં ગુજરાતને માથે આવેલી આ નવતર આફતમાં પક્ષાપક્ષીથી પર રહીને સૌ સહયોગ કરે એવી ‘કળકળીચી’(એકદમ વિનમ્રપણે) વિનંતી. અમે પણ બે દાયકા કરતાં વધુ સમય મુંબઈમાં વિતાવ્યો હોવાથી ગુજરાતને બાળ ઠાકરે કે રાજ ઠાકરેની સેનાને હવાલે થતાં બચાવી લેવાની અનિવાર્યતા અમને સુપેરે સમજાય છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter