જમ્મૂ-કાશ્મીર કોકડાના ઉકેલ માટેનું જોખમી પણ આવકાર્ય ઓપરેશન

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 06th August 2019 07:15 EDT
 
 

કાંઈક અણધાર્યું થવાનાં એંધાણ હતાં અને સોમવાર, ૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે ભારતના મુગટમણિ સમાન જમ્મૂ-કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી નાંખવામાં આવ્યું. આતંકવાદગ્રસ્ત આ રાજ્યના આવી શસ્ત્રક્રિયા કરવામાં કેટલાંક જોખમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે વહોર્યા છતાં એમના પગલાને દેશભરમાંથી વ્યાપક આવકારો મળ્યો છે.

રાજ્યમાં અમરનાથ યાત્રા થંભાવી દઈને પ્રવાસીઓ અને અન્ય લોકોને રાજ્ય છોડી દેવા ઉપરાંત વધુ હજારો સૈનિકોની કુમક પાઠવવાનો ભારત સરકારે નિર્ણય કર્યો ત્યારે જ કંઇક નવાજૂની થવાના સંકેત મળી રહ્યા હતા. જોકે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની જમ્મૂ-કાશ્મીરમાં બંધારણના અનુચ્છેદ ૩૭૦ અન્વયે જે વિશેષાધિકાર એને પ્રાપ્ત હતો તેને સમાપ્ત કરવાની ભૂમિકા ઉપરાંત વર્ષ ૨૦૦૨માં કુરુક્ષેત્રમાં મળેલી સંઘની પ્રતિનિધિ સભામાં પસાર કરાયેલા ઠરાવ મુજબ, રાજ્યના ત્રણ મુખ્ય પ્રદેશો જમ્મૂ અને કાશ્મીરને અલગ અલગ રાજ્ય અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની ભૂમિકા લેવામાં આવી હતી. ભાજપની સહોદર વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) થકી ૨૦૦૨માં જ કશ્મીરી પંડિતો માટેના અલાયદા કરિડોર સહિત રાજ્યના ત્રિભાજન ઉપરાંત ચતુર્ભાજનની ભૂમિકા હતી. મોદી-શાહની જોડીએ કર્યું એ સાવ નોખું જ રહ્યું.

ગઈકાલના સાથીઓ કેદમાં

જમ્મૂ-કાશ્મીરના આજના રાષ્ટ્રઘાતક ગણાતા નેતાઓ સાથે મળીને હજુ ગઈકાલ સુધી ભાજપે શાસન કર્યું હતું. મુખ્ય પ્રધાન રહેલાં મહેબૂબા મુફ્તી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી - પીડીપી), પ્રધાન રહેલ સજ્જાદ લોન (જમ્મૂ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ) ઉપરાંત વાજપેયી સરકારમાં વિદેશ રાજ્ય પ્રધાન રહેલા શેખ અબદુલ્લા પરિવારના ઓમર અબદુલ્લા (નેશનલ કોન્ફરન્સ) અત્યારે ભ્રષ્ટાચારી અને ભાગલાવાદી ગણાય છે. એમના સહિતના કાશ્મીરી નેતાઓને પહેલાં નજરબંધ રખાયા અને પછી તેમની ધરપકડ કરાઈ. સ્થિતિ સ્ફોટક બને એ પહેલાં આગોતરાં પગલાં કેન્દ્ર સરકારે લીધાં.

રાજ્યસભામાં ઉતાવળે જમ્મૂ-કાશ્મીર અંગેના વિધેયકને ૧૨૫ વિરુદ્ધ ૬૧ મતથી પસાર કરાવી દેવાયું, પણ આ સંદર્ભમાં સરકારી કવાયત તો ઘણી વહેલી આદરવામાં આવી હશે. કાશ્મીરી નેતાઓને ઓગસ્ટનો પહેલો સોમવાર કાળો દિવસ લાગ્યો, પણ દેશ માટે કેન્દ્રના આ પગલાની કાનૂની કે બંધારણીય આંટીઘૂંટી કરતાં વિશેષ ભાવનાત્મક સમર્થન સહજ બન્યું. કેન્દ્રશાસિત જમ્મૂ-કાશ્મીર અને કેન્દ્રશાસિત લદ્દાખને માટે ગૃહ પ્રધાન શાહે રાજ્યસભામાં જે પ્રકારે શાંતિ અને વિકાસનું ચિત્ર બતાવ્યું, એનાથી પ્રજા રાજી થવી સ્વાભાવિક છે.

પાકિસ્તાન આ પ્રકરણમાં ખાબકવાની કોશિશ કરશે એ અપેક્ષિત હતું, છતાં મોદી-શાહની જોડીની કવાયતને દેશમાંથી જે વ્યાપક સમર્થન મળ્યું એ પછી ઇસ્લામાબાદ માટે કાગારોળ મચાવવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. અમેરિકી ખીલે નાચતું અને ચીનનું ઓશિયાળું પાકિસ્તાન ફરી એક વાર સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાને ગજવે એ સ્વાભાવિક છે.

આઝાદનો કાળો દિવસ

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ગુલામનબી આઝાદે પાંચમી ઓગસ્ટને કાળો દિવસ લેખાવ્યો. કોંગ્રેસના જ એમના સાથી અને કેન્દ્રના પૂર્વ પ્રધાન પી. ચિદંબરમે જ નહીં, હજુ હમણાં જ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ભારત સરકાર વતી પાકિસ્તાનમાં જાસૂસી અને ભાંગફોડના આરોપસર ફાંસીની સજા પામેલા કુલભૂષણ જાધવને જીવતદાન અપાવવામાં સફળ થયેલા ધારાશાસ્ત્રી હરીશ સાળવેને પણ કાનૂની કે બંધારણીય દૃષ્ટિએ જે પ્રકારે આ રાજ્યનું સ્વરૂપ બદલી નાંખવામાં આવ્યું એ સામે વાંધો ઉઠાવ્યો.

પંજાબના કોંગ્રેસી મુખ્ય પ્રધાન અને પતિયાળાના ‘મહારાજા’ કેપ્ટન અમરિંદર સિંહ પણ કેન્દ્ર સરકારે જે રીતે જમ્મૂ-કાશ્મીરનું સ્વરૂપ બદલી નાંખ્યું એને ગેરબંધારણીય ગણાવ્યું છે. રાજ્યમાં ભાજપ સાથે ત્રણ-ત્રણ વર્ષ રાજ કરનાર પીડીપીના સાંસદોએ તો ગૃહમાં વિરોધ નોંધાવવા પોતાના ઝભ્ભાને ફાડવા સુધી જવું પડ્યું. બેશક, જમ્મૂ-કાશ્મીરના સ્વરૂપને બદલવામાં ઉતાવળ કરવામાં આવી છે, પણ મોદી સરકાર માટે રાજ્યમાં આતંકને ખાળવાનું અશક્ય બન્યું હતું ત્યારે લશ્કરી પગલાં લેવા ઉપરાંત આગામી ચૂંટણી જીતવા માટે આ અનિવાર્ય હતું. દેશભરની જનભાવના પણ આ રાજ્યને વિશેષ દરજ્જો સમાપ્ત કરીને મુખ્ય ધારામાં લાવવાના પક્ષે હતી.

વિધાનસભાનું પુનર્ગઠન

કેન્દ્રશાસિત જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકોનું પુનર્ગઠન થતાં પ્રદેશમાં હવે જમ્મૂ-કેન્દ્રિત રાજકારણનો યુગ બેસવાનો. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમી પીડીપી-ભાજપ સરકારના સમારંભમાં મુખ્ય પ્રધાન મુફ્તી મહમ્મદ સઈદ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ સાથે જ રાજ્યના ધ્વજની સાક્ષીએ બેસવું પડ્યું હતું. હવે માત્ર રાષ્ટ્રધ્વજ ફરકશે.

જમ્મૂ-કાશ્મીરની ૮૭ વિધાનસભા બેઠકોને હવે ૧૧૪ સુધી લઇ જવાઈ છે. અત્યાર લગી રાજ્યના લદ્દાખની ૪ વિધાનસભા બેઠકો સહિત ૮૭ બેઠકોની ચૂંટણી થતી હતી. એમાં બહુમતી બેઠકો કાશ્મીર ખીણ પ્રદેશની હતી. પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીરની ૨૪ બેઠકો ખાલી રાખવામાં આવતી રહી છે. નવી વ્યવસ્થામાં પણ ૨૪ બેઠકો ખાલી રહેશે. વિધાનસભાની મુદત ૬ વર્ષને બદલે પાંચ થશે અને કેન્દ્રશાસિત જમ્મૂ-કાશ્મીરને કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસ વિષયક કાયદા ઘડવાનો અધિકાર નહીં રહે.

અત્યાર લગી ભારત સરકારના અમુક કાયદા રાજ્યની વિધાનસભા મંજૂર કરે તો જ લાગુ પડતા હતા, પરંતુ હવે ભારતના તમામ કાયદા અહીં સીધા જ લાગુ પડશે. જમ્મૂ-કાશ્મીરના અલગ બંધારણની સમાપ્તિ થકી રાજ્યને મુખ્યધારામાં લાવવાનું શક્ય બનશે, એવું અપેક્ષિત મનાય છે.

રાજવી પરિવારનો મત

મહારાજા હરિ સિંહના કુંવર અને રાજ્યના સદર-એ-રિયાસત તેમજ રાજ્યપાલ રહેલા કોંગ્રેસી નેતા ડો. કર્ણ સિંહની વર્તમાન કેન્દ્ર સરકારને જમ્મૂ-કાશ્મીરની બાબતમાં કોઈ ઉતાવળિયું પગલું નહીં ભરવાની સલાહ હતી. જોકે આ લખાય છે ત્યાં સુધી ડો. કર્ણ સિંહની નવા ફેરફારો અંગે કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી, પરંતુ વર્ષ ૨૦૧૬માં તેમણે રાજ્યસભામાં કરેલા ભાષણમાં જમ્મૂ-કાશ્મીરના સ્વરૂપને કોઈપણ રીતે બદલવાનો વિરોધ કર્યો હતો. જમ્મૂ-કાશ્મીર ત્રણ પ્રદેશ નથી, પણ એક જ પ્રદેશ છે એ વાત પર એમણે ભાર મૂક્યો હતો. કશ્મીરિયત સાથે જ જમ્મૂઇયત અને લડાખીઝ સંગઠિત છે.

સ્વાભાવિક છે કે મહારાજાના પરિવાર માટે તો પાકિસ્તાને કે ચીને ગપચાવેલો રાજ્યનો પ્રદેશ પણ પોતીકો જ છે. મહારાજા હરિ સિંહ થકી ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ ભારત સાથેના વિલયપત્ર પર હસ્તાક્ષર કરાયા પછી એમના સંપૂર્ણ રજવાડાનો પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે. સંસદમાં એકથી વધુ વખત સર્વાનુમતે જમ્મૂ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ હોવાના ઠરાવ થયેલા છે.

નવાઈ એ વાતની છે કે મહારાજાના વંશજો એમના વિરોધી શેખ અબદુલ્લાના પક્ષમાં પણ રહ્યા છે. ડો. કર્ણ સિંહના નાના કુંવર ‘મિયાં’ અજાતશત્રુ સિંહ નેશનલ કોન્ફરન્સમાં હતા અને ડો. ફારુક અબદુલ્લાની સરકારમાં પ્રધાન પણ રહ્યા. વર્ષ ૨૦૧૪માં જ તેઓ નેશનલ કોન્ફરન્સ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. એમના મોટાભાઈ ‘મિયાં’ વિક્રમાદિત્ય સિંહ મુફ્તી મોહમ્મદ સઈદ અને મહેબૂબા મુફ્તીની પીડીપીમાં જોડાયા હતા. બંને ભાઈ વિધાનપરિષદના સભ્યો પણ હતા, પરંતુ પીડીપી-ભાજપ સરકારનાં સમયગાળામાં મહારાજા હરિ સિંહના જન્મદિવસને રજા જાહેર કરવાના તેમના ઠરાવને ગૃહની મંજૂરી છતાં તેનો અમલ નહીં કરાતાં વિક્રમાદિત્યે પીડીપી અને વિધાનપરિષદ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. પાછળથી તેઓ પોતાના પિતાની પાર્ટી કોંગ્રેસમાં જોડાયા હતા. અજાતશત્રુએ તો વિધાન પરિષદમાં કહ્યું પણ હતું કે તમે જમ્મૂ-કાશ્મીરને ચલાવી ના શકતા હો તો અમને પાછું આપી દ્યો.

ઇતિહાસનું વિકૃતીકરણ

જમ્મૂ-કાશ્મીરના નામે પ્રથમ વડા પ્રધાન અને મૂળે કાશ્મીરી પંડિત એવા પંડિત જવાહરલાલ નેહરુને ભાંડવાની ફેશન પૂરબહારમાં ખીલેલી છે. સ્વયં સરદાર પટેલ મુસ્લિમ બહુલ જમ્મૂ-કાશ્મીરના રજવાડું પાકિસ્તાનમાં જોડાય તો પણ વાંધો ના લેવાના પક્ષના હતા છતાં કાશ્મીરી પંડિત નેહરુની ભાવનાનો આદર કરીને એને ભારતમાં જોડવા કામે વળ્યા હતા અને છેક સુધી એ આ પ્રશ્ને નેહરુની સાથે ને સાથે હતા છતાં ઈતિહાસને વિકૃત કરવામાં રસ ધરાવનારાઓ નેહરુને ભાંડવા માટે જ સક્રિય રહે છે.

દીર્ઘદ્રષ્ટા સરદાર થકી જ આ રજવાડાને ભારત સાથે જોડવા અને જાળવવા માટે બંધારણના અનુચ્છેદ ૩૭૦ (મુસદ્દામાં ૩૦૬-એ)ને બંધારણસભામાં મંજૂર કરવાનો તખ્તો ગોઠવાયો હતો. જોકે રાજનેતાઓ પ્રેરિત અનુકૂળતા મુજબના ઈતિહાસને આગળ વધારનારા દરબારી ઈતિહાસકારો તથ્યોને બદલે રાજકીય અનુકૂળતાઓ મુજબના ઈતિહાસ નવી પેઢીને પીરસવાનું પસંદ કરે છે.

વારંવાર કહેવામાં આવતાં જૂઠાણાં પણ સત્ય મનાઈ જાય એવી ગોબેલ્સવાળી નીતિરીતિ કાશ્મીર કોકડાને વધુ ગૂંચવતી રહી છે. હવે નવા સંજોગોમાં કાશ્મીર સમસ્યાનું સમાધાન મળે એવી અપેક્ષા કરીએ.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter