દક્ષિણ ભારતમાં ભણતરમાં હિંદી સહિતની ત્રિભાષા ફોર્મ્યૂલા બૂમરેંગ થવાનાં એંધાણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 04th June 2019 05:26 EDT
 
 

ક્યારેક અતિઉત્સાહ ઘાતક સાબિત થાય છે: હમણાં કેન્દ્રમાં નવી સરકાર આરૂઢ થતાંની સાથે જ અગાઉની સરકારના માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે તૈયાર કરાવેલા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને આ જ વિભાગના નવા પ્રધાન ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક’ થકી જાહેર કરાયો. એક તો ડો. પોખરિયાલ પોતાની માનદ્ પીએચ.ડી. અને ડી.લિટ. પદવીઓ વિશે વિવાદમાં હતા અને એમાં આ મુસદ્દામાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હિંદી ભાષા દાખલ કરવા સહિતની ત્રિભાષા ફોર્મ્યૂલાએ તો ભારે સંકટ ઊભું કરી દીધું.

હજુ ગયા વર્ષે જ દક્ષિણનાં રાજ્યોને અન્યાયની વાત આગળ કરીને ફરીને અલગ દ્રવિડનાડુનો રાગ આલાપવાનું પસંદ કરનાર દ્રમુકના સુપ્રીમો એમ. કે. સ્ટાલિન જ નહીં, કેન્દ્રના નાણા પ્રધાન રહી ચૂકેલા પી. ચિદંબરમ્, કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને કેરળના સાંસદ શશી થરુરે પણ હિંદીના સંવેદનશીલ મુદ્દાને ઉઠાવી ભારે ઉહાપોહ મચાવવાનું શરૂ કર્યું.

ભાજપમિત્ર અન્નાદ્રમુકની ચોખવટ

સંયોગ પણ કેવો કે તમિળનાડુમાં પગદંડો જમાવવા ભારતીય જનતા પક્ષે મુખ્ય પ્રધાન જે. જયલલિતાના નિધન પછી બે ફાડિયાંમાં વિભાજિત તેમના અન્નાદ્રમુકને પુનઃ એકત્ર કરીને એનું વાલીપણું સ્વીકાર્યા પછી પણ દ્રમુક અને કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં અન્નાદ્રમુક-ભાજપ યુતિનાં તળિયાંઝાટક કરી નાખ્યાં. એટલી હદે કે કન્યાકુમારીની જે બેઠક ભાજપને મળતી હતી એ પણ આ વખતે કોંગ્રેસે છીનવી. આવા સંજોગોમાં મૂળ તમિળનાડુનાં જ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે તત્કાળ બંબાવાળા તરીકે ધસી આવવું પડ્યું. તેમણે દક્ષિણનાં રાજ્યોની પ્રજાને ખાતરી આપવી પડી કે હિંદી ભાષા તેમના માથે ઠોકી બેસાડવાનો કોઈ પ્રયાસ નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં નથી. કેન્દ્રના મુખ્ય સત્તારૂઢ પક્ષના તમિળનાડુના મિત્રપક્ષ અન્નાદ્રમુકના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન ઓ. પનીરસેલ્વમે કહ્યું કે અમારી સરકાર તમિળનાડુમાં હિંદી સહિતની ત્રિભાષી ફોર્મ્યૂલા સ્વીકારતી નહીં હોવા ઉપરાંત માત્ર અંગ્રેજી અને તમિળની દ્વિભાષી ફોર્મ્યૂલાને જ ચુસ્તપણે વળગી રહે છે.

હિંદીવિરોધી હિંસક રાજકારણ

છ દાયકા પહેલાં મદ્રાસ પ્રાંતમાં કોંગ્રેસની સરકારના હિંદીના આગ્રહે હિંસક અથડામણો અને રાજકીય ઉથલપાથલ પેદા કરી હતી. ૧૯૬૭ પછી આ રાજ્યમાં કોઈ પણ રાષ્ટ્રીય પક્ષને બદલે દ્રવિડ પક્ષો જ વારાફરતાં સત્તામાં આવતા રહ્યા છે. એ જોતાં કેન્દ્ર સરકારે તાત્કાલિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાંની ‘બિન-હિંદીભાષી રાજ્યોમાં વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષા ઉપરાંત હિંદી અને અંગ્રેજી એમ ત્રિભાષા ફોર્મ્યૂલા દાખલ કરાશે’ એવી દરખાસ્ત સુધારીને ‘વિદ્યાર્થી ઈચ્છે તે ત્રણ ભાષા છઠ્ઠા કે સાતમા ધોરણમાં ભણાવાશે’ એવો સુધારો કરવો પડ્યો.

હિંદીવિરોધી હિંસક આંદોલન માટે જાણીતા બનેલા આ પ્રદેશના મિજાજને જોતાં નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં કરાયેલા સુધારા દ્વારા ત્રિભાષી ફોર્મ્યૂલામાં સંકેત આપવાનો પ્રયાસ થયો કે દક્ષિણની તમિળ ઉપરાંત બીજી કોઈ ભાષા એટલે કે તેલુગુ, કન્નડ કે મલયાલમ વિકલ્પે ભણવા વિદ્યાર્થી પસંદ કરી શકે. મુસદ્દામાં આ સુધારો કરાતાં સૌથી પહેલાં જાણીતા સંગીતકાર એ. આર. રહેમાને તમિળમાં ટ્વિટ કરીને સૌને જાણ કરી કે ‘તમિળ (નાડુ)માં હિંદી હવે ફરજિયાત નથી. મુસદ્દો સુધારાયો.’

ત્રણ રાજ્યો ભાજપમુક્ત

મામલો બહુ શાંત પડે તેમ નથી. ત્રિભાષી ફોર્મ્યૂલાએ સૂતા સાપ જગાડવાનું કામ કર્યું છે. એની આગની ઝાળ દક્ષિણનાં રાજ્યોમાં જ નહીં, છેક મહારાષ્ટ્રમાં પણ અનુભવાઈ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ફાયરબ્રાન્ડ વડા રાજ ઠાકરે પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે: ‘હિંદી અમારી માતૃભાષા નથી. એટલે અમારી પર લાદીને ઉશ્કેરશો નહીં.’ વિદેશપ્રધાન જયશંકરે કેન્દ્ર સરકાર તમામ ભાષાઓનો આદર કરે છે એવી સ્પષ્ટતા કર્યાં પછી પણ દક્ષિણનાં રાજ્યો પર અને ખાસ કરીને તમિળનાડુ પર હિંદી લાદવામાં આવ્યાનો ઉહાપોહ છે. અભિનેતા અને રાજનેતા કમલ હાસન પણ હિંદીના વિરોધમાં મેદાનમાં આવી ગયા છે.

આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાંથી ભાજપને લોકસભાની એક પણ બેઠક ના મળે એ વાત મોવડીમંડળને કઠવી સ્વાભાવિક છે. જે બેઠકો હતી એ પણ ગઈ એટલે ઉત્તરનાં રાજ્યોના ભવ્યાતિભવ્ય વિજય પછી ય આ વાતનો ખટકો રહે જ. હિંદીનો મુદ્દો નવા વિવાદ સર્જે છે. એની પાછળ ભાજપ-આરએસએસની યોજના જોવામાં આવે છે. પશ્ચિમ બંગાળ પર ભગવો લહેરાવવાનો સંકલ્પ કરનાર ભાજપ દક્ષિણમાં મૂળ મરાઠી એવા તમિળ સુપરસ્ટાર રજનીકાંત (શિવાજીરાવ ગાયકવાડ)ને મનાવીને કે તેમનો સાથ લઈને બમણા જોરથી અશ્વમેધ આદરવા માંગે છે.

દક્ષિણને અન્યાયની અનુભૂતિ

મહાત્મા ગાંધી, સરદાર પટેલ કે પંડિત નેહરુ સહિતના નેતાઓ હિંદી-હિંદુસ્તાનીને રાષ્ટ્રભાષા કરવાના આગ્રહી હતા. ડો. બાબાસાહેબ આંબેડકર સાથે બંધારણસભાના કેટલાક દક્ષિણ ભારતીય અને મુસ્લિમ સભ્યોએ સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્તાવિત કરી હતી. ડો. રામમનોહર લોહિયા જર્મનીમાં પોતાનો પીએચ.ડી.નો મહાનિબંધ જર્મનમાં લખ્યા પછી ય હિંદીમાં જ સરકારી કામકાજના આગ્રહી રહ્યા. મુલાયમ સિંહ યાદવ જેવા એમના શિષ્યો પણ. જોકે ઈઝરાયલમાં મૃત ભાષા હિબ્રુને જીવંત કરી રાષ્ટ્રભાષા કરાઈ, પણ ભારતમાં આઝાદીના સાત દાયકા વીત્યા છતાં ના તો દેશનું કોઈ યોગ્ય નામકરણ થઇ શક્યું છે કે ના રાષ્ટ્રભાષા નક્કી થઇ છે. સ્વદેશી શાસનકાળમાં હજુ હિંદી રાષ્ટ્રભાષા થઇ શકી નથી. દેશનું નામ પણ ‘ઇન્ડિયા ધેટ ઈઝ ભારત’માંથી ભારત થઇ શક્યું નથી.

બંધારણના પરિશિષ્ટ-૮માં સમાવાયેલી દેશની ૨૨ ભાષાઓ માત્ર રાજભાષાઓ હોવા છતાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તો પોતાનાં ભાષણોમાં હિંદીને રાષ્ટ્રભાષા ગણાવે છે! દક્ષિણનાં રાજ્યોને હિંદી ભણાવવાનો આગ્રહ રાખનારાં ઉત્તર ભારતનાં હિંદીભાષી રાજ્યોમાં દક્ષિણની કોઈ ભાષા ભણાવવાનો ના તો આગ્રહ સેવાય છે કે ના મહારાષ્ટ્ર (મુંબઈ-નાગપુર) કે જમ્મૂ-કાશ્મીર (શ્રીનગર-જમ્મૂ)ની પેટર્ન પર નવી દિલ્હી ઉપરાંતની દક્ષિણ ભારતમાં દેશની કોઈ ઉપ-રાજધાની બનાવવામાં આવે છે. દક્ષિણનાં રાજ્યોને ઉત્તર થકી કાયમ શાસિત થવાનો અનુભવ તેમનામાં આક્રોશ અને અલગતાનો ભાવ પ્રેરે નહીં, એની સવેળા રાષ્ટ્રીય તકેદારી કેળવવાની જરૂર છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter