પ્રતિષ્ઠિત ભારતીય યુનિવર્સિટીઓના નામાંતર માટે ઉધામા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 10th October 2017 07:08 EDT
 
 

પોતાની શતાબ્દીની ઊજવણીને આરે આવીને ઊભેલી ભારતની બે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનાં નામ બદલવાનું રાજકારણ જોરમાં છેઃ જાહેર જનતા અને રાજા-રજવાડાં કનેથી ધન એકઠું કરીને મહામના પંડિત મદન મોહન માલવિયાએ ૧૯૧૫માં સ્થાપેલી બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ) અને લોકનિધિમાંથી સર સૈયદ અહમદ ખાનના પ્રયાસોથી ૧૯૨૦માં સ્થપાયેલી અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અનુક્રમે ‘હિંદુ’ અને ‘મુસ્લિમ’ શબ્દ કાઢીને ભારત સરકારની યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) સંસ્થા આ બંને સંસ્થાઓને ધર્મનિરપેક્ષ (સેક્યુલર) વાઘા પહેરાવવા કૃતસંકલ્પ છે.

હમણાં યુજીસીએ કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયના આગ્રહને પગલે દેશની ૧૦ પ્રતિષ્ઠિત અને કેન્દ્રીય યુનિવર્સિટીઓના આર્થિક વ્યવહારના ઓડિટ માટે ૨૫ એપ્રિલ ૨૦૧૭ના રોજ પાંચ સમિતિઓ નિયુક્ત કરી હતી. ‘શેઠ કરતાં વાણોતર ડાહ્યો’ જેવી ઉક્તિને સાર્થક કરતાં જે તે શિક્ષણ સંસ્થાના આર્થિક વ્યવહારમાં ગેરરીતિઓનો અહેવાલ આપવાના નિર્દેશ છતાં સમિતિઓના અહેવાલમાં ઉપરોક્ત બંને યુનિવર્સિટીનાં નામાંતર કરવા અને તેમના નામમાંથી ‘હિંદુ’ અને ‘મુસ્લિમ’ શબ્દ દૂર કરવાની ભલામણ કરવા ઉપરાંત એએમયુના ઉપકુલપતિની નિયુક્તિ માટેની પ્રવર્તમાન પ્રક્રિયાને બદલે એ કાર્યવાહી સરકાર હસ્તકની સમિતિને સુપરત કરવાની ભલામણ કરીને સંબંધિત બંને કેન્દ્રીય યુનિવર્સિટીઓની સ્વાયત્તતાને સમાપ્ત કરવાની દિશામાં પગલાં લેવાનો અહેવાલ આપ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠની સ્વાયતત્તા પણ સમાપ્ત થવાનું હવે હાથવેંતમાં જ છે.

જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલાનું સ્વપ્ન

મૂળ કચ્છના મર્ચન્ટ પરિવારના મુંબઈનિવાસી જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા નેહરુ સરકારમાં અને ઈંદિરા સરકારમાં કેબિનેટ પ્રધાન પણ રહ્યા છે. એ પહેલા તેઓ મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. જસ્ટિસ ચાગલા કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નહોતા છતાં એમની પ્રતિભાને કારણે નેહરુ સરકાર અને ઈંદિરા સરકારમાં પ્રધાનપદ સહિતના હોદ્દે રહ્યા. જોકે, ઈંદિરા ગાંધીએ ૧૯૭૫-૭૭ દરમિયાન ઈમર્જન્સી લાદીને નાગરિક અધિકારોને કુંઠિત કર્યા ત્યારે એની સામે પણ તેઓ જંગે ચડ્યા હતા. ૧૯૮૦માં ભારતીય જનતા પક્ષના મુંબઈમાં યોજાયેલા પ્રથમ અધિવેશનમાં આશીર્વાદ આપીને ભાજપને ભવિષ્યની રાજકીય પાર્ટી લેખાવવામાં પણ જસ્ટિસ ચાગલાએ સંકોચ કર્યો નહોતો.

જસ્ટિસ ચાગલાએ પોતાનાં સંસ્મરણ ‘રોઝીઝ ઈન ડિસેમ્બર’માં નોંધ્યું છે કે (શિક્ષણ) પ્રધાન તરીકેના મારા સમયગાળામાં બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ)નો કાનૂન સંસદમાં ચર્ચા માટે આવ્યો ત્યારે એમાંથી ‘હિંદુ’ શબ્દ દૂર કરવા માટે મેં વિનવણી કરી હતી. સાથે જ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના કાયદાની વિચારણા વેળા તેમાંથી ‘મુસ્લિમ’ શબ્દ દૂર થાય એ માટેની મારી કોશિશ રહેશે, એવી ખાતરી મેં સંસદને આપી હતી. કાયદામાં સુધારા માટેનું વિધેયક સિલેક્ટ કમિટી સમક્ષ ગયું, પણ એ મુજબના મતની ભલામણ કરાવવામાં અમે થોડાકમાં જ નિષ્ફળ રહ્યા. વિધેયક જ્યારે રાજ્યસભામાં વિચારણા માટે આવ્યું ત્યારે મારા મતનો આદર કરીને ગૃહે પંડિત મદનમોહન માલવિયાની સેવાઓની કદર કરીને એમનું નામ યુનિવર્સિટી સાથે જોડવા સંમતિ આપી.

લોકસભામાં જ્યારે આ વિધેયક ગયું ત્યારે મુશ્કેલી સર્જાઈ. બનારસમાં હિંસક આંદોલન ફાટી નીકળ્યું અને લોકસભામાં પ્રભાવી લોબી જૂના નામને જ જાળવી રાખવાના મતની હતી એટલે એ સંદર્ભે લોકસભાએ નિર્ણય કર્યો અને આખરે રાજ્યસભાએ પણ લોકસભાએ મંજૂર કરેલા વિધેયકને મંજૂર રાખવું પડ્યું. લોકસભાએ ભલે ‘બનારસ હિંદુ યુનિવર્સિટી’ નામ જ ચાલુ રાખ્યું, પરંતુ ચાગલા તો પોતાના મત પર છેક સુધી અડગ જ હતા. જોકે, બંને ગૃહોના નિર્ણય સામે એ વિવશ હતા, પરંતુ ‘ભારતમાં મુસ્લિમો લઘુમતીમાં નથી’ એવું સંયુક્ત રાષ્ટ્રલમાં નેહરુ સરકારના પ્રતિનિધિ તરીકે કહેવાની હિંમત દાખવનાર જસ્ટિસ ચાગલા છેલ્લે સુધી અંગત રીતે માનતા રહ્યા હતા કે ‘હિંદુ’ અને ‘મુસ્લિમ’ બંને શબ્દો યુનિવર્સિટીઓનાં નામોમાંથી દૂર કરાવા જોઈએ. એમનો મત હતો કે સંસદમાં સભ્યો વ્હીપ (પક્ષના આદેશ મુજબ મતદાન કરવા) આપવાને બદલે મુક્ત મને મત આપવાની મોકળાશ બક્ષવામાં આવી હોત તો એમના મત મુજબ જ ‘હિંદુ’ અને ‘મુસ્લિમ’ બંને શબ્દો દૂર થઈ શક્યા હોત!

માલવિયાજીની દૃષ્ટિએ ભારત માત્ર હિંદુઓનો નહીં

કમનસીબે ભારતીય શાસકો કે વિપક્ષો ધાર્મિક દૃષ્ટિએ જ દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને મૂલવવા કે તેમના નામમાં ફેરફાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોય ત્યારે બનારસ હિંદુ યુનિવર્સિટીના સંસ્થાપક અને કોંગ્રેસ તથા હિંદુ મહાસભાના બબ્બે વાર રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા પંડિત મદન મોહન માલવિયાજીના શબ્દોને ભાગ્યે જ કોઈ કાન દે છે. માલવિયાને નામે રાજકારણ ખેલનારાઓએ બીએચયુની સત્તાવાર વેબસાઈટ પર અંકિત પંડિતજીના કથનને ફરી ફરી વાંચીને પચાવવાની જરૂર છે. મહામના પંડિત મદન મોહન માલવિયાના એ અંકિત શબ્દો છેઃ ‘ભારત એ કાંઈ માત્ર હિંદુઓનો દેશ નથી. આ દેશ તો મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને પારસીઓનો પણ છે. ભારતમાં વસતા અલગ અલગ કોમના લોકો પારસ્પારિક સદભાવના અને એખલાસથી રહેતા હોય ત્યારે જ એ શક્તિશાળી બને અને વિક્સી શકે.’

બનારસ હિંદુ યુનિવર્સિટીને હિંદુઓની અને અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીને માત્ર મુસ્લિમોની ગણાવવા જતાં ઘણાં જોખમ વહોરવામાં આવતાં હોવાનું રખે ચૂકાય. ધર્મ અને નાતજાતના વાડાઓમાંથી બહાર આવીને વિચારીને જ શાસન કરવામાં ગનીમત છે. કમનસીબે ધાર્મિક વિખવાદને ધોરણે અને ધાર્મિક દૃષ્ટિએ સંસ્થાઓ અને પ્રજાને વહેંચીને તડાં પાડવાનું રાજકારણ ખેલવામાં લાભ ખાટી જનારાઓ દેશનું કેટલું મોટું નુકસાન કરે છે એ સમજી લેવાની જરૂર ખરી.

એએમયુ અને જામિયા મિલિયા ભણી ગોરડિયા દ્વેષ

ક્યારેક ભારતીય જનતા પાર્ટીના ગુજરાતી સાંસદ રહેલા ચાના વેપારી અને બલરાજ મધોકના નિધન પછી જનસંઘના એકમેવ નેતા એવા પ્રફુલ્લ ગોરડિયાએ તો અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઈસ્લામિયા જેવી દેશની બંને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને ‘પાકિસ્તાનના સર્જન માટે જવાબદાર’ ગણાવા સુધી જવાનું પસંદ કર્યું હતું. ઈતિહાસને વિકૃત રીતે રજૂ કરવાથી આવાં તારણ મળવાં સ્વાભાવિક છે.

ગોરડિયા વીસરી જાય છે કે અલિગઢ અને જામિયા બેઉ સાથે અનેક ભારતીય સ્વાતંત્ર્ય સૈનિકોનો ઘનિષ્ઠ સંબંધ આવ્યો. મોહમ્મદ અલી ઝીણાએ પોતાના વસિયતનામામાં અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે અમુક દાન ફાળવ્યું હતું એટલે દાતાની તક્તી અહીં મૂકાય એ સામે ઘણા ટૂંકી દૃષ્ટિના લોકોને વાંધો હોઈ શકે, પણ એ ભૂલી જાય છે કે બીએચયુ અને એએમયુ બંને ભારત-પાકિસ્તાન અલગ થયાં એના ઘણાં દાયકા પહેલાં સ્થપાઈ હતી. ભાજપી મુખ્ય પ્રધાન સાહિબ સિંહ વર્મા પણ અલિગઢના પ્રોડક્ટ છે અને જમ્મૂ-કાશ્મીરના મુખ્ય પ્રધાન રહેલા શેખ અબ્દુલ્લા પણ. ભારતરત્ન ખાન અબ્દુલ ગફાર ખાન અને રાષ્ટ્રપતિ રહેલા ડો. ઝાકિર હુસૈન પણ એએમયુમાં જ ભણ્યા!

વંચિતોને શિક્ષણની શ્રેષ્ઠ સુવિધાઓ

ભાજપના વડપણવાળી કેન્દ્ર સરકાર એક બાજુ ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નો નારો આપે છે. અને બીજી બાજુ, મુસ્લિમો માટે ૫૦ ટકા બેઠકો અનામત રાખીને ભણવાની સગવડ આપતી અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના લઘુમતી દરજ્જાને દૂર કરવાનો આગ્રહ સેવે છે. કેન્દ્ર સરકાર થકી અનુદાન પ્રાપ્ત બીએચયુ અને એએમયુ બેઉને શૈક્ષણિક ક્ષેત્રે સુવિધા સંપન્ન બનાવીને વંચિતોને શિક્ષણનો વધુ લાભ મળે એ દિશામાં પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. ત્યાં હિંદુ-મુસ્લિમનાં રાજકારણ ન જાણે ક્યાં સુધી ચાલતાં રહેશે?

ભારત હિંદુ રાષ્ટ્ર નથી. માત્ર મહાત્મા ગાંધી અને વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ જ નહીં, સરદાર પટેલ અને ડો. બાબા સાહેબ આંબેડકરે પણ ભારતને હિંદુ રાષ્ટ્રમાં ફેરવવા સામે સદૈવ લાલ બત્તી ધરીને પંડિત મદનમોહન માલવિયાએ ઉચ્ચારેલા શબ્દોનું જ ફરી ફરીને રટણ કર્યું છે. આવશક્યતા તો ‘સબ કા સાથ સબ કા વિકાસ’ની છે. પ્રત્યેક ભારતવાસીને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળે એવી વ્યવસ્થા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરે એવી જનસામાન્યની અપેક્ષા છે, ત્યારે ધાર્મિક વિતંડાવાદનાં રાજકારણ મોદીને અભિપ્રેત વિકાસ મોડેલના અમલમાં અવરોધ સર્જે એ સ્વાભાવિક છે.

યુજીસી સમિતિની નામાંતર ભલામણમાં વિવાદ

યુજીસીની સમિતિએ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ને એનાં બીજ રોપનાર સર સૈયદ અહમદ ખાનનું નામ આપવાની પણ ભલામણ કરી છે. એ જ ભૂમિકા પર બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ) સાથે પંડિત મદનમોહન માલવિયાનું નામ જોડવાની દરખાસ્ત સંસદમાં ફરી એક વાર આવી શકે. જસ્ટિસ ચાગલાના વખતમાં ભલે એ મંજૂર ના થઈ હોય, મોદીયુગમાં એ જરૂર મંજૂર થઈ શકે. આમ પણ વડા પ્રધાન મોદી બનારસના સાંસદ છે અને મહામના એમના આરાધ્ય પુરુષ છે. જોકે, ભારે વિવાદ તો અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીને સર સૈયદ અહમદ ખાન નામ આપવા બાબત થઈ શકે, કારણ સંઘપરિવાર અને જનસંઘ-ભાજપની નેતાગીરી સર સૈયદ અહમદ ભણી ભારે નફરત ધરાવે છે અને એમને ભાગલાનું માનસ પ્રેરનાર લેખાવે છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
 અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter