પ્રિયદર્શિની નેહરુ-ગાંધી પછી પ્રિયંકા ગાંધી-વાડ્રાનું અવતરણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 12th February 2019 06:44 EST
 
 

છેલ્લે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કનેથી ત્રણ મહત્વનાં રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ છીનવી લેવામાં સફળ રહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યકર્તાઓમાં ચેતનાનો નવસંચાર થઇ રહ્યો હતો. હવે રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા સક્રિય રાજકારણમાં પ્રવેશ્યાં એટલે ઉત્તર પ્રદેશમાં રાજકારણ નવા હિલોળા લેવાનું સ્પષ્ટ થઇ ગયું છે.

૧૧ ફેબ્રુઆરીએ ભાજપ શાસિત રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં રાહુલ, પ્રિયંકા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના ૧૪ કિલોમીટર લાંબા રોડ-શોમાં ઉમટેલી જનમેદની આવતા દિવસોમાં કંઈક આસમાની સુલતાનીનાં એંધાણ જરૂર આપે છે. વર્ષ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ભારે જનસમર્થન મળ્યું હતું. જોકે મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની આંધીએ ભાજપનો ભગવો લહેરાવ્યો અને પ્રદેશની ૮૦ બેઠકોમાંથી મોદીના ભાજપ અને મિત્રપક્ષને ૭૩ બેઠકો મળી હતી. લોકસભામાં ભાજપને ૨૮૨ બેઠકો મળી એ ત્રણ દાયકા પછી કોઈ એક પક્ષને બહુમતી હતી.

જોકે એ પછી ભાજપ અને મિત્ર પક્ષોની વિધાનસભા ચૂંટણીઓમાં વિજયપતાકા લહેરાતી રહી, પરંતુ લોકસભાની પેટા-ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો હારતા રહ્યા. એટલી હદ સુધી કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને એમના નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યની લોકસભા બેઠકો પણ ભાજપ જીતી શક્યો નહોતો. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે લોકસભામાં ભાજપ પોતાની રીતે બહુમતી ગુમાવી ચુક્યો છે. એની સભ્યસંખ્યા ૨૮૨માંથી ઘટીને ૨૬૬ થઇ ગઈ છે અને કેટલાક સાથી પક્ષો સાથ છોડી ગયા છે. બીજા કેટલાક રૂસણે છે. લોકસભાની ચૂંટણીની માર્ચ મહિનામાં જાહેર થયા પછી આયારામ-ગયારામનાં ઘણાં દૃશ્યો જોવા મળશે.

પરાજયની પરંપરા પછી વિજય ભણી

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી દરમિયાન ‘પપ્પૂ’ તરીકે ભાજપ થકી પ્રચારિત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પરિપકવ નવતર વ્યક્તિત્વનો પરિચય મળ્યો. કોંગ્રેસ પક્ષના મહારથી શંકરસિંહ વાઘેલાએ દગો દીધા પછી પણ વિધાનસભામાં કોંગ્રેસ મજબૂત બની હતી. એ પછી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કર્ણાટક વિધાનસભાની મે ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવામાં વિધાનસભામાં ‘બિગ-બ્રધર’ હોવા છતાં સરકારમાં નાના ભાઈની ભૂમિકા સ્વીકારીને વિપક્ષી એકતાના મહાગઠબંધનને મજબૂત બનાવવા પોતે વડા પ્રધાનપદના ઉમેદવાર નહીં હોવાનું પણ રાહુલે જાહેર કરવાનું પસંદ કર્યું.

જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપી સેના પ્રચારિત કરવા કામે વળી છે કે રાહુલ ખોટ્ટાડા છે અને કોંગ્રેસના અધ્યક્ષની નિષ્ફળતાને પગલે પ્રિયંકાને પક્ષનાં મહામંત્રી બનાવવાં પડ્યાં છે. જોકે રાહુલ અને પ્રિયંકા તેમજ તેમના પક્ષના આગેવાનો ધીરગંભીર જણાય છે. કમરપટ્ટા નીચે (બિલો ધ બેલ્ટ) વાર પર વાર થયા કરતા હોય તો પણ ગજગામી ચાલે પોતાના મિશન તરફ આગળ વધી રહેલા રાહુલ ગાંધી ભગવી બ્રિગેડમાં ચિંતાનો સંચાર જરૂર કરી રહ્યા છે.

છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ લોકસભામાં માત્ર ૪૪ બેઠકો મેળવી શકી હતી, એ મે ૨૦૧૯માં સત્તામાં આવે કે ના આવે, પણ આ ચૂંટણીમાં એનો દેખાવ સુધારશે, એવું તો હવે ભાજપવાળા પણ કબુલતા થયા છે. કોલકાતાના પોલીસ કમિશનર અને મૂળ ઉત્તર પ્રદેશના રાજીવ કુમારના બંગલે સીબીઆઈના અધિકારીઓને પાઠવાયાને પગલે પશ્ચિમ બંગાળમાં જે ઘટનાક્રમે આકાર લીધો એ પછી તો વિપક્ષી એકતા માટે નવી તક મળ્યાનું અનુભવાય છે. પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પ્રભારી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રભારી બનાવાયા પછી સમાજવાદી પાર્ટી - બહુજન સમાજ પાર્ટીના જોડાણમાં કોંગ્રેસને સામેલ કરવાની નવી પહેલ જોવા મળી. કારણ કોંગ્રેસ તમામ ૮૦ બેઠકો લડે તો સપા-બસપાના જોડાણને ફટકો પડે.

ઇન્દિરા અને પ્રિયંકામાં ઘણો ફરક

હરખપદૂડા કોંગ્રેસીઓને પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીનાં દર્શન થવા માંડે એ સ્વાભાવિક છે. કારણ ચહેરેમ્હોરે પ્રિયંકા પોતાનાં દાદી જેવાં લાગે છે, પણ જરૂરી નથી કે વર્તમાન રાજકારણમાં એ પ્રિયદર્શિની નેહરુ-ગાંધી જેટલાં કાબેલ અને બાહોશ સાબિત થાય. શ્રીમતી ગાંધી પોતાના પિતાના માર્ગદર્શનમાં રાજકીય અને રાજદ્વારી પાઠ શીખીને તૈયાર થયાં હતાં. રાહુલ કે પ્રિયંકાને પોતાના વડા પ્રધાન પિતા રાજીવ ગાંધીના માર્ગદર્શનમાં એ રીતે તૈયાર થવા જેટલો અવસર મળ્યો નહીં. ઇન્દિરા વડાં પ્રધાન રહ્યાં અને એમની ૧૯૮૪માં હત્યા થઇ એને પગલે કોંગ્રેસના સાંસદ રાજીવ ગાંધીને વડા પ્રધાન થવાની તક મળી તો ખરી, પણ ૧૯૯૧માં ફરીને વડા પ્રધાન થવાનો અવસર આવવામાં હતો ત્યાં જ તેમની પણ હત્યા થઇ હતી.

ઘરમાં બબ્બે હત્યાઓ થયા પછી માતા સોનિયાને ઉચાટ રહેવો સ્વાભાવિક હતો. એમણે પણ રાજકારણમાં અનિચ્છાએ જ આવવાનું પસંદ કર્યું હતું. એમના માટે ૨૦૦૪માં વડા પ્રધાન થવાની તક આવી ત્યારે એ જન્મે ઇટાલિયન હોવાની વાત કાળોતરો થઈને આડી આવી અને એમણે ડો. મનમોહન સિંહને વડા પ્રધાન બનાવવાનું પસંદ કર્યું હતું. વર્ષ ૨૦૦૯માં પણ કોંગ્રેસના વડપણ હેઠળના મોરચાની મનમોહન સરકાર રચાઈ.

જોકે સમગ્ર ગાંધી પરિવારે દાયકાઓ સુધી ઘણાં મહેણા સાંભળવાના પ્રસંગો આવ્યા. નવાઈ એ વાતની હતી કે પંડિત નેહરુ બેરિસ્ટર થયા પછી તેમના પરિવારમાં સૌપ્રથમ સ્નાતક કે એમ.ફિલ. થનાર રાહુલ હતા. એ પછી એમના પિતરાઈ ફિરોઝ વરુણ ગાંધી એમ.એ. થયા અને બહેન પ્રિયંકા પણ એમ.એ. સુધી ભણી. બંને ભાઈઓ લંડનમાં ભણીને ઊંચી પદવી લઇ આવ્યા.

વિધિની વક્રતા કેવી કે ઇન્દિરા અને ફિરોઝ ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી ૧૯૮૦માં જ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને તેમનાં પત્ની મેનકા ગાંધી અને પુત્ર ફિરોઝવરુણ ગાંધી અત્યારે ભાજપમાં છે. મેનકા કેન્દ્રમાં પ્રધાન છે. ભાજપી સાંસદ ફિરોઝવરુણ કોંગ્રેસમાં પાછા ફરવાની અટકળો ચાલે છે.

સોનિયાની નિવૃત્તિ, રાયબરેલીમાં પ્રિયંકા

પ્રિયંકા સામાન્ય રીતે પોતાનાં માતા સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલી અને ભાઈ રાહુલના મતવિસ્તાર અમેઠીને સંભળાતાં રહ્યાં છે. સામાન્ય લોકો સાથે એમનો સંબંધ ખૂબ જ નિકટનો છે. શ્રીમતી સોનિયા ગાંધી કોંગ્રેસના વડપણવાળા યુપીએનાં અધ્યક્ષા છે પણ તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી આગામી લોકસભા ચૂંટણી પ્રિયંકા જ રાયબરેલીમાંથી લડે એવી ચર્ચા શરૂ થઇ ગઈ છે. આવા જ સંજોગોમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ છેલ્લાં પોણા ચાર વર્ષ સુધી રાહુલ, સોનિયા કે તેમના જમાઈ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ઝાઝી કાર્યવાહી કરીને જેલ ભેગાં કરવામાં નિષ્ફળ રહી હોવાથી હવે પ્રિયંકા-પતિ રોબર્ટ વાડ્રાની કલાકો સુધી દિલ્હી અને જયપુરમાં તપાસ ચાલે છે. કોઈ ખટલાઓમાં તેઓ ફસાય અને એનો લાભ ભાજપને આગામી ચૂંટણીમાં મળે એ માટે ભાજપના તમામ પ્રવક્તાઓ જ નહીં, ખુદ વડા પ્રધાન મોદી પણ સરકારી કાર્યક્રમોમાં બેફામ નિવેદનો કરી રહ્યા છે.

જોકે સમગ્ર વિપક્ષને ભ્રષ્ટાચારી ગણાવવાની વડા પ્રધાન અને તેમના પક્ષની આક્રમકતા સામે સવાલો એ ઊઠે છે કે તો ભ્રષ્ટ નેતાઓને સાડા ચાર વર્ષ દરમિયાન જેલભેગા કેમ ના કરાયા અને ચૂંટણી માથે છે ત્યારે જ આ ઉપાડો કેમ લીધો છે? વળી, વડા પ્રધાન અને એમના પક્ષના આવા વલણને કારણે તેઓ વિપક્ષોની એકતાને ‘મહામિલાવટ’ કહીને જેટલું વધારે ભાંડે છે એટલા વધુ વિપક્ષો સંગઠિત થઇ રહ્યા છે.

વિપક્ષી નેતાઓ તો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યાં છે કે વડા પ્રધાન અને કેન્દ્ર સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વિપક્ષના અવાજની કચડવાની કોશિશ કરે છે. આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થતાં જ બધું નીરક્ષીર થવા માંડશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter