ફક્કડ ગિરધારી સરદાર પટેલની જેલ ડાયરીનાં પાનાં

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 23rd October 2018 04:26 EDT
 
 

છેલ્લાં કેટલાંય વર્ષોથી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન પર સંશોધન કરતાં આ રાષ્ટ્રનાયકનાં ઓછાં જાણીતાં પાસાં શોધવાની ખેવના ખરી. હજુ ઘણા વિદ્વાનો સરદારનું બિરુદ મહાત્મા ગાંધીએ બારડોલી સત્યાગ્રહ વેળા આપ્યાનું ગજવે છે, ત્યારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પીએચ.ડી. સંશોધકે બારડોલી ક્ષેત્રના અકોટી ગામનાં ભીખીબહેને સૌપ્રથમ ‘સરદાર’ તરીકે વલ્લભભાઈને સંબોધ્યાનું શોધી કાઢ્યાનું સ્મરણ થયા વિના રહેતું નથી.

‘બિચ્ચારા બાપડા’ વલ્લભભાઈને વડા પ્રધાન નહીં બનાવીને મહાત્મા ગાંધીએ ભારે અન્યાય કર્યાની કથાઓ આગળ કરીને પોતાનાં રાજકારણ ચમકાવનારાઓની સરદારના અનુજ એવા પંડિત જવાહરલાલ નેહરુને ભાંડવાના સન્નિપાતની હવા તો છેક ૧૯૨૯થી તે સરદાર જીવ્યા ત્યાં લગી એમનાં અંગત સચિવ તરીકે પડછાયો બની રહેલાં (અને દીકરી પણ ખરાં!) મણિબહેને સરદાર અંગેના દુર્ગાદાસ સંપાદિત દસ ગ્રંથની પ્રસ્તાવનામાં ૧૯૭૧માં નોંધેલા શબ્દોનું ય સ્મરણ થાય છેઃ ‘સરદારને ક્યારે વડા પ્રધાનપદાની મહેચ્છા હતી જ નહીં.’

સરદાર પટેલને અન્યાયની વાત્યું કરનારાઓ પોતાને પ્રજા ન્યાય તોળે એ મહેચ્છામાં જ રમમાણ છે. પક્ષ કોઈ પણ હોય, કોંગ્રેસના સૌથી મજબૂત નેતા વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ જીવ્યા ત્યાં લગી સિંહની જેમ જીવ્યા, બિચ્ચારા બાપડા તરીકે નહીં. સાદગીમાં જીવ્યા. આજનો કોઈ પણ પક્ષનો નેતા વલ્લભભાઈ તોલે આવી શકવાની હેસિયત ધરાવતો નથી. એ વલ્લભભાઈ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ આ ફાની દુનિયા છોડી ગયા ત્યારે એમનું બેંક બેલેન્સ હતું રોકડા ૨૬૨ રૂપિયાનું!

એક દાંડીના ચશ્માં પહેરનારાં, સાંધેલો ઝભ્ભો વહાલો કરનારા આ રાષ્ટ્રનાયક આગળ દુનિયાના સૌથી ધનાઢ્ય એવા બાદશાહોમાં નિઝામ જેવા પણ ધ્રૂજતા હતા એટલું જ નહીં, અંગ્રેજ શાસકોને કાયમ વલ્લભભાઈના શબ્દોમાં ભરોસો રહેતો. ૩૧ ઓક્ટોબરે (સરદારના સત્તાવાર મનાતા જન્મદિવસે) ગુજરાતમાં કેવડિયા ખાતે સરદારની વિશ્વમાં સૌથી ઊંચી એટલે કે ૧૮૨ મીટરની પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે ત્યારે હરખ થવો સ્વાભાવિક છે. સાથે જ વર્તમાન કાળના સર્વપક્ષી રાજનેતા સરદાર પટેલના જીવનમાંથી બે ચોગળું અનુસરણ કરવા જેવી વાતો જીવનમાં ઉતારે એટલી અપેક્ષા પણ ખરી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદથી દાંડી, દક્ષિણ ગુજરાત લગીની દાંડીકૂચ આદરવાનો સંકલ્પ કર્યો ત્યારે સરદાર પટેલે એની આગોતરી તૈયારીરૂપ જનજાગરણ અને ધર્મયુદ્ધના ટંકાર માટે લોકોને દાંડીકૂચ માટે તૈયાર કરવાનો કાર્યક્રમ આદર્યો. મીઠાના કાયદામાં પ્રજાનું શોષણ થતું હોવાને કારણે એ તોડીને અંગ્રેજ સરકાર વિરુદ્ધ જનઆંદોલન ખડું કરવાનો અને એય પાછું બાપુને અભિપ્રેત અહિંસક જનઆંદોલન હાથ ધરવાનું.

વલ્લભભાઈની કનકાપુરામાં ૭ માર્ચ ૧૯૩૦ના રોજ સભા હતી. વચ્ચે રાસ ગામે ભોજન માટે રોકાણ. સ્થાનિકોનો આગ્રહ કે અમે ખેડા સત્યાગ્રહમાં તમારા નેતૃત્વમાં સામેલ થયા તો અમારા ગામની સભાને કાં ના સંબોધો! જમ્યા પછી બે વાગ્યે સરદાર પટેલે (એ વેળા હજુ તાજા જ સરદાર થયા હતા - ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહની સફળતા થકી) રાસના લોકોને સંબોધવાનું વચન આપ્યું. વડલા ફરતે બે હજાર માણસ ભેગું થયું. સરદાર પહોંચ્યા એ પહેલાં તો ખેડાના કલેક્ટર આલ્ફેડ માસ્ટરના સાથીઓ આવી પહોંચ્યા. ‘શું કરવાના છો?’ બોરસદના ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટે પૂછ્યું. ‘સભા સંબોધવાનો છું.’ સભા સંબોધવાનો મનાઈહુકમ એમણે સરદારને પકડાવી દીધો હતો. સરદારે વાંચ્યો. ‘શું ઈરાદો છે?’ ‘મનાઈહુકમને અવગણીને ય સભાને સંબોધવાનો છું.’ પેલા મેજિસ્ટ્રેટે એમની ધરપકડની જાહેરાત કરી. જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ બિલિમોરિયાએ આગળ આવીને સરદારને પોલીસ કારમાં આવવા કહ્યું. ભાષણ કર્યા વિના જ સરદાર ગુનેગાર ઠર્યાં. બોરસદ ખાતે જિલ્લા કલેક્ટરે કોઈ દલીલ વિના આદેશ કર્યો. એ વાંચ્યા વિના માત્ર ત્રણ મહિનાની સાદી કેદ અને ૫૦૦ રૂપિયાનો દંડ અથવા ત્રણ સપ્તાહની વધારાની કેદ.

બિલિમોરિયાની કારમાં સરદાર અમદાવાદ ભણી રવાના થયા. અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં કેટલાક આશ્રમવાસીઓને મળવાની તક સરદારને અપાઈ. રાતના આઠના સુમારે બિલિમોરિયા સરદારને લઈને સાબરમતી સેન્ટ્રલ જેલમાં પહોંચ્યાં. છૂટા પડતાં બિલિમોરિયા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાની નોંધ સરદાર સાહેબના અક્ષરમાં નોંધાયેલી ડાયરીમાં જોવા મળે છે. અંગ્રેજ સરકારના અધિકારીને પણ સરદાર માટે કેવું મમત્વ!

બેરિસ્ટર પટેલનો જેલવાસ કુલ ૧૧૧ દિવસનો રહ્યો. એ દરમિયાન ૭ માર્ચ ૧૯૩૦થી ૨૨ એપ્રિલ ૧૯૩૦ એટલે કે ૪૫ દિવસ માટે વલ્લભભાઈએ પોતાના હાથે, ગુજરાતીમાં, પહેલી અને છેલ્લી વાર ડાયરી લખી. એ પછી એમની ડાયરી લખવાનું કામ મણિબહેને છેક ૧૯૫૦ના ડિસેમ્બર લગી નિભાવ્યું. આજે મણિબહેનની ડાયરીઓ, સાદી નોટબુકમાં નોંધાયેલી, અમદાવાદના શાહીબાગ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં સુરક્ષિત છે. કેન્દ્રના પ્રધાન રહેલા દિનશા પટેલ આ સંસ્થાના અધ્યક્ષ છે.

મણિબહેનની ડાયરીઓ પ્રકાશિત થશે ત્યારે સરદારના વ્યક્તિત્વની ઘણી અજાણી બાબતો બહાર આવશે, પણ મણિબહેન અને સરદાર વારંવાર જેલવાસી થયાં, સત્તામાં પણ રહ્યાં; પણ ક્યારેય બિચારા બાપડાપણું એમણે અનુભવ્યું નહોતું. એમણે કાયમ સિંહનું કાળજું રાખ્યું. સરદાર પટેલની ૧૦૦મી જયંતી ૩૧ ઓક્ટોબર ૧૯૭૫ના રોજ પ્રકાશિત ‘સરદારની જેલડાયરી’ વાંચતાં વલ્લભભાઈ કેવો ઓલિયો માણસ હતા એનો પરિચય મળે છે.

જેલના દરવાજે બિલિમોરિયા (પારસી) એમને સિગારેટ ઓફર કરે છે. લેવા હાથ લાંબો થયો, પણ માંહલ્યાએ નન્નો ભણ્યો એટલે વલ્લભભાઈએ માંડી વાળ્યું. બિલિમોરિયાએ પૂછ્યુંઃ ‘પણ તમે તો સિગારેટ પીઓ છો ને?’ એમણે હા તો પાડી, પણ કહ્યુંઃ ‘જેલમાં તમે નહીં પીવા દ્યો ને એટલે આ છોડી...’

આઝાદી પછી સરદારના અખત્યાર હેઠળના માહિતી અને પ્રસારણ ખાતાના આકાશવાણીમાં કાર્યરત ચં. ચી. મહેતાએ ‘સરદારની જેલ-ડાયરી’ની નાનકડી પુસ્તિકાની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ ‘મેં કેટલીક જાણીતી વ્યક્તિઓને સરદાર સાહેબે ડાયરી લખેલી એવું પૂછતાં એમણે ના પાડેલી.’ એમણે સરદારની આ જેલ-ડાયરી વિશે નોંધ્યુંઃ ‘સરદારની વાણી - જેવું બોલવું તેવું એમનું લેખન - એમાં ભાષા પોતીકી, એ ભાષાની ઈબાદત અલાયદી, એમાંનું સત્ય સોંસરવું, કટાક્ષ ચોટદાર, અવલોકન-શક્તિ ઝીણી એવી આ ડાયરી આટલી થોડી મુદ્દતની છે તોયે એમનું વ્યક્તિત્વ ઊપસી આવે છે, એટલું જ નહીં પણ એમના વિવિધ વાચન માટે જે પ્રચલિત ખ્યાલો છે, તે નાબૂદ થઈ, એમના વાચન માટે આપણને માન ઉપજે છે.’

ડાયરીમાં સરદારની ઈશ્વરમાં અપ્રતીમ શ્રદ્ધા અને એટલી જ શ્રદ્ધા ગાંધીજીમાં, એ બેઉ ઝગારા મારે છે. આ પણ પાછું સરદાર ક્યારેય મંદિરે જતા નહીં હોવા છતાં - એકમાત્ર કન્યાકુમારીના અપવાદને બાદ કરતાં. સોમનાથમાં તો ભગ્નાવશેષો નિહાળીને રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો હતો. સરદારની ગુજરાતીમાં લખાયેલી જેલ-ડાયરીના અંશો એમની પ્રથમ જીવનકથા લખનાર નરહરિ દ્વા. પરીખે અંગ્રેજીમાં તરજુમો કરીને પ્રસ્તુત કર્યા છે. ગુજરાતીમાં છાપેલાં રોકડાં ૨૫ પાનામાં સરદારની જેલ-ડાયરી સમાઈ જાય છે, પણ આજના રાજનેતા, સમાજનેતા અને સામાન્યજન માટે પણ એ ઘણું બધું કહી જાય છે.

સરદાર તો રાજકીય કેદી હતા. બેરિસ્ટર હતા. સુવિધાઓ જેલમાં મળે એ કક્ષાના હતા, પણ જેલમાં એમણે સંઘર્ષ કરવો પડ્યો નીચલા વર્ગના કેદીની જેમ રહેવા માટેઃ આજકાલના જેલવાસી રાજનેતાઓ જેલમાં પણ મહેલનો માહોલ સર્જે છે ત્યારે સરદાર પટેલની ડાયરી વાંચીને ચોગળું પ્રેરણા લે એમાં જ ગનીમત.

જેલમાં સામાન્ય કેદીઓને મળતો ખોરાક ખાવાના આગ્રહી સરદારના દાંત માટે જુવારનો રોટલો ખાવાની મુશ્કેલી નિહાળી વોર્ડર કેદી પોતાના ઘઉંના રોટલા આપવા ચાહે ત્યારે સ્વમાની સરદાર એ લે તો સરદાર નહીં. કેદીઓ સાથે માનવતાભર્યો વ્યવહાર કરે. ‘લીમડાના સુંદર ઝાડમાંથી વોર્ડરે દાતણ કાપી આપ્યું એટલે દાતણ કર્યું.’ (૮-૩-’૩૦)

‘મેં જેલ મેન્યુઅલ અને રૂલ્સની માગણી કરી. રૂલ્સ પ્રમાણે તે ન આપી શકાય એવો જવાબ મળ્યો. મેં કહ્યું કે તો પછી મારે લડવાનો વિચાર કરવો રહ્યો. ચોપડીઓમાં મને ભગવદ્ ગીતા અને તુલસી રામાયણ આપવામાં આવ્યાં. એ બધી જ સગવડ મળી ગઈ એમ કહું તો ચાલે.’ (૮-૩-’૩૦)

‘આખો દિવસ ઊંઘવામાં જ કાઢ્યો. રવિવારે ત્રણ વાગ્યાથી કોટડીમાં પૂરવામાં આવ્યા. બીજા દિવસોએ તો પાંચ - સાડા પાંચ વાગ્યે પૂરે. સવારમાં સાડા છ વાગ્યે બહાર કાઢે... બે દિવસે નાહ્યો. દાંત બે બાજુના ગયેલા હોવાથી પાણીમાં પલાળ્યા સિવાય ખાઈ શકાતું નહોતું.’ (૯-૩-’૩૦, રવિવાર)

‘બપોરના મહાદેવ (દેસાઈ) અને કૃપલાની મળવા આવ્યા. જેલના રેંટિયા ઉપર સૂતરને વળ દેવાનું શરૂ કર્યું.’ (૧૦-૩-’૩૦)

‘સરકારમાંથી કંઈક હુકમ આવ્યો કે મને ખાસ કેદી તરીકે રાખવો અને સગવડ આપવી. મને જણાવવામાં આવ્યું. મેં કહ્યું કે મારે કશી સગવડ જોઈતી નથી. અહીં બધી જ વાતનું સુખ છે. આખી જેલમાં કોઈ અંગ્રેજ નથી, એટલે કોની સાથે લડવું? ત્રણેક વાગ્યે કલેક્ટર અને ડી.એસ.પી. મળવા આવ્યા. અંબાલાલ શેઠની મોકલેલી છ ચોપડી મળી. બત્તી રાખવાની રજા મળી. એટલે રાત્રે અગિયાર વાગ્યા સુધી રામાયણ વાંચ્યું. આજથી ચા, દૂધ, દહીં અને રોટીની સગવડ થઈ. તેથી પેલો વોર્ડર બિચારો ખૂબ રાજી થયો.’ (૧૧-૩-’૩૦)

સરદાર સામાન્ય રીતે સવારે વહેલા ઊઠતા. નાયબ વડા પ્રધાન થયા પછી પણ સવારે ચાર વાગ્યે મોર્નિંગ વોક દરમિયાન મુલાકાતીઓને સમય આપતા. એમની સાથે ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા અને ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના મુખ્ય તંત્રી દુર્ગા દાસ અચૂક જોડાતા. જેલમાં સરદારને મરડાનો પ્રશ્ન સતાવતો. જુલાબ લેવો પડતો. બાકી જેલમાં ગયા ત્યારે વજન ૬૬.૨૨૪ કિલો હતું. ૨૬ જૂન ૧૯૩૦ના રોજ જેલ છોડી ત્યારે ય એટલું જ વજન જળવાયું હતું. જેલમાં તબિયત નાજુક લાગે ત્યારે ઉપવાસ કે ફળાહાર - દૂધ પર રહે. કોઈ વાતે ફરિયાદ નહોતી રહી. મણિબહેને નોંધ્યું છે તેમ સરદાર ઈતિહાસમાં સમય વેડફવા કરતાં ઈતિહાસ સર્જવામાં માનતા હતા!

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter