ભારતના રાષ્ટ્રનેતા ડો. બાબાસાહેબ આંબેડકરના નામે ખેલાતાં રાજકારણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 10th April 2018 07:43 EDT
 
છત્રપતિ શાહૂ મહારાજ અને ડો. બાબાસાહેબ આંબેડકર વચ્ચે સ્નેહસંબંધની અનન્ય ગાંઠ હતી. ગત ૬ એપ્રિલે મુંબઈસ્થિત ડો. આંબેડકર નિવાસસ્થાન ‘રાજગૃહ’ની શાહૂ મહારાજના પ્રપૌત્ર સમરજિત ઘાટગેએ સપરિવાર મુલાકાત લીધી હતી.
 

અમેરિકા અને ઇંગ્લેન્ડમાં શ્રેષ્ઠ ગણાતી યુનિવર્સિટીઓમાં ભણીને સ્વદેશ પાછા ફરી પોતાના દલિત-શોષિત સમાજના સામાજિક અને રાજકીય ઉત્થાનમાં સકારાત્મક યોગદાન કરનારા બાબાસાહેબ ડો. ભીમરાવ રામજી આંબેડકર (૧૪ એપ્રિલ ૧૮૯૧ - ૬ ડિસેમ્બર ૧૯૫૬)ના નામે ભારતમાં વર્તમાનમાં વરવાં રાજકારણ ખેલાઈ રહ્યાં છે. ૧૪ એપ્રિલ એટલે કે ડો. બાબાસાહેબનો જન્મ દિવસ.

સંયોગ પણ કેવો કે આ માર્ચના અંતમાં ભારતની સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાની આડશે, એને વાંચ્યા વિના, આંધળેબહેરું કૂટીને, સુપ્રીમ કોર્ટ તથા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ભીંસમાં લેવા માટે બીજી એપ્રિલે ભારતભરમાં ભારે અજંપો અને અથડામણો સર્જાઈ. વિરોધ બંધના આ ઘટનાક્રમે સર્જેલા વરવાં દૃશ્યોમાં વિવિધ રાજ્યોમાં દસેક નિર્દોષ લોકોના જાન ગયા. કેટલાક રાજકારણીઓને પોતાનું તકદીર ચમકાવવા માટેની તક મળી ગઈ. હકીકતમાં આવા ઘટનાક્રમમાં કોઈ ખોટ વર્તાઈ હોય તો ડો. આંબેડકર જેવા પ્રઞ્જાસૂર્યની સમજદારીની. એમના નામે રાજકારણ ખેલનારાઓમાં કોઈ રાજકીય પક્ષ અપવાદ નથી, પણ ડો. આંબેડકરે પ્રબોધેલી વાતના અનુસરણની પ્રત્યેક પક્ષના નેતા-કાર્યકર્તા આઘા રહ્યાની વ્યથા અનુભવાવી સ્વાભાવિક છે.

કર્ણાટકની ચૂંટણીમાં ઉશ્કેરણી

અત્યારે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે અને એને ટકાવવાના મરણિયા પ્રયાસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી અને મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા થકી થાય એ સ્વાભાવિક છે. કર્ણાટકમાં દલિત અને મુસ્લિમ વસ્તીનું પ્રમાણ પણ ઘણું મોટું છે. ભાજપને ફાળે કેન્દ્ર સરકાર ઉપરાંત ૨૧ રાજ્યો ગયા પછી એના વિજયરથને રોકવાના પ્રયાસો કર્ણાટકમાં થાય એ સ્વાભાવિક છે. ભાજપ થકી એના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેડિયુરપ્પા રાજ્યને ભવિષ્યમાં ભાજપની ઝોળીમાં લેવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. અહીંના પ્રભાવી અને ૧૮ ટકા વસતી ધરાવતા લિંગાયત સમાજને લઘુમતીનો દરજ્જો આપવા અને વિરોધમાં રાજકીય હુંસાતુંસી ચરમસીમાએ છે.

કોંગ્રેસ સરકારે લિંગાયતને ધાર્મિક લઘુમતી જાહેર કરીને એના પર મંજૂરીની મહોર મારવા માટે મોદી સરકાર ભણી એની દરખાસ્ત પાઠવી દીધી છે. સામે પક્ષે, ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર યેડિયુરપ્પા પોતે લિંગાયત સમાજના હોવા છતાં સંઘ પરિવાર અને ભાજપ, કોંગ્રેસની ચાલને હિંદુ સમાજને તોડવાનો કારસો ગણાવીને એનો વિરોધ કરે છે. જોકે ૨૦૧૩માં સ્વયં યેડિયુરપ્પાએ જ લિંગાયત પંથને ધાર્મિક લઘુમતી જાહેર કરવાના આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. હા, એ વખતે એ ભાજપમાંથી હકાલપટ્ટી પામીને પ્રાદેશિક પક્ષના વડા હતા!

આજકાલ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ત્યારે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય કોમરેડ જિઞ્જેશ મેવાણી કોંગ્રેસને ટેકો કરવાના ઈરાદે કર્ણાટકમાં જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખુરશીઓ ઉછાળવાનો બોધ આપી રહ્યાની ફરિયાદો થઈ છે. સમગ્રપણે પ્રજાના હિતના મુદ્દાઓને બાજુએ સારીને રાજકીય પક્ષો પ્રજાને ઉશ્કેરી ગુમરાહ કરીને ચૂંટણી જીતવા પ્રયત્નશીલ હોવાનું વર્તાય છે.

દલિત-આદિવાસી અત્યાચાર

દલિતો (એસસીઃ શિડ્યૂલ્ડ કાસ્ટ્સ) અને આદિવાસી (એસટીઃ શિડ્યૂલ્સ ટ્રાઇબ્સ) પરના અત્યાચારની સામે સુરક્ષા આપવા માટે બંધારણ સભામાં એકી અવાજે એટ્રોસિટી પ્રતિબંધક ધારાની જોગવાઈ કરવાની ભૂમિકા લેવામાં આવી હતી. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી એ વેળા તો અસ્પૃશ્યતાનું કલંક વધુ પ્રચલિત હતું. માત્ર રાજકીય આઝાદી નહીં, સામાજિક ન્યાય સાથેની સ્વતંત્રતા માટેની ડો. આંબેડકરની આગ્રહી ભૂમિકાએ દલિત-આદિવાસીઓને સુરક્ષા માટેની કાનૂની જોગવાઈઓ કરવા પ્રેર્યા હતા. સમયાતંરે અસ્પૃશ્યતા ચલણમાં ઘટતી ગઈ કારણ કે એને કાનૂનવિરોધી ગણાવાઈ હતી. પણ હજુ આજે પણ દલિત-આદિવાસી પરના અત્યાચારના સત્તાવાર રીતે નોંધાયેલા કેસનું પ્રમાણ વધતું જાય છે. વર્ષ ૨૦૧૪-૧૬ દરમિયાન ભારતના વિવિધ રાજ્યોમાં આવા ૧,૧૯,૮૭૨ કિસ્સા નોંધાયાનું ભારત સરકારના ક્રાઇમ બ્યૂરોના અહેવાલ દર્શાવે છે.

નેશનલ ક્રાઇમ બ્યૂરોના આંકડા તમામ રાજ્યોમાં પોલીસના ચોપડે નોંધાયેલા ગુનાનો જ સમાવેશ કરે છે. નહીં નોંધાયેલા ગુના અલગ. સમયાંતરે એટ્રોસિટીના આવા કિસ્સાઓમાં અમલમાં લવાતી કાનૂની જોગવાઈ હળવી કરવાની કોશિશો થતી રહે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ કાનૂનને રદ કરવાને બદલે આરોપીની ધરપકડ પૂર્વે પોલીસની તપાસનો આગ્રહ રાખ્યો અને ભડકો થયો. સુપ્રીમ કોર્ટે પણ ખુલાસો કરવો પડ્યો કે અમે કાયદાને રદ કર્યો નથી. ભારત સરકારે રિવ્યૂ પીટિશન દાખલ કરવી પડી. અદાલત પોતાની ભૂમિકા પર અટળ રહી. જોકે મામલો કાયદાકીયને બદલે રાજકીય વધુ બન્યો હોવાથી તમામ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ એને ગંભીરતાથી લેવાની ફરજ પડી છે. ચૂંટણીલક્ષી અસરોનો સૌ કોઈ વિચાર કરે છે.

સમજણના સેતુ બાંધવાની જરૂર

લોકશાહી દેશ ભારતમાં તમામને સમાન ન્યાય મળે એ અપેક્ષિત છે. એ માટે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને આંદોલન ચલાવવાની પણ તમામને છૂટ છે. કમનસીબે ટોળાને ઉશ્કેરીને રાજકીય લાભ ખાટવાની વૃત્તિ તમામ રાજકીય પક્ષોમાં જોવા મળે છે. હકીકતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં સમજણના સેતુ રચાય તથા ડો. આંબેડકર જે રીતે તર્ક અને દસ્તાવેજી હકીકતો રજૂ કરીને પોતાની વાત મૂકતા હતા એવી સમજણ સાથે સમજદાર નાગરિકો આગળ વધે તો જ લોકશાહી મજબૂત બને.

પૂજ્ય પ્રમુખસ્વામી માટે પરમ આદર

વીતેલા સપ્તાહમાં અમે ગુજરાતમાં મુખ્ય પ્રધાન રહેલાં અને અત્યારે મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલના જીવન-કવન વિશેની કોફી ટેબલ બુક પર લખ્યું હતું એ ગ્રંથ ‘આનંદીબહેન પટેલઃ કર્મયાત્રી’માં પૂજ્ય પ્રમુખ સ્વામી સહિતના સંતોએ એમને આશીર્વાદ આપ્યાની તસ્વીરી ઝલક અને નોંધ મૂકાઈ હતી. હકીકતમાં એમાં પૂજ્ય પ્રમુખસ્વામી શ્રીમતી આનંદીબહેનને આશીર્વાદ આપતી જણાતી તસવીર હકીકતમાં ભારતમાતા મંદિરના સ્વામી સત્યામિત્રાનંદ ગિરીની હતી. આ સંદર્ભમાં કોઈ હરિભક્તની લાગણી દુભાવવાનો અમારો પ્રયાસ નહોતો, છતાં અજાણતાં કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમસ્વ. અમે આનંદીબહેન અંગેના એ ગ્રંથમાંની ભૂલને સુધારી લેવાની સલાહ તેમના જમાઈ શ્રી જયેશ ઈશ્વરભાઈ પટેલને પણ આપી છે, એ સર્વ વાચકોની જાણ સારુ.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter