ભારતીય શિક્ષણના ભગવાકરણના નીરક્ષીરને બદલે ઉહાપોહ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 27th May 2015 13:00 EDT
 

ભારત સરકારનું સૂત્રસંચાલન ભારતીય જનતા પક્ષ પાસે આવતાંની સાથે જ કોંગ્રેસીઓનો જ નહીં, કોમ્યુનિસ્ટોનો પણ ગરાસ લૂંટાઈ ગયો છે. કોંગ્રેસીઓના ખભે ચડીને શિક્ષણની સંસ્થાઓ અને સંશોધન સંસ્થાનોમાં ડાબેરી વિચારકોની દાયકાઓ સુધીની મક્તેદારી હવેની રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા અલાયન્સ (એનડીએ)ની નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે સમાપ્ત કરી દેવાનો મક્કમ નિરધાર કર્યો છે. છેક ૧૯૬૭માં ઈન્દિરા ગાંધીને સામ્યવાદી વિચારોની કેન્દ્ર સરકાર ચલાવવા માટે ગરજ પડી ત્યારથી ડાબેરીઓએ સરકારી સંસ્થાઓમાં પગદંડો જમાવ્યો છે. સમાજવાદ અને ગરીબોના ઉદ્ધારને નામે કોમ્યુનિસ્ટોએ પોતાનું જ ઉત્થાન કરવાનું ચાલુ રાખ્યું છે.

શિક્ષણની સંસ્થાઓ પર પોતાની મક્તેદારી ટકાવીને ફાટફાટ થતા ડાબેરી વિચારકો અને ઈતિહાસકારોને ક્યારેક મોસ્કોનું તો ક્યારેક બીજિંગનું છત્ર ઉપલબ્ધ હતું. ઈન્દિરા ગાંધી સત્તારૂઢ હતાં ત્યાં લગી નેહરુયુગમાં પોષાયેલા પ્રગતિશીલ વિચારકોનું ચલણ ખાસ્સું ચાલતું રહ્યું. સોવિયેત રશિયાના તૂટવાની સાથે જ અનાથ બનેલા ડાબેરીઓનાં માઈબાપ કોંગ્રેસી શાસકો રહ્યાં, પણ રાજીવ ગાંધીના યુગમાં એમને ઘાસ નીરવાનું ઓછું થયું. નરસિંહ રાવનો ઉદારીકરણ અને ખાનગીકરણનો યુગ આવતાં ડાબેરી વિચારકો અનાથ બનવા માંડ્યા. ચંદન મિત્ર (‘ધ પાયોનિયર’) જેવા કેટલાકે તો ભાજપનું તરણું ઝાલીને રાજ્યસભા સુધીનો મારગ પકડ્યો તો કેટલાક સંયુક્ત પ્રગતિશીલ મોરચા (યુપીએ)ની સરકારના ગોડફાધરો કે ગોડમધરોને સહારે હોદ્દે ટકી રહ્યા. મોદી યુગમાં વાજપેયી યુગ જેટલી ઉદાર દૃષ્ટિ નહીં હોવાથી સંઘ-ભાજપની કથિત ભગવીનીતિનો કટ્ટરતાથી અમલ થવાનું કોંગ્રેસીઓ કરતાં ડાબેરીઓને અનુભવાતાં ઉહાપોહ આરંભાયો છે. ચીનને નિષ્ઠાસ્થાન લેખનારા માર્કસવાદી સામ્યવાદી પાર્ટીના નેતાઓને ચીની શાસનમાં સામ્યવાદી અને મૂડીવાદના મેળાપ સામે વાંધો નથી, પણ ઘરઆંગણે સંઘીકરણ તેમને કઠે છે.

વાજપેયી સરકારમાં માનવ સંસાધન પ્રધાન રહેલા ડો. મુરલી મનોહર જોશીના સંઘનિષ્ઠ એજન્ડામાં શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યાની કાગારોળ ઘણી મચી હતી. છતાં એ કાગારોળ મચાવનારાઓને પ્રાપ્ત સરકારી હોદ્દાઓ પરથી દૂર કરવામાં મોદીયુગીન આક્રમક શૈલી અપનાવાઈ નહોતી. વાજપેયી યુગનો અસ્ત થતાંની સાથે જ કોંગ્રેસના દાયકાના શાસનમાં ફરીને ડાબેરીઓ બેપાંદડે થયા હતા. હવે તો મોદીએ શાસન ચલાવવા માટે અટલ બિહારી વાજપેયીની જેમ ૨૪ ઘટક પક્ષોના સંયુક્ત મોરચાની સરકાર ચલાવવા જેવી વિવશતા અનુભવવાના સંજોગો નથી. દેડકાંની પાંચ શેરી જેવી વાજપેયી સરકારની તુલનામાં વર્તમાન કેન્દ્ર સરકાર સંઘનિષ્ઠ ભાજપની બહુમતી ધરાવનારી સરકાર હોવાથી મિત્રપક્ષોને એ તંગ દોરડા પર નર્તન કરાવી શકવાની સ્થિતિમાં છે.

સ્વભાવગત રીતે અટલ બિહારી મિલનસાર અને સૌને સાથે લઈ ચાલનાર વ્યક્તિત્વ ધરાવતા હતા. એથી વિપરીત નરેન્દ્ર મોદી ધાર્યું કરાવનાર અને વિરોધ કરનારાઓનો વારો કાઢી લેનાર વ્યક્તિ છે. આવા સંજોગોમાં એમણે લીધેલા નિર્ણયોનું નીરક્ષીર કરવાની હિંમત કરવા કોઇ ભાગ્યે જ સક્ષમ છે. એમના પ્રધાનમંડળના સભ્યો તો મોદી ચાલીસાના જાપ કરતાં મોદી કરતા ય સવાયા આક્રમક બનીને વર્તે છે. શિક્ષણના ભગવાકરણના મુદ્દે ડો. મુરલી મનોહર જોશીના યુગમાં પણ ભારે ઉહાપોહ મચો રહ્યો હોવા છતાં બબ્બે વડા પ્રધાનોના પ્રાધ્યાપક રહેલા ડો. જોશી ચર્ચા માટે તૈયાર રહેતા હતા અને વિરોધીઓનો ઉત્તર વાળવા માટે સદાય સક્ષમ હતા. એની તુલનામાં વર્તમાન માનવ સંસાધન પ્રધાન શ્રીમતી સ્મૃતિ ઈરાની ઓછું ભણેલાં અને સીરિયલનાં ‘તુલસી’માંથી વાયા મહારાષ્ટ્રની રાજનીતિના કર્તાહર્તા સ્વ. પ્રમોદ મહાજન અને સ્વ. ગોપીનાથ મુંડે રાજકારણમાં આવ્યાં હતાં. એક તબક્કે તો મોદીના ગોધરા-અનુગોધરા કાંડના વિરોધમાં ધરણાં કરવાની ઘોષણા કરનારાં શ્રીમતી ઈરાની મોદીનિષ્ઠ બન્યા પછી વાયા ગુજરાત જ રાજ્યસભે પહોંચ્યાં છે.

વાજપેયી યુગમાં ડો. મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ સંઘ-સ્વયંસેવક અને પક્ષના અધ્યક્ષ રહેલા સંઘનિષ્ઠ વ્યક્તિત્વનો અટલ સરકારમાં ‘નંબર-ટુ’ એવા નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સાથેનો ટકરાવ હતો. બાબરી ધ્વંશ મુદ્દે અડવાણી નિર્દોષ જાહેર કરાયા અને મુરલી મનોહર દોષિત, ત્યારે એમણે કેબિનેટમાંથી રાજીનામું કેવા સંજોગોમાં આપ્યું હતું એનું બયાન એમના નવી દિલ્હીના રાયસીના રોડસ્થિત નિવાસસ્થાને અમારી મુલાકાતમાં એમણે ખૂબ મોકળાશથી કર્યું હતું. જોકે અટલજીએ એમને મનાવી લીધા હતા. એ ગાળામાં અટલ-અડવાણી-મુરલી મનોહરની ત્રિપુટીની સંઘનિષ્ઠાનો સંકલ્પ શંકાતીત હતો. આજે ચિત્ર બદલાયેલું છે. એ ત્રિપુટીને હાંસિયામાં ધકેલીને નરેન્દ્ર મોદીએ પોતાને કેન્દ્રસ્થાને પ્રસ્થાપિત કર્યા છે. આમન્યાઓનું જતન હવે ઈતિહાસ બની ગયાનું અનુભવાય છે.

શિક્ષણ ક્ષેત્રમાં દંડૂકાશાહી કે ફતવાશાહી નહીં, સૌનો સાથ - સૌનો વિકાસની ભૂમિકાથી જ આગળ વધી શકાય. સૂત્રોમાં સારી લાગતી વાતો આચરણમાં અમલી બનતી નથી. નવી સરકાર આવે એટલે નિયુક્તિઓ કરવાની સત્તા એના હાથમાં હોય છે ખરી, એ કરવી પણ જોઈએ, પરંતુ સામેની વ્યક્તિની ગરિમા અને પરંપરાનો ખ્યાલ રાખવો જરૂરી છે. દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ ડો. દિનેશ સિંહ કહ્યાગરા બની ના રહે ત્યારે એમનું રાજીનામું લેવા અપનાવાતી પદ્ધતિ કે અનિલ કાકોડકર જેવા વિશ્વપ્રતિષ્ઠ અણુવિજ્ઞાનીને આઈઆઈટી-મુંબઈના બોર્ડના અધ્યક્ષ તરીકે રાજીનામું આપવા વિવશ થવું પડે એ સંજોગો ટાળી શકાયા હોત. યુજીસીના અધ્યક્ષ હરિ ગૌતમ વર્તમાન સરકારની ગુડ બુકમાં ચાલુ રહી શકે એ માટે એમના ભાજપી સાંસદ ભાઈની વગ કામ કરી શકે છે.

કેટલાક મહાનુભાવો નિષ્ઠા બદલીને સત્તાસ્થાન જાળી શકે છે, પરંતુ કેટલાકને હોદ્દાઓ છોડવાની ફરજ પાડવા અપાનાવાયેલા નુસખાઓ ઉચિત જણાતા નથી. જોકે અગાઉની સરકાર તરફથી નિમણૂક પામનારાઓએ નવી સરકારને અનુકૂળ વ્યક્તિઓની નિમણૂક માટેની મોકળાશ કરી આપવા માટે સામેથી રાજીનામાં ધરી દેવાં જોઈતાં હતાં. ગુજરાતનાં ૮૫ વર્ષીય રાજ્યપાલ રહેલાં ડો. કમલાજીએ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેકવાર ટકરાવમાં આવવાનું થયું હતું. મોદી વડા પ્રધાન થયા ત્યારે કમલાજીએ ગરિમાપૂર્ણ રીતે રાજ્યપાલ પદ છોડવાની પહેલ કરવી જોઈતી હતી. એમની જેમ બીજા કેટલાક રાજ્યપાલોએ પણ નાછૂટકે ગાદી છોડી અને મોદી સરકારે નવા સંઘનિષ્ઠ રાજ્યપાલો નિયુક્ત કર્યાં. સત્તાપલટા અને લોકશાહી પરંપરાનાં વધુ સારાં દૃશ્યો જોવા મળે તો આનંદ થાય.

ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર આવે ત્યારે હજારો નિમણૂકો કરવાની સત્તા એની પાસે આવવી સ્વાભાવિક છે. ભાજપને દેશની પ્રજાએ જનમત આપીને સત્તાની સોંપણી કરી હોય ત્યારે લોકશાહી મૂલ્યોનો આદર કરતાં રાજકીય નિમણૂક પામેલાઓએ હોદ્દા છોડીને સ્વસ્થ પરંપરા સ્થાપવી જોઈએ. યુજીસીમાં અમુક સંઘનિષ્ઠ સભ્યોની નિમણૂક થાય કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (આઈસીએચઆર) જેવી સંસ્થાઓમાં સંઘ-પરિવારનાં સંગઠનોની વ્યક્તિઓ મૂકવામાં આવે તો એમાં ખોટું શું છે? કોંગ્રેસની સરકાર વિદાય થયા પછી નોખી વિચારધારા સાથેની ભાજપની સરકાર સત્તા સંભાળે અને એ ભાજપ-સંઘના નિષ્ઠાવંતોને હોદ્દા સોંપે નહીં તો શું કોમ્યુનિસ્ટોની નિમણૂક કરે?

ભગવાકરણ કે સંઘીકરણનો ઉહાપોહ મચાવવાને બદલે નવનિયુક્ત વ્યક્તિઓ જે તે હોદ્દાને માટે લાયક છે કે નહીં એનું નીરક્ષીર કરવાની જરૂર વધુ હોય છે. વિરોધ કરવા ખાતર વિરોધ કરવાનો કોઈ અર્થ નથી હોતો. કુલપતિપદે કે સરકારી સંસ્થાનોના હોદ્દે યોગ્ય વ્યક્તિઓ નિયુક્ત થાય એ જરૂરી છે. આઈસીએચઆરમાં નવનિયુક્ત કાઉન્સિલના સભ્યો સંઘ સાથે જોડાયેલા હોય કે પછી અખિલ ભારતીય ઈતિહાસ સંકલન યોજના જેવી સંઘની શાખામાંથી આવતા હોય એટલા માત્રથી તેમનો વિરોધ કરવો એ તો નરી બાલિશતા ગણવી જોઈએ.

અમારી દૃષ્ટિએ આઈસીએચઆરની કાઉન્સિલમાં સર્વધર્મી નિષ્ણાત ઈતિહાસકારોને સ્થાન અપાયું હોય ત્યારે એને અગાઉના કાઉન્સિલ સભ્યોએ તો આવકાર્ય લેખવું જોઈએ. રોમિલા થાપર અને ઈરફાન હબીબી કહે એ જ વાત સાચી અને ભારતીય દર્શન તથા ભારતીય ઈતિહાસની અને સંસ્કૃતિની સંઘ પરિવારના નિષ્ણાતો આગળ ધરે એ વાત સાવ ખોટી ગણવામાં આવે તો સામ્યવાદી તાનાશાહી બૂ આવે છે. સંઘની કે તેની વિચારધારાની કે પછી તેની વ્યક્તિઓની ટીકા થઈ શકે, ફાસિસ્ટ અને સંઘી વિચારધારાની તુલના-ટીકા થઈ શકે, પરંતુ માત્ર અમે જ સાચા અને બીજા બધા ખોટા એવી ભૂમિકામાં તો સ્ટાલિન-માઓના ‘બંદૂકના નાળચા’માંથી પ્રગટતી સત્તા જ અનુભવાય છે.

માનવ સંસાધન પ્રધાન શ્રીમતી સ્મૃતિ ઈરાની જ નહીં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ અને ડિગ્રીઓ વિશેના વિવાદને આગળ કરીને એમને નકારવાનું હવે શક્ય નથી. ભારતમાં પાકિસ્તાનની જેમ લોકસભા કે રાજ્યસભામાં સભ્યપદ મેળવવા માટે ન્યુનતમ શૈક્ષણિક લાયકાતનાં ધોરણ ઠરાવાયેલાં નથી. એટલે તો કે. કામરાજ જેવી વ્યક્તિ તમિળનાડુના મુખ્ય પ્રધાન અને અ.ભા. કોંગ્રેસમાં પ્રભાવી અધ્યક્ષ થઈ શકે છે તો શ્રીમતી ઈરાનીના ગ્રેજ્યુએશન કે મોદીના પોસ્ટ ગ્રેજ્યુએશનની પદવીની ચર્ચાને બદલે તેમની કામગીરીનું નીરક્ષીર કરવાની વધુ જરૂર છે.

પાઠ્યપુસ્તકો બદલાય અને નવા અભ્યાસક્રમો ઘડાય ત્યારે અથવા એ પ્રક્રિયા દરમિયાન એમની યોગ્યાયોગ્યતાની ચર્ચા થાય, નક્કર મુદ્દા આગળ કરાય એ અપેક્ષિત ખરું. શિક્ષણનું ભગવાકરણ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં થશે? ભગવો રંગ હિંદુઓનો અને લીલો રંગ મુસ્લિમો તથા લાલ રંગ કમ્યૂનિસ્ટોનો એવી વહેંચણી કરી લેવામાં તો ‘સત્ય એ જ ઈશ્વર’ની સ્વામી વિવેકાનંદથી મહાત્મા ગાંધી સુધીની પરંપરા નામશેષ બની જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter