મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની ધમાધમ પહેલાં જોડાણોનો કકળાટ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 23rd September 2019 06:56 EDT
 
 

મહારાષ્ટ્રમાં ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની બ્રાહ્મણી છબી પર છત્રપતિ શિવાજી મહારાજ અને મહર્ષિ શાહૂ મહારાજના વંશજોને જોડીને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જેવા મજબૂત મરાઠા નેતૃત્વને પડકાર આપવાની કવાયતો ચરમસીમાએ છે. ભાજપ-શિવસેના સરકારમાં રાબેતા મુજબનો ખટરાગ ચાલતો રહ્યા છતાં આવતા મહિને હરિયાણાની સાથે જ મહારાષ્ટ્રમાં પણ ૨૧ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાશે. પરિણામ ૨૪ ઓક્ટોબરે આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી ફરી બહુમતી કબજે કરવા માટે રીસામણાં-મનામણાંના દોર વચ્ચે ભાજપની ‘મહાજનાદેશ યાત્રા’, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી ચૂંટણીલક્ષી પ્રવાસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહની અનુકૂળ સમીકરણો ગોઠવવાની કારીગરી ‘અબ કી બાર ૨૨૦ કે પાર’ના સૂત્રને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.

કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ધાડ પાડવામાં ભાજપ થકી હવે કોઈ મણા રાખવામાં આવી નથી. બાકી હતું તે સાતારાના રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ ઉદયન રાજેને પક્ષમાં સામેલ કરીને હજુ જૂન ૨૦૧૬માં શિવાજી વંશજ કોલ્હાપુરના શંભાજીરાજેને રાજ્યસભે મોકલ્યા પછી છત્રપતિના ખાનદાનને પોતાની સાથે જોડ્યાનો હરખ ભાજપની બ્રાહ્મણી પેશવાઈ કરી શકે છે. હજુ થોડા વખત પહેલાં જ વિધાનસભામાં વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલને પણ ભાજપમાં સામેલ કરીને સત્તાપક્ષે વિપક્ષને મોટો ઝટકો આપ્યો હતો.

જોકે અત્યારે કેન્દ્રમાં ભાજપની સત્તા છે અને રાજ્યમાં પણ નાગપુરનો પ્રભાવ છે ત્યારે સ્વાભાવિક રીતે જ બધાની દોટ સત્તાનો લાભ લેવા માટે ભાજપ ભણીની હોય, પણ આગામી ચૂંટણી કોઈ ચમત્કાર સર્જે અને રાજ્યમાં સત્તાંતર થાય તો એ ગતિ ઉલટી દિશા પકડી શકે છે. આ તો મહારાષ્ટ્ર છે. આ વખતે સાવધાનીના પગલા તરીકે જ ભાજપ ૧૬૨ બેઠકો લડવા માંગે છે અને શિવસેનાને ૧૨૬ બેઠકો જ આપવા માંગે છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સરકાર રચવા જેટલી બેઠકો મળી નહોતી એટલે એણે પવારની રાષ્ટ્રવાદી સામે સમર્થન માટે ખોળો પાથરવો પડ્યો હતો કારણ કે શિવસેના વંકાયેલી હતી. સેના પાછળથી સરકારમાં જોડાતાં શરદ પવારના ઉપકારનો કોઈ ગણ ભાજપની નેતાગીરીએ રાખ્યો નહોતો. પવારના ભત્રીજા અજીત પાવર તેમજ અનન્ય સાથી પ્રફુલ્લ પટેલ સામે તપાસ અને ફોજદારી ખટલા દાખલ કરીને તેમના માથે લટકતી તલવાર રાખી છે. અજીતદાદા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને કેબિનેટ પ્રધાન હતા ત્યારના પાણી પુરવઠા અંગેના મહાકૌભાંડ અને પટેલ કેન્દ્રમાં ઉડ્ડયન પ્રધાન હતા ત્યારના વિમાનખરીદી કૌભાંડને સતત ગાજતું રાખવાનું કામ ભાજપ થકી થયું છે.

ક્યારેક શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેના વિશ્વાસુ અને મુંબઈમાં શિવસેનાના મેયરમાંથી કોંગ્રેસ-રાષ્ટ્રવાદી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન રહેલા છગન ભુજબળને રાજ્યની ભાજપ-સેના સરકારે લાંબો સમય જેલવાસી રાખ્યાના સંકેત સૌને લટકતી તલવાર અંગે ચિંતા પ્રેરે છે.

વિધાનસભાનું બદલાતું ચિત્ર

મહારાષ્ટ્રની વિધાનસભામાં કુલ ૨૮૯ બેઠકોમાંથી ૨૮૮ની સીધી ચૂંટણી થાય છે અને એક એંગ્લો-ઇન્ડિયનને નામનિયુક્ત કરવામાં આવે છે. મે ૨૦૧૪માં ભાજપના નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્રમાં સરકાર રચાઈ ત્યારે શિવસેના મિત્રપક્ષ હતો. સુરેશ પ્રભુને મોદીએ પ્રધાન બનાવવા હતા, પણ ‘માતોશ્રી’ એ માટે તૈયાર નહીં હોવાથી પ્રભુને પક્ષમાંથી રાજીનામું અપાવીને, ભાજપમાં સામેલ કરીને પણ, કેન્દ્રમાં પ્રધાન બનાવાયાનો ઝટકો ઉદ્ધવ ઠાકરેને અત્યારે પણ યાદ હશે.

ઓક્ટોબર ૨૦૧૪માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૧ બેઠકો રાખીને શિવસેનાને ૧૧૯ બેઠકો ઓફર કરી, બાકીની ૧૮ બેઠકો નાના મિત્રપક્ષ માટે રાખી હતી, પણ સેના એ માટે તૈયાર નહીં થતાં બંને પક્ષોની છેક ૧૯૮૪થી અખંડ રહેલી યુતિ તૂટી અને બંને અલગ લડ્યા હતા. રાજ્યમાં ૧૫ વર્ષથી સતત રાજ કરતી કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકાર સામે પ્રજામાં રોષ હતો. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર હતી એટલે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે મળીને લડ્યા છતાં કોઈ પક્ષને કે યુતિને બહુમતી મળી નહોતી. ૨૮૮ની વિધાનસભામાં ભાજપને ૧૨૨, સેનાને ૬૩, કોંગ્રેસને ૪૨ અને રાષ્ટ્રવાદીને ૪૧ બેઠકો મળી હતી.

એ વેળા મોદી-પવાર વચ્ચે ઇલુ-ઈલુના માહોલમાં રાષ્ટ્રવાદીએ બહારથી ટેકો આપ્યો એટલે ભાજપની સરકાર રચાઈ હતી. પાછળથી સેના એમાં જોડાઈ હતી. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીના ધારાસભ્યોને રાજીનામાં અપાવી પોતાની સાથે જોડીને પેટા-ચૂંટણી થકી ભાજપ આજે ૧૩૫ પર છે. સેના ૭૫ પર છે જયારે કોંગ્રેસ માત્ર ૩૪ અને રાષ્ટ્રવાદી માત્ર ૩૧ પર છે. હજુ ભાજપમાં જોડાવાનું પ્રમાણ વધી રહ્યું છે એટલે ક્યારેક ભાજપી મુખ્ય પ્રધાન કહે છે કે અમારે હવે નવા કોઈની ભરતી કરવી નથી, પણ ભરતીનો પ્રવાહ અખંડ ચાલ્યો છે.

વસંતદાદાના વંશજ ભાજપમાં

મહારાષ્ટ્રમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ હોવા ઉપરાંત બહુમતી સહકારી સાખર (ખાંડ)નાં કારખાનાં પણ હોવાને કારણે ભાજપને મહારાષ્ટ્ર કબજે કરવામાં સવિશેષ રસ છે. મરાઠા અનામત આપવાનો યશ એ લઇ શકે છે. સાથે જ હજુ તો ચૂંટણી જાહેર થાય એ પહેલાં અનેક વચનોની લહાણી કરાશે. દેશમાં સહકાર મહર્ષિ તરીકે મશહૂર અને મહારાષ્ટ્રના ઘણી વાર મુખ્ય પ્રધાન બનેલા વસંતદાદા પાટીલના પરિવારને પણ ભાજપ સાથે જોડીને ક્યારેક પવારે દાદાની પીઠમાં છરો ભોંકવાસમાન પગલું ભરીને તેમની સરકાર ઉથલાવ્યાના ઈતિહાસને પણ તાજો કરાશે.

દાદાનાં પ્રથમ પત્ની માલતીતાઈના પુત્ર અને દાદાના રાજકીય વારસ પ્રકાશબાપુના વંશજો સાંગલી પર રાજકીય વર્ચસ્વ ગુમાવી રહ્યા હતા એટલે પ્રતીક પાટીલે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે. દાદાનાં બીજાં પત્ની શાલિનીતાઈ તો કોંગ્રેસથી અલગ થઈને પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં રહ્યાં હતાં. જોકે અત્યારે તો ‘લેફ્ટ રાઈટ એન્ડ સેન્ટર’ બધા કોંગ્રેસીઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ કે તેમની નવી પેઢીના રાજકીય વારસો સત્તા સાથે સંધાણ જાળવીને પોતાનાં હિત સુરક્ષિત રાખવા માટે ભાજપ ભણી દોટ મૂકી ચૂક્યા છે.

પવારના પાવરની પરીક્ષા

નિવૃત્તિ નિર્ધારિત કરી ચૂકેલા મજબૂત મરાઠા નેતા પવાર માટે આ વખતે મોદી-શાહના તાપથી માત્ર પોતાના પરિવારને જ નહીં, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને ઉગારવાનો ખરો પડકાર પેદા થયો છે. પવારે મહારાષ્ટ્રનો ગઢ બચાવવાનું બીડું ઝડપ્યું છે. એમના ધારાસભ્ય-ભત્રીજા અજીત પવાર અને સાંસદ-પુત્રી સુપ્રિયા સુળેના ભવિષ્યની જ નહીં, સમગ્રપણે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગઠબંધનનો ક્રોસ ઉપાડવાની જવાબદારી પવારને શિરે આવી પડી છે. લોકસભા ચૂંટણીમાં તેમના માટે વડા પ્રધાન થવાનું સ્વપ્ન રોળાઈ ગયું. હવે વિખરાતા જતા કોંગ્રેસી મોરચાના બચાવાય એટલા ગઢને બચાવી લેવાની કોશિશમાં તેઓ છે.

ક્યારેક સોનિયા ગાંધી સામે ૧૯૯૯માં બગાવત કરીને રાષ્ટ્રવાદીનો અલગ ચોકો રચનારા પવારે કેન્દ્રમાં દસ વર્ષ અને મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ કોંગ્રેસ સાથે મળીને જ સત્તાનો ભોગવટો કર્યો છે. પવાર આમ પણ સર્વમિત્ર તરીકે મશહુર છે. ક્યારે કઈ કળા કરે એ કહેવાય નહીં. આ વખતે છેલ્લી તક છે ત્યારે એ ખેલો કરી લેવાના મૂડમાં છે. વાગ્યું તો તીર નહીં તો તુક્કો.

અગાઉ વર્ષ ૧૯૭૮માં વસંતદાદાની સરકારને ઉથલાવીને મૂળે યશવંતરાવ ચવ્હાણના શિષ્ય પવારે જનસંઘ અને સમાજવાદીઓ સહિતની જનતા પાર્ટી તેમજ શેતકરી કામગાર પક્ષ જેવા ડાબેરી પક્ષના ધારાસભ્યોને સરકારમાં સામેલ કરીને પુલોદ સરકાર બનાવી હતી. એ વેળા દેશમાં સૌથી યુવા મુખ્ય પ્રધાન બની શક્યા હતા. કોંગ્રેસમાં તેમનું આવાગમન ચાલતું રહ્યું છે. હવે ઢળતી ઉંમરે મહારાષ્ટ્રને ભાજપ થકી લૂંટાતું રોકવા એ શિવસેના સાથે પણ જોડાણ કરવાનું જુગટું ખેલી શકે. જોકે મોદી-શાહની જોડી એમને ફાવવા દે એની શક્યતા સાવ જ નહીંવત્ છે.

પક્ષાંતર-સત્તાંતરની પરંપરા

મહારાષ્ટ્રની વિચારધારા કાયમ પ્રગતિશીલ રહ્યાનો ઈતિહાસ હોવા છતાં વર્તમાનમાં સંઘ-ભાજપ અને શિવસેનાના વધતા જતા પ્રભાવના પ્રતાપે ધાર્મિક અને રૂઢિવાદની ઉલટી દિશામાં ગતિ કરતી હોવાનું અનુભવાય છે. મહારાષ્ટ્રમાં પક્ષપલટા અને સત્તાપલટા કોઈ નવી નવાઈની વાત નથી. કોંગ્રેસની બહુમતીના યુગમાં પણ દર વર્ષે - બે વર્ષે મુખ્ય પ્રધાન બદલાતા હતા. આ વેળા નાગપુરના બિન-મરાઠા અને એ પણ બ્રાહ્મણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષની મુદત પૂરી કરીને ફરી પોતે જ મુખ્ય પ્રધાન થવાના છે એવી ઘોષણાઓ કરતા હોય ત્યારે રાજ્યની પ્રજાની માનસિકતામાં પરિવર્તન આવ્યાનું અવશ્ય અનુભવાય છે.

શિવસેના પોતાની નારાજગી જાહેર કરીને પાણીમાં બેસી જવા માટે જાણીતી છે. શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેને સુરેશ પ્રભુના અનુભવે સતત ડર છે કે ઝાઝું વંકાવા જતાં તો મોદી-શાહ શિવસેનાના સૈનિકોનું જ હરણ કરી જશે અથવા તો સત્તામાં ભાગીદારીથી હાથ ધોવા પડશે. છેલ્લે લોકસભા ચૂંટણી વખતે ઠાકરેને મળવા માટે શાહે જવું પડ્યું. એનાથી પોરસાયેલી શિવસેનાએ દાવા કરવા માંડ્યા હતા કે વિધાનસભા ચૂંટણી પછી મુખ્ય પ્રધાન સેનાનો જ હશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપથી અલગ રહીને લડવામાં ભાજપને નુકસાન જરૂર પહોંચાડ્યું, પણ અંતે તો સત્તા માટે સાથે આવવું પડ્યું. આ વખતે તો ભાજપ વધુ મજબૂત છે એટલે ‘માતોશ્રી’ (ઠાકરે નિવાસ)ને ઝાઝી દાદ મળે એવી શક્યતા નથી. યુતિમાં વિલંબ ભલે થયો, બેઠકોની ફાળવણીમાં સેનાએ જુનિયર પાર્ટનર તરીકેનું સ્થાન સ્વીકારી લેવું પડશે.

ઓવૈસી-આંબેડકરની ભૂમિકા

લોકસભાની છેલ્લી ચૂંટણીમાં હૈદરાબાદના મુસ્લિમ નેતા-સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ ઉર્ફે બાળાસાહેબ આંબેડકરની વંચિત બહુજન આઘાડી સાથે ભાજપની કથિત ગુપ્ત સમજૂતીને કારણે કોંગ્રેસ-રાષ્ટ્રવાદીએ ૭થી ૮ બેઠકો ગુમાવવી પડી હતી. આ વખતે પવારની કુનેહ કેવી કીમિયાગીરી કરી બતાવે છે કે કુબેરભંડારીઓના કોથળા ખુલીને ચમત્કાર કરે છે, એ ભણી સૌની નજર મંડાયેલી છે.

હજુ હમણાં જ શરદરાવે તો કહ્યું કે લોકસભા ચૂંટણી વેળા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેને કોંગ્રેસના વિરોધને કારણે સાથે લઇ શક્યા નહોતા. આ વેળા તો રાજ ઠાકરેએ પહેલાંથી જ સ્વતંત્રપણે ચૂંટણી લડવાનો મનસૂબો જાહેર કરી દીધો છે. આ વખતે બિહાર કરતાં સૌની નજર મહારાષ્ટ્ર પર વધુ મંડાયેલી રહેશે.

ભાજપ હવે કેન્દ્રમાં વધુ મજબૂત હોવાથી અને દંડૂકાવાળી કરવામાં એના ‘તોતા’ માત્ર વિપક્ષમાં બેઠેલાઓની જ નહીં સ્વજનોની સાન ઠેકાણે લાવવા ઘણા બધા ખેલ કરી શકે તેમ હોવાથી ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે. મહારાષ્ટ્રમાં કોઈ ચમત્કાર જ ભાજપ અને શિવસેનાને આગામી ચૂંટણીમાં વિજયથી વંચિત રાખી શકે. ચમત્કારો અને અંધશ્રદ્ધાવિરોધી કાયદો આ રાજ્યમાં ઘણાં વર્ષોથી અમલમાં છે એ જરા યાદ રહે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter