રાજ્યસભાની ચૂંટણીમાં ગરિમાનું ખુલ્લેઆમ ચીરહરણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Saturday 12th August 2017 08:02 EDT
 
 

ભારતીય બંધારણ અને ચૂંટણીની ગરિમાના લીરેલીરા ગુજરાતની રાજ્યસભા ચૂંટણીમાં ઊડ્યા. બંધારણીય હોદ્દાઓ પર બેઠેલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, અનુક્રમે, કરેલાં અડધી રાત પછીના ચૂંટણી પંચ વિરુદ્ધનાં નિવેદનોએ આમન્યાલોપનાં ઉદાહરણ પૂરાં પાડ્યાં. એ પહેલાંના નાટકીય ઘટનાક્રમ પછી નવી નરેન્દ્ર મોદી સરકારના સમયગાળામાં જ નિયુક્ત થયેલા ચૂંટણી પંચના બેઉ કમિશનરોના પ્રતિકૂળ નિર્ણય સામે ભાજપની નેતાગીરીએ કરેલા ઉહાપોહ આવતી કાલોનાં એંધાણ આપી દીધાં.

૧૮૨ સભ્યોની વિધાનસભાની પક્ષવાર સભ્યસંખ્યા અનુસાર રાજ્યસભામાં નિવૃત્ત થતા ભાજપના બે અને કોંગ્રેસના એક સભ્યને ફરી ચૂંટી મોકલવાના પવિત્ર પર્વને અભડાવવાનું કામ સત્તારૂઢ ભાજપ અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ મળીને કર્યું. ૧૮૨માંથી ભાજપ પાસે ૧૨૧નું સંખ્યાબળ હોવાથી એના બે ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઈરાની જીતી જાય અને ૫૭ બેઠકો ધરાવતી કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ બિનહરીફ ચૂંટાવાની શક્યતા હતી. દર વખતે ત્રણ બેઠકો પક્ષવાર સભ્યસંખ્યાની ગણતરી અનુસાર બિનહરીફ થતી હતી.

કોંગ્રેસ નામની નબળી ગાયને બગાઈઓ ઝાઝી

આ વખતે વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વટક્યા હતા. પોતે તો ૭૭ના થયા એટલે ચૂંટણી લડવાની ઝાઝી મહેચ્છા નહોતી છતાં પોતાના દીકરા મહેન્દ્રસિંહનું ભાવિ ચમકાવવા માટે એમણે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે દેશમાં નબળી પડેલી કોંગ્રેસને ભીંસમાં લઈને ભાજપ સાથે પુનઃ સંધાણના ખેલ આદર્યા હતા. નબળી ગાયને બગાઈઓ ઘણી જેવી અવસ્થામાં કોંગ્રેસ ગુજરાતમાં ૨૨ વર્ષથી સત્તાથી વિમુખ હોવાને કારણે સત્તાસુખની વાંચ્છના ઝંખનારાઓ વાઘેલાના મહાલય ‘વસંત વગડે’ ઉમટવા માંડ્યા.

કોંગ્રેસ બાપુને જ વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરે અને બીજા ઉમદેવારો પણ બાપુની અનુકૂળતા મુજબના જાહેર થાય એવો કારસો એમણે આદર્યો તો ખરો, પણ મેળ જામ્યો નહીં. ભાજપને તો એમના ત્રાગડામાં પોતાનું તરભાણું ભરવાની તક મળતી દેખાતી હતી. અંતરિયાળ ગુજરાતમાં સત્તારૂઢ ભાજપ વિરુદ્ધના અસંતોષથી સુપરિચિત વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત આવીને ઉદઘાટનો અને સભાઓ યોજતા રહ્યા, એની પાછળ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષનું નાક કપાય નહીં એની વ્યવસ્થા કરવાનું જ ગણિત રહ્યું છે.

મહેન્દ્રસિંહની પ્રધાનપદની મહેચ્છા

ચણા-મમરા ખાઈને સંઘ-જનસંઘનું કામ કરનાર શંકરસિંહે ભૂતકાળમાં પક્ષમાં ભંગાણ કરીને ૪૪ ધારાસભ્યોને વિમાન દ્વારા ખજૂરાહો લઈ જવાનો કાંડ કર્યો હતો. એમને એ વેળા હિંદુદ્રોહી, ગદ્દાર અને ન જાણે શાં શાં વિશેષણોથી નવાજવામાં આવ્યા હતા. જોકે, દસ વર્ષ કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર રહી અને એમાં પ્રધાનપદે તથા પ્રધાન સમકક્ષપદે રહેલા બાપુ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાપદે રહ્યા. એમનો જનસંઘ-ભાજપમાં વટ હતો, પણ સરકારી હોદ્દા તો કોંગ્રેસ થકી જ મળ્યા. ઘણી વાર અપત્ય પ્રેમમાં બધું વીસારી દેવાય છે. માત્ર કોંગ્રેસી ધારાસભ્ય બની રહેવાને બદલે બાપુની રાજકીય-હયાતિમાં જ પ્રધાનપદું મેળવવા આકળા થયેલા મહેન્દ્રસિંહને ખાતર આખરે શંકરસિંહે શતરંજ ગોઠવવાનું નક્કી કર્યું. એમને ય લાગવા માંડ્યું હતું કે આવતો દાયકો મોદીયુગનો છે એટલે સમય વર્તે સાવધાન કરવામાં જ મજા.

ખેલ ગોઠવાયા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેમેરાની સાક્ષીએ લાવલશ્કર સાથે શંકરસિંહની ચા પીવા પધાર્યા ત્યારે ૧૦, જનપથ અને એમના વિશ્વાસુ મનાતા અહેમદ પટેલે સમજી જવાની જરૂર હતી. જોકે, એ ચોપાટ ગોઠવાઈ પણ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને એમના શાહજાદા રાહુલ ગાંધીએ બંબાવાળાનું કામ ગોઠવ્યું નહીં. પછી અબ પછતાયે હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત, જેવો સમય આવ્યો. શંકરસિંહ ખુલ્લેઆમ બળવાનાં એંધાણ આપતા રહ્યા. કોંગ્રેસ પગલાં લેવાને બદલે એમના મનામણાંની કોશિશમાં રહી. પછી બાપુને પડતા મૂક્યા, પણ ત્યાં સુધીમાં તો જે કોંગ્રેસ રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતોમાંથી ૨૩ પર શાસન કરતી હતી, એની પ્રતિષ્ઠા ખરડાવા માંડી હતી.

બાપુ ક્યારેક ૨૦૦૨ના ગોધરા-અનુગોધરા કાંડમાં તત્કાલીન મુખ્ય પ્રધાન મોદીને જેલભેગા કરવાના આગ્રહી હતા, પણ એ વેળા અહેમદ પટેલે આડા હાથ દીધા. બાપુને ઘરે એનટીસીની જમીન વેચાણના ૯૦૦ કરોડના રૂપિયા કરતા વધુના કૌભાંડ સંદર્ભે મોદી સરકારની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ટીમો ત્રાટકી. જેલ જવાના સંજોગો બહાર કડક દેખાતા બાપુને અંદરખાને મુલાયમ સિંહની અવસ્થાનો અનુભવ કરાવતા હતા. ચૂંટણીઓમાં માતૃસંસ્થાને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ મદદ કરવા સિવાય છૂટકારો નહોતો.

રાજ્યસભાની ચૂંટણીમાં વેરની વસૂલાત

બાપુને ૧૦, જનપથ એટલે કે સોનિયા ગાંધી સુધી પહોંચતાં રોકનાર અહેમદ પટેલ સાથે પહેલાં વેર વાળવાનો સંકલ્પ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં જ એમને પાડી દેવાનો ખેલ ગોઠવાયો. પક્ષને પોતે જાણે કે ઉપકાર કરતા હોય એમ છૂટો કર્યો. ૧૦, જનપથ બાપુને ભાવ નથી આપતું એ પ્રજા ય જાણી ગઈ હતી તો પક્ષના કાર્યકરો તો જાણી જ જાય એ સ્વાભાવિક હતું. બાપુ પોતાના કહ્યાગરા ૩૭ ધારાસભ્યોના ટેકા પર મુસ્તાક હતા. જોકે, એમની રમતમાં માંડ ૧૦ જણ આવ્યા. બીજા ચાર પોતાની રીતે આગળ વધ્યા.

વિધાનસભામાં આમ પણ ભાજપની સામે શીંગડા ભરાવવાને બદલે વોક-આઉટ થકી મૈત્રી દાવ ખેલતા રહ્યા હતા. ભાષા બળવાખોરીની પણ રાજનેતા નિવેદન કરે એ જ સત્ય વંચાય નહીં.

રાજ્યસભાની ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની ભાજપનાં ઉમેદવાર હતાં. કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ હતા. એકાએક ત્રણ ધારાસભ્યોનો અંતરાત્મા જાગ્યો. કોંગ્રેસને બદલે ભાજપની વિકાસગથા એમને પ્રભાવિત કરી ગઈ. આગલા દિવસે અહેમદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરે ત્યારે એમનું મોંઢું મીઠું કરાવનાર ડો. તેજશ્રીબહેન પટેલ વાડ ઠેકી ગયાં. બાપુના પુત્ર મહેન્દ્રસિંહના વેવાઈ અને સિદ્ધપુરમાં જયનારાયણ વ્યાસને ઘરભેગાં કરવાના વ્યૂહમાં કામ આવેલાં બળવંતસિંહ રાજપૂત તથા વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદ પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. ધારાસભ્ય બળવંતસિંહ તો પાછા ભાજપી ઉમેદવાર થયા. ધારાસભ્ય તરીકે રાજીનામાં આપીને પ્રામાણિક છબિ ઉપસાવવાની કોશિશ કરી. વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાં પડ્યાં એટલે કોંગ્રેસ ચેતી. બાપુનો ખેલ કામ કરી રહ્યો હતો. ૪૪ ધારાસભ્યોને કર્ણાટકના બેંગલોર લઈ જવાયા. મતદાન વખતે ગાંધીનગર લવાયા તોય એમાંથી એક કૂદ્યા. કોંગ્રેસના ૫૭માંથી ૧૪ ભાજપની વ્હેલમાં બેઠાં.

આયોજન તો અહેમદ પટેલને હરાવવાનું અને વિધાનસભા ચૂંટણી વહેલી લાવી જામો પાડવાનું હતું. જોકે, અહેમદ પટેલ હારતાં હારતાં પણ જનતા દળ (યુ)ના છોટુભાઈ વસાવાના મતના તરણે જીત્યા. કોંગ્રેસના બે ‘દગાખોર’ ધારાસભ્યોના મત રદ્દ કરવાના ચૂંટણી પંચના નિર્ણય સિવાય પણ અહેમદ પટેલ જીત્યા હોત. વરવાં દૃશ્યો સર્જાયાં.

સૌથી વધુ દુઃખી થવાનો વખત અમિત શાહ માટે આવ્યો. ભલે એ પોતે જીત્યા, પણ અહેમદ પટેલને હરાવવાનો સંકલ્પ પૂરો ના થયો. રમતો ખુલ્લી પડી. કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવ્યા. જોકે અમે ટીવી ચર્ચામાં કહ્યુંઃ ‘ધીરી રહે બાપુડિયાં. કારણ વિધાનસભાની ચૂંટણી જીતવા જેટલું જોર કોંગ્રેસ મારી શકે એ વિશે શંકા રહે છે.’

શંકરસિંહનો સન્નિપાત અને ધમકી

ક્યારેક નવનિર્માણના નેતા રહેલા ઉમાકાંત માંકડને અને બીજા ટીકાકારોને જોઈ લેવાની ધમકી આપનાર શંકરસિંહ હવે રોજ નવા નાટકીય ખેલ કરવા માંડ્યા છે.

ગુજરાતમાં મુખ્ય પ્રધાન કોણ બને કે બીજા મહત્ત્વના હોદ્દે કોણ આવે એ નક્કી કરનાર હું - હું અને હું જ રહ્યો છું, એવું સતત રટણ કરનાર શંકરસિંહ વાઘેલા હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયા પછી ભારે સન્નિપાતમાં જોવા મળ્યા. સંઘ-જનસંઘ-ભાજપની ગુજરાતમાં બાંધણીમાં બાપુની ભૂમિકાને કોઈ નકારી શકવાની સ્થિતિમાં નહીં, પણ જ્યારે ૧૯૯૫માં ભાજપમાં બહુમતી સાથે મુખ્ય પ્રધાન બનવાનો વખત આવ્યો ત્યારે પોતાને સંઘ-વિહિંપના એકમેવ પ્રતિનિધિ લેખાવતાં ‘ચાણક્ય’ નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શંકરસિંહની રમત ઊંધી વાળી.

સૌરાષ્ટ્રના પટેલ આગેવાન કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન થયાં. એ દિવસોમાં સ્વયં બાપુએ આ લેખકને કહ્યું હતુંઃ ‘ભાજપની જીતમાં મારું પણ યોગદાન હોવા છતાં મને સાદી ચા પીવડાવવા માટે કેશુભાઈ નિમંત્રણ ના આપે એ કેવું?’ બાપુએ કેશુભાઈ પરદેશ હતા ત્યારે પક્ષમાં બળવો કર્યો. કેશુભાઈને સ્થાને પક્ષના જ, પણ બાપુને અનુકૂળ એવા સુરેશ મહેતાને મુખ્ય પ્રધાન બનાવ્યા, પણ બાપુને એ અનુકૂળ આવ્યા નહીં અને ખજૂરિયા જૂથના ભાજપી ધારાસભ્યોએ કોંગ્રેસનો ટેકો મેળવ્યો અને શંકરસિંહ મુખ્ય પ્રધાન બન્યા હતા. એ જ કોંગ્રેસે શંકરસિંહને ‘ભ્રષ્ટાચારમૂર્તિ’ ગણાવતાં રાજ્યપાલને લાંબુલચક આવેદનપત્ર આપીને ઊથલાવ્યા અને બાપુનિષ્ઠ દિલીપ પરીખ ગાદીએ આવ્યા. એમણે વિધાનસભા ચૂંટણી જાહેર કરી અને બાપુની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી)ને રોકડી ચાર બેઠકો મળી.

બાપુ આખી જિંદગી જે કોંગ્રેસ સામે લડતા રહ્યા એ જ કોંગ્રેસને શરણે જઈને મુખ્ય પ્રધાન થયા, એ જ કોંગ્રેસમાં ભળીને કેન્દ્રીય પ્રધાન થયા, એ જ કોંગ્રેસમાં રહીને વિધાનસભાના વિપક્ષને નેતા બન્યા અને એ જ કોંગ્રેસને પુત્રપ્રેમમાં દગો દઈને ‘સાબોટાઝ’ કરી. કેટલું ભવ્ય યોગદાન!

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter