રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતીક સોમનાથનું હિંદુકરણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 10th June 2015 10:16 EDT
 
 

ભારતીય અસ્મિતાના પ્રતીકસમા સોમનાથ મંદિરમાં બિનહિંદુઓને દર્શન કરવા માટે લિખિત અરજી કરીને મંજૂરી મેળવવાની નવતર જોગવાઈના અમલીકરણથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા સોમનાથના જ્યોતિર્લિંગના દર્શનનો વિવાદ વણસ્યો છે. ૧૧ મે, ૧૯૫૧થી અત્યાર લગી સોમનાથનાં દર્શને જનારાઓને વિશે ભાગ્યે જ કોઈ વિવાદ સર્જાયો છે, પરંતુ હમણાંથી શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ (મેનેજિંગ ટ્રસ્ટી) અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ રહેલા નિવૃત્ત સનદી અધિકારી પ્રવીણ કનુભાઈ લહેરીએ બિનહિંદુઓને નિર્ધારિત અરજીપત્રક ભરીને જ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવાની છૂટ આપવાના કરેલા આદેશે રીતસર વિવાદ ભડકાવ્યો છે.

સોમનાથના જીર્ણોદ્ધાર માટેના નેહરુ સરકારમાં નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન રહેલા સરદાર વલ્લભભાઈ પટેલને તેમના સાથી પ્રધાન અને ગુજરાતી અસ્મિતાના પ્રણેતા-સર્જક એવા ક. મા. મુનશીના આગ્રહને પગલે ૧૩ નવેમ્બર, ૧૯૪૭ના રોજ જૂના શ્રી સોમનાથ મંદિરના ભગ્નાવેશ જોઈને ખિન્નમસ્તક બનેલા સરદાર વલ્લભભાઈ પટેલે તે જ સમયે સોમનાથના સાગરતટે જઈને સોમનાથના પુનર્નિમાણનો સંકલ્પ કર્યો હતો.

ગાંધીજીનો આગ્રહ હતો કે હિંદુ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરકારી નાણાં વપરાય નહીં, એટલે સંવત ૨૦૦૪ના બેસતા વર્ષના પ્રથમ દિવસે જ એટલે કે ૧૩ નવેમ્બર, ૧૯૪૭ના રોજ નવાનગરના રાજવી જામસાહેબના રૂપિયા એક લાખ અને આરઝી હકૂમતના વડા શામળદાસ ગાંધીએ રૂપિયા ૫૧ હજારનો ફાળો આપવાની જાહેરાત કરી હતી. ક. મા. મુનશીએ શ્રી સોમનાથ ટ્રસ્ટનું ટ્રસ્ટડીડ તૈયાર કર્યું અને જામસાહેબના અધ્યક્ષપદે શ્રી સોમનાથ ટ્રસ્ટ કાર્યરત થયું હતું. જામસાહેબના નિધન પછી મુનશી એના અધ્યક્ષ બન્યા. એમના અનુગામી તરીકે મોરારજી દેસાઈ, જયકૃષ્ણ હરિવલ્લભદાસ, દિનેશ શાહ અને કેશુભાઈ સવદાસ પટેલ શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખપદને સંભાળતા રહ્યા. અત્યારે પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ અધ્યક્ષના હોદ્દે કાર્યરત છે અને લાલ કૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી (વડા પ્રધાન) એના ટ્રસ્ટીમંડળમાં સેવારત છે. લહેરી ટ્રસ્ટી મંડળના સભ્યસચિવ અને ટ્રસ્ટી એટલે કે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. અત્યારે સોમનાથ દર્શનનો મહિમા ઘણો વ્યાપક બન્યો છે.

૮ મે, ૧૯૫૦ના રોજ સૌરાષ્ટ્રના રાજપ્રમુખ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ જામસાહેબ દિગ્વિજય સિંહના વરદહસ્તે સોમનાથના પુનઃનિર્માણનો શિલાન્યાસ થયો. એ પહેલાં ૮ એપ્રિલ, ૧૯૫૦ના રોજ સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉચ્છંગરાય ઢેબરના વરદહસ્તે સોમનાથના પુનનિર્માણના શિલાન્યાસ માટે ભૂમિખનન વિધિ થયો હતો. ગર્ભગૃહ પૂરું થતાં શિવલિંગ પ્રાણપ્રતિષ્ઠા ૧૧ મે, ૧૯૫૧ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે થયો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલ સામાન્ય રીતે ભાગ્યે જ કોઈ મંદિરમાં દર્શને જતા હતા, પરંતુ સોમનાથને ૧૬-૧૬ વખત મહંમદ ગઝનીએ તોડ્યાના ઈતિહાસના પરિચયને કારણે એમણે ભારતીય અસ્મિતાના પ્રતીક તરીકે સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવવાનો સંકલ્પ કર્યો હતો. આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને સોમનાથનો જીર્ણોદ્ધાર થાય એ પસંદ પડ્યું નહોતું. ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ સરદારના નિધન પછી રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ સોમનાથના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારે એ પણ નેહરુને રુચ્યું નહોતું. છતાં ક. મા. મુનશીને આપેલા વચનને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રપતિ સોમનાથ પધાર્યા ત્યારે નેહરુ સરકારે એમના ભાષણને રીતસર બ્લેકઆઉટ કર્યું હતું. જોકે સોમનાથ ટ્રસ્ટનાં પ્રકાશનોમાં ડો. રાજેન્દ્ર પ્રસાદનું ૧૧ મે, ૧૯૫૧નું એ મનનીય વ્યાખ્યાન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એમાં સરદાર પટેલ અને ક. મા. મુનશી સાથે અંતરંગ સંબંધ ધરાવતા પ્રથમ રાષ્ટ્રપતિએ કહ્યું હતુંઃ

‘આ દેશમાં વસનારા પ્રત્યેક સંપ્રદાયના લોકોને એકસમાન સુવિધાઓ પ્રાપ્ત થાય એવી ધર્મનિરપેક્ષતાની નીતિ ભારતીય સંઘે અપનાવી છે. આ જ નીતિ મુજબ મારી શ્રદ્ધા અને ભક્તિ બધા ધર્મો પ્રત્યે રહે છે. ભલે સનાતની હિંદુ ધર્મમાં વિશ્વાસ ધરાવતો હોઉં, છતાં હું એવું પણ માનું છું કે અન્ય ધર્માવલંબીઓ પોતાની રીતે ભગવાનની પૂજા-અર્ચના કરીને એમને પ્રાપ્ત કરી શકે છે. એટલે બધા જ ધર્મોનાં પવિત્ર સ્થાનો પ્રત્યે હું માત્ર આદર જ ધરાવું છું. એટલું જ નહીં, એ આદર અવસર મળે ત્યારે વ્યક્ત કરવામાં ક્યારેય સંકોચ કરતો નથી. અવસર પ્રાપ્ત થતાં હું દરગાહ અને મસ્જિદ, દેવળ અને ગુરદ્વારામાં એ જ શ્રદ્ધા સાથે જાઉં છું, જેવી શ્રદ્ધા સાથે મારાં મંદિરોમાં હું જાઉં છું. આજનો અવસર પણ આ જ જાતિની સચ્ચાઈને પુષ્ટિ બક્ષનારો છે.’

સમયાંતરે શ્રી સોમનાથ ટ્રસ્ટની કામગીરી વિસ્તરતી રહી અને લાખો શ્રદ્ધાળુઓ પ્રતિ વર્ષ અહીં આવતાં રહ્યાં છે. ૪ એપ્રિલ, ૧૯૭૦ના રોજ અહીં સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાનું અનાવરણ શ્રી રવિશંકર મહારાજના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. સરદારશ્રીની પ્રેરણાથી સોમનાથનો જીર્ણોદ્ધાર થયાની સ્મૃતિ કાયમ રાખવાનો આ પ્રયાસ હતો.

સમયાંતરે દેશના રાજકીય માહોલમાં પરિવર્તન આવતું રહ્યું અને કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષ અને ડાબેરીઓના ટેકે વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર હતી ત્યારે મંડળ-કમંડળની રાજનીતિમાં સોમનાથનો રાજકીય ઉપયોગ પણ થયો. ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા જાહેર કરી અને ભાજપના રાષ્ટ્રીય સત્તારોહણનાં પગલાં મંડાયાં. ગુજરાતમાં ભાજપના સત્તારોહણ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટમાં ભાજપના નેતાઓના ટ્રસ્ટી તરીકેના પ્રવેશ અને એના સરકારીકરણ સુધીના વર્તમાનનો યુગ જોવા મળ્યો.

છેક ૧૯૫૧થી લઈને હજુ હમણાં સુધી સોમનાથમાં દર્શને આવતા હિંદુ અને બિનહિંદુ વચ્ચે ભાગ્યે જ કોઈ ભેદ રખાયો હતો. જોકે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ-ટ્રસ્ટી લહેરીએ બિનહિંદુઓ દર્શને આવતાં ક્યારેક વિવાદ સર્જાતા હોવાની વાત કરી અને મેનેજિંગ ટ્રસ્ટીને ક. મા. મુનશીએ ઘડેલા ટ્રસ્ટ-ડીડમાં પ્રાપ્ત સત્તાની રૂએ બિનહિંદુઓને દર્શન માટે મંજૂરી લેવાની જોગવાઈ કરવામાં આવ્યાનું એમણે જણાવ્યું છે. ગુજરાતના ટોચના અધિકારીઓમાં સામાન્ય રીતે બિનવિવાદાસ્પદ આઈએએસ અધિકારીની છાપ ધરાવનારા લહેરીએ અગાઉ બનાસકાંઠાના કલેક્ટર હતા ત્યારે અંબાજીનાં દર્શન માટેના નવા પ્લાનને અમલમાં લાવવા માટેનું સ્તુત્ય કામ કરેલું છે. એમણે શ્રી સોમનાથ ટ્રસ્ટના દાયકાઓથી ટ્રસ્ટી રહેલા પ્રા. જે. ડી. પરમારે ‘બિનહિંદુઓ ઉપર પાબંદી ટ્રસ્ટીમંડળનો નિર્ણય નથી, લહેરીનો આપખુદ છે.’ એવું નિરર્થક ઉંબાડિયું કર્યા વિશે દુઃખ વ્યક્ત કર્યું હતું. લહેરી કહે છેઃ ‘સોમનાથનાં દર્શને આવનારા બિનહિંદુઓ મંજૂરી લઈને દર્શન કરી રહ્યા છે. એમને કોઈ વાંધો નથી. વળી, વ્યવસ્થાની આવી સત્તા મેનેજિંગ ટ્રસ્ટીને મુનશીના ટ્રસ્ટ-ડીડમાં અપાયેલી જ છે.’

લહેરી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરતા હોવા છતાં સાધુ-સંતો અને રાજકીય નેતાઓએ સોમનાથ દર્શનના વિવાદને વણસાવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકીએ એને ‘ભાજપનું ચૂંટણીલક્ષી ગતકડું’ ગણાવ્યું છે. ગુજરાત સરકારના સત્તાવાર પ્રવક્તા અને સીનિયર પ્રધાન નીતિન પટેલે આ નિર્ણય સાથે સરકારને કોઈ લેવાદેવા હોવાનું નકારીને કાને હાથ દીધા છે. સામાન્ય રીતે ક્રાંતિકારી લેખાતા સ્વામી સચ્ચિદાનંદે બિનહિંદુઓને લેખિત ફોર્મ ભરીને જ દર્શનની મંજૂરી અપાવવાના પગલાંને આવકાર્યું છે, જ્યારે પ્રસિદ્ધ રામકથાકાર મોરારિબાપુ અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (બીએપીએસ)ના સંતોને આવું પગલું ગમ્યું નથી. સોમનાથનાં દર્શન સૌને માટે ખુલ્લાં રાખવામાં આવે અને આવી પૂર્વમંજૂરીની જરૂરિયાત નહીં હોવાનું તેમનું કહેવું છે. ટ્રસ્ટીમંડળ આ વિશે મૌન છે, પણ એના એક ટ્રસ્ટી પ્રા. જે. ડી. પરમારે લહેરી સામે વિરોધ નોંધાવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો ડો. પ્રવીણ તોગડિયા તિરુપતિ અને રામેશ્વરને ટાંકીને કહે છે કે સોમનાથનાં દર્શન હિંદુ માટે જ ખુલ્લાં હોવાં જોઈએ.

ભાજપના નેતા ડો. સુબ્રમણ્યન્ સ્વામીએ બિનહિંદુઓને સોમનાથ દર્શન માટે પૂર્વમંજૂરી લેવાની કરવામાં આવેલી જોગવાઈને આવકારી છે, પણ નરેન્દ્ર મોદીના વડપણવાળી ભારત સરકારમાં કેબિનેટ પ્રધાન રામવિલાસ પાસવાન કહે છેઃ ‘સોમનાથ મંદિરમાં બિનહિંદુના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો ખોટો છે. પ્રધાનમંત્રી મોદીજી બધાને સાથે લઈને ચાલવાની અને દેશના વિકાસની વાત કરે છે ત્યારે આવા ધર્મ કે વર્ગના ભેદ યોગ્ય નથી.’

આવતા દિવસોમાં સોમનાથ દર્શનનો વિવાદ વધુ વણસે એવી શક્યતા ખરી. હિંદુ-બિનહિંદુ દર્શનવિવાદમાં કટ્ટરતાનાં દર્શન દક્ષિણ ભારતનાં હિંદુ મંદિરોમાં જોવા મળે છે. કેરળના ગુરુવાયુરના મંદિરમાં બિનહિંદુને પ્રવેશ નથી, હિંદુ માટે પણ ડ્રેસકોડ છે. જોકે કૃષ્ણના આ મંદિરમાં શ્રદ્ધા ધરાવનારા કેરળના ખ્રિસ્તી મુખ્ય પ્રધાન એ. કે. એન્ટનીએ પોતાના દીકરાનાં લગ્ન મંદિર પરિસરના બહારના ભાગમાં યોજ્યાં એ પછી સમગ્ર મંદિર પરિસરનું શુદ્ધિકરણ ગોમૂત્રથી કરવામાં આવ્યું હતું!

છ-છ દાયકા સુધી સોમનાથના મંદિરમાં દર્શને આવનારાઓમાં હિંદુ અને બિનહિંદુ વચ્ચે ભેદભાવ કરવામાં આવ્યા નથી. અત્યાર લગી બિનહિંદુઓને નોખા તારવવામાં આવ્યા નથી તો આજે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં હિંદુવાદી મનાતી સરકાર હોય ત્યારે સોમનાથ જેવી રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતીકનાં દર્શન કરવામાં ધાર્મિક ભેદભાવને દાખલ કરવાની મહેચ્છા કોને સૂઝી એ મહાપ્રશ્ન છે. સામાન્ય રીતે લહેરી આવો કટ્ટરવાદી નિર્ણય લેવા માટે જાણીતા નથી, પણ એમણે કયા સંજોગોમાં અથવા કોના દબાણ હેઠળ આવો નિર્ણય લેવો પડ્યો એ શોધનો વિષય છે.

સોમનાથના ઈતિહાસના જાણકારી માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘પ્રભાસ અને સોમનાથ’ (લેખકઃ શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ, નિવૃત્ત આઈએએસ અધિકારી) વાંચવાની ભલામણ સાથે સોમનાથ દર્શનવિવાદનો આ અધ્યાય અહીં પૂર્ણ કરીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter