લોકસભા ચૂંટણીના પતંગ ચગાવવા અને કાપવાની શરૂઆત

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 09th July 2018 05:50 EDT
 
 

ભારતીય જનતા પક્ષમાં જ્યારથી નરેન્દ્ર મોદીના યુગનો ઉદય થયો છે ત્યારથી પ્રત્યેક દિવસ અને પ્રત્યેક સરકારી કાર્યક્રમ ચૂંટણીલક્ષી બની ગયાની અનુભૂતિ થયા કરે છે. લોકસભાની ચૂંટણી આડે હજુ ઘણા મહિના બાકી હોવા છતાં સતત ચૂંટણીનો જ માહોલ રચવામાં આવી રહ્યો છે. હજુ ડિસેમ્બર ૨૦૧૭માં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગઈ હોવા છતાં પૂર્ણ કક્ષાનું પ્રધાનમંડળ રચાયું નથી અને આવતા દિવસોમાં ખાલી રહેલી ૬ પ્રધાનોની જગ્યાઓ ભરાશે કે સીધી જ લોકસભાની ચૂંટણી આવી પડશે, એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ કહી શકે. રાજકીય જ્યોતિષીઓને ખોટા પાડવા માટેની વ્યૂહરચના સાથે જ મોદી-શાહની જોડી કાર્યરત છે.

શાહનો ગુજરાતનો કાર્યક્રમ ૧૩-૧૪ જુલાઈ ૨૦૧૮ દરમિયાન ‘અનુ-બાવળિયા કવાયત’ યોજવા ઉપરાંત પક્ષના નારાજ નેતાઓના ‘રાજીપા’ માટે અપેક્ષિત મનાય છે. એમના ગુજરાત પ્રવાસ પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હજુ પણ વાડ ઠેકી જવા આતુર અસંતુષ્ટોને મનાવવા કે ‘વિદાયમાન’ આપીને ભાજપ કે અન્ય પક્ષમાંથી પોતાના વાડામાં વાળવાના પરિશ્રમ કાજે ગુજરાત આવે છે. રાહુલબાબા આવે એટલે વડા પ્રધાન મોદી તો આવે જ આવે. હવે તો ચૂંટણીનો માહોલ રચાઈ ચૂક્યો છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણી સાથે જ લોકસભાની ચૂંટણી યોજવાનાં ગણિત મંડાઈ રહ્યાં છે. કારણ બહુ સ્પષ્ટ છે કે મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મળેલી બેઠકો ભાજપ આ વખતે અંકે કરી શકવાની સ્થિતિમાં નથી. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની નાજુક સ્થિતિ હોય ત્યારે લોકસભા ચૂંટણી પર એની પ્રતિકૂળ અસર પડવી સ્વાભાવિક છે. આથી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે જ લોકસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.

હવે ગુજરાતનું ચિત્ર બદલાયું છે

ગુજરાતની તાસીર નિરાળી છે: ગઈ લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો કબજે કરવા પાછળ ભાવનાત્મક કારણ એ હતું કે એક ગરવા ગુજરાતીને વડા પ્રધાન બનાવવા ગુજરાતીઓ મત આપવાના હતા. ભાજપના વિજેતા ૨૬માંથી ૧૧ તો કોંગ્રેસી ગોત્રના નેતા હતા. ભાજપની ચૂંટણી ઝુંબેશમાં નેહરુ-ઇન્દિરા-સોનિયા-રાહુલને ભાંડવામાં પણ ભાજપની નેતાગીરી સાથે તેઓ પણ જોડાયા હતા. ભાજપ થકી વચનોની લહાણી કરાઈ હતી. અચ્છે દિન અને વિદેશથી સ્વિસ બેંકમાંનું કાળું નાણું લઇ આવવાની ગળચટી વાતો કરાઈ હતી. વર્ષે બે કરોડને રોજગારી આપવા અને બાંગલાદેશી ઘૂસણખોર એવા બે કરોડ લોકોને પરત મોકલવા માટે ખળિયાપોટલા તૈયાર રાખવાની ગર્જનાઓ કરાઈ હતી. ભાજપનો સંકલ્પપત્ર કે ચૂંટણી ઢંઢેરો હજુ પક્ષની સત્તાવાર વેબસાઇટ પર ઝગારા મારે છે. ચાર વર્ષ પછી જે ચિત્ર ઉપસ્યું છે એ નોખું છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પછી જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ થઇ. ૩૧ જિલ્લા પંચાયતોમાંથી ૨૩ કોંગ્રેસને ફાળે ગઈ. ડિસેમ્બર ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના મહારથી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪-૧૫ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપને રાજ્યસભા ચૂંટણીમાં ટેકો કરવા કામે વળ્યા છતાં કોંગ્રેસી ઉમેદવાર અહેમદ પટેલને જીતતા રોકી ના શકાયા. વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ અને સમર્થકો થકી દગો દેવાયા પછી પણ કોંગ્રેસની બેઠકો વધવા પામી. હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ ૨૬ બેઠકો જીતવાનો દાવો ભલે કરે, કોંગ્રેસ દસેક બેઠકો લઇ જાય એવી ગુપ્તચર માહિતીએ ભાજપની નેતાગીરીની નીંદર હરામ કરી દીધી છે.

ભલે કહેવા પૂરતું તો એમ કહેવાય કે ‘પાસ’ના આગેવાન ૨૪ વર્ષીય હાર્દિક પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની યુવા ત્રિપુટી થકી કોંગ્રેસ આગેકૂચ કરી રહી છે, પણ જેની ન્યૂસંસ વેલ્યુને પણ ગંભીરતાથી લેવાતી નહોતી, એ ત્રિપુટીનો આટલો બધો ખોફ શાને? હવે તો એ ત્રિપુટી ફરી પાછી સક્રિય થઇ છે. ભાજપ થકી જિલ્લા પંચાયતો તોડવા કે ધારાસભ્યોને પોતાની સાથે જોડવાની પ્રક્રિયા ચલાવાઈ રહી છે.

એકમેકના ગઢમાં ગાબડાં પડાશે

ભાજપના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવી ઘટના તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળિયાને સવારે પક્ષમાં પ્રવેશ આપીને સાંજ પહેલાં કેબિનેટ પ્રધાન બનાવી દેવાયા, એને ગણાવી શકાય. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કરવા ટીવી ચેનલો પર આવે છે અને મોવડીમંડળ ઠપકો આપે એટલે ફેરવી તોળે છે. પક્ષમાં અસંતોષ ગમેત્યારે ભડાકા પેદા કરી શકે છે. ભાજપમાં સબ સલામતની આહલ્લેક ભલે જગવાય, પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ત્રાગું કરીને નાણાં ખાતું મેળવવું પડે કે અસંતોષ વ્યક્ત કરનારા ધારાસભ્યોને શાંત કરવા પડે; એ કાંઇ સારા સંકેત નથી.

લોકસભા ચૂંટણી આવે એ પહેલાં બોલકા થયેલા સાંસદો અને ધારાસભ્યોમાંથી કોણ વાડ ઠેકી જાય એ કહેવું મુશ્કેલ છે. પક્ષમાં રહીને પણ ચૂંટણીમાં નુકસાન કરી શકે છે. બધાને રાજી રાખવાનું અશક્ય છે. બાવળિયાની જેમ બીજા પણ કેટલાક કોંગ્રેસી આગેવાન ભાજપમાં આવી શકે છે, પણ બધા બાવળિયાની જેમ સવારે જોડાઈને સાંજે પ્રધાનપદ મેળવવા જેટલી ફૂલપ્રૂફ સોદાબાજી કરવા જેટલા કામયાબ ના પણ થાય. આમ પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે વધુમાં વધુ માત્ર છ પ્રધાનપદની જગ્યા છે. કોઈને પડતા મૂકે કે આયાતીને પ્રધાનપદ આપવા જતાં ભડકા થવાની શક્યતા વધે.

કોંગ્રેસના અસંતુષ્ટ નેતા જેમ ભાજપના સંપર્કમાં છે તેમ ભાજપના અસંતુષ્ટ નેતા કોંગ્રેસના સંપર્કમાં પણ છે. ઉત્તરાયણ હજુ દૂર છે, પણ જાણે ગુજરાતના આકાશમાં એકમેકના પતંગ કાપવાની સ્પર્ધા ચાલી રહી છે. ચૂંટણી વહેલી આવી રહ્યાના સંકેત વચ્ચે ભાજપનું ઘર સંભાળવાની ચિંતા વધુ છે. કોંગ્રેસે તો ઝાઝું ગુમાવવાનું નથી, એણે તો લાભ જ મેળવવાનો છે.

આંદોલનકારી ત્રિપુટી ફરી મેદાનમાં

ઠાકોર સમાજમાંથી આવતા અલ્પેશ ઠાકોરે દારૂબંધી કડક કરાવવાના આગ્રહ અને દારૂના અડ્ડાઓ પર જનતા રેડથી ચૂંટણી પહેલાં સરકારને ભીંસમાં લીધી હતી. રાજ્ય સરકારે દારૂબંધીના કાયદાને કડક કરવાની ફરજ પડી હતી. પાટીદાર અનામત નેતા હાર્દિક પટેલના ઘણા આંદોલનકારી યુવા સાથીઓને ભાજપમાં લેવામાં આવ્યા પછી પણ આ એકલવીર હજારોની જનમેદનીને આકર્ષે એવો ‘પટેલ આયકન’ બની ગયો છે. મેવાણીએ રાજ્યમાં દલિત ચેતના જગાડી અને ભાજપ-સંઘના લાખ પ્રયાસો છતાં કોંગ્રેસના ટેકે વડગામ વિધાનસભા બેઠક જીતીને ધારાસભામાં પ્રવેશ મેળવી લીધો. એ ડાબેરી છે, પણ કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ અને પટેલ યુવા નેતા હાર્દિક સાથે મળીને ગાંધીનગરના સત્તાધીશોને ટક્કર આપવામાં સક્રિય છે.

હમણાં અમદાવાદના લઠ્ઠાકાંડને પગલે આ ત્રિપુટીએ જનતા રેડ કરી. ગાંધીનગરના જિલ્લા પોલીસ વડાના કાર્યાલય સામેથી જ દારૂ પકડ્યો ત્યારે સરકારે આ ત્રિપુટી સામે પોલીસ કેસ કરીને તો સૌને આંચકો આપ્યો. ગાંધીજી દારૂની દુકાનો સામે પિકેટિંગ કરાવતા હતા અને અંગ્રેજ સરકાર પિકેટિંગ કરનાર સામે ગુનો નોંધતી એવું જ કંઈક આ વખતે થયું. યુવા ત્રિપુટીને તો ધરણાં-આંદોલન કરવાની તક મળી. સત્તારૂઢ ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસના શાસનમાં ‘લઠ્ઠાકાંડની હારમાળા’ સર્જાતી હોવાની વાત કરી તો ખરી, પણ આજેય ગાંધીના ગુજરાતમાં બેફામપણે દારૂ વેચાય કે પીવાય છે એ હકીકતને સત્તાધીશો સ્વીકારે છે.

હવે તો હાર્દિક પટેલે પટેલોને અનામતનો લાભ મળે એ માટે ઓગસ્ટ મહિનામાં આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. એના બીજા બે યુવા સાથીઓ જ નહીં, એનો સાથ છોડી ગયેલા બીજા સાથીઓ પણ એ કાર્યક્રમમાં જોડાવાના છે. આવતા દિવસો ચૂંટણીના છે અને આ યુવા ત્રિપુટી ‘રાજકીય સ્ટંટ’ કે ‘પબ્લિસિટી સ્ટંટ’ તરીકે પણ આંદોલન કરીને ભાજપની સરકાર માટે નવી મૂંઝવણો ઊભી કરતી રહેશે. ભાજપની નેતાગીરીની એ કોશિશ પણ હોય કે આ ત્રિપુટીમાંથી બે જણાને પોતાની સાથે જોડવા કોઈ પણ હદે જઈ શકે. કારણ હાર્દિક કે અલ્પેશને જેલવાસનો તો ડર જ નથી. શક્ય છે કે એમણે પટાવી લેવા ‘શ્રી કમલમ’ પ્રયત્નશીલ રહે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.to the free, weekly Gujarat Samachar email newsletter