વંચિતોમાં જાગૃતિ અને અનામતનાં આંદોલનોનો માહોલ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 17th February 2020 06:41 EST
 

ગાંધીનગરને આંગણે અનામત આંદોલનનું સમાધાન કરાવવામાં અંતે ગુજરાત સરકારને સફળતા મળી, પણ એ થાગડથીગડ સમાધાન કહી શકાય. હજુ અસંતોષની આગ બુઝાવવામાં સફળતા મળી નથી. આદિવાસી અને બીજા વર્ગોમાં અસંતોષ અને અદાલતી ચક્રવ્યૂહ ચાલુ જ રહેવાનો છે. સત્તાધીશોમાં સત્તા માટેની ખેંચાતાણ એટલી હદે વકરી છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અધિકારીઓ પર પ્રભાવ ધરાવનારાં આનંદીબહેન પટેલનો પાટીદાર અનામત આંદોલનમાં બલિ ચડાવાયા પછી અનામતની બહેનો અને બિન-અનામતની બહેનોના તાજેતરના આંદોલન પાછળ આ જ માનસિકતા કાર્યરત હોવાનું અનુભવાય છે.

અગાઉના કોંગ્રેસી શાસનકાળમાં પણ અનામત વિરોધી આંદોલનને કોમીમાં ફેરવીને માધવસિંહ સોલંકીને વિધાનસભામાં કુલ ૧૮૨માંથી ૧૪૯ જેટલી વિક્રમી બેઠકો મેળવ્યાના થોડા જ સમયમાં ઉથલાવનારાઓમાં પણ પારકા નહીં, પોતીકા જ હતા. વર્તમાનમાં સગ્ગી નજરે આ ખેલ નિહાળ્યા છતાં જાણે કે મૂકપ્રેક્ષક બની રહેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની વિવશતા સમજાતી નથી. બબ્બે મહિના કરતાં વધુ સમયથી સરકારી ભરતીમાં ન્યાય માટે ગુહાર લગાવતી અન્ય પછાત વર્ગ (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ની યુવતીઓ રાજધાની ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં કડકડતી ઠંડીમાં ધરણાં કરતી હોય કે ઉપવાસ કરતી છતાં એમના પ્રશ્નને ઉકેલવાની કોઈ ઉતાવળ સરકારને નહોતી.

વળી, એની સામે સરકારી રિમોટથી જ એક પ્રતિ આંદોલન શરૂ થાય છે. એ બિન-અનામત શ્રેણીમાં આવતી યુવતીઓ કરે અને આ જ સરકારી ભરતીમાં ન્યાય માટે માંગણી કરતું આ આંદોલન હોવાનું જાહેર કરાય છે. વિવાદ એક સરકારી પરિપત્રનો હોય અને બંને બાજુના આંદોલનમાં સૂત્રધારો તો પાછા સત્તારૂઢ ભાજપના જ હોય, સરકાર ભાજપની હોય, પરિપત્ર એમના શાસનના ગાળામાં જ બન્યો હોય; છતાં દોષનો ટોપલો બિચારી સબ કી જોરુ જેવી કોંગ્રેસ પર નાંખવાની પોપટવાણી ભાજપના પ્રવક્તાઓ જ નહીં, પ્રધાનો પણ વદતા હોય ત્યારે કોણ કોને મૂરખ બનાવે છે એ સાહજિક રીતે સમજી શકાય છે. અને આવા માહોલમાં ભાજપના જ બંને બાજુના નેતાઓ ઉકેલના પેંડા વહેંચવામાં શૂરા જણાય ત્યારે એ થાગડથીગડ ઉકેલ ભવિષ્યમાં કેટલા નડશે એનો વિચાર કરવા જેટલી પણ દીર્ઘદૃષ્ટિ અપનાવ્યા વિના આજનો ખેલ પાડી દેવાના મૂડમાં તેઓ વધુ છે.

હજુ આદિવાસી સમાજ અને માલધારી સમાજના આંદોલન - પ્રતિ આંદોલનને ઠારવાને બદલે સરકાર આદિવાસીઓમાં તડાં પડાવવાના ખેલના ભાગરૂપે રાઠવા સમાજનું ઉંબાડિયું કરે છે. જૂઠાણાં પર રચાતી ઈમારતો ટકાઉ નથી હોતી એ વાત આજના યુગમાં સાચી પડે એની પ્રતીક્ષામાં ગુજરાતની પ્રજા મોઢું વકાસીને તમાશો જોયા કરે છે અને સામે પક્ષે વિપક્ષી કોંગ્રેસ વાતાનુકૂલિત ખંડોમાંથી પ્રજા સાથે હોવાનાં નિવેદનો ઝીંકે રાખે છે. એમ કાંઈ એના દિ’ ના વળે છતાં પતાસાં મુખમાં આવી પડે એની પ્રતીક્ષામાં છે. બેઉ પક્ષોના રિમોટ હવે દિલ્હીમાં જ છે.

સમાજોમાં તડાં પડાવવાના ખેલ

આજકાલ માત્ર દલિત (એસસી), આદિવાસી (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં જ નહીં, કથિત ઉજળિયાત કે સવર્ણ વર્ગમાં પણ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પ્રવેશ માટે અનામત માટેના ધખારા વધ્યા છે. કથિત સવર્ણ શબ્દ એટલા માટે વપરાય છે કે ભારતીય બંધારણ તમામ નાગરિકોને સમાન ગણે છે એટલે કે કોઈ સવર્ણ કે કોઈ બિન-સવર્ણ એવા ભેદ કરતું નથી. ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા એવા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર સાથે ‘સામાજિક ન્યાય કાજે’ અનામત પ્રથાને બંધારણીય ગણાવવા માટે ભણેલાગણેલા સવર્ણોની બહુમતી ધરાવતી ૧૯૪૬-’૪૯ દરમિયાનની બંધારણ સભાએ સંમતિ આપી હતી, પણ એને યાવત્ચંદ્રદિવાકરો બનાવીને દેશની આઝાદીના સાત-સાત દાયકા પછી પણ વિવિધ સમાજોને આમનેસામને લાવી દેવા જેવા સંજોગો સર્જવા માટે તો અમલમાં આણી નહોતી.

અનામત શ્રેણીમાં આવતા વંચિત સમાજો ઉપરાંત સવર્ણો પણ રાજકીય રાજધાનીઓમાં ડેરાતંબુ તાણીને અનામત-અનામતનાં રાજકારણ રમશે એવી કલ્પના પૂર્વસૂરિઓએ કરી નહીં જ હોય. એમને તો પછાતો કે વંચિતોને મુખ્ય ધારામાં લાવવા માટે ટેકો કરવાની કલ્પના હતી. હવે તો તમામ સમાજોને અનામતનો લાભ લેવો છે અને છતાં બિન-અનામત વર્ગમાં ગણાવું છે. હકીકતમાં તાજેતરમાં તો બંધારણીય સુધારો અમલમાં આણીને સવર્ણો માટે ૧૦ ટકા આર્થિક રીતે નબળા વર્ગ (ઇકનોમિકલી વીકર સેક્શન: ઇડબલ્યૂએસ) તરીકે અનામતમાં સામેલ કરીને ડો. આંબેડકરને અભિપ્રેત ૫૦ ટકાથી અનામતની ટકાવારી વધવી ના જોઈએ એ ટોચમર્યાદા તોડી નાંખી છે. મામલો હજુ ન્યાયિક સમીક્ષામાં છે.

કેન્દ્ર કે રાજ્યોમાં સરકારી નોકરીઓનું પ્રમાણ ઝાઝું રહ્યું નથી એટલે રાજનેતાઓએ ખાનગી ક્ષેત્રમાં પણ અનામત પ્રથા દાખલ કરવાની તરફેણ કરવા માંડી છે. એક બાજુ, અનામતની ટકાવારી વધતી ચાલી છે અને બીજી બાજુ, અનામતને બંધારણીય અધિકાર ગણાવવા વિરુદ્ધના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ નવા વરવા વિવાદ સર્જે છે. વિરોધાભાસી અદાલતી ચુકાદાઓ થકી સમાજમાં ટકરાવનો માહોલ પેદા થઇ રહ્યો છે.

ન્યાયતંત્રમાં સવર્ણ વર્ચસ્વ

ઉચ્ચ અદાલતોમાં કથિત સવર્ણો જ મહદઅંશે ન્યાયાધીશો તરીકે બિરાજે છે. ક્યાંક રડ્યાખડ્યા દલિત કે અન્ય પછાત વર્ગના ન્યાયાધીશોને મુખ્ય ન્યાયાધીશ બનવાની તક મળે છે. એવું તો નથી કે ભણેલાગણેલા અનામત શ્રેણીના ન્યાયાધીશો અદાલતોની કામગીરી કાર્યક્ષમ રીતે ના ચલાવી શકે. દેશના જનસામાન્યને ન્યાય મળે અને એનો અદાલતોમાં વિશ્વાસ બેઉ જળવાઈ રહે એ માટે સર્વોચ્ચ અદાલત અને દેશની વડી અદાલતોમાં પણ અનામતનો અમલ અનિવાર્ય લેખાવો જોઈએ. આ વાત દેશના મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમ્ (જેમને મોદી સરકારે કેરળના રાજ્યપાલ નિયુક્ત કર્યા હતા) કે દેશના વર્તમાન કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ કરે છે.

વર્તમાન સરકારના અખત્યાર હેઠળનું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (નેશનલ શિડ્યૂલ્ડ કાસ્ટ કમિશન) એ સંદર્ભે ભાજપના ૮૩ વર્ષીય પૂર્વ કેન્દ્રીય પ્રધાન કારિયા મુંડાના વડપણવાળી સમિતિના અહેવાલને આધારે સુપ્રીમ કોર્ટ અને દેશની હાઇ કોર્ટોમાં અનામત પ્રથા દાખલ કરવાની તરફેણ કરતા પોતાના અહેવાલો ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ પર મઢે છે.

અનામત-અનામતનો રાજકીય ખેલ એવો તો સંવેદનશીલ બની ગયો છે કે કોઈ ટીવી ચર્ચામાં આ જ વાત કહેવામાં આવે ત્યારે સમાજની ઉશ્કેરણી કરવાના આક્ષેપ પણ મઢવામાં આવે છે. કોણ જાણે દેશ અને દેશવાસીઓને રાજકીય શાસકો કઈ દિશામાં લઇ જઈ રહ્યા છે એ પ્રજાને સમજાતું નથી. સર્વપક્ષી રાજનેતાઓ અને શાસકોએ આનું ગંભીર મંથન કરીને સમાજમાં જે વિદ્વેષ સર્જાઈ રહ્યો છે એને સત્વરે ઠારવો પડશે.

વંચિતોનું યોગ્ય પ્રતિનિધિત્વ નહીં

બંધારણ દેશના સૂત્રસંચાલનમાં તમામ અનામત વર્ગોનું યોગ્ય પ્રતિનિધિત્વ અપેક્ષિત માને છે. જોકે દાયકાઓ પછી પણ આ આદર્શ અમલમાં આવ્યો નથી. નીચલા સ્તરે ન્યાયતંત્રમાં અનામત શ્રેણીનું કંઇક અંશે પ્રતિનિધિત્વ જોવા મળે છે, પરંતુ હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં એ પ્રમાણ જૂજ છે એ અભ્યાસો પણ તારવે છે. કોઈ એવું તો કહી શકવાની સ્થિતિમાં નથી કે દલિતો કે આદિવાસી સમાજના ન્યાયાધીશો કાર્યક્ષમ નથી. આપણી સામે સૌથી મોટું ઉદાહરણ તો બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને દેશના સર્વપ્રથમ કાયદા પ્રધાન ડો. આંબેડકરનું જ છે. એ વખતે પણ એ સૌથી વધુ ભણેલાગણેલા રાજનેતા હતા. બહુમુખી પ્રતિભા હતા. સાત સાત દાયકા વીત્યા પછી પણ વહીવટી તંત્રમાં કે ન્યાય તંત્રમાં અનામતના પ્રમાણ મુજબ જે તે અનામત શ્રેણીના પ્રતિનિધિ જોવા ના મળે અને હવે તો કરાર પર નિયુક્તિઓ અને આઉટસોર્સ કરી દેવાનું ચલણ વધતાં અનામત પ્રમાણ જાળવવાને બદલે સરકારી તંત્ર ક્રમશઃ અનામત પ્રથા દૂર કરવા ભણી આગેકૂચ કરી રહ્યાનું અનુભવાય છે.

વર્તમાન કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ૨૨ પાનાંના ‘ન્યાયપાલિકામાં અનામત અંગેના અહેવાલ’માં પહેલા જ પૃષ્ઠ પર દર્શાવાયું છે: ‘કમનસીબે ઉચ્ચ ન્યાયપાલિકાનું ચિત્ર દર્શાવે છે કે મોટા ભાગના ન્યાયાધીશો એ જ વર્ગમાંથી આવે છે જે યુગો પુરાણા સામાજિક પૂર્વગ્રહથી ગ્રસ્ત (સવર્ણ) છે. અધિકાંશ મામલાઓમાં એમને એમના નિર્ણય બૌદ્ધિક ઈમાનદારી અને સત્યનિષ્ઠાને સંપૂર્ણ રીતે અદા કરવાની મોકળાશ બક્ષતા નથી.’ આ જ અહેવાલમાં મદ્રાસ હાઇ કોર્ટના ન્યાયાધીશ સી. એસ. કર્ણને ‘ઊંચી જાતિના સાથી ન્યાયાધીશોના હાથે’ ભોગ બનવું પડ્યું હોવાનો ઉલ્લેખ જ નહીં, છત્તીસગઢના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ૧૭ જિલ્લા જજોને કોઈ પણ વાજબી કારણ વિના જ નોકરીમાંથી દૂર કરાયાનો પણ ઉલ્લેખ છે.

૧૯૫૦થી લઈને આગળ ઉપર અનુસૂચિત જાતિના માત્ર ચાર જ ઉમેદવાર સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે પહોંચી શક્યાનું આ અહેવાલમાં સ્પષ્ટ દર્શાવાયું છે. એમનાં નામ કે. રામાસ્વામી, કે.જી. બાલકૃષ્ણન્, બી. સી. રે અને એ. વર્દરાજન. દેશના મુખ્ય ન્યાયાધીશ થયેલા બાલકૃષ્ણન્ ગુજરાત હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.

સુપ્રીમ કોર્ટમાં વધુ એક દલિત-નવબૌદ્ધ ન્યાયાધીશ ભૂષણ ગવઈની નિમણૂક ૨૦૧૯માં કરવામાં આવી હતી. જસ્ટિસ ભૂષણ એ રિપબ્લિકન પાર્ટી (ગવઈ)ના વડા તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભાપતિ અને બિહારના રાજ્યપાલ રહેલા રા. સુ. ગવઈના સુપુત્ર છે. જ્યાં દલિતોનું યોગ્ય પ્રતિનિધિત્વ ના હોય ત્યાં આદિવાસી પ્રતિનિધિત્વ યોગ્ય હોવાની અપેક્ષા કરવી વધુ પડતી છે!

અહેવાલમાં સૂચવાયું છે કે દલિત અને આદિવાસી ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ મેળવી શકે એવી અનામતની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે એ અનિવાર્ય છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter