વિપક્ષ વિનાની ભારતીય શાસનવ્યવસ્થાના યુગનાં મંડાણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 28th May 2019 04:52 EDT
 
 

ભારતીય બંધારણના ઘડવૈયાઓએ પ્રાચીન ભારતમાં મહાજનપદ અને જનપદ હોવાની વાતને આધારે રાજાશાહીના યુગમાં પણ લોકશાહી ઢબે રાજવીને ચૂંટવાની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. રાજા નિરંકુશ ના થાય એ માટેની લોકતાંત્રિક વ્યવસ્થા બૌદ્ધકાળમાં કંઇક અંશે હતી. વિશ્વમાં અત્યારના શાસકોમાં લોકશાહી તંત્રમાં પણ ‘અવતારી શાસકો’ વધુ જોવા મળે છે.

ભારતમાં લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં વિપક્ષી મોરચાઓ અને પક્ષોને મહાત આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક અવતારી પુરુષ તરીકે ફરીને ભવ્ય બહુમતી સાથે આવતાં પાંચ વર્ષ માટે સત્તારૂઢ થયા છે. વિપક્ષને બદલે ‘ખંડિયા રાજાઓ’સમા પ્રાદેશિક સૂબાઓ કે રજવાડાઓ સાથે મોદીયુગ સતત લંબાતો જાય એવી શક્યતા વર્તાય છે. નેતાપદે મોદીનું પ્રભાવી વ્યક્તિત્વ અને પક્ષ તેમ જ સંઘ પરિવારના મજબૂત માળખા થકી ઘર-ઘર સુધીનો સંપર્ક મોદી કે તેમના પક્ષ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ખભે લઈને સત્તાના સિંહાસન સુધી લઇ જાય છે.

વિપક્ષ કોંગ્રેસ કે અન્ય પક્ષોએ બોધપાઠ અને આત્મનિરીક્ષણ કરવાની અને ૨૦૨૪ની ચૂંટણી માટે અત્યારથી કામે વળગવાની જરૂર ખરી. જો કોંગ્રેસ સહિતના વિપક્ષો પોતાના નેતા - કાર્યકર્તાઓને સત્તારૂઢ પક્ષ કે મોરચામાં જતા રોકી શકે નહીં, પક્ષનું માળખું રાજધાની દિલ્હીથી ગામડાગામ સુધી તૈયાર ના કરી શકે અને મતદાનનાં બૂથ સુધી પોતાના પક્ષના સક્રિય એજન્ટ પણ મુકાવી ના શકે તો પછી પરાજય માટે ભાજપ કે સત્તામોરચા પર ગેરરીતિઓ આચરવાનો કે ચૂંટણી પંચ પર કે પછી ઇવીએમ સાથે ચેડાં કરાયાની વાત કરવાનો અર્થ નથી.

હવે આગામી પાંચ વર્ષ માટે વિપક્ષે અને દેશવાસીઓએ મોદીશાસન પર વોચડોગની ભૂમિકા ભજવવા માટે સતર્ક રહેવાની જરૂર ખરી. માત્ર ટીકા ખાતર ટીકા કરવાને બદલે મુદ્દા અને હકીકતોને આધારે સંસદીય ગૃહોમાં જ નહીં, પ્રજા વચ્ચે જઈને વિપક્ષ જનહિતના મુદ્દા ઉઠાવે અને જનજાગરણ કરે એ અનિવાર્ય બને છે.

વિપક્ષવિહોણી સુરત મહાપાલિકા

ગુજરાતમાં ૧૯૭૩માં વિદ્યાર્થીઓનું નવનિર્માણ અંદોલન થયું અને એ વેળાની ચીમનભાઈ પટેલની કોંગ્રેસ સરકારે જવું પડ્યું હતું. આંદોલનકારીઓમાંના મનીષી જાની જેવા જૂજ નેતાને બાદ કરીને મોટા ભાગના નવનિર્માણ આંદોલનના વિદ્યાર્થીનેતા સમયાંતરે કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાઈને સત્તા સાથે સંવનન કરવાનું પસંદ કરતા રહ્યા હતા. એટલે સુધી કે ‘ચીમન ચોર’નો નારો ગજવનારા ભાજપ-સંઘ-અભાવિપના નેતા - કાર્યકર્તા જ નહીં, મોરારજીનિષ્ઠ બાબુભાઈ જશભાઈ પટેલ પણ ચીમનભાઈના પક્ષ કિમલોપના ટેકે ૧૯૭૫માં જનતા મોરચા સરકાર રચવા કે ૧૯૯૦માં ચીમનભાઈની જનતા દળ - ભાજપની સંયુક્ત સરકારમાં જોડાવા સુધી ગયા હતા.

૧૯૯૫માં ભાજપને એકલેહાથે વિધાનસભામાં બહુમતી મળી ત્યારે કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા. આ જ વર્ષમાં સુરત મહાનગરપાલિકાની ૯૯ બેઠકોની ચૂંટણી થઇ હતી. એમાં ૯૮ બેઠકો ભાજપને અને એક તેના બળવાખોર એવા અપક્ષ ઉમેદવાર પ્રકાશ દેસાઈને મળી હતી. ભાજપના નેતા કાશીરામ રાણાના નિષ્ઠાવંત ફકીરભાઈ ચૌહાણ એ વેળા મેયર થયા હતા. આ તબક્કે એ વેળાના ‘ગુજરાતના ચાણક્ય’ મનાતા ભાજપના મહામંત્રી (સંગઠન) નરેન્દ્ર મોદીને અમે પૂછેલા પ્રશ્નનો તેમણે આપેલો ઉત્તર વર્તમાન રાષ્ટ્રીય સંજોગોમાં સાંકેતિક લાગે છે. અમે પૂછ્યું હતું: ‘વિપક્ષ વિના શાસન કેમ શક્ય બને?’ મોદી ઉવાચ: ‘અમારા માણસો જ વિપક્ષની ભૂમિકા ભજવશે.’ ઓક્ટોબર ૨૦૦૧થી ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત (મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન) બનેલા નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરે પોતાના પક્ષના જ વિપક્ષ અને સત્તાપક્ષની બેઉ જવાબદારીનું વહન કરે એવી જ લગભગ સ્થિતિ નિર્માણ કરી છે.

વિપક્ષ હતાશ અને નિરાશ છે અને પોતાને સત્તામોરચા સાથે જોડાવા આતુર છે. સુરતના ફકીરભાઈ જ નહીં, કેશુભાઈ અને ગોરધન ઝડફિયા સહિતના ભાજપ છોડીને મોદીવિરોધી રાજકીય મંચ પર જઈને ફરી સ્વગૃહે પાછા મોદીના જયજયકારમાં જ સ્વનાં હિત જોવા માંડ્યા એટલે સ્વાભાવિક છે કે વિપક્ષો પણ મોદી નામના વાવાઝોડા કે સુનામીથી બચવા સત્તા મોરચા સાથે જોડાવા આકુળવ્યાકુળ જોવા મળે છે.

ખંડિયા રાજાઓ જેવા પક્ષો

લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૩ કરોડ જેટલા મત મળ્યા તો સામે પક્ષે કોંગ્રેસને ૧૨ કરોડ જેટલા મત મળ્યા. ૯૦ કરોડ જેટલા મતદારોમાંથી ૬૦ કરોડ જેટલાએ મતદાન કર્યું. એમાંથી ભાજપને ૩૭.૩૬ ટકા અને કોંગ્રેસને ૧૯.૪૯ ટકા મત મળ્યા. ત્રીજા ક્રમે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને ૨૪,૯૨૮,૯૬૫ (૪.૦૭ ટકા) અને એ પછી બાકીના પક્ષોને ઉતરતા ક્રમમાં મત મળ્યા. અપક્ષ ઉમેદવારોને ૪૩,૦૮૧,૯૭૭ (૭.૦૩ ટકા) મત મળ્યા. સ્થિતિ જે નિર્માણ થઇ છે એ જોતાં કયો પ્રાદેશિક પક્ષ ક્યારે ભાજપના નેતૃત્વવાળા મોરચા સાથે ઘર માંડશે એ કહેવું મુશ્કેલ છે.

મમતાદીદીએ ૧૯૭૭થી રાજ્ય પર શાસન કરતા ડાબેરી મોરચાને ૨૦૧૧માં મહાત આપી. એ પછી એ સતત વધુ બેઠકો અને મતથી વિજયી થતાં રહ્યાં, પણ હવે રાજ્ય પર ભગવો લહેરાવવાના સંકલ્પ સાથે ભાજપ અને સંઘ પરિવાર કામે વળ્યો છે. દીદી અગાઉ વાજપેયી સરકારમાં પ્રધાન હતાં. જોકે એમના પક્ષના નેતાઓને ભાજપમાં જોડવાની કવાયત જોરશોરમાં છે. ભાજપ માત્ર બે બેઠકોમાંથી આ વખતે ૧૮ સુધી પહોંચ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોલકાતાના રાઈટર્સ બિલ્ડિંગને કબજે કરવાનો ભાજપનો સંકલ્પ છે.

ભાજપની નેતાગીરીને કોંગ્રેસને ઉત્તરનાં રાજ્યોમાંથી દક્ષિણ તરફ ખદેડવામાં સફળતા મળી છે. આગામી થોડા વખતમાં કર્ણાટકમાં જનતા દળ (એસ) અને કોંગ્રેસની સરકારને તોડીને ભાજપી સરકાર બેંગલુરુમાં સ્થાપવાની તૈયારી ચાલે છે. જનતા દળ (એસ) અને કોંગ્રેસનું ધણ ભાજપ ભણી ગતિ કરીને પોતાનાં હિત જાળવવાની કોશિશ કરશે.

પ્રાદેશિક પક્ષો માટેના વ્યૂહ

આંધ્ર પ્રદેશમાં વિજયી મુખ્ય પ્રધાન જગન રેડ્ડીનો પક્ષ બહારથી મોદી સરકારને ટેકો આપશે. આ રાજ્યમાં ભાજપને એક પણ બેઠક લોકસભામાં મળી નથી. એવું જ તેલંગણનું છે. મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવનો પક્ષ પણ મોદી સાથે ચૂંટણી પહેલાંથી ઇલુ-ઇલુ કરતો રહ્યો છે. અહીં પણ ભાજપને લોકસભામાં એક પણ બેઠક મળી નથી. કેરળમાં ભાજપનું ખાતું ખૂલતું નથી, પણ અહીં ભગવો લહેરાવવાનો સંકલ્પ લઘુમતીઓને સાથે લેવાના વડા પ્રધાનના આગામી એજન્ડાથી સ્પષ્ટ થાય છે.

તમિળનાડુમાં ભાજપના મોવડીમંડળ અને રાજભવનના ટેકે અન્નાદ્રમુક સત્તામાં છે. ભાજપને અહીં મળતી કન્યાકુમારીની બેઠક પણ કોંગ્રેસે છીનવી લીધી છે અને સ્ટાલિનના દ્રમુકને મોટા ભાગની બેઠકો મળી. હવે સ્ટાલિન પોતાનાં આર્થિક અને રાજકીય હિત જાળવવા માટે કોંગ્રેસ સાથે છેડો ફાડે તો ય નવાઈ નહીં.

આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપનું મોવડીમંડળ સુપરસ્ટાર રજનીકાંત (શિવાજીરાવ ગાયકવાડ) સાથે જોડાણ કરે તો બહુ આશ્ચર્ય નહીં થાય. વર્ષ ૧૯૬૭થી આ રાજ્યમાં દ્રવિડ પક્ષોનું જ રાજ ચાલે છે અને દિલ્હીમાં જેનું શાસન હોય તેની સાથે ઘર માંડવાનું જ તેઓ પસંદ કરે છે. ઇશાન ભારતનાં બટુક રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષો આવી જ ભૂમિકા અપનાવે છે. ઓડિશામાં ભાજપ સાથે પહેલાં દસ વર્ષ રાજ કરનારા અને ભાજપ સાથે છેડો ફાડીને દાયકો રાજ કરનારા મુખ્ય પ્રધાન નવીન પટનાયક આવતાં પાંચ વર્ષ ભાજપ સાથે જોડાણ રાખીને પોતાનાં હિત જાળવશે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના મુલાયમ સિંહ અને અખિલેશ યાદવ સામેના સીબીઆઇ કેસમાંથી તેમને પરિણામ પહેલાં જ મુક્તિ અપાવીને મોદીએ પોતાના ભણી વાળી લેવાનો સંકેત આપ્યો હતો. માયાવતી સામે ચાલુ ચૂંટણીએ નવા સીબીઆઇ કેસ નોંધવાનું વલણ દાખવીને ભાજપ સાથે થવા બહુજન સમાજ પાર્ટીને સંકેત અપાયા હતા.

કોંગ્રેસની સરકારોનું ભાવિ

હજુ ગયા વર્ષે જ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તારૂઢ થયેલી સરકારોનો ક્યારે ભોગ લેવાશે, એ ભણી સૌની મીટ છે. મુખ્ય પ્રધાન કમલ નાથના મળતિયાઓ અને કર્ણાટકના કોંગ્રેસી પ્રધાનો છાસવારે આવકવેરા અને એન્ફોર્સમેન્ટના દરોડાના ઝપાટામાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સહિતના ભણી પરાજય અંગે રોષ પ્રગટ કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોને પણ ભાજપમાં લઈને પ્રધાનપદ આપવામાં આવ્યાના દાખલા મોજૂદ હોવાથી સત્તા કાજે કોંગ્રેસના ભલભલા નેતાઓ ભાજપ ભણી વળે એવી શક્યતા છે.

કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જતાં ભાજપ છો કોંગ્રેસયુક્ત થતો, પણ સત્તાનું એકચક્રી શાસન શક્ય બનતું હોય તો એ સામે ભાજપ અને એની માતૃસંસ્થા આરએસએસને પણ વાંધો નથી. આખરે રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા આવતું નથી.

આવતાં પાંચ વર્ષ ભારતના રાજકારણમાં નવા જ પ્રકારની આસમાની સુલતાની જોવા મળશે. ભાજપ સાથે સત્તા સંવનન માટેના ધસારામાં કોણ ક્યારે ક્યાં હશે એ કહેવું મુશ્કેલ છે. પાંચ વર્ષ પછી પંચોતેરની નજીક પહોંચવામાં જોવા મળનારા વડા પ્રધાન મોદી કોઈને, એટલે કે અમિત શાહને, અનુગામી તરીકે આગળ કરીને માર્ગદર્શકમંડળમાં સામેલ થશે કે પછી ૮૧ વટાવીને ય વડા પ્રધાન થયેલા મોરારજી દેસાઈને અનુસરશે, એ ભણી સૌની મીટ રહેશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter