સતત ભાંડણલીલા પછી ભાજપ - શિવસેનાની અપેક્ષિત સમજૂતી

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 19th February 2019 05:21 EST
 
 

અપેક્ષિત હતું એ જ થયું: મહારાષ્ટ્રમાં છેક ૧૯૮૪થી ભારતીય જનતા પક્ષ અને શિવસેનાની શરૂ થયેલી મૈત્રી આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે પણ અકબંધ રહી. શિવસેનાની સ્થાપના હિંદુ હૃદયસમ્રાટ અને હિટલરને આદર્શ માનનારા તેમજ લોકશાહીને બદલે ઠોકશાહીમાં માનનારા બાળાસાહેબ ઠાકરે અને સમવિચારી મિત્રોએ કરી હતી.

૧૯૬૬માં કોંગ્રેસના ઈશારે ‘મરાઠી માણૂસ’ના હિતના નામે થયેલી શરૂઆત પછી હિંદુત્વનું રાજકારણ બરકતવાળું લાગ્યું ત્યારે ૧૯૮૪માં ઠાકરેએ ભાજપ સાથે જોડાણ કર્યું હતું. એવું નહોતું કે આ બંને પક્ષોની યુતિ કાયમ પ્રેમાળ રહી. હજુ ગઈ વિધાનસભાની ચૂંટણી જ બંને પક્ષોએ અલગ રહીને લડી હતી. ભાજપને ૨૮૮ સભ્યોની વિધાનસભામાં બહુમતી મળી નહીં અને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકારનો પરાજય થયો ત્યારે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસના વ્યૂહાત્મક બાહ્ય ટેકે મહારાષ્ટ્રમાં ભાજપની દેવેન્દ્ર ફડણવીસ સરકાર રચાઈ હતી. કેન્દ્રમાં મે ૨૦૧૪માં ભાજપ અને મિત્રપક્ષોની નરેન્દ્ર મોદી સરકાર રચાયા પછી મોદી-પવારની ચાણક્ય નીતિનું એ પરિણામ હતું. આખરે લટકી ના જવાય એટલે પાછળથી શિવસેના ભાજપની સરકારમાં જોડાઈ હતી.

આમ છતાં ખરા અર્થમાં વિપક્ષની ભૂમિકા જો કોઈ પક્ષે મહારાષ્ટ્રમાં ભજવી હોય તો શિવસેનાએ. સત્તાલાભ અને ભાંડણલીલા વચ્ચેની લાભલીલા ફાવટ શિવસેનાને છેક બાળાસાહેબના યુગથી છે. હજુ હમણાં સુધી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો ‘ચોકીદાર ચોર હૈ’ ડાયલોગ શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે માટે જાહેર સમારંભોમાં બોલવામાં જ નહીં, એમના મરાઠી દૈનિક ‘સામના’માં છાપવા માટે પણ રોજિંદા વપરાશનો થઇ ગયો હતો. ક્યારેક સુરેશ પ્રભુ જેવા શિવસેનાના નેતાઓને તોડીને વડા પ્રધાન મોદીએ પોતાના પક્ષમાં જોડ્યા હતા. છતાં એ અનુભવે જાણતા હતા કે શિવસેનાને આખરે સત્તાસ્વાદ વિના રહેવાય તેમ નથી.

શિવસેના તરફથી મિશ્ર સંકેતો

ઉદ્ધવ ઠાકરે અને તેમના પક્ષના સાંસદ-પ્રવક્તા સંજય રાઉતે છેલ્લા થોડા સમય દરમિયાન વંકાવા જેવાં નિવેદનો કર્યે રાખ્યાં અને વિપક્ષી મોરચામાં જવા સુધીના સંકેતો પણ આપ્યા. એ જ સમયે તેમના સાંસદ આનંદરાવ અડસૂળ વ્યૂહાત્મક રીતે સબ સલામતના સંકેતો આપી રહ્યા હતા. કેન્દ્ર અને રાજ્યમાં પ્રધાનપદાં ટકાવી રાખવાનું પોતાના તમામ પ્રકારના હિતમાં હોવાનું ઠાકરે પરિવાર સુપેરે જાણે છે. એણે તો પોતાનું મહત્વ સ્વીકારવા માટે ભાજપને ફરજ પાડવાની હતી. એ સોદો પત્યો એટલે ૧૮ ફેબ્રુઆરીએ ‘માતોશ્રી’ (ઠાકરેનું વાંદરાસ્થિત નિવાસ) જઈ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાક્ષીએ બેઠકોની વહેંચણીની ઘોષણા કરાઈ.

રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ બિગ-બ્રધર અને મહારાષ્ટ્રમાં શિવસેના બિગ-બ્રધર એવી પ્રમોદ મહાજન - બાળાસાહેબ ઠાકરેના વખતથી ચાલતી રહેલી પરંપરાને મોદી યુગમાં તોડવામાં આવ્યાથી ‘માતોશ્રી’ વ્યથિત હોય એ સ્વાભાવિક છે. બંનેએ જે સમજૂતી સાધી છે એમાં સમાન ભૂમિકા પર તો આવવું પડ્યું છે કારણ આગામી લોકસભા ચૂંટણીમાં મોદી શાસન ફરીને આવે તે માટે મિત્રો વંકાય એ પરવડે તેમ નથી.

મહારાષ્ટ્રનું આંકડાકીય ગણિત

મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ ૪૮ બેઠકો છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુતિ થઇ ચુકી છે. કોંગ્રેસ તથા રાષ્ટ્રવાદીમાંથી ગઈ વખતે જે નેતાઓને મોદી ભાજપમાં લાવ્યા હતા એમાંના કેટલાક પરત જવા માંડ્યા છે. મે ૨૦૧૪માં ભાજપ-શિવસેનાની યુતિ હતી, પણ એ પછી ઓક્ટોબર ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણી તેઓ અલગ લડ્યા હતા. આજે રાજ્યની લોકસભાની કુલ ૪૮માંથી ૨૨ ભાજપને, ૧૮ શિવ સેનાને, ૫ રાષ્ટ્રવાદીને, ૨ કોંગ્રેસને અને ૧ સ્વાભિમાની પક્ષ (એસડબલ્યૂપી)ને ફાળે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ ૨૮૮માંથી ભાજપને ૧૨૨ અને શિવસેનાને ૬૩ તેમજ કોંગ્રેસને ૪૨ અને રાષ્ટ્રવાદીને ૨૧ મળી હતી.

માત્ર સત્તા માટે જ નહીં, દેશની આર્થિક રાજધાની મુંબઈ ઉપરાંત સહકારી ક્ષેત્રની મોટાભાગની મિલો અહીં હોવાને કારણે નાણાકીય સાધનો માટે પણ પ્રત્યેક પક્ષ માટે મહારાષ્ટ્ર ખૂબ મહત્વ ધરાવે છે. આ વખતે શિવસેનાને વંકાતી સાચવી લેવાની ભાજપ માટે અનિવાર્યતાનું બીજું કારણ એ પણ છે કે ભારિપ મહાસંઘના પ્રકાશ આંબેડકર અને એમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી વચ્ચે થયેલી યુતિને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી પોતાની સાથે જોડે તો ભાજપની હાલત ભૂંડી થાય. જોકે રાજ્યમાં ત્રણ મોરચા લડે તો હિંદુવાદી ભાજપ-સેના યુતિને ફાયદો મળે, એ ગણતરીએ ‘વાણિયાભાઈની મૂછ નીચી’ એ ન્યાયે પણ ભાજપે લોકસભાની સાથે જ વિધાનસભાની બેઠકોની વહેંચણી શિવસેના સાથે કરી લીધી છે.

અગાઉ બંને પક્ષોએ અલગ લડવાનું મન બનાવી લીધું હતું. અત્યારે નક્કી થયા મુજબ, લોકસભાની ચૂંટણીમાં ભાજપ ૨૫ બેઠકો અને સેના ૨૩ બેઠકો લડશે. વિધાનસભાની ચૂંટણીમાં ૧૪૪ ભાજપ અને ૧૪૪ સેના લડે અને નાના મિત્ર પક્ષો માટે બંને કેટલીક બેઠકોની બાંધછોડ કરશે.

શિવસેનાને મુખ્ય પ્રધાનપદ ખપે છે

વાત આટલેથી પૂરી થતી નથી. હજુ શિવસેના ત્રાગાં કરતી રહેશે. શિવસેનાને મુખ્ય પ્રધાનપદ જોઈએ છે અને એટલે જ એ ફરીને વંકાય તો બહુ આશ્ચર્ય નહીં થાય. રાજકારણમાં આવતીકાલે શું મળશે એનું મહાત્મ્ય નથી, આજે શું મળે તેનું જ મહત્વ છે. આવતીકાલે લોકસભા ચૂંટણી પતી ગયા પછી વડા પ્રધાનપદે મોદી ફરીને સ્થપાઈ જાય પછી ઠેંગો બતાવે એવી શક્યતા શિવસેના નિહાળે છે. એટલે બધું અત્યારે જ પાકું કરી લેવા માંગે છે. લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી થાય એવું પણ બને. હરિયાણા જેવાં અન્ય ભાજપશાસિત કેટલાંક રાજયોમાં યુદ્ધના માહોલનો લાભ લેવા માટે આ દિશામાં વિચારાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી લોકસભા સાથે થાય કે ઓક્ટોબરમાં થાય; શિવસેનાને ખપતા મુખ્ય પ્રધાનપદના હોદ્દાનું શું? ભાજપ એ માટે તૈયાર નથી. શક્ય છે કે કેન્દ્ર અને રાજ્યમાં વધુ પ્રધાનપદ આપવા માટે એ તૈયાર થાય, પણ એનાથી શિવ સેના રાજી થશે કે છેલ્લી ઘડીએ ત્રાગું કરશે, એ મહત્વનો પ્રશ્ન છે.

રાફેલચોર-સત્તા લાચારીના આક્ષેપ

પાકિસ્તાન અંગે સમવિચારી અને રામમંદિર સહિતના મહત્વના મુદ્દે સાથે રહેવા ઈચ્છતા ભગવા પક્ષોએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીના ગઠબંધનને અપવિત્ર અને સત્તાપિપાસુ ગણાવ્યું એટલે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની નેતાગીરી ભાજપ અને સેનાની આ યુતિ અંગે આક્રમક પ્રતિક્રિયા આપે એ સ્વાભાવિક છે. રાષ્ટ્રવાદીના અધ્યક્ષ પવારનાં સાંસદ-પુત્રી સુપ્રિયા સુળે તેમજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્ય કોંગ્રેસના સાંસદ-અધ્યક્ષ અશોક ચવ્હાણે તો કહ્યું કે આ તો રાફેલચોર અને સત્તા માટેની લાચારીની યુતિ છે. રાજ્યસભાના સાંસદ પવાર અગાઉ લોકસભાની ચૂંટણી લડવાના નહોતા, પણ વિપક્ષનું મહાગઠબંધન સફળ થાય તો વડા પ્રધાન બનવાની તક નિહાળતાં એમણે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. વિપક્ષો સુપેરે જાણે છે કે ભાજપના જૂના સાથીઓ એની સાથે છેડો ફાડી રહ્યા છે, એ સંજોગોમાં મોદી-શાહ પર જે દબાણ છે એના પ્રતાપે જ બિહારમાં સ્વમાન છોડવા જેવું સમાધાન મુખ્ય પ્રધાન નીતિશકુમાર સાથે કર્યા પછી ભાજપના અધ્યક્ષ અમિત શાહે ‘માતોશ્રી’નાં ચક્કર મારવાં પડે છે.

બિહારમાંથી લોકસભામાં ભાજપની ૨૨ બેઠકો હોવા છતાં નીતિશકુમારના જેડી (યુ)ને ૧૭ અને પોતે ૧૭ રાખીને રામવિલાસ પાસવાનના લોક જનશક્તિ પક્ષને ૬ બેઠકો આપીને પણ ભાજપે જોડાણ કરી લીધું છે. અન્યત્ર પણ એ જ રીતે જોડાણની સમજૂતીઓ કરવાની ઉતાવળ તેની નેતાગીરીમાં જોવા મળે છે. સત્તા પુનઃ પ્રાપ્ત કરવામાં કોઈ કસર બાકી ના રહે, એની વેતરણમાં ભાજપ છે. કારણ, સામે પક્ષે વિપક્ષો સંગઠિત થઇ રહ્યા છે. જોકે ભારતની સરહદો પરની પરિસ્થિતિ કેવા સંજોગો સર્જે છે એના પર આગામી લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીનો કાર્યક્રમ નક્કી થશે, પણ ભાજપ પરિવાર તો કાયમ ચૂંટણીના મોડમાં જ હોય છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter