સમરથ કો નાહી દોષ ગુંસાઈ: તિરુપતિમાં બિન-હિંદુઓ થકી દેવદર્શનનો વિવાદ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 11th June 2019 05:28 EDT
 
વડા પ્રધાન મોદી સાથે મુખ્ય પ્રધાન જગન રેડ્ડીએ પણ ૯ જૂને બાલાજીનાં દર્શન કર્યાં
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, ૯ જૂન ૨૦૧૯ના રોજ તિરુપતિ બાલાજી મંદિરના દર્શને વીવીઆઇપી તરીકે જાય એ ઘટનાક્રમને સહજ લેખવામાં આવે, પણ એમની સાથે યજમાન તરીકે આંધ્ર પ્રદેશના નવા યુવાન મુખ્ય પ્રધાન અને વાયએસઆર કોંગ્રેસના સુપ્રીમો જગન રેડ્ડી પણ બાલાજી મંદિરમાં શ્રી વેંકટેશ્વર સ્વામીનાં દર્શન કરવામાં જોડાય એ વાત વિવાદવંટોળ સર્જે ખરી. અગાઉ ૨૦૧૨માં જગન બાલાજીના દર્શને આવ્યા ત્યારે પણ અહીં દર્શનાર્થી તરીકે તેમના પ્રવેશ અંગે એ વેળાના સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને મિત્રપક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) ઉપરાંત હિંદુવાદી સંગઠનોએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. કારણ બહુ સ્પષ્ટ છે: જગન ખ્રિસ્તી ધર્મ પાળે છે. તિરુપતિ બાલાજીના મંદિર સંકુલમાં બિન-હિંદુ દર્શનાર્થીઓને પ્રવેશ અપેક્ષિત નથી. કોઈ બિન-હિંદુ બાલાજીમાં શ્રદ્ધા ધરાવતો હોય તો તેને એક નિશ્ચિત એકરારનામાનું અરજીપત્રક ભર્યા પછી જ પ્રવેશ મળે છે.

જગનના પિતા અને કોંગ્રેસના લોકપ્રિય નેતા તથા અવિભાજ્ય આંધ્ર પ્રદેશ રાજ્યના સદગત મુખ્ય પ્રધાન રહેલા વાય. એસ. રાજશેખર રેડ્ડી પણ ખ્રિસ્તી હોવા સાથે જ બાલાજીમાં શ્રદ્ધા ધરાવતા હતા. આ વખતે વડા પ્રધાન સાથે મુખ્ય પ્રધાન જગન સહિતના કેટલાક બિન-હિંદુ વીવીઆઇપી તિરુપતિ દર્શને આવ્યા, પણ ઝાઝો વિવાદ સાંભળવા ના મળ્યો કારણ હવે જગન રાજ્યના મુખ્ય પ્રધાન છે!

બિન-હિંદુ વીવીઆઇપી શ્રદ્ધાળુ

તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન રાજ્ય સરકાર હસ્તકના તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ્ (ટીટીડી) દ્વારા થાય છે. ટીટીડીના સત્તાવાર તાજા આંકડાઓ મુજબ, ગત ૯ જૂને પણ ૭૬,૬૭૭ શ્રદ્ધાળુએ અહીં દર્શનનો લાભ લીધો હતો. ૮ જૂને આ આંકડો ૯૮,૯૦૪નો હતો. દેશના સૌથી સમૃદ્ધ ગણાતા આ ટ્રસ્ટની રોજની સરેરાશ આવક ૩ કરોડ રૂપિયાથી વધુ જોવા મળે છે. સામાન્ય રીતે રાજ્યના સત્તાધારી પક્ષના કોઈ નેતાને ટ્રસ્ટના અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવે છે. એના અન્ય સભ્યોમાં પણ સાંસદ - ધારાસભ્ય સહિતના નેતા ઉપરાંત વહીવટ માટે વિવિધ આઇએએસ અધિકારીઓ નિયુક્ત કરાય છે. બિન-હિંદુને અહીં પ્રવેશ નથી અને જેમને ભગવાન વેંકટેશ્વરમાં શ્રદ્ધા છે એવા બિન-હિંદુઓએ નિર્ધારિત અરજીપત્રક ભરીને જ પ્રવેશ મેળવવાનો હોય છે. રોજના હજારો શ્રદ્ધાળુમાંથી કોણ હિંદુ અને કોણ બિન-હિંદુ એ જાણવાનું મુશ્કેલ હોય છે, પરંતુ જે બિન-હિંદુ વીવીઆઇપી દર્શને આવે તેમણે તો અરજીપત્રક ભરવું અનિવાર્ય છે. વીવીઆઇપી માટે દર્શનની અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે.

જગનની ૨૦૦૯ની મુલાકાત

વર્ષ ૨૦૦૯માં મુખ્ય પ્રધાનપુત્ર જગન રેડ્ડી તિરુપતિના દર્શને આવ્યા ત્યારે તેમણે પોતે ખ્રિસ્તી હોવા છતાં ભગવાન વેંકટેશ્વરમાં શ્રદ્ધા ધરાવતા હોવાના એકરારનામાનું અરજીપત્રક ભરીને જ પ્રવેશ મેળવ્યો હતો. એ જ વર્ષે મુખ્ય પ્રધાન વાય. એસ. રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. અગાઉ રાજશેખર રેડ્ડી પણ અનેક વાર તિરુપતિ દર્શને આવતા રહ્યા હતા. વર્ષ ૨૦૧૨માં જગન ફરીને તિરુપતિના દર્શને આવ્યા ત્યારે તેમની પાસે ફરીને અરજીપત્રક ભરાવ્યા વિના જ એમને પ્રવેશ અપાયા અંગે ભારે વિવાદ થયો હતો. જોકે કોંગ્રેસથી અલગ થઈને વાયએસઆર કોંગ્રેસ સ્થાપનાર જગને એ વેળા અગાઉ પોતે અરજીપત્રક ભર્યાની વાત કરીને ફરી એની જરૂર નહીં હોવાનું કહ્યું હતું. તેમનું કહેવું હતું કે અગાઉ પંદર વખત હું દર્શને આવી ગયો છું.

વર્ષ ૨૦૧૨માં ટીડીપીની સરકાર હતી એટલે ટીડીપી, ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. મામલો બીચકયો અને તપાસ નિયુક્ત થઇ ત્યારે જગનના સમર્થકોએ કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી પક્ષનાં અધ્યક્ષ બન્યા પછી ૧૯૯૮માં તિરુપતિના દર્શને આવ્યાં ત્યારે તેમની પાસે નિર્ધારિત એકરારનામાનું અરજીપત્રક નહીં ભરાવાયાનો વળતો પ્રહાર કરાયો હતો. જોકે શ્રીમતી ગાંધીએ પોતે પોતાના પરિવારનો વૈદિક ધર્મ પાળતાં હોવાનું જણાવ્યું હતું.

ઓમર અબદુલ્લા તિરુપતિદર્શને

તિરુપતિના દર્શને આવનાર વીવીઆઇપી પરિવારોમાં જમ્મૂ-કાશ્મીરના મુખ્ય પ્રધાન અને વાજપેયી કેબિનેટમાં વિદેશ રાજ્ય પ્રધાન રહેલા ઓમર અબદુલ્લા અને પરિવારનો પણ સમાવેશ છે. ઓમરથી વર્ષો પહેલાં અલગ થઇ ગયેલાં એમનાં હિંદુ પત્ની પાયલ નાથ અને તેમના બંને દીકરાઓ ઝમીર અને ઝહીર અનેક વાર તિરુપતિનાં દર્શને આવતાં રહે છે. ઓમરનાં બહેન અને અત્યારે રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટનાં પત્ની સારા પણ અબદુલ્લા પરિવાર સાથે હજુ થોડા વખત પહેલાં જ ભગવાન વેંકટેશ્વર સ્વામીનાં દર્શન કરવા આવ્યાં હતાં. જોકે અબદુલ્લા પરિવાર થકી તિરુપતિ દર્શન અંગે ભાગ્યે જ કોઈ વિવાદ થયાનું જાણમાં છે.

ટીટીડીના અધ્યક્ષપદનો વિવાદ

તિરુપતિ બાલાજી દેવસ્થાનમ્ ટ્રસ્ટના અધ્યક્ષપદે નિયુક્ત થનાર સત્તાપક્ષની વ્યક્તિ બિન-હિંદુ હોવાનો વિવાદ વિપક્ષ અને હિંદુ સંગઠનો દ્વારા જગાવવામાં આવે છે. હજુ હમણાં જ સત્તારૂઢ થયેલા રાજ્યના ખ્રિસ્તી મુખ્ય પ્રધાન જગન રેડ્ડીના મામા અને ભૂતપૂર્વ સાંસદ વાયવી સુબ્બા રેડ્ડીને ટીટીડીના નવા અધ્યક્ષ નિયુક્ત કરાય તે પહેલાં જ વિવાદ ભડક્યો હતો કે તેઓ ખ્રિસ્તી છે અને બિન-હિંદુને અધ્યક્ષ નિયુક્ત કરી શકાય નહીં. બિચારા સુબ્બા રેડ્ડીએ પોતે ૧૦૦ ટકા હિંદુ હોવાનું જાહેર કરવું પડ્યું એટલું જ નહીં, ભાજપના સાંસદ ડો. સુબ્રમણિયન્ સ્વામીએ પણ સુબ્બા રેડ્ડી પૂર્ણપણે હિંદુ હોવાની ગવાહી આપતાં ટિ્વટ કરવાની જરૂર પડી હતી. આવું પહેલીવાર થયું નથી.

અગાઉના સત્તારૂઢ પક્ષ ટીડીપીની સરકારના મુખ્ય પ્રધાન નર ચંદ્રબાબુ નાયડુએ જયારે પી. સુધાકર યાદવને ટીટીડીના અધ્યક્ષ નિયુક્ત કર્યા ત્યારે પણ તેઓ ખ્રિસ્તી હોવાનો હોબાળો ભાજપ અને વાયએસઆર કોંગ્રેસ તરફથી મચાવાયો હતો. યાદવે પણ ‘હું ખ્રિસ્તી નથી’ એવા ખુલાસા કરવા પડ્યા હતા. કેન્દ્રની મોદી સરકારમાંથી ટીડીપી ફારેગ થયા પછી કેન્દ્રની સાથે જ રાજ્ય સરકારમાં પણ ભાજપ સાથે ચંદ્રબાબુના પક્ષના છૂટાછેડા થયા હતા. એ પછી ટીટીડીના અધ્યક્ષ યાદવને ત્યાં આવકવેરાના દરોડા પણ પાડવામાં આવ્યા હતા.

નવાઈ તો એ વાતની છે કે જે મંદિર સંકુલમાં બિન-હિંદુઓને પ્રવેશ આપવા સામે પ્રતિબંધ હોય કે લેખિત બાંયધરી આપીને જ પ્રવેશ મેળવી શકાતો હોય એ તિરુપતિ તિરુમાલામાં દાયકાઓથી નોકરીએ રખાયેલા ૪૪ જેટલા બિન-હિંદુ કર્મચારીઓ અંગે સંઘ પરિવાર સહિતનાં સંગઠનોએ હોબાળો મચાવ્યા પછી તેમને અન્યત્ર ખસેડવાનો નિર્ણય સંચાલકમંડળ થકી હજુ ગયા વર્ષે જ લેવામાં આવ્યો હતો!

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter