‘ઉર્દૂ શાયરી મેં ગીતા’માં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે શ્રીકૃષ્ણનો સંદેશ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 23rd December 2019 03:22 EST
 
 

હમણાં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સંસ્કૃતના વિદ્વાન મુસ્લિમ પ્રાધ્યાપકની નિયુક્તિ સામે જાગેલા આંદોલનને પગલે એણે રાજીનામું આપવું પડ્યું એ નયા ભારતનો સંદેશ આપે છે, પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને માથે એ કાયમ કાળી ટીલી બનીને રહેશે. આ એવા શાસનકાળમાં બની રહ્યું છે જયારે બાદશાહ ઔરંગઝેબનું નામ ભૂંસીને દિલ્હીમાં રાષ્ટ્રનાયક સરદાર પટેલ અને કાઇદ-એ-આઝમ મોહમ્મદઅલી ઝીણા રહેતા એ રસ્તાને ડો. એ.પી.જે. અબ્દુલ કલામનું નામ અપાય છે કે અંગ્રેજ હાકેમ દલહાઉસીનું નામ ભૂંસીને દારા શિકોહનું નામ અપાય છે. એક બાજુ, ગંગા જમુની તહેજીબનાં રાજકીય ઢોલ પીટાય છે અને બીજી બાજુ, મુસ્લિમો સંસ્કૃત ભણી કે ભણાવી ના શકે એના વિરોધાભાસ ઊભા કરાય છે. રખે માનીએ કે આપણે ત્યાં બાદશાહ ઔરંગઝેબના સહોદર દારા શુકોહ પછી પ્રાચીન ભારતીય સંસ્કૃત ગ્રંથોમાંના જ્ઞાનની પરંપરાને આગળ વધારવા માટે મુસ્લિમ ધર્માવલંબીઓ આગળ આવ્યા નથી. મુઘલ સામ્રાજ્યના અસ્ત પછી પણ ભારતમાં આ પરંપરાને બિન-હિંદુ રાજવીઓ તેમજ વિદ્વાનો થકી પણ અખંડ રાખવામાં આવી છે.

પ્રત્યેક બાબતને ધાર્મિક ચશ્માથી જોવાની વિકૃત માનસિકતામાંથી બહાર આવીને ભારતની ધરતી પર કોમી એખલાસ અને અનેકતામાં એકતાને નિહાળવાની કોશિશ કરીએ તો દૃશ્ય રૂડુંરૂપાળું ભાસે છે. ક્યારેક ૮૬ વર્ષીય પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર જેવા સંસ્કૃતના મહાપંડિત કહે કે પવિત્ર કુર્રાન શબ્દ જ મૂળમાં સંસ્કૃતમાંથી ઉતરી આવ્યો છે ત્યારે આશ્ચર્ય થાય. જોકે તેઓ સ્પષ્ટતા કરે છે કે કુ + રાન એટલે કે આકાશમાંથી સંભળાયેલો પ્રેષિતનો અવાજ. પંડિતજીએ કુર્રાનનો સંસ્કૃતમાં અનુવાદ પૂર્ણ કર્યો છે.

ગીતા પર બેનમૂન કામ

લખનઉ પંથકના મશહૂર શાયર અને અંગ્રેજીના પ્રાધ્યાપક રહેલા જનાબ અનવર જલાલપુરીના વર્ષ ૨૦૧૪માં ઉર્દૂ અને દેવનાગરીમાં પ્રકાશિત ગ્રંથ ‘ઉર્દૂ શાયરી મેં ગીતા’નો પરિચય થયો તો દિલ બાગબાગ થઇ ગયું. હજુ ૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૭૦ વર્ષની વયે જલાલપુરી સાહબ આ ફાની દુનિયાને છોડી ગયા, પણ દુનિયાના ૩-૪ હજાર વર્ષ પુરાણા એવા હિંદુઓના મનાતા ગ્રંથ ભગવદ્ ગીતાને તેમણે જે શબ્દોમાં ભવ્ય અંજલિ અર્પી છે એની તુલનામાં ભાગ્યે જ કોઈ બિન-હિંદુએ એનું બયાન કર્યું હશે.

દેશ અને દુનિયાભરમાં મુશાયરાઓની જાન હતા અનવર સાહબ. આજકાલ કેટલાક સડેલા દિમાગવાળાઓની દૃષ્ટિએ દેશદ્રોહી પેદા કરનારી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ) જેવી વિશ્વવિખ્યાત શિક્ષણ સંસ્થામાંથી તેમણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યું હતું. એમણે તો ૧૯૮૨માં અવધ યુનિવર્સિટીમાં ગીતા પર પીએચ.ડી. કરવા માટે નોંધણી પણ કરાવી હતી. કામ અને પારિવારિક વ્યસ્તતાઓને કારણે એ ડિગ્રી ભલે ના મેળવી શક્યા, પણ એમણે ગીતા વિશે બેનમૂન કામ પોતાની હયાતીમાં કર્યું અને એનું પ્રકાશન પણ કરાવ્યું હતું.

ગીતામાં તર્ક થકી ઉપદેશ

હજારો વર્ષ પહેલાંના ગ્રંથ ‘ભગવદ્ ગીતા’ના જ્ઞાનને પ્રા. જલાલપુરીએ વર્તમાનમાં પણ સમાજ માટે દીવાદાંડી સમાન ગણાવ્યું છે. જનાબ જલાલપુરી ફરમાવે છે: ‘ભગવદ્ ગીતા યુદ્ધમાંથી પણ શાંતિનો સંદેશ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના શિષ્ય જેવા અર્જુનને ‘અર્જુન વિષાદયોગ’માં જે ઉપદેશ કરે છે એને અર્જુન તર્ક વિના માનવા તૈયાર નથી. દુનિયામાં કદાચ આ બેનમૂન ગ્રંથ છે જે ભગવાનની વાતને પણ તર્કથી જ માનવા પ્રેરે છે. ઈશ્વરની વાતને તર્કસંગત રીતે રજૂ થયા પછી જ માનવા પ્રેરે એવા આ ગ્રંથને હું સલામ કરું છું.’

ભગવદ્ ગીતા જમીન અને આસમાન, ઇન્સાનો અને દેવતાઓ તેમજ જન્નત (સ્વર્ગ) અને જન્નમ (નર્ક) સહિતના પ્રાચીન હિંદુસ્તાનના જ્ઞાનનો પરિચય કરાવે છે. અતીતનું વર્તમાન સાથે મિલન કરાવે છે. તર્કથી જ વાત કરે છે એટલે એનાથી જ વિજ્ઞાનનો પાયો પણ મજબૂત થાય છે.

રાષ્ટ્રીય એકતામાં યોગદાન

ભગવદ્ ગીતાના કુલ ૭૦૧ શ્લોકને સરળતાથી સમજી શકાય એવા ઉર્દૂમાં અનુવાદિત કરનાર અંગ્રેજીના પ્રાધ્યાપક અને મશહૂર શાયર જનાબ અનવર સાહબ પોતાના ગીતાપ્રેમને રાષ્ટ્રીય એકતા સાથે જોડે છે. એમનો એક શે’ર છે:

તુમ પ્યાર કી સૌગાદ લિએ ઘર સે તો નીકલો

રાસ્તે મેં તુમ્હેં કોઈ દુશ્મન ના મિલેગા.

અને સાથે જ તોફાનો અને લડાઈ ઝઘડાઓના માહોલ વિશે પણ એ ફરમાવે છે:

જલાએ હૈં દિયે તો સબ પર નજર રખો

યે ઝાંકે એક પલ મેં ચરાગોં કો બુઝા દેંગે.

અનવર જલાલપુરી ગીતા અને ભગવાન કૃષ્ણના રીતસરના પ્રેમમાં છે. એમનો ધર્મ એમાં ક્યાંય અવરોધ પેદા કરતો નથી. સંસ્કૃત અને ઉર્દૂ બેઉ હિંદુસ્તાની જબાન પર એમને મહારત હાસિલ છે. ગીતાના ગૂઢ તત્વજ્ઞાનને એ પચાવીને પ્રસ્તુત કરી જાણે છે અને કહે પણ છે: ‘યે મિટ્ટી કી કાયા કહીકત નહીં, બદન કી યહાં કોઈ કીમત નહીં.” માત્ર ભગવદ્ ગીતાનો જ ઉર્દૂમાં અનુવાદ કર્યો એટલું નહીં, એમણે તો કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની નોબેલ મેળવનારી કૃતિ ‘ગીતાંજલિ’ને પણ ‘ઉર્દૂ શાયરી મેં ગીતાંજલિ’ (૨૦૧૩) સ્વરૂપે રજૂ કરવાનું મહાન કાર્ય કર્યું છે. હિંદુસ્તાન વિશેનો એમનો સંદેશ ભાઈચારાનો અને અમનનો છે. ‘ફિર ક્યૂં ઇન્સાં ખૂન કા પ્યાસા... મૈં ભી સોચું તું ભી સોચ... તેરા મેરા ખૂન કા રિશ્તા..’ જનાબ જલાલપુરી ‘અપને દુશ્મન કો કલેજે સે લગા કે દેખો’ની વાત કરીને દુશ્મનીને દોસ્તીમાં ફેરવી દેવાનો પયગામ સમાજને દેવાનો પ્રયાસ કરે છે.

માત્ર અનુવાદ નહીં, ભાવાંતરણ

અનુવાદ કરવાનું કામ બહુ સરળ નથી હોતું. માત્ર શાબ્દિક અનુવાદ નહીં, પણ ભાવાંતરણ કરીને ભગવદ્ ગીતાનો અર્થ સામાન્ય જન સુધી પહોંચાડવાનું કઠીન કામ પણ અનવરમિંયા સહજતાથી કરે છે. એની થોડી ઝલક ગીતાના પહેલા અધ્યાયના અમુક શ્લોકોને એમણે ઉર્દૂમાં કેવી રીતે પ્રસ્તુત કર્યા છે એના પર આછેરી નજર કરતાં જ પરખાઈ જાય છે:

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ:;

મામકા: પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય.

એનો અનુવાદ સમશ્લોકી ‘ગીતાધ્વનિ’માં કિશોરલાલ મશરૂવાળા આ રીતે કરે છે:

ધર્મભૂમિ કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઇ,

મારા ને પાંડુના પુત્રો વર્ત્યા શી રીત, સંજય?

અનવર સાહબ એનો ઉર્દૂમાં સીધો અનુવાદ કરવાને બદલે અજાણી વ્યક્તિને સમજાય એ રીતે પ્રસ્તુત કરે છે:

ધૃતરાષ્ટ્ર આંખોં સે મહરૂમ થે

મગર યહ ન સમજો કિ માસૂમ થે.

ઉન્હેં ભી થી ખ્વાહિશ કિ દુનિયા હૈ ક્યા

અંધેરા હૈ ક્યા ઔર ઉજાલા હૈ ક્યા.

ધૃતરાષ્ટ્ર રાજા ભી થે બાપ ભી

સમઝતે થે વહ પુણ્ય ભી પાપ ભી.

કહાની તો સંજય સુનાતા રહા

હૈ મૈદાન મેં ક્યા બતાતા રહા.

વહ મૈદાં જો થા જંગ હી કે લિયે

વહીં સે જલે ધર્મ કે ભી દિયે.

(મહરૂમ = વંચિત)

યુદ્ધનો સંદેશ કે શાંતિનો

ઘણી વાર હિંદુ આસ્તિકો પણ ગીતાનો સંદેશ સમજવામાં ભૂલ કરે છે. આ વાત શાયર અનવર સાહબને બરાબર સમજાઈ ગઈ છે. ગીતા યુદ્ધ અનિવાર્ય બન્યા પછી પીછેહઠ નહીં કરવાનો ઉપદેશ કરે છે, પણ એ પહેલાં તો યુદ્ધને ટાળવા માટે ભરસક કોશિશ થાય છે. ભગવાન કૃષ્ણ પણ વિષ્ટિકાર તરીકે કૌરવોની છાવણીમાં જાય છે. આચાર્ય ગુરુદેવો જ નહીં, કૌરવ વંશના અગ્રણીઓ પણ દુર્યોધન માની જાય તો યુદ્ધની માંડવાળ ઝંખે છે. દુર્યોધન પાંડવોના અસ્તિત્વને જ સહી શકતો નથી અને યુદ્ધ માટે જ જીદે ચડ્યો છે. અપમાનિત પાંચાલી કે દ્રૌપદી અને ભીમ તો યુદ્ધ અટળ લાગતાં રાજી થાય છે. યુદ્ધ આવી જ પડે તો યુદ્ધભૂમિ છોડીને ભાગી જવાની કાયરતા અર્જુન સહિતના દાખવી શકે નહીં. જોકે ગીતા માત્ર યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવવાનો ઉપદેશ કરતી હોવાનું અર્થઘટન કરનારાઓ ગીતાના મર્મને સમજ્યા જ નથી.

શ્રીકૃષ્ણની વિષ્ટિ નિષ્ફળ

કિશોરલાલ મશરૂવાળા ‘ગીતામંથન’માં આ વાતને સુપેરે અને વિસ્તારથી સમજાવે છે: ‘પાંડવો અને કૌરવો વચ્ચેના કલહનો ઘરમેળે સલાહસંપથી નિકાલ લાવવાનો સઘળો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. ધર્મરાજાને આ યુદ્ધ જરાય ઇષ્ટ લાગતું નહોતું... એક છેલ્લા પ્રયાસ તરીકે તે કૃષ્ણને પણ વિષ્ટિ કરવા મોકલી ચૂક્યા હતા. શ્રીકૃષ્ણનો બંને પક્ષ પર પ્રભાવ હતો.એમને નિષ્પક્ષપાતી ન્યાયી, બુદ્ધિમાન તરીકે બધા સ્વીકારતા હતા. જે વખતે શ્રીકૃષ્ણ વિષ્ટિ માટે ગયા તે વખતે સુલેહની એમને બહુ આશા રહી નહોતી. પણ એમનેય ધર્મરાજાની દૃષ્ટિ માન્ય હતી. એમને પણ યુદ્ધમાં કંઇ શ્રેય દેખાતું નહોતું. દ્રૌપદીનું જે અપમાન થયું હતું તેથી એમને દુઃખ લાગ્યું હતું... શ્રીકૃષ્ણની વિષ્ટિ નિષ્ફળ ગઈ. હવે યુદ્ધ સિવાય કશો માર્ગ જ નથી એમ યુધિષ્ઠિરને પણ લાગ્યું.’

કાયદો હાથમાં ના લેવાય

મહાત્મા ગાંધીના અંગત સચિવ રહેલા પ્યારેલાલે ‘પૂર્ણાહુતિ’ના ચોથા ખંડમાં હિંદુ ધર્મમાં આતતાયીઓને મારી નાંખવાની અપાયેલી છૂટ અને ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ કૌરવોનો નાશ કરવાની સલાહ આપતા હોવા વિશેના પ્રશ્નનો ઉત્તર વાળતાં ગાંધીજીએ અદભુત વાત કરેલી છે. એ વાતને આજે પણ પ્રજા અને શાસકોએ ગૂંજે બાંધવા જેવી છે:

‘આતતાયી કોણ છે તેનો માણસે પ્રથમ અચૂક નિર્ણય કરવો જોઈએ. મારી નાંખવાનો સવાલ એ પછી જ ઉદભવી શકે. બીજા શબ્દોમાં કહું તો, માણસે પ્રથમ સંપૂર્ણપણે દોષરહિત બનવું જોઈએ, એ પછી જ તેને એવો અધિકાર લાધી શકે. એક પાપી બીજા પાપીનો ન્યાય તોળવાના તથા તેને ફાંસીએ લટકાવવાના હકનો દાવો કેવી રીતે કરી શકે? બીજા સવાલની બાબતમાં, તમે ન્યાયાધીશ અને શિક્ષા કરનાર ઉભય બની બેસશો તો સરદાર અને પંડિત નેહરુ બંને અશક્ત બની જશે. તેમને તમારી સેવા કરવાની તક આપો. કાયદો તમારા પોતાના હાથમાં લઈને તેમના પ્રયાસોને વિફળ ન બનાવો.’

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter