અનોખા જ્યૂઈશ વારસા અને ભારતીય સમુદાયો સાથે અમારા સંબંધોનું ગૌરવ

ઝાકી કૂપર Tuesday 03rd October 2017 15:34 EDT
 

શું તમે એશિયન છો? મારા માટે આ પ્રશ્ન સામાન્ય છે. મારા ઘેરા વર્ણના લીધે હું ક્યાંનો છું અને મારી ઓળખ શું છે તેવા પ્રશ્નો લોકો મને પૂછતાં રહ્યાં છે. મારે જવાબમાં એટલું જ કહેવાનું કે હું ભારતીય યહુદી મૂળનો બ્રિટિશ જ્યૂ છું. આના પછી, બીજા પ્રશ્નોની હારમાળા પણ સર્જાય છે. મારી માતાનો પરિવાર કોલકાતાની નાની જ્યૂઈશ કોમ્યુનિટીમાંથી આવ્યો છે, જે લગભગ ૧૫૦ વર્ષથી ત્યાં વસેલો હતો. મારી કામગીરી અને અંગત જીવન દરમિયાન સેંકડો લોકો સાથે આ અંગે મારી ચર્ચા થઈ છે, જેમાં મારા ઓફિસના સાથીઓ, મેં ત્રણ વર્ષ કામ કર્યું તે બકિંગહામ પેલેસના અધિકારીઓ અને પૂર્વ વડા પ્રધાનનો પણ સમાવેશ થાય છે.
મારો ઉછેર નોર્થ-વેસ્ટ લંડનના જ્યૂઈશ પરિવારમાં થયો છે તેથી સ્થાનિક ભારતીય કોમ્યુનિટી સાથે ગાઢ પરિચય રહ્યો છે. મારી માતાને અનેક ગાઢ બીનયહુદી ભારતીય મિત્રો હતાં. મારી સેકન્ડરી સ્કૂલમાં પણ આશરે એક તૃતીઆંશ ક્રિશ્ચિયન, એક તૃતીઆંશ યહુદી અને એક તૃતીઆંશ એશિયન બાળકો હતા અને મેં સારા ભારતીય મિત્રો પણ બનાવ્યા હતા. વર્ષો દરમિયાન મને ભારતની મુલાકાત લેવાની ત્રણ તક સાંપડી છે. સૌ પહેલા ૧૯૯૦માં નિકટના પરિવાર સાથે એક મહિનાનો પ્રવાસ ગોઠવાયો હતો, જેમાં કોલકાતામાં અંગત રસ અને જ્યૂઈશ સ્થળોની મુલાકાત ખાસ રહી હતી.
મારા કામકાજના કારણે પણ ભારતીય કોમ્યુનિટી સાથે સંપર્ક જોડાયો હતો. યહુદી ધર્મના નેતા ચીફ રાબી જોનાથન સાક્સ માટે કામ કરવા દરમિયાન અમે ૨૦૦૫માં તેમના નિવાસે જ્યૂઈશ અને હિન્દુ કોમ્યુનિટીઝ માટે સ્મરણીય રિસેપ્શન ગોઠવ્યું હતું. એ સાંજની ઊર્જા અને રોમાંચ મને આજે પણ યાદ છે. મારી અગાઉની નોકરીમાં મારા બોસ અદ્ભૂત ભારતીય હતા અને અમારા બે સમુદાયો વચ્ચેના સંબંધો વિશે અમારા વચ્ચે ઘણી વખત રસપ્રદ ચર્ચાઓ થઈ હતી.
હાલ મને આપણી બે કોમ્યુનિટીઓ વચ્ચે મિત્રતાના મંચ તરીકે કાર્ય કરવા તત્પર નાની પરંતુ, અસરકારક ચેરિટી ‘ઈન્ડિયન જ્યૂઈશ એસોસિયેશન’ની એડવાઈઝરી કાઉન્સિલમાં ભૂમિકા ભજવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તેની સ્થાપનાની પ્રેરણા આપણા સી.બી. પટેલ પાસેથી જ પ્રાપ્ત થઈ હતી!
ચોક્કસપણે મને મારા ભારતીય જ્યૂઈશ વારસાનું ગૌરવ છે. આશરે ૩૦,૦૦૦ની વસ્તી સાથે ભારતીય યહુદીઓ ઘણી નાની કોમ્યુનિટી છે પરંતુ, ભારતના બિઝનેસ, પોલિટિક્સ, ન્યાય-કાયદો, આર્મી (ઉદાહરણ તરીકે, સન્માનીય મિલિટરી હીરો જનરલ જેક જેકોબ) તેમજ અન્ય ઘણા ક્ષેત્રોમાં તેમનું પ્રદાન રહ્યું છે. અન્યત્ર અને ખાસ કરીને યુરોપમાં, જ્યુઈશ કોમ્યુનિટીએ અત્યાચાર અને સામૂહિક નિકંદનનો અનુભવ કર્યો છે ત્યારે ભારતના યહુદીઓને ધર્મનું સ્વાતંત્ર્ય બક્ષી તેમને આવકારની લાગણી દર્શાવાઈ છે. મને યાદ છે કે મારા નાની કહેતાં કે તેમણે ભારતમાં કદી યહુદીવિરોધનો અનુભવ કર્યો નથી.
મારી માતાના પક્ષના મારા પૂર્વજો ઈરાક અને સીરિયાના યહુદી હતા, જેઓ આશરે વર્ષ ૧૮૦૦ની આસપાસ વેપાર અને વાણિજ્યની તક શોધતા કોલકાતા આવ્યા હતા. અમારી વસાહતના સ્થાપક ૧૭૯૮માં આ શહેરમાં આવેલા શાલોમ કોહેન હતા. ઘણા યહુદીઓએ વેપારી અને ધંધાદારી લોકો તરીકે ભારે મહેનત કરી હતી. મારા ગ્રેટ-ગ્રાન્ડફાધર બેન્જામિન એલિયાસે (૧૮૬૫-૧૯૪૧) શણ, તમાકુ, પ્રોપર્ટી અને ઈલેક્ટ્રિસિટી સહિતનું કામ કરતા બિઝનેસની સ્થાપના અને વિકાસ કર્યા હતા. ૨૦મી સદીની મધ્યમાં તે ભારતમાં ૨૦,૦૦૦ કર્મચારી સાથેની મોટી કંપનીમાં ફેરવાઈ હતી. કોલકાતા ઉપરાંત, બે મુખ્ય વસાહતો કોચીન જ્યૂઝ અને બેને ઈઝરાયલ હતી, જેનો વસવાટ મુખ્યત્વે મુંબઈમાં હતો. પ્રથમ જૂથ પાસે વર્ષ ૧,૦૦૦ અગાઉનો પ્રાચીન ચાર્ટર હતો. તેઓ જ્યૂ ટાઉન નામના આજે પણ અસ્તિત્વ ધરાવતા વિસ્તારમાં રહેતાં હતાં. પ્રિન્સ વેલ્સે ૨૦૧૩માં તેમના ૬૫મા જન્મદિને પ્રવાસીઓ માટે નોંધપાત્ર ગણાયેલા તેના સુંદર સિનેગોગની મુલાકાત લીધી હતી. દરમિયાન, મુંબઈમાં બેને ઈઝરાયેલ સૌથી મોટી વસાહત હતી. દ્વિતીય વિશ્વ યુદ્ધના અંતે ભારતમાં ૨૪,૦૦૦ બેને ઈઝરાયલ હતા પરંતુ, તેમાંથી અડધાથી વધુ ટુંક સમયમાં ઈઝરાયેલ સ્થિર થવાના હતા. ભારતની આઝાદીના એક વર્ષ પછી ૧૯૪૮માં ઈઝરાયલની સ્થાપના થયા પછી મોટા ભાગના યહુદીઓ ‘માતૃભૂમિ’ અથવા પશ્ચિમના દેશોમાં રહેવા ગયા હતા.
દાયકાઓ વીતી ગયા પછી પણ ભારતીય યહુદીઓ તેમના અનોખા વારસાનું ગૌરવ ધરાવે છે. બ્રિટનમાં કોઈ પણ પશ્ચાદભૂના યહુદીઓ ભારતીય કોમ્યુનિટીઓ સાથે ગાઢ નાતો અનુભવે છે. એ વાત સાચી છે કે ગત સેન્સસ અનુસાર જ્યૂઈશ કોમ્યુનિટી ૩૦૦,૦૦૦થી ઓછી વસ્તી સાથે હિન્દુ તથા ભારતીય કોમ્યુનિટીની સરખામણીએ ઘણી નાની છે. જોકે, કેટલાક પરિબળો આપણને સાથે જોડી રાખે છે. સૌપહેલા તો બ્રિટનમાં એકાકાર થવાની અને આપણી ઓળખ ગુમાવ્યા વિના બ્રિટિશ સમાજને પ્રદાન કરવાની તીવ્ર ઈચ્છા છે. બીજું પરિબળ આપણે ખુદને બ્રિટિશ હોવાની લાગણી અનુભવતા હોવાં છતાં અન્ય રાષ્ટ્રો સાથે ઐતિહાસિક, પારિવારિક અને સાંસ્કૃતિક સંબંધો (તમારા કેસમાં ભારત અને બ્રિટિશ યહુદીઓના કેસમાં એકમાત્ર યહુદી રાષ્ટ્ર ઈઝરાયેલ)થી સંકળાયેલા છીએ. આખરી મુદ્દો એ છે કે ભારતીય અને જ્યૂઈશ કોમ્યુનિટીઓ શિક્ષણ અને પરિવારને વિશેષ મહત્ત્વ આપે છે. આપણે જ્યારે એકબીજાને મળીએ છીએ ત્યારે મોટા ભાગે આ સહભાગી મૂલ્યોના આધારે તત્કાળ સંબંધ બંધાઈ જાય છે.
ભારતમાં પારિવારિક ઈતિહાસ ધરાવતી અને તમારી અદ્ભૂત કોમ્યુનિટીઓને ચાહતી વ્યક્તિ તરીકે મને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ માટે લખવાનું આમંત્રણ અપાયું છે તે મારા માટે ખરેખર ગૌરવની બાબત છે. થોડા સપ્તાહો સુધી રસપ્રદ જ્યૂઈશ વિષયો તેમજ તમારી પોતાની કોમ્યુનિટીઓ સાથે તેમની સુસંગતતા અને પડઘા કેવા છે તે જોઈશું.
 (લેખક ઝાકી કૂપર ‘ઈન્ડિયન જ્યૂઈશ એસોસિયેશન’ની એડવાઈઝરી કાઉન્સિલમાં સભ્ય છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter