આચારધર્મી જીવનદૃષ્ટાઃ ચીમનલાલ શેઠ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 09th March 2019 06:53 EST
 
 

મહાત્મા ગાંધી કરતાં એક વર્ષ મોટા ચીમનલાલ શેઠ નવી અને જૂની પેઢી વચ્ચે સેતુ શા! એમના જન્મ પહેલાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બદલે ભારતમાં બ્રિટિશ રાજ શરૂ થયે દશકો વીતેલો અને એવું જ મુંબઈ-અમદાવાદ વચ્ચેની રેલવે થાળે પડવાનું થયેલું. ચીમનલાલના મોટા ભાઈ સારાભાઈ શેઠ માત્ર ૨૧ વર્ષે ખૂબ સંપત્તિ મૂકીને મરણ પામેલા. ભાઈનાં બે સંતાનો અંબાલાલ અને અનસૂયાને ઊછેરવાની અને એમનો ધંધો સંભાળવાની જવાબદારી ચીમનલાલને શિરે આવી. પોતાના ધંધાના ભોગે તેર તેર વર્ષ સુધી એ જવાબદારી સંભાળી.

ચીમનલાલ બેંકિંગના નિપુણ. ઘણા બેંક મેનેજરો તેમને ‘બેંકિંગ ટાઈગર’ કહેતા. અકાળ અવાસન ના થયું હોત તો એ પોતાની બેંક સ્થાપીને રહ્યા હોત. અમદાવાદમાં વીમા વ્યવસાયના એ આરંભક હતા. મહાત્મા ગાંધીને અમદાવાદમાં વસવાને હજી દાયકો બાકી હતો. બંગાળના ભાગલાનું વાઈસરોય કર્ઝનનું કામ જરૂરી હતું એવી સહી લેવા અંગ્રેજ અમલદારો ચીમનલાલ પાસે આવ્યા. માંદગીના બિછાને પડેલાં ચીમનલાલે સહી ના કરી અને ઉપરથી ભાગલાને વખોડી કાઢ્યા. આવા હિંમતવાન ચીમનલાલ! સરકારનો વિરોધ કરવો અને પોતાનો ધંધો ચલાવવો એ ત્યારે એક સાથે બે ઘોડા પર સવારી કરવા જેવું અઘરું. ચીમનલાલ એમાં સફળ રહ્યા!
ગરીબ જૈન બાળકો માટે તેમણે પુસ્તકોનું ફંડ કર્યું. ગરીબ દેખાય તો કન્યા ના મળે આથી લોકો લાભ લેતાં અચકાતા. આગેવાનોને અનુસરતા એ સમાજમાં દાખલો પૂરો પાડવા માટે અંબાલાલ સારાભાઈ બાળક અને પિતાવિહોણા હોવાથી એના વાલી તરીકે એમણે નામ નોંધાવ્યું. આ પછી બીજા ખુલીને લાભ લેતા થયા.
ચીમનલાલ વિદ્યાદાનને શ્રેષ્ઠ ગણતા. ગામડામાં ધંધા અંગે એમને ખૂબ ફરવાનું થતું. ત્યારે ગામડામાં પ્રાથમિક શાળાઓ ભાગ્યે જ હતી. હાઈસ્કૂલની તો વાત જ શી? આવા વખતે ભણે એવા ચબરાક છોકરાઓને ગામડેથી પોતાને ત્યાં લાવીને રાખતા. પત્ની માણેકબહેન આવાં આઠ-દસ બાળકોને જાતે બનાવીને જમાડતાં. શેઠ તેમના માટે પુસ્તકો, ફી અને કપડાંની જોગવાઈ કરે. શેઠની વિદ્યાપ્રીતિ ગજબની હતી. ૪૦ વર્ષની ભરયુવાન વયે તે મરણ પામ્યા ત્યારે પોતાના વસિયતનામામાં મરણ પછીની મિલકતને મોટા ભાગે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વાપરવાની જોગવાઈ કરી. આમાંથી અમદાવાદમાં અને ગુજરાતમાં જાણીતી સંસ્થા શેઠ ચી.ન. વિદ્યાવિહાર, છાત્રાલય અને અડાલજમાં માણેકબહેન અધ્યાપન મંદિર સર્જાયાં.
ચીમનલાલના મરણ વખતે એમનાં પુત્રી ઈન્દુબહેન માત્ર બે વર્ષનાં હતાં. પરિવાર મારફતે પિતાના વિચારો અને કાર્યથી એ પરિચિત થયાં. મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યાં. તેમણે હરિજનસેવા, દારુબંધી, ખાદીપ્રવૃત્તિ અને સમાજસેવાને વરીને, જીવનભર અપરિણિત રહીને સેવા કરી.
ચીમનલાલ જૈન આચારવિચારને અનુસરીને જીવતા છતાં એ રૂઢિચુસ્ત ન હતા. મુનિ રત્નવિજયજી અને નેમસૂરિજીનો સહવાસ કરતા. તે જમાનામાં મરણ પછી ૧૩ દિવસ સુધી રોવા-કૂટવાનો રિવાજ બંધ કરીને માત્ર તેરમા દિવસે જ એ કરવાના સુધારામાં એમની આગેવાની હતી. આમાં રૂઢિચુસ્તોનો જબરો વિરોધ સહેવાની હિંમત વિના આ થાય તેમ ન હતું.
તે જમાનામાં જૈનોમાં સંખ્યાબંધ ફાંટા હતા. એક ફાંટાના જૈનો બીજા ફાંટાના જૈનો સાથે બેસીને જમી ના શકે. આ પરિસ્થિતિમાં બીજા ફાંટામાં લગ્ન થાય તેવી તો કલ્પના જ ન થાય. ચીમનલાલ શેઠના પ્રયાસોથી સાથે બેસીને જમવાની મોકળાશ વધતાં જૈનો વચ્ચે લગ્નની મોકળાશ વધી. જૈનોમાં કન્યાનાં મા-બાપ ભવિષ્યમાં કન્યાને કામ આવે માટે વરના બાપને પૈસા આપતાં. આ પૈસા વરના બાપ પાસે રહેતા. ચીમનલાલે સમાજમાં કન્યાના ગરીબ પિતાને ય પોષાય તેવી રકમ નક્કી કરાવી અને તે વરના બાપ પાસે નહીં, પણ કોઈ ચોક્કસ શરાફી પેઢીમાં મૂકાય તેવું પંચ પાસે નક્કી કરાવ્યું.
આણંદજી કલ્યાણજીની જૈન મંદિરોનું સંચાલન કરતી પેઢીમાં કસ્તૂરભાઈ શેઠના પિતા લાલભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈની સાથે સાથે ચીમનલાલ પણ હતા. આ પેઢીને મજબૂત કરવામાં અને તેની શાખ વધારવામાં ચીમનલાલ શેઠનો ય ફાળો હતો.
ભારતના વાઈસરોય લોર્ડ કર્ઝન દેલવાડાનાં જૈન દહેરાં જોવા આવવાના હતા ત્યારે લોર્ડ કર્ઝનની મુલાકાત લઈને જૈન દહેરાસરોમાં પગરખાં પહેરીને ન પ્રવેશવાનો હુકમ કરાવ્યો હતો.
ચીમનલાલ શેઠ અંગત જીવનમાં સાદગી અને કરકસરને વરેલા હતા. તેમનું જીવન વ્યસનવિહોણું હતું. સતત પરિશ્રમી અને વિદ્યાપ્રેમી હતા. જીવનમાં મિલકતના ટ્રસ્ટીપણાના સિદ્ધાંતને સ્વીકારીને પોતાની મિલકત સમાજ માટે છે એમ માની તે જીવતા અને ખર્ચતા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter