આઝાદ હિંદ ફોજના લેફ્ટનન્ટઃ ગિરીશ કોઠારી

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 02nd November 2019 03:09 EDT
 
 

બ્રિટિશ યુદ્ધ કેદીઓથી આઝાદ હિંદ ફોજની રચના પછી સુભાષચંદ્ર બોઝે પૂર્વ એશિયામાંના હિન્દીઓની ભરતી કરી. હિંદીઓને તાલીમ આપીને એમાં જોડતાં. મલેશિયાના ઈપો નગરમાં વસતા સ્થાનકવાસી જૈન યુવક ગિરીશભાઈ આમાં જોડાયા. જૈનો અહિંસામાં માને છતાં ધર્મ કરતાંય દેશને પ્રથમ માનીને ગિરીશભાઈ જોડાયા. રાયફલ, પિસ્તોલ, મશીનગન, મોર્ટાર વગેરે વાપરતાં શીખ્યા અને સેકન્ડ લેફ્ટનન્ટની પોસ્ટ મળી. એક વર્ષ પછી લેફ્ટનન્ટ બન્યા.

૧૯૪૫માં જાપાનના પરાજ્ય પછી તેના પર આધારિત આઝાદ હિંદ ફોજને શસ્ત્રો, સાધનો અને નાણાંનો અભાવ નડ્યો. એકલા હાથે અંગ્રેજો સામે લડવું શક્ય ન હોવાથી આઝાદ હિંદ ફોજને વિખેરી નાંખી. દરેકને ૧૦૫ જાપાની ડોલર માસિક ગણીને છ માસનો પગાર આપીને છૂટા કર્યાં. પરાજિત જાપાનના ડોલરનું મૂલ્ય તદ્દન ઘટી ગયેલું. આટલી રકમમાં કુલ છ કપ કોફી આવે!
૨૨ વર્ષના ગિરીશભાઈએ દેશમાં જઈને સેવા કરવાનું વિચાર્યું. અંગ્રેજોએ મલાયા, સિંગાપોર વગેરે કબજે કરી દીધાં હતાં. શાસનને લોકપ્રિય બનાવવા એક મહિના માટે સરકાર સંચાલિત સેવાઓ વિનામૂલ્ય બનાવી. જેથી રેલવે, બસ, તાર, ટપાલ, સ્ટીમર બધું વિના પૈસા વાપરી શકાય. ગિરીશભાઈ ઈપોથી સિંગાપોર આવ્યા. પોતે સલામત હોવાનો તાર મોકલ્યો. આર્થિક વિટંબણાઓથી અટવાતા પિતાએ તારના જવાબમાં જણાવ્યું, ‘પૈસા મોકલી આપ. ખાસ જરૂર છે’.
દીકરા પાસે પૈસા ન હતા પણ લાગણી હતી. દીકરો સિંગાપોરથી ઈપો ગયો અને ૧૦૦૦ રૂપિયા વાર્ષિક પગારની નોકરી શોધીને બે વર્ષની એડવાન્સ રકમ લઈને પિતાને મોકલી આપી. શેઠે ગિરીશભાઈને આવડી મોટી રકમ એડવાન્સ આપી, કારણ યુદ્ધને લીધે તેમના બધા માણસ ભાગી ગયા હતા અને માણસ વગર ધંધો ચાલે તેમ ન હતું. બે વર્ષ વીત્યાં. શેઠ કામથી ખુશ હતા. કોન્ટ્રાક્ટની મુદ્દત પૂરી થતાં ગિરીશભાઈ નોકરી છોડી ભારત ગયા. શેઠ પ્રભાશંકર ધોરાજી રહેતા હતા. ગિરીશભાઈ ત્યાં જઈને શેઠને મળ્યા. ગિરીશભાઈની નિષ્ઠા અને નિપુણતાથી ખુશ શેઠે પોતાની પુત્રી ભાનુબહેનનું લગ્ન ગિરીશભાઈ સાથે કર્યું. આજે કોઈ શેઠ પોતાના પગારદાર નાના કર્મચારીને સામે ચાલીને પોતાની દીકરી ના પરણાવે. પ્રભાશંકર એ રીતે ઉદાર અને માનવતાસભર હતા.
ગિરીશભાઈ હવે કંપનીના મેનેજર બનીને ૧૯૯૫ સુધી રહ્યા. પછી સાળો કામકાજ શીખીને તૈયાર થતાં સ્વેચ્છાએ છૂટા પડીને પોતાની કાપડની દુકાન કરી. દુકાનમાંથી કમાઈને પોતાનું મકાન કર્યું અને પાછળનું જીવન જીવી શકાય એટલું કમાઈ લઈને ૧૯૮૫માં નિવૃત્ત થયા.
આર્થિક કમાણીમાંથી અને સુભાષબાબુની સેનાના લેફ્ટનન્ટ પદેથી નિવૃત્ત ગિરીશભાઈ જનસેવાના લેફ્ટનન્ટ બની રહ્યા. વર્ષોના સિંગાપોર વાસે તેઓ મહાનગરની ગલીકૂંચીઓના જાણકાર હતા. કોઈ પણ ભારતીયને મદદની જરૂર પડે તો અધરાત-મધરાત દોડી જાય. પોતે કાર રાખતા ન હતા છતાં બસમાં દોડી જતા. ન્યાયી, પરગજુ અને સમજદાર ગિરીશભાઈ કોઈનોય ધક્કો ખાવામાં પાછી પાની ન કરતા. કોઈનીય પાસે ક્યારેય તે હાથ લંબાવતા નહીં - તેથી બધાંને ભાવતા અને ફાવતા રહ્યા હતા. દર અઠવાડિયે હોસ્પિટલમાં જઈને ગરીબ અને જરૂરતમંદને મદદ કરવાનો તેમનો ક્રમ મરણપર્યંત ચાલુ રહ્યો હતો. વડીલ તરીકે તે પોતાના પરિચિતોને કૌટુંબિક પ્રશ્નોમાં સલાહ આપતા અને તેઓ પણ ગિરીશભાઈનો વડીલ તરીકે આદર કરતા.
ગિરીશભાઈ ૧૯૨૩માં જૂનાગઢ નજીકના વડાલ ગામે વછરાજ કાળીદાસ કોઠારીના પુત્ર તરીકે જન્મ્યા. ગામડાં ગામમાં પરિવારની હાટડી. માંડ તેમાંથી ઘરખર્ચ નીકળે. તેજસ્વી અને હોંશિયાર ગિરીશભાઈએ જૂનાગઢ કોલેજમાંથી પ્રથમ વર્ષ પાસ કર્યું. ભણવા માટે સ્કોલરશિપ મળે, પણ સાત સંતાનના બાપે કહ્યું, ‘તું ભણે પણ ઘરમાં બધાંના રોટલા કેમ નીકળે?’ લાગણીશીલ દીકરાએ અભ્યાસ છોડીને ૧૯૪૦માં ત્રણ વર્ષમાં કુલ ૧૦૦૦ રૂપિયા મળવાની શરતે મલયેશિયાના ઈપોમાં કાપડની દુકાને નોકરી સ્વીકારી. નોકરી પૂરી થતાં આ વિસ્તાર બીજા વિશ્વયુદ્ધમાં સપડાયો અને ગિરીશભાઈ આઝાદ હિંદ ફોજમાં જોડાઈને લેફ્ટનન્ટ બન્યા. ૯૧ વર્ષની વયે ગિરીશભાઈનું અવસાન થતાં આઝાદ હિંદ ફોજના છેલ્લા ગુજરાતી લેફ્ટનન્ટનાં સ્મરણમાત્ર બાકી રહ્યાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter