આધુનિક યુગની સમસ્યા..

- અચલા મીયાણી Wednesday 12th January 2022 05:06 EST
 
વાંચક મિત્રો..આજે હું તમારી સમક્ષ જે રજૂ કરું છું એ કાલ્પનિક વાત નથી. પરંતુ, નજર સમક્ષ એ વ્યથા સહન કરનાર મા -બાપની હું સાક્ષી રહી છું.
આજના આધુનિક યુગમાં સૌ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય એ સ્વાભાવિક છે. તેથી આપણે આપણા મા - બાપને ઘરડા ઘરમાં મોકલીએ છીએ. કોઈ બાળક જ્યારે પહેલીવાર નર્સરીમાં ભણવા જાય છે  ત્યારે તે માના પાલવને છોડતું નથી. પિતાની સામે દયામણી નજર કરી તેમની સાથે ઘરે લઈ જવા કાકલૂદી કરે છે. તેથી ઉલટું જેણે આપણને તેના ગર્ભમાં નવ – નવ માસ રાખી, આપણું રક્ષણ કર્યું છે તેમને આપણે આપણા નવ બેડરૂમના ઘરમાં રાખી શકતા નથી.
વળી જ્યારે આપણને પગમાં ઠેસ વાગે છે, ત્યારે તરત મોંમાથી ઉદગાર નીકળે છે અને તે છે 'ઓ મા' એ માના હૃદયને ઠેસ પહોંચાડતા આપણે ક્ષણિક પણ ખચકાતા નથી.
છોકરાઓના ભણતર માટે જે પિતાએ પોતાના જીવનની સઘળી કમાણી ખર્ચી નાખી હોય અને પોતે કાઉન્સિલના એક રૂમના ફ્લેટમાં રહેતા હોય અને જ્યારે તેમનો ૮૦મો જન્મદિન આવે ત્યારે તેઓ ઈચ્છે કે તેમનો દીકરો તેમને મળવા આવે ત્યારે દીકરો જવાબ આપે કે આજે મારી ગોલ્ફ ટુર્નામેન્ટ છે, હું નહીં આવી શકું. ત્યારે એ પિતાને વજ્રઘાત સમાન લાગે છે. જે મા -બાપે પોતાનું જીવન, પોતાની સંપતિ છોકરાંઓ માટે ખર્ચી નાખી, એ માતા - પિતા માટે આપણી પાસે કલાકનો પણ સમય નથી ?  
જે માતા - પિતાની બે દીકરીઓ હોય. તેમાં એક દસ વર્ષે અને એક બાર વર્ષે મૃત્યુ પામી હોય અને તે પછી તેમને પુત્રરત્ન પ્રાપ્ત થયું હોય એ માતા - પિતા તે પુત્રનું જતન કરવામાં કોઈ કચાશ છોડતાં નથી અને એ જ પુત્ર લગ્ન થતાં જ પુત્રવધૂના કહેવાથી પોતાના માતા - પિતા સાથેના સંબંધનો અંત લાવી દે તો આ માતા - પિતાની વ્યથા કોણ સમજશે?
આજના આ કોરોનાના કપરા કાળમાં તેઓ જે ઘરડાંઘરમાં હોય છે ત્યાં પોતાના સંતાનોને મળવા ઝૂરતા હોય છે. તેમની મનોવ્યથાનો આપણે વિચાર કરીએ તો આપણાં રૂંવાડા ઉભા થઈ જાય છે. માતા - પિતા ફક્ત પ્રેમના ભૂખ્યા છે. તેમને આપણી હૂંફની જરૂર છે.
તેથી જ તો કહેવાય છે ને કે 'ધન ખરચતાં મળશે બધું, મા - બાપ મળશે નહીં'. એવું પણ કહ્યું છે કે 'ભૂલો ભલે બીજું બધું મા - બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર તેહના તે વિસરશો નહીં'.        

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter