સન્માનઃ વિવાદ ભલે હોય, પણ આગવું મહત્ત્વ તો ખરું જ

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 22nd February 2022 12:26 EST
 

સન્માન મળવું ખુશીની વાત છે. જે વ્યક્તિ કે સંસ્થા સારું કામ કરે, પરોપકાર કરે, કોઈ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરે ત્યારે તેને સમ્માનિત કરવામાં આવે છે. આ સન્માન સમાજ કે સરકાર દ્વારા હોઈ શકે. સરકારી સન્માન કે એવોર્ડ થોડા મુશ્કેલીથી મળતા હોય છે પરંતુ મળે ત્યારે તેનો મોભો પણ કૈંક અલગ જ હોય છે. ક્યારેક સંસ્થા વિશેષ દ્વારા પણ અલગ અલગ સન્માન સ્થાપિત કરવામાં આવતા હોય છે અને તે લોકોને અપાતા હોય છે જેમ કે નોબેલ પ્રાઈઝ. આવા પ્રાઈઝ કે એવોર્ડ તેના નામ અને દરજ્જા ઉપરાંત તેની સાથે જોડાયેલી ધન રાશિને કારણે પણ ઘણા પ્રખ્યાત બને છે. અલગ અલગ ક્ષેત્રે નામાંકિત એવોર્ડ અને સન્માન હોય છે જેનું વિશેષ મહત્વ હોય છે જેમ કે સાહિત્ય ક્ષેત્રે નોબેલ પ્રાઈઝ ઉપરાંત બૂકર પ્રાઈઝ વગેરે પણ ખુબ મોટો દરજ્જો ધરાવે છે.

પરંતુ શું આવા સન્માનથી વ્યક્તિ કે સંસ્થાને કોઈ ફાયદો થાય છે? જે સંસ્થા સારું કામ કરતી હોય તેને કોઈ એવોર્ડ આપવામાં આવે તો તેનો ફાયદો શું? કેટલાક લોકો કહે છે કે જેને સારું કામ કરવું છે તે કરશે જ તો પછી એવોર્ડ કે સન્માનનું શું તાત્પર્ય? જયારે બીજા કેટલાક લોકોનું કહેવું છે કે જયારે સન્માન મળે છે ત્યારે લોકો વધારે પ્રોત્સાહિત થાય છે અને તેનાથી તેમનો કામ કરવાનો વેગ અને પ્રોત્સાહન વધી જાય છે. તેની સામે કેટલાક લોકો તો એવું પણ માને છે કે આ બધા સન્માન અને એવોર્ડ નકામા ધતિંગ હોય છે, અંદરોઅંદર જ એકબીજાને વહેંચાઈ જાય છે, ક્યારેક તેની પાછળ રાજકીય કે સંસ્થાકીય હિતો પણ છુપાયેલા હોય છે અને એટલા માટે તેમાં કોઈ સચ્ચાઈ હોતી નથી. અમુક વખતે એવોર્ડ ખરીદવાના આક્ષેપો પણ લગાવવામાં આવે છે.
પરંતુ આ બધી અસમંજસ વચ્ચે પણ જયારે કોઈ સારું કામ કરે, તેની સમાજ અને સરકાર દ્વારા નોંધ લેવાય તો પ્રોત્સાહન તો મળે જ છે એ વાતમાં કોઈ સંશય નથી. ખાસ કરીને નાની સંસ્થાઓ અને સામાન્ય માનવીઓના કામની નોંધ લેવાય તો તેનાથી બીજા લોકોને પણ આવા સારા કામ કરવાનો હોંશ જાગે છે. એટલા માટે અમુક વખતે એવોર્ડ કે સન્માનને લઈને કોઈ વિવાદ કે દલીલો થતી હોવા છતાં એકંદરે સમાજમાં તેનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે. જયારે કોઈ વ્યક્તિ કે સંસ્થાનું પાર્શ્વચિત્ર - પ્રોફાઈલ બનાવવામાં આવે છે ત્યારે તેમાં પણ સમ્માન અને એવોર્ડની યાદ જરૂર મુકવામાં આવે છે.
જયારે કોઈને એવોર્ડ મળે ત્યારે તેની કામગીરી વિષે વાંચીને તેનાથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા ઘણી હોય છે. એ લોકો પણ પોતાને તેવા સ્થાને પહોંચાડવા મહેનત કરવાની શરૂ કરે છે અને ક્યારેક પોતાને પણ એવું સન્માન મળે તેવી ઈચ્છા રાખે છે. આવી રીતે બીજાને પ્રોત્સાહિત કરીને વધારે ને વધારે લોકો અને સંસ્થાઓને સારા માર્ગે દોરવા, સમાજ માટે કૈંક સારું કરવાની પ્રેરણા આપનારા સન્માન અને એવોર્ડથી જે ફાયદો થાય છે તેની સામે થોડા ઘણા વિવાદો અને ગેરરીતિઓને અવગણી શકાય તેવું છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus