આ છે જૂઠાણાંઓનો ખતરનાક વાઈરસ!

કપિલ દૂદકીઆ Wednesday 28th April 2021 05:38 EDT
 
 

ગ્લોબલ મીડિયા જગતે મગજ ગુમાવી દીધું છે. તાજેતરમાં આપણે જોયું કે જર્નાલિસ્ટ્સ, ન્યૂઝ ચેનલ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ તેમના જેવાં રાજકારણીઓ અને ભારતવિરોધી ટોળાંશાહીએ ભારતમાં પ્રવર્તમાન કોવિડ પરિસ્થિતિ અંગે ભારે કાગારોળ મચાવી દીધી છે.

હું સ્પષ્ટતા કરી લઉં, તમે કયા દેશની વાત કરો છો તેને ધ્યાનમાં લેવા સિવાય કોવિડ દરેક સ્થળે ખરાબ છે. તે ભારત માટે ખરાબ છે અને કોવિડના કેસના ઉછાળાનો અનુભવ કરી રહેલા તમામ ભારતીયો માટે ખતરનાક છે. આરોગ્યસુવિધાઓ ભાંગી પડે તેવી હાલતમાં છે અને હેલ્થ પ્રોફેશનલ્સ જિંદગીઓ બચાવવા રાત-દિવસ કામ કરી રહ્યા છે અને આવશ્યક ચીજવસ્તુના પુરવઠાની અછત વિષમતામાં વધારો જ કરે છે. આપણે અહીં યુકેમાં તેનો અનુભવ કર્યો છે અને બાકીના યુરોપ અને યુએસએમાં પણ આવી જ હાલત હતી. જોકે, ભારત વિશે જે પ્રકારે ડેટાની રજૂઆતો થઈ રહી છે તેને જોતાં મને એમ લાગી રહ્યું છે કે ભારતવિરોધી બ્રિગેડ ભારત દેશ અને તેની પ્રજાને બદનામ કરવા કામે લાગી ગઈ છે. આ સતત ૨૪ કલાકના નકારાત્મક પ્રચારથી કેટલાક ભારતીયો પણ બનાવટી-નકલી વર્ણનોને સાચા માની રહ્યા છે.

આથી, હું તમને સાચી-વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરવા ઈચ્છું છું. હું તમને એવો ડેટા બતાવીશ જેને આંતરરાષ્ટ્રીય સમર્થન મળેલું છે અને આ લોકોએ ભારતને બદનામ કરવા અરીસા અને ધૂમાડાની મદદથી અવળું ચિત્રાંકન કરવાનો નિર્ણય કરી લીધો છે. કદાચ આ જ હોઈ શકે અથવા તો તેઓ બધા કલ્પના પણ ન કરી શકાય તેવાં મૂર્ખ હોય.

મેં આ સાથે રજૂ કરેલો ચાર્ટ નિહાળો (તમને આ ચાર્ટ કોઈ પબ્લિકેશન, સોશિયલ મીડિયા અથવા કોઈ ઈન્ટરનેશનલ ન્યૂઝ ચેનલ પર જોવા મળશે નહિ), આ ચાર્ટ ૨૦૧૯થી ગત સપ્તાહ સુધી કોવિડ કેસીસના પખવાડિક સંબંધ દર્શાવે છે.

હું માત્ર ચાર દેશ- ભારત, બ્રાઝિલ, ફ્રાન્સ અને ઈટાલીને ડેટાની સરખામણી, ભેદ અને ડેટાને વાસ્તવિક સંદર્ભ અર્થે પ્રદર્શિત કરી રહ્યો છું

પહેલા તો આડી ધરી (horizontal axis) પરના આંકડા પખવાડિક ધોરણે કોવિડ કેસીસની સંખ્યા દર્શાવે છે જેને વસ્તીમાં દર ૧ મિલિયનના પ્રમાણમાં રજૂ કરાયેલ છે. તમે તાજેતરમાં કાગારોળ મચાવતી હેડલાઈન્સ નિહાળી હશે તેમાં માત્ર કેસીસની સંખ્યા દર્શાવાઈ છે તેનો સંદર્ભ નહિ. જો તમે દેશની કુલ વસ્તીને ગણતરીમાં લેવામાં નિષ્ફળ રહેશો તો ડેટાને બરાબર મગજમાં ઉતારવાનું મહત્ત્વનું પરિમાણ એટલે કે સંદર્ભનું આવશ્યક તત્વ, ચૂકી જશો.

કોઈ સંદર્ભ અને માળખા સિવાયનો ડેટા માત્ર આંકડા સિવાય કશું નથી. તે તમને કશું જણાવતો કે સમજાવતો નથી. જોકે, આપણી પાસે વિવિધ દેશોના ડેટાને વસ્તીના કદને આધારિત ચૂસ્ત માળખામાં ગોઠવીશું તેની સાથે જ અચાનક સત્ય સામે આવી જશે. આ સત્ય તદ્દન સરળ છે. ચાર્ટને અને ભારતની વસ્તીના કદને આધારિત કોવિડ કેસીસને નિહાળો, તે સૌથી નીચા સ્તરમાં એક છે. એમાં તો શંકાને કોઈ સ્થાન નથી કે ભારતમાં કેસીસની સંખ્યા વધી રહી છે અને કદાચ વધુ એક મહિના સુધી વધતી રહેશે. આમ છતાં, તેની કુલ વસ્તીના પ્રમાણમાં આવી સંખ્યા મોટા ભાગના અન્ય દેશો કરતાં નોંધપાત્રપણે ઓછી જ રહેશે.

હાલ ફ્રાન્સમાં પ્રતિ એક મિલિયનની વસ્તીએ અંદાજે ૭,૫૦૦ કેસ નોંધાય છે. બેલ્જિયમમાં આ પ્રમાણ ૪,૫૦૦ પ્રતિ મિલિયનનું છે. બ્રાઝિલમાં પણ બેલ્જિયમની માફક ૪,૫૦૦ પ્રતિ મિલિયનનું પ્રમાણ છે. ઈટાલીમાં આશરે ૩,૫૦૦ પ્રતિ મિલિયનનું પ્રમાણ છે. યુકેમાં ૪૫૦ પ્રતિ મિલિયનનું તેમજ યુએસએમાં ૩,૦૦૦ પ્રતિ મિલિયનથી જરા ઓછું પ્રમાણ છે. આ બધાથી વિપરીત ભારતમાં આ પ્રમાણ ૨,૫૦૦ પ્રતિ મિલિયનનું છે જે, પશ્ચિમના ઘણા દેશો કરતાં નોંધપાત્રપણે ઓછું છે!

હવે આપણે પ્રતિ મિલિયન મૃત્યુઆંક જોઈએઃ બેલ્જિયમ ૨૦૬૦, ઈટાલી ૧૯૭૧, યુકે ૧૮૬૯, બ્રાઝિલ ૧૮૦૮, યુએસએ ૧૭૫૯, ફ્રાન્સ ૧૫૬૭ અને ભારત ૧૩૮. હા, આ તમે બરાબર વાંચ્યું છે. યુરોપમા પ્રતિ મિલિયન વસ્તીએ હજારોના મોત થઈ રહ્યા છે ત્યારે પ્રમાણમાં કહીએ તો ભારતમાં આ સંખ્યા સેંકડોની છે. આંકડાકીય ગણતરીએ જોઈએ તો સમગ્ર યુરોપમાં કોઈ પણ સ્થળ કરતાં તમે ભારતમાં વધુ સુરક્ષિત છો!

હવે તમે જ્યારે પણ ભારત સંબંધિત ડેટા જુઓ ત્યારે થોડાં વધુ પ્રશ્નો અવશ્ય પૂછજો. ભારતવિરોધી ઘૃણા પ્રસરાવનારાઓ તમારી આંખો પર પાટા બાંધી તમને તેમની વાહિયાત વાતો માનવા પ્રેરે તેમાં છેતરાઈ જશો નહિ. જર્નાલિસ્ટ્સ્ટના નકાબ હેઠળના આ પરજીવી જંતુઓ ભારત પ્રત્યે તેમની તિરસ્કાર-ઘૃણાને ઉશ્કેરવા ભારતીયોના મોત અને યાતનાઓનો પણ ઉપયોગ કરતા અચકાતા નથી.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter