કારગિલ વિજય દિવસે ભારતીય નરબંકાઓની શહીદી, શૌર્યગાથાઓને ગાઈએ

કપિલ દૂદકિઆ Wednesday 14th July 2021 05:53 EDT
 
 

મહાન ભારતીય લશ્કરી દળોના નરબંકા જવાનોએ પાકિસ્તાનના સેતાની લશ્કરી દળોને કારગિલ વિસ્તારમાંથી ખદેડી મૂક્યા તે ૨૬ જુલાઈ ૧૯૯૯નો દિવસ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો. કૂતરાની પૂંછડી હંમેશાં વાંકી જ રહે તે મુજબ પાકિસ્તાની સરકારે ભારત સાથેના દ્વિપક્ષી કરારનું ઉલ્લંઘન કર્યું અને છૂપો ઘા મારી કારગિલની અતિ ઊંચાઈએ આવેલી પોસ્ટ-ચોકી પર હુમલો કરી કબજો કરી લીધો હતો. છેક ૧૯૪૭થી જોઈએ તો હંમેશાંથી પાકિસ્તાનના તમામ કાર્યો વિશ્વાસઘાત, કરારભંગ અને અપરાધિતા-ગુનાખોરીને સાથ આપવાના જ રહ્યાં છે. આથી, ભારત ગમે તેટલો સદ્ભાવ ધરાવતું હોય અને પાકિસ્તાન પ્રત્યે રાખતું આવ્યું હોય છતાં, પાકિસ્તાન કોઈની પણ સાથે, ખાસ તો ભારત સાથે અવળચંડાઈ આદરવામાં પાછીપાની કરી જ ના શકે તેવી ધારણા હંમેશાં રહે જ છે.

હુમલા પછી પણ કારગિલ પર હુમલો કરવામાં તેનો જરા પણ હાથ નથી તેવા દાવાઓ કરી પાકિસ્તાને હાથ ખંખેરી નાખવાના તમામ પ્રયાસો કર્યા હતા. આ કોઈ સ્વતંત્ર ત્રાસવાદી સંગઠનનું કૃત્ય હોઈ શકે તેવો તેનો દાવો રહ્યો. સમગ્ર વિશ્વ આ નિહાળી રહ્યું હતું, તેને પણ બરાબર ખાતરી હતી કે આ તદ્દન જુઠાણું છે. જુઠું બોલવું તે પાકિસ્તાનનો મુદ્રાલેખ કે ટ્રેડમાર્ક રહ્યો છે આથી, તે બાબતે તો જરા પણ નવાઈ ન હતી. આ હુમલો-આક્રમણ પાકિસ્તાની સરકાર દ્વારા જ કરાયું હતું અને તેના પેરામિલિટરી દળોના તત્કાલીન વડા જનરલ અશરફ રશિદની આગેવાની હેઠળ કરાયું હતું.

આશરે ૬૦ દિવસની લડાઈમાં બંને પક્ષોએ જાનહાનિ વેઠવી પડી હતી. આખરે તો જે થવાનું હતું, અનિવાર્ય હતું તે ૨૬ જુલાઈ ૧૯૯૯ના દિવસે થઈને જ રહ્યું જ્યારે ભારતીય લશ્કરી દળોએ પાકિસ્તાની દળોની ખાનાખરાબી કરી નાખી અને તેમને કારગિલમાંથી તગડી મૂક્યા. ઓપરેશન વિજય અભૂતપૂર્વ સફળતાને વર્યું હતું.

ભારતને પણ કઠોર બોધપાઠ શીખવો પડ્યો હતો. પાડોશીઓના દુષ્કૃત્યોને નજરઅંદાજ કરતા રહેવાની વરવી અને સલામત નીતિએ આખરે રાષ્ટ્રીય સુરક્ષાને મુશ્કેલીમાં મૂકી દીધી હતી અને પરિણામે, ભારતીય સૈનિકો અને નાગરિકોના લોહી રેડાયા હતા. દેશની પ્રજામાં પણ આ વાસ્તવિકતાઓ બાબતે જાગરુકતા આવી હતી. સરકાર ભારતની સુરક્ષા મુદ્દે સક્રિયતા દાખવે અને ભારતીય લશ્કરી દળોને આવશ્યક શસ્ત્રસરંજામ મળતો રહે તેની ચોકસાઈના સમર્થનમાં ઉછાળો આવ્યો હતો. આનાથી થોડો તફાવત કે પરિવર્તન અવશ્ય જણાયું પરંતુ, જે પ્રકાર-પ્રમાણનું હોવું જોઈએ તેવું ન હતું.

પાકિસ્તાન માટે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે હીણપત અનુભવવી પડી તેનાથી ભારતનો કારગિલ વિજય દિવસ તેના માટે રાષ્ટ્રીય શરમનો દિવસ બની રહ્યો હતો. આજે પણ તે શરમ કે હીણપત તેમની માનસિકતામાં દેખાતી રહે છે. પાકિસ્તાનમાં કોઈની પણ સામે કારગિલનો ઉલ્લેખ કરશો તો લગભગ ગાંડપણની હાલતમાં આવી જશે.

ભારતીય સુરક્ષાની હાલતમાં પરિવર્તન આવવાની શરુઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ થઈ. ભારતીય પ્રજાએ ભારતીય જનતા પક્ષ (BJP)ને જે પ્રકારે જનાદેશ આપ્યો તે અભૂતપૂર્વ હતો. દેશની જનતાને એવી સરકાર જોઈતી હતી જેના માટે ભારતનું સ્થાન પ્રથમ રહે. એવી સરકાર જે ભારતીય હોવામાં તેમજ ભારતવર્ષના ઐતિહાસિક વારસા-ધરોહરની આનંદપૂર્વક ઉજવણી કરવામાં જરા પણ શરમ ન અનુભવે. વડા પ્રધાન મોદીએ ભારતીય લશ્કરી દળોના અત્યાધુનિક નિર્માણમાં હરણફાળો ભરી હતી. ધીમે ધીમે ભારતીય લશ્કરી દળોને પાકિસ્તાન અને ચીન સાથેની LOC -અંકુશહરોળો પર હજારોની સંખ્યામાં ગોઠવી દેવામાં આવ્યા.

મોદી સરકારે ગેરબંધારણીય આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કરીને બંધિયાર જમ્મુ અને કાશ્મીર રાજ્યને સમગ્ર ભારત માટે ખુલ્લું બનાવી દીધું. જમ્મુ, કાશ્મીર અને લડાખના વિસ્તારોને નવુ સ્વરુપ આપીને વ્યાપકપણે સલામત પ્રદેશોની રચના કરી જેનાથી ત્યાંનું જીવન ફરી એક વખત ધબકતું બની રહે. હજારો ભારતીયોએ હવે અહીં સ્થળાંતર કરી સ્થાનિક અર્થતંત્ર પુનઃ વિકાસના માર્ગે ચડી જાય તેવા કાર્યમાં જોડાવાનો આરંભ કર્યો છે. ૭૦ વર્ષોની નીંભર-જડ બેદરકારી અથવા બેપરવાઈનું વરવું પરિણામ થોડાં વર્ષમાં જ બદલી શકાય નહિ. સફળતા સાતમા આસમાને પહોંચી શકે તે માટે સ્થાનિક માનસિકતાને બદલવા અને વસ્તીનું સશક્તિકરણ કરવાના કાર્યમાં હજુ એક દાયકો લાગી જશે.

આથી, આ ૨૬ જુલાઈએ આપણે દેશ માટે જાનફેસાની કરનારા વીર શહીદોની શૌર્યગાથાઓ ગાઈએ, તેની ઉજવણી કરીએ. આ દિવસને એ રીતે યાદ કરીએ જ્યારે પાકિસ્તાનને બોધપાઠ શીખવાડાયો હતો. આપણે એ દિવસને એ રીતે યાદ કરીએ જ્યારથી ભારતે તેની આસપાસના જોખમોને જાણી-સમજીને જાગૃત થવાની શરુઆત કરી હતી. ગત ૧૦ વર્ષમાં સફળતા અને પ્રગતિ સધાઈ છે તેને નોંધપાત્ર અવશ્ય કહેવાય પરંતુ, મારી દૃષ્ટિએ તે હજુ અપૂરતી જ છે.

વડા પ્રધાન મોદીએ ઊંચા નિશાનો સાથે પ્રયાસો વધારવાની તેમજ સફળતા હાંસલ કરવા માટેનો સમયગાળો ઘટાડવાની આવશ્યકતા છે. રાષ્ટ્ર હંમેશાં પ્રથમ સ્થાને જ રહેવું જોઈએ તે લક્ષ્ય હવે દરેક ભારતીયના હૃદયમાં કેન્દ્રસ્થાને હોવું જોઈએ. આમાં શંકાને કોઈ જ સ્થાન નથી, ધર્મના રક્ષણ અર્થે ઉન્નત મસ્તક થઈ રહેવાનો સમય પાકી ગયો છે.

 (તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter