કેર સ્ટાર્મરના હાથમાં જ કઠપૂતળીઓનો દોરીસંચાર રહ્યો છે?

કપિલ દૂદકીઆ Tuesday 31st October 2023 14:45 EDT
 
 

ગત સપ્તાહે આપણે ‘યુદ્ધ અટકાવો’ અને યુદ્ધવિરામની માગણીઓની કાગારોળના સાક્ષી બન્યા હતા. પેલેસ્ટિનિઅન હમાસ આતંકવાદીઓને અછોવાના કરવાના ગાંડપણથી આ બનાવટી ઉશ્કેરાટનો પર્દાફાશ થઈ ગયો તેમજ મૂળભૂત મુદ્દાની અવગણના થઈ કે હજારો લોકોની હત્યા, અનેકના બળાત્કાર અને જંગલિયાત આચરનારા અને 200થી વધુ લોકોને બાનમાં લેનારા રાક્ષસો દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો.

તમે મને પ્રશ્ન એ કરવાના કે આ બધા સાથે કેર સ્ટાર્મરને શું લાગેવળગે? ખરેખર, લેખના મથાળામાં જ આ પ્રશ્ન કરાયો છે કે શું સ્ટાર્મર જ કઠપૂતળીના ખેલ કરાવનારા માસ્ટર કે દોરીસંચાર કરનારા છે? રાજકારણની ચોપાટ પર અનેક દાવપેચ ખેલાઈ રહ્યા છે ત્યારે હું અને આપણે કેટલાક મુદ્દાના તાણાવાણા ગોઠવીને કેટલાક પોઈન્ટમાંથી કોઈ રેખાચિત્ર બનાવી શકાય તેમ છે કે નહિ તેનો પ્રયાસ તો કરી શકીએ.

રિશિ સુનાક અને ટોરી પાર્ટી તો ઈઝરાયેલને તેમના સમર્થન બાબતે મક્કમ છે. તેઓ પોતાના વલણ પર અડગ છે અને દુશ્મનાવટના અંત કે યુદ્ધવિરામની વાતો કરી રહ્યા નથી. તેમના આ મક્કમ અને સ્પષ્ટ વલણે સ્ટાર્મરને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધા છે. લેબર રાજકારણીઓનું સામાન્ય વલણ એ રહે છે કે તેઓ પક્ષમાં ડાબેરી કે જમણેરી સાઈડ પર હોય પરંતુ, તેઓ હંમેશાં પેલેસ્ટાઈનને સમર્થન જેવાં ઉદ્દેશોમાં સમાન પક્ષ ધરાવે છે. લેબર પાર્ટીની માનસિકતા જ ઈઝરાયેલવિરોધી રહી છે. જોકે, આ પ્રસંગે પેલેસ્ટિનીઓનો પક્ષ તાણવામાં આવે તો લેબર પાર્ટી માટે નકારાત્મક અસર ઉભી થાય તેમ છે. ખાસ કરીને, દેશના એવા વિસ્તારોમાં જ્યાં તાજેતરની ચૂંટણીઓમાં તેમની પરંપરાગત વોટબેન્કને અસર પહોંચી છે. મને એમ લાગે છે કે લેબર પાર્ટી દ્વારા કરાવાયેલો આંતરિક અભ્યાસ દર્શાવે છે કે આ વિસ્તારોમાં ઘણા લેબર સમર્થક મતદારો ઈસ્લામિક કટ્ટરવાદીઓ અને ઉગ્રવાદીઓને સપોર્ટથી ત્રાહિમામ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં સ્ટાર્મર પાસે રિશિ અને ટોરીઝના જેવું વલણ જાહેર કર્યા વિના કોઈ માર્ગ જ બચ્યો ન હતો. આમ કરવામાં તેઓ મુસ્લિમ મતદારોએ દોરેલી લાલ સીમારેખા ઓળંગી ગયા છે. હજારોની સંખ્યામાં મુસ્લિમ મતદારોએ જાહેર વિરોધ અને સરઘસો મારફત તેમના રોષને ઠાલવ્યો હતો. કેટલાક સપ્તાહોના સમયગાળામાં મોટા ભાગના મુસ્લિમ લેબર સાંસદો અને કાઉન્સિલરોએ મૌન જાળવી રાખ્યું હતું. કેટલાક તો AWOL (અવે વિધાઉટ ઓફિશિયલ લીવ) હતા તો હંમેશાં ટીવી પર કોઈના કોઈ મુદ્દે ચર્ચા- ઈન્ટરવ્યૂઝમાં જોડાયેલા રહેતા અન્યો કશે જોવા પણ મળ્યા ન હતા. જોકે, મુસ્લિમ કોમ્યુનિટીમાં એટલો રોષ છવાઈ ગયો હતો કે આ મુસ્લિમ લેબર સાંસદો અને કાઉન્સિલરોએ પેલેસ્ટિનીઓની તરફેણમાં બહાર આવી યુદ્ધવિરામની માગણી કરવાની ફરજ પડી હતી. આ તેમના પોતાના નેતા કેર સ્ટાર્મરના વલણથી તદ્દન વિરુદ્ધ હતું!

બધા જ કહી રહ્યા છે કે કેર અને લેબર પાર્ટીએ ગંભીર ભૂલ કરી છે અને હવે તેઓ મુસ્લિમોના પ્રભાવક્ષેત્ર હેઠળની 40થી વધુ બેઠકો ગુમાવે તેવી શક્યતા છે. અને આ જ મુદ્દાએ ઘણા વિશ્લેષકો અને ખુદ મુસ્લિમ કોમ્યુનિટીએ પણ કદાચ વિનાશક ભૂલ કરી હોય તેમ જણાય છે. હકીકત તો એવી છે કે જ્યારે ખરેખર ચૂંટણી થશે ત્યારે લેબર પાર્ટી માટે મત આપતી રહેલી 80 ટકા જેટલી મુસ્લિમ કોમ્યુનિટીમાંથી મોટા ભાગના ફરીથી એમ જ કરશે.

કેર સ્ટાર્મરને આની બરાબર જાણકારી છે. મને એમ પણ લાગે છે કે લેબર પાર્ટીના આંતરિક સર્વેએ તેમને એમ કહ્યું જ છે કે મુસ્લિમ્સ કદી ટોરી પાર્ટીને મત આપવાના નથી તેમજ લિબડેમ્સ અથવા અન્યોને મત એટલે કે મતનો વેડફાટ, આથી તેમની પાસે અન્ય કશે જવાનો કોઈ માર્ગ રહ્યો નથી. માસ્ટર કઠપૂતળીકાર સ્ટાર્મરે મુસ્લિમ કોમ્યુનિટીની દોરીઓ એટલી હદ સુધી ખેંચી છે કે લેબર પાર્ટી પર મુસ્લિમોનો અંકુશ હોવાના બનાવટી દોરદમામનો પર્દાફાશ થઈ ગયો છે. આની સાથોસાથ, બ્રિટિશ રાજકારણમાં મધ્યમ અને જમણેરી પરિબળોને એવો સંકેત પણ પાઠવી દીધો છે કે તેઓ જ એવી વ્યક્તિ છે જે આ મુદ્દા પર ટોરીઝ જેટલા જ કઠોર થઈ શકે છે. તેમની ગણતરી એવી છે કે આના પરિણામે કેટલાક મત તેઓ પુનઃ હાંસલ કરી શકશે.

તો સવાલ એ થાય છે કે દોરીસંચારના આ ચતુર નિષ્ણાત આગામી ઈલેક્શન જીતી શકશે? ખરેખર તો પોલ્સમાં તેઓ એટલા બધા આગળ છે કે આ સ્થાનેથી પરાજય વહોરવો પડે તો તેમણે ભારે નિષ્ફળ થવું પડે. આમ છતાં, પણ આવી શક્યતા તો રહેલી જ છે કારણકે આખરે તો આ લેબર પાર્ટી છે.

એક વાઈલ્ડકાર્ડ છે જેરેમી કોર્બીન, જેમના વિશે કોઈ વાત જ કરતું નથી. લેબર પાર્ટીમાં તેમનો નોંધપાત્ર અનુયાયી વર્ગ છે અને જેઓ ડાબેરી છે તેમના માટે તો કોર્બીન ધ્વજદંડ પર પોતાનો રંગ લગાવવામાં કાયર જ રહ્યા હતા. આમ છતાં, આ વિશેષ સંજોગોમાં, મને એમ લાગે છે કે જો અતિ ડાબેરીઓએ પોતાનો રાજકીય પક્ષ સ્થાપવો હોય તો આ જ યોગ્ય સમય છે. જો જેરેમી કોર્બીનમાં આ જોખમ ઉઠાવવાની હિંમત હોય તો વિરોધ દર્શાવનારા ઘણા મુસ્લિમ મતદારો તેમની સાથે જાય તેવી શક્યતા રહેલી છે. આની સાથે પરંપરાગત લેબર ડાબેરી અને ઉગ્રવાદી ડાબેરીઓ ભળી જાય તો તેઓ આશરે 50 બેઠકો હાંસલ કરી લે તેવી ધારણા કરવામાં અતાર્કિક જરા પણ નથી. ચૂંટણી પછીના નવા કોઈ પણ પરિદૃશ્યમાં તેઓ પાવર બ્રોકર - સત્તાના દલાલ બની શકે છે.

એક બાબત એ પણ ચોક્કસ છે કે એક વખત કોર્બીન ચૂંટણીના મેદાનમાં પ્રવેશી જાય તો ટોરીઝ માટે ફરી સમર્થન વધી જઈ શકે તેવી પણ સંભાવના રહે છે. તેઓ નિશ્ચિતપણે કેરના લેબર અને કોર્બીનના અતિ ડાબેરી ગઠબંધનને કોઈ પણ સ્વરૂપે સત્તા પર ઈચ્છશે નહિ. આ બાબત રિશિ માટે ટોરીઝને પુનઃ સત્તાસ્થાને બેસાડવામાં પુરતો સપોર્ટ હાંસલ કરવાના દ્વાર ખોલી આપશે.

એક રસપ્રદ બાબત એ છે કે ઓક્ટોબરમાં ‘પાર્ટી ઓફ ઈસ્લામ’ નામથી નવા પક્ષનું રજિસ્ટ્રેશન કરાયું છે. જો તેઓ પણ જંગના મેદાનમાં ઝંપલાવશે તો આગામી ચૂંટણીમાં આપણને કેવી ખીચડી જોવા મળશે તે વિચારો! એક સ્મરણ કરાવું તો, 1989માં ધ ઈસ્લામિક પાર્ટી ઓફ બ્રિટનની રચના કરાઈ હતી અને 2006માં તેના પાટિયાં પણ બેસી ગયા હતા!

હું એક વિચાર સાથે તમારી રજા લઉં છું, ઉપરોક્ત બાબતો આપણને નવું વિચારભાથું આપે છે. ભાવિના ગર્ભમાં આપણા માટે ઘણા આશ્ચર્યો રાહ જોઈને છુપાયાં હશે. એક બાબત તો ચોક્કસ છે કે આગામી ઈલેક્શન આપણા બધા માટે ભારે ચડાવઉતાર સાથે ચકડોળની રમત બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter