કોવિડની બીજી લહેર ધીમી પડવા સાથે રાહત છતાં, કાળજી આવશ્યક

રુચિ ઘનશ્યામ Wednesday 09th June 2021 07:17 EDT
 
 

ભારતમાં ૭ જૂને કોવિડ-૧૯ના નવા ૧૦૦,૬૩૬ કેસ નોંધાયા હતા જે સંખ્યા ૬૧ દિવસમાં સૌથી ઓછી હતી. દેશભરમાં નવા સંક્રમણ અને એક્ટિવ કેસીસનો વળાંક સ્થિરતાપૂર્વક સતત નીચે તરફ જઈ રહ્યો છે તેને નજરમાં લેતા કોવિડની વિનાશક બીજી લહેર ધીમી પડી રહી હોવાનું જણાય છે. સરકારી ડેટા અનુસાર ૪.૮૫ ટકાના પોઝિટિવિટી રેટ સાથે કોવિડ ૧૯ના કેસીસમાં એક્ટિવ કેસલોડમાં ૭૬,૧૯૦ કેસનો ચોખ્ખો ઘટાડો જોવાં મળ્યો છે.

રાજધાની દિલ્હીમાં પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સરકારે ૬ જૂને જાહેર કરેલા હેલ્થ બુલેટિન અનુસાર શહેરમાં ૨૪ કલાકના ગાળામાં ૭૬,૮૫૭ લોકોનું કોરોના ટેસ્ટિંગ કરાવાયું હતું તેમાંથી ૩૮૧ લોકો પોઝિટિવ જણાયા હતા. આના પરિણામે, દિલ્હી શહેરનો પોઝિટિવિટી રેટ ઘટીને ૦.૫ ટકા થયો હતો. દિલ્હીમાં ૯ માર્ચ પછી જોવા મળેલો આ સૌથી નીચો પોઝિટિવિટી રેટ હતો. તે સમયે ૩૨૦ કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ ૦.૪૮ ટકા હતો.

કોવિડના કેસીસમાં સતત ઘટાડો થવા સાથે શહેરો અને રાજ્યોએ કોરોના વાઈરસના કારણે લાદવા પડેલા લોકડાઉન્સના નિયંત્રણો તબક્કાવાર હળવા કરવાની શરુઆત કરી છે. દિલ્હીએ ૭ જૂનથી લોકડાઉન હળવું કરી અનલોકિંગ પ્રક્રિયાના આગામી તબક્કામાં પ્રવેશ કર્યો છે. માર્કેટ્સ અને શોપિંગ મોલ્સ ઓડ-ઈવન એટલે કે આંતરાદિવસના આધારે ખોલી શકાશે અને દિલ્હી મેટ્રોની સેવા ૫૦ ટકાની ક્ષમતા સાથે શરુ કરી દેવાઈ છે. મહારાષ્ટ્રમાં એપ્રિલ મહિનાની મધ્યમાં લોકડાઉન લદાયું હતું ત્યાં પણ નિયંત્રણો હળવાં કરવાની જાહેરાતો કરી દેવાઈ છે. અન્ય રાજ્યોએ પણ લોકડાઉનમાંથી બહાર નીકળવાની શરુઆત કરી દીધી છે. ભારતના રાજ્યોમાં કોવિડ ૧૯ની બીજી લહેરનો પ્રસારનો સમયગાળો અલગ અલગ હોવાથી રાજ્યોમાં અનલોકિંગ પ્રક્રિયા અને ઝડપ પણ અલગ અલગ રહેશે.

પરિસ્થિતિ-સંજોગો સુધરવા લાગ્યા છે ત્યારે આક્રમક રસીકરણ અભિયાન પૂરજોશમાં હાથ ધરાઈ શકે છે. વડા પ્રધાને જાહેરાત કરી છે તેમ કેન્દ્ર સરકાર આગામી બે સપ્તાહથી કોવિડ-૧૯ વેક્સિન્સ પ્રાપ્ત કરવાની જવાબદારી ઉઠાવશે. આ વેક્સિન્સ ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને નિઃશુલ્ક અપાશે. જેઓ કિંમત ચૂકવવા માગશે તેઓ પ્રાઈવેટ સેન્ટર્સ પરથી વેક્સિન્સ મેળવી શકશે. વડા પ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલો વેક્સિન્સનો ૨૫ ટકા જથ્થો મેળવવાનું ચાલુ રાખી શકશે. કેન્દ્ર સરકાર વેક્સિન ઉત્પાદકો પાસેથી તમામ ઉત્પાદનના ૭૫ ટકા જથ્થાની ખરીદી કરશે અને રાજ્ય સરકારોને મફત જથ્થો પૂરો પાડશે.

જાન્યુઆરીની ૧૬મીથી વેક્સિનેશન અભિયાન શરુ કરાયું ત્યારથી આ સપ્તાહના આરંભ સુધીમાં જ વેક્સિનના ૨૩૨ મિલિયનથી વધુ ડોઝ અપાઈ ગયા છે.

ચોતરફ હાહાકાર મચાવી દેનારી બીજી લહેરના ગાળામાં શ્વાસોચ્છવાસની તકલીફ સાથેના કોવિડના કેસીસમાં અચાનક વધારો થયો હતો. જેના પરિણામે, દેશમાં મેડિકલ ઓક્સિજનની માગમાં ભારે ઉછાળો આવ્યો હતો. ઓક્સિજનની માગમાં આ વધારો અભૂતપૂર્વ અને અકલ્પનીય હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ જૂને રાષ્ટ્રજોગ સંબોધનમાં સમજાવ્યું હતું કે ભારતના ઈતિહાસમાં મેડિકલ ઓક્સિજનની જરુરિયાત આટલા વિશાળ જથ્થામાં કદી અનુભવાઈ કે જોવાં મળી નથી. અછતના સમયમાં વિશ્વના તમામ ખૂણેથી મેડિકલ ઓક્સિજનનો પૂરવઠો મેળવવા તેમજ દેશના એક વિસ્તારમાંથી અન્યત્ર આ પુરવઠો પહોંચાડવા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

દેશ હવે નિયંત્રણોમાંથી તબક્કાવાર બહાર આવી રહ્યો છે ત્યારે કામકાજના સ્થળો પણ પોતાની કામગીરી શરુ કરવા અથવા વધારવાના વિકલ્પોને ધ્યાનથી ચકાસી રહ્યાં છે. લગભગ એક કરતાં વધુ વર્ષથી લોકોએ ઘરમાં રહીને કામ કર્યું છે. મોટા ભાગના વિસ્તારો લોકડાઉન હેઠળ હતાં ત્યારે કંપનીઓ અને કર્મચારીઓએ પોતાની કામગીરી ચાલુ રાખવાના અનેક વિકલ્પોને અજમાવ્યા પણ હતા. આના પરિણામે, ઘણી વખત નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને સાધનો વસાવવાનો સમય આવ્યો હતો. કેટલીક નાની ઓફિસોએ તેમની વપરાશ વિનાની પ્રોપર્ટી પર નકામું ભાડું ભરવું ન પડે તે માટે તેમના પ્રીમાઈસીસ પરત પણ સોંપી દીધા હતા.

કોરોના વાઈરસની આ બીજી લહેર કદાચ ધીમી તો પડી છે પરંતુ, કોવિડ-૧૯ રોગચાળાને હરાવવાનો હજુ બાકી છે. કોઈ પણ પ્રકારની બેદરકારી કે બેકાળજી ભયાનક ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. આ સંજોગોમાં લોકો હજુ લોકો પૂરતો આત્મવિશ્વાસ ધરાવતા નથી અથવા કામકાજના સ્થળોએ પાછાં ફરવાની ઈચ્છા રાખતા નથી. અનેક સર્વેમાં જાણવા મળ્યું છે કે લોકોની અભૂતપૂર્વ બહુમતી ઘેર રહીને કામકાજ કરવાની વ્યવસ્થાને ચાલુ રાખવાનું પસંદ કરે છે. ઘણા લોકોએ તો નવી નોકરી શોધતી વેળાએ ઘરમાંથી કામ કરવાના વિકલ્પ અંગે પૂછપરછ કરવાની શરુઆત પણ કરી છે. કંપનીઓ પણ જ્યાં શક્ય હોય ત્યાં સુધી વર્તમાન વ્યવસ્થાઓ ચાલુ રાખવા તૈયારી દર્શાવે છે. ઘરમાં રહી કામ કરવા તેમજ થોડા દિવસ ઓફિસ પ્રીમાઈસીસમાં આવી કામ કરવાના સંયુક્ત વિકલ્પો પણ ઘડી રહ્યા છે. કેટલીક કંપનીઓ કર્મચારીઓ વર્કપ્લેસની નજીક રહી શકે તેવી  રેસિડેન્સિટલ સુવિધા સાથેના પ્રીમાઈસીસ ધરાવતાં નાના શહેરોમાં સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહી છે.

આપણે ઐતિહાસિક પળોના સાક્ષી બની રહ્યા છીએ. આપણે જાણીએ છીએ તેમ કેટલાક રસપ્રદ અને આશાવાદી વિધેયાત્મક ફેરફારો સાથે આપણું વિશ્વ નવાં પરિવર્તનોમાંથી પસાર થશે. આ પરિવર્તનોની અસરો પર બારીકાઈ અને સમજપૂર્વકનું ધ્યાન રાખવું પડશે કારણકે આપણામાંથી ઘણા લોકોના જીવન પર તેની દૂરગામી અસરો રહેશે.

 (રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter