ગિરીશ કર્નાર્ડઃ અંગ્રેજી સાહિત્ય-સમાજ અને ભારતીય સંસ્કાર-પરંપરાને જોડતો સેતુ

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 02nd July 2019 08:28 EDT
 
 

નેહરુ સેન્ટરના ડાયરેકટર અને મિનિસ્ટર (કલ્ચર)ની પોસ્ટ પર ઈ.સ. ૨૦૦૦-૨૦૦૩ દરમિયાન લંડનમાં રહ્યા તે પહેલા ગિરીશ કર્નાડનો સેતુ ઇંગ્લેન્ડ સાથે ઓક્સફર્ડ યુનિવર્સિટીના માધ્યમથી બંધાઈ ચુક્યો હતો. ઈ.સ. ૧૯૬૦-૬૩ દરમિયાન તેઓ રોડ્સ સ્કોલરશીપ હેઠળ માસ્ટર્સ ડિગ્રી માટે ઓક્સફર્ડમાં ભણવા આવેલા. ત્યારબાદ ચેન્નાઇ (મદ્રાસ)માં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં તેમણે લગભગ સાતેક વર્ષ કામ કર્યું. 

કન્નડ ભાષાના નાટ્યકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ ગિરીશ કર્નાડ ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે પણ લેખન, દિગ્દર્શન અને અભિનયમાં પોતાનું નામ કાઢી ગયા હતા. જૂની પેઢી તેને ‘માલગુડી ડેઝ’ ધારાવાહિકમાં કરેલા સ્વામીના પિતાની ભૂમિકા તથા ‘નિશાંત’, ‘મંથન’ અને ‘સ્વામી’ જેવી ફિલ્મોમાં કરેલા અભિનયને કારણે ઓળખે છે. આજની પેઢી માટે તેમના ‘પુકાર’, ‘ઇકબાલ’, ‘ડોર’, ‘તસ્વીર’, ‘આશાએ’, ‘એક થા ટાઇગર’, ‘ટાઇગર ઝિંદા હે’ વગેરે જેવી ફિલ્મોમાં ભજવેલા પાત્રો યાદગાર બની રહ્યા છે. તેમણે કન્નડ ભાષામાં પ્રથમ ફિલ્મ ‘વંશ વૃક્ષ’નું નિર્દેશન ૧૯૭૧માં કર્યું અને તેના માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શન માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો. તેમણે અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ પણ બનાવી.
નાટ્યલેખન ક્ષેત્રે તેમણે શરૂઆત ‘યયાતિ’થી કરી અને ત્યાર બાદ ‘તુઘલક’, ‘હયવદન’ અને ‘નાગ-મંડલ’ જેવા મહત્ત્વપૂર્ણ નાટકો આપ્યા. ‘તાલેદન્ડ’ અને ‘અગ્નિ મત્તુ માલે’ પણ ખુબ પ્રસિદ્ધ બનેલા નાટકો છે. કર્નાડના નાટકો આમ તો કન્નડ ભાષામાં લખાયેલા અને ત્યારબાદ અંગ્રેજી તથા બીજી અનેક ભાષાઓમાં તેમનો અનુવાદ થયો છે.
નાટકો અને અન્ય લેખન માટે તેઓએ મોટા ભાગે ભારતના પ્રાચીન ગ્રંથોનો આધાર લીધો. જુના વિષયો અને પાત્રોનો ઉપયોગ કરીને આધુનિક સમયની મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક સમસ્યાઓને છતી કરવાની તેમની આવડત પ્રશંસા પામી છે. વિવેચકો અનુસાર, માત્ર ૨૬ વર્ષની વયે તેમણે લખેલા નાટક ‘તુઘલક’ દ્વારા મધ્યકાલીન ભારતના મુગલ સમ્રાટ મહંમદ બિન તુઘલકનો સંદર્ભ લઈને તે સમયની તત્કાલીન સ્થિતિ અને નીતિ પર પ્રહાર કર્યો હતો. તેમના નાટકો દેશ-વિદેશની સ્થાપિત અને સન્માનનીય નાટક સંસ્થાઓ દ્વારા ભજવાયા અને વિવેચકો તથા દર્શકોની પ્રસંશા પામ્યા.
ગિરીશ કર્નાડ સાહિત્ય ક્ષેત્રે તો ખુબ મોટું નામ છે અને તેમની વિવિધ પ્રવૃત્તિઓને કારણે સમ્માન પામેલા, પરંતુ તેમના આખાબોલા અને નિર્ભીક સ્વભાવને કારણે અનેકવાર વિવાદોમાં પણ સપડાયા હતા. સરકાર સામે બોલવામાં પણ તેઓએ છૂટ લીધેલી. પરંતુ એક કલાકાર તરીકેની તેમની ઓળખ આગવી છે અને તેના માટે તે સમ્માનજનક દરજ્જો ધરાવે છે.
કર્નાડને મળેલા સન્માન, એવોર્ડની યાદી તો ખુબ લાંબી છે. સાહિત્ય, સિનેમા અને નાટક ક્ષેત્રના લગભગ બધા જ નોંધપાત્ર એવોર્ડ જેમ કે સાહિત્ય અકાદમી પુરસ્કાર, જ્ઞાનપીઠ પુરસ્કાર, ફિલ્મ ક્ષેત્રના રાષ્ટ્રીય પુરસ્કાર, ફિલ્મ ફેર એવોર્ડ જેવા નોંધપાત્ર સન્માન ઉપરાંત ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણ પણ એનાયત થયેલા.
૧૯૩૮માં જન્મેલા ગિરીશ કર્નાડે જૂન ૨૦૧૯માં ૮૧ વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લીધી અને અનેક સંભારણા મુકતા ગયા. ઈંગ્લેન્ડમાં વસવાટ દરમિયાન તેમના માનસ પર પડેલ અંગ્રેજી સાહિત્ય, સમાજ અને ભાષાનો પ્રભાવ તથા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે તેનો તાંતણો ગૂંથવાની તેમની હથોટીને કારણે પ્રાપ્ત થયેલ સાહિત્ય બંને સંસ્કૃતિ વચ્ચે સેતુબંધ બની રહેશે. 

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter