ગુણગ્રાહક વ્યક્તિત્વઃ ડિમ્પલ લાખાણી

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 16th November 2019 03:12 EST
 
 

મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૦૦ કિ.મી. દૂર આવેલા શાઈશાઈ નગરને ગુજરાતીઓ ચંચાઈ કહે છે. ૧૦૦ જેટલા ગુજરાતી પરિવાર અહીં છે, પણ તેમાં ડિમ્પલ લાખાણીની નોખી ભાત છે. હજી પચાસે પહોંચવામાં એક વર્ષ ખૂટે છે એવા ડિમ્પલે ધંધામાં અને લોકપ્રિયતામાં જબરું કાઠું કાઢ્યું છે. ડિમ્પલ ભારતમાં અને ચંચાઈમાં ભાગીદારો સાથે ભાતભાતના ધંધા કરીને પ્રગતિની ટોચે પહોંચ્યા છે. ભારતમાં ભાગીદારો સાથેનું તેમનું ગ્રૂપ ‘જલ સાંઈ’ તરીકે જાણીતું છે. ધંધા મુજબ તેમણે અલગ નામે કંપનીઓ રજિસ્ટર કરાવી છે છતાં લોકો તેને ડિમ્પલ ગ્રૂપ કહે છે. ડિમ્પલ કહે છે, ‘માત્ર મારું નામ આવે છે, પણ ભાગીદારોને મારામાં વિશ્વાસ હોવાથી તેઓ ઈર્ષ્યા કરતા નથી. હું તેમના વિશ્વાસને પાત્ર રહું તેવી ભગવાનને સતત પ્રાર્થના કરું છું.’

ડિમ્પલ ગ્રૂપ પાસે ચંચાઈમાં સાત સ્ટોર છે. બધામાં છૂટક અને જથ્થાબંધ વેપાર થાય છે. સ્ટોરને સ્વતંત્ર ગોડાઉન પણ છે. ત્રણ મોટી મિલકતો ભાડે આપી છે તે ઉપરાંત ભવિષ્યમાં વિકાસની શક્યતાવાળી જમીનની માલિકી ડિમ્પલ ધરાવે છે.
રાજકોટમાં જલ સાંઈ ગ્રુપે જમીન વિકાસ અને બાંધકામના ક્ષેત્રે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. એપાર્ટમેન્ટ, બંગલા અને રો હાઉસની સંખ્યાબંધ સ્કીમો પૂરી કરીને આ ગ્રૂપ યશસ્વી બન્યું છે. બંગલા, એપાર્ટમેન્ટ, રો હાઉસ બધું તૈયાર કરીને એ વેચે છે. ગ્રૂપ ધંધાદારી સમજથી ભરેલું છે. તરત કમાઈ લેવાની વૃત્તિ નથી. તેઓ જમીન ખરીદીને રાખી મૂકે પછી વર્ષે - બે વર્ષે એ જમીન પર નવી સ્કીમ મૂકે. નવી સ્કીમમાં જમીનનો વધેલો ભાવ ગણતાં નફો વધે. સ્કીમની જાહેરાતમાં ગ્રાહક માટે જે મૂક્યું હોય તેમાં છેતરપિંડી નહીં. ઠાગાઠૈયા નહીં. આથી કંપનીની શાખ વધી અને પરિણામે વિના જાહેરાત મૂકેલી સ્કીમ ભરાઈ જાય છે.
ડિમ્પલે ૧૭ જેટલી વ્યક્તિઓને ભારતથી ધંધામાં બોલાવી અને કામ શીખવ્યું. આમાંના ચાર આજે મોઝામ્બિકમાં વેપારી છે. ચાર જણ કમાઈને ભારત પાછા ગયા. બાકીના નવ હજી મોઝામ્બિકમાં કંપની સાથે રહીને કમિશન પર કામ કરે છે. ડિમ્પલ કોઈનેય રોટલો રળવામાં મદદરૂપ થવાનું હોંશથી કરે છે, માને છે. પ્રભુએ આપેલો રોટલો બીજાને ખવડાવતાં મીઠો બને છે.
ડિમ્પલ પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી. ભૂતકાળમાં બીજાએ એક કે બીજી રીતે કરેલી મદદથી પોતે આજની સ્થિતિએ પહોંચ્યાનું માને છે. આથી એવા મદદગારોને તે કૃતજ્ઞભાવે યાદ કરે છે. પોતાને બીજાએ મદદ કરી તો પોતાને બીજાએ મદદ કરવી જોઈએ એવું તે સ્પષ્ટ માને છે.
પિતા દલસુખભાઈ લાખાણી અને માતા ચંદ્રિકાબહેન. દલસુખભાઈનું વતન રાણકનેરા ગામ. તેમના પિતા ગિરધરદાસની ગામમાં દુકાન. દલસુખભાઈએ ઉપલેટામાં કાપડનો વેપાર શરૂ કર્યો માટે પરિવાર ઉપલેટા વસેલો. દલસુખભાઈની બહેનના દીકરા નટુભાઈ સચદેનો મોઝામ્બિકમાં મોટો વેપાર. આથી તેમણે મદદરૂપ થવાના ભાવથી મામાના મોટા દીકરા ડિમ્પલને ૧૯૯૦માં મોઝામ્બિક બોલાવ્યા. નટુભાઈએ પ્રેમથી પોતાના મામા દીકરા ડિમ્પલને પોતાની પાસે રાખીને ઘડતર કર્યું. મામાને ત્યાં પગારથી કામ કર્યા પછી મામાની રજા મેળવીને પોતાનો સ્વતંત્ર ધંધો કર્યો અને કમાયા. ૧૯૯૧ પ્રકાશ કારિયાની ભાગીદારીમાં બઝાર બેરા નામની કંપની સ્થાપી અને ગ્રોસરીનો ધંધો કર્યો. આ પછી તેમાં અનિલ કારિયા અને કેતન સવજાની ઉમેરાયા.
દરેક વખતે બે ભાગીદાર ભારતમાં રહે અને બે ચંચાઈમાં. દર બે માસે દરેક ભાગીદારે ભારત જઈને રહેવાનું. આથી દરેકને કુટુંબજીવન મળે. ગોઠવણ એવી કે દરેક માસે એક ભાગીદાર આવે અને ચંચાઈથી બીજો ભારત બે માસ માટે જાય. આમ દરેક વખતે એક જૂનો ચાલુ રહે અને નવો તેની સાથે જોડાય તેવું ગોઠવે.
૨૦૦૨માં ડિમ્પલે ચંચાઈ હિંદુ યુવક મંડળ સ્થાપ્યું. તેના ઉપક્રમે રક્તદાન કાર્યક્રમ યોજાય છે. ડિમ્પલે ૧૯૯૨થી અત્યાર સુધી થઈને ૪૫ કરતાં વધારે વખત રક્તદાન કર્યું છે. સેવા અને સહકારની ભાવના ડિમ્પલમાં ભળતાં તે યશસ્વી બન્યા છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter