ચરોતરની દીકરી ડો. રૂપાન્દે પટેલ અમેરિકી આર્મીના સ્વાસ્થ્યની સારસંભાળ રાખે છે

Wednesday 05th February 2020 06:12 EST
 
 

આણંદઃ વર્ષ ૨૦૦૩ની વાત છે, મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયું, તે સમયે યુદ્ધ ક્ષેત્ર ઇરાકમાં મોકલવામાં આવેલ યુએસ આર્મીમાં ભારતીય મહિલા પણ હતી. જેને ખાસ સૈન્યના સ્વાસ્થ્યની સારસંભાળ માટેની જવાબદારી સોંપાઈ હતી. એ સમયે યુએસ આર્મીએ સૌપ્રથમ વખત સૈન્યમાં એક ડેન્ટલ યુનિટ મોકલીને ઇતિહાસ સર્જ્યો હતો. આ ડેન્ટલ યનિટમાં આણંદ જિલ્લાના ધર્મજના દીકરી અને યુએસમાં સ્થાયી ડો. રૂપાન્દે પટેલનો પણ સમાવેશ થતો હતો. એ વખતે યુદ્ધ ક્ષેત્રમાં તેઓ જ્યાં રોકાયેલા તે વેરહાઉસ પર બોમ્બ પણ ઝીંકાયો તેમાં ડો. રૂપાન્દેનો ચમત્કારિક બચાવ થયો હતો. હાલમાં ડો. રૂપાન્દે પટેલ યુએસ આર્મી રિઝર્વમાં કર્નલ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
તાજેતરમાં ધર્મજ ડેની ઉજવણીમાં ડો. રૂપાન્દે અને તેમની યુકે સ્થિત બહેન ડો. ગોરાન્દે પટેલને ધર્મજ જ્યોતિ સન્માનથી નવાજાયાં હતાં. ૧૮ વર્ષથી યુએસ આર્મીમાં જોડાયેલાં ડો. રૂપાન્દેએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૧માં ન્યૂ યોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો ત્યારે ગુસ્સા સાથે દુ:ખ પણ થયું. હુમલામાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા ત્યારે વિચાર્યું કે મારે આર્મીમાં જોડાવું જોઇએ. જોકે હું એટલી સ્ટ્રોંગ નહોતી કે સૈનિક બનીને યુદ્ધમાં જઇને લડી શકું. તેથી પોતાનામાં રહેલા કૌશલ્યનો આર્મી માટે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. હું ડેન્ટિસ્ટ છું. જેથી યુદ્ધમાં આપણા માટે લડતાં સૈનિકના સ્વાસ્થ્યની સારસંભાળ રાખવાનું કામ કરવાનું નક્કી કરીને વર્ષ ૨૦૦૨માં ઓક્ટોબર મહિનામાં યુએસ આર્મીમાં જોડાઇ હતી.
વર્ષ ફેબ્રુઆરી, ૨૦૦૩માં યુદ્ધની સ્થિતિમાં યુએસ આર્મીએ એક ડેન્ટલ યુનિટને ઇરાક મોકલ્યું તેમાં હું સામેલ હતી. ત્યારે સૌપ્રથમ વખત સૈન્ય સાથે ડેન્ટલ યુનિટ મોકલાતાં યુએસ આર્મીએ ઇતિહાસ સર્જ્યો હતો. તે સમયે અમારા કેમ્પમાં યુએસ, જર્મની અને યુકેના કુલ ૧.૨૦ લાખ સૈનિક હતા જેમની સારસંભાળ અમે રાખતાં હતાં કારણ કે અન્ય દેશની મેડિકલ ટીમ નહોતી. તે વખતે હું ઇરાક યુદ્ધ ક્ષેત્રમાં હું ૪ મહિના રોકાઇ હતી. દરમિયાન એક રાત્રે અમે સૂતા હતી ત્યાં બોમ્બ ઝીંકાયો હતો. અમારો ટેન્ટ પડવા લાગતાં અમે સુરક્ષિત જગ્યા શોધી ત્યાં ઉભા થઇ ગયા. અમારો અદભુત બચાવ થયો હતો. હું પ્રથમ વખત યુદ્ધ ક્ષેત્ર ઇરાક ગઇ ત્યારે મારો દીકરો ૬ વર્ષનો અને દીકરી ૩ વર્ષની હતી. અમારા માતાપિતા ભારતમાં હતા જેથી ૪ મહિના સુધી બંને બાળકોની દેખરેખ મારા પતિ સુકુમાર પટેલે રાખી હતી. ઇરાક અને અફઘાનમાં લડતા સૈનિકોની સંભાળ રાખવા મને કુલ ત્રણ વખત મોકલાઈ હતી. ડો. રૂપાન્દેને યુએસ આર્મી માટે આપેલી સેવાઓ માટે આર્મી એચિવમેન્ટ મેડલ અને આર્મી કોમેનડેશન મેડલ જેવા એવોર્ડથી સન્માનિત કરાયાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter