ચાન્સેલર એન્જેલા મર્કેલઃ શાંત અને મક્કમ નેતૃત્વ

રુચિ ઘનશ્યામ Wednesday 28th April 2021 05:41 EDT
 
 

થોડાં વર્ષો અગાઉ જ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે તેમની વર્તમાન મુદત ૨૦૨૧માં પૂર્ણ થાય તે પછી વધુ એક મુદત માટે ઉમેદવારી નહિ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ૨૦૧૮માં લાગણીશીલ વિદાય પ્રવચન સાથે ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ પાર્ટીના નેતાપદનો ત્યાગ કર્યો હતો. તેમણે ૧૮ વર્ષ સુધી પોતાના પક્ષની કમાન સંભાળી હતી અને ચાર રાષ્ટ્રીય ચૂંટણીઓમાં વિજય હાંસલ કર્યો હતો.

હેમ્બુર્ગમાં પક્ષના અધિવેશનમાં ડેલિગેટ્સે ઉભા થઈ ૧૦ મિનિટ સુધી તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા. ગત સપ્તાહે જ મર્કેલની પાર્ટીએ સપ્ટેમ્બર ૨૦૨૧માં યોજાનારી જર્મનીની ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ બ્લોકના ચાન્સેલર પદના ઉમેદવાર તરીકે આર્મિન લાશેટને મજબૂત સમર્થન જાહેર કર્યું હતું. ચાન્સેલર પદના સ્પર્ધામાં ૨૦૧૮થી બાવેરિયાના મિનિસ્ટર-પ્રેસિડેન્ટ છે તેમજ ૨૦૧૯થી બાવેરિયાના ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન (CSU)ના નેતા માર્કસ સોએડર સાથે કડવાશપૂર્ણ જંગ પછી લાશેટ ચૂંટાયા હતા. જર્મનીમાં ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન ઓફ જર્મની (CDU) અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન ઈન બાવેરિયા (CSU) નામના બે રાજકીય પક્ષોનું કેન્દ્રીય જમણેરી ક્રિશ્ચિયન-ડેમોક્રેટિક રાજકીય ગઠબંધન છે.

એન્જેલા મર્કેલનો જન્મ ૧૭ જુલાઈ ૧૯૫૪માં એનેજેલા મકાસનેર તરીકે હેમ્બુર્ગમાં થયો હતો. તેઓ થોડાં મહિનાનાં જ હતાં ત્યારે તેમના લુથરન પાદરી પિતાને પૂર્વ જર્મનીના નાના નગરમાં પેરિશ-મઠની જવાબદારી સોંપાઈ હતી. તેમનો ઉછેર ઈસ્ટ બર્લિનની બહાર ગ્રામીણ વિસ્તારમાં થયો હતો. તેમણે ઈસ્ટ બર્લિનમાં સાયન્ટિફિક એકેડેમીમાં કેમિસ્ટ તરીકે કામ કરતા પહેલા ફીઝિક્સમાં ડોક્ટરેટ હાંસલ કર્યું હતું. તેઓ ૧૯૮૯માં ઈસ્ટ જર્મનીની લોકશાહી ચળવળમાં સામેલ થયાં હતાં અને પ્રથમ લોકશાહી ચૂંટણીઓ પછી ઈસ્ટ જર્મન સરકારના પ્રવક્તા તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ૧૯૯૦માં જર્મનીના પુનઃજોડાણ અગાઉ કેન્દ્રીય જમણેરી ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ યુનિયન (CDU)માં જોડાયાં હતાં અને એક વર્ષ પછી ચાન્સેલર હેલ્મુટ કોહ્લના શાસનમાં મહિલા અને યુવાનો બાબતના મિનિસ્ટર બન્યાં હતાં. તેઓ વર્ષ ૨૦૦૦માં CDUના નેતા બન્યાં અને ૨૦૦૫માં જર્મની સર્વપ્રથમ મહિલા ચાન્સેલર બન્યાં હતાં.

કોરોના વાઈરસની પ્રથમ લહેર પર સફળ નિયંત્રણ મેળવ્યાં પછી તાજેતરના મહિનાઓમાં કોરોના વાઈરસ મહામારી સાથે કામ પાર પાડવા બાબતે જર્મનીના કન્ઝર્વેટિવ્ઝના રેટિંગ્સને માર પડ્યો છે. મર્કેલ ૧૬ વર્ષના શાસન પછી વિદાય લઈ રહ્યાં છે ત્યારેકન્ઝર્વેટિવ્ઝને માત્ર પાંચ મહિનામાં જર્મનીની ચૂંટણીઓના પડકારનો સામનો કરવાનો છે. આ પડકાર હોવાં છતાં, મર્કેલ ગત ૧૬ વર્ષો દરમિયાન જર્મનીનું ગૌરવપૂર્ણ પ્રતીક બની રહ્યાં છે. તેમણે પોતાના શાસનકાળમાં ઘણી કટોકટીનો સામનો કરેલો છે. ઘણા લોકોને થોડાં વર્ષો પહેલા જ અનેક યુરોપીય દેશોને અસર કરનારા યુરોપિયન ડેટ ક્રાઈસીસ (ઘણી વખત યુરોઝોન કટોકટી અથવા યુરોપિયન સોવરિન ડેટ કટોકટી તરીકે ઉલ્લેખિત)ની યાદ નહિ હોય. આજે અમારામાંથી ઘણાં લોકો આ કટોકટી દરમિયાન એન્જેલા મર્કેલની શાંત અને મક્કમ નેતાગીરીને યાદ કરશે જેમણે યુરોપના ઘણા દેશોમાં મુશ્કેલીઓ ઉભી કરનારા બિનલોકપ્રિય નિર્ણયોને સમર્થન આપ્યું હતું.

યુરોપિયન યુનિયનથી અલગ થવાના યુકેના નિર્ણય અને યુરોપિયન યુનિયનના વિસ્તારોમાં પણ યુરોપવિરોધી અવાજો ઉઠવા સાથે જે મુશ્કેલ પડકારો સર્જાયા છતાં, તેઓ અખંડ-એકસંપ યુરોપના પ્રખર સમર્થક બની રહ્યાં હતાં. યુરોપમાં સૌથી મોટાં અર્થતંત્રના નેતા તરીકે મર્કેલ, જર્મનીને નાણાકીય કટોકટીમાંથી બહાર લાવી પુનઃ પ્રગતિના પંથે ચડાવવાની સાથોસાથ નિશ્ચિતપણે યુરોપના એકચક્રી નેતા બની રહ્યાં હતાં. તત્કાલીન યુએસ પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો કરવાનો હોય કે દસ લાખથી વધુ સીરિયન શરણાર્થીઓને જર્મનીમાં આશ્ય આપવાની બાબત હોય, તેમની નેતાગીરી પોલાદ જેવી મક્કમતા અને મજબૂત નિર્ધારનું પ્રતીક હતી. ઓક્ટોબર ૨૦૨૦ના એક સર્વે અનુસાર ૧૪ યુરોપિયન દેશોના ૭૫ ટકા વયસ્કો તેમના ક્ષેત્રોના કોઈ પણ નેતા કરતા મર્કેલમાં વધુ વિશ્વાસ ધરાવતા હતા.

તેમની નેતાગીરીના પ્રારંભિક વર્ષોમાં તેમના સાદગીપૂર્ણ વસ્ત્રોની પસંદગી અથવા મેક-અપ વિનાના ચહેરા વિશે ઘણી ટીપ્પણીઓ થતી રહી હતી. જર્મન ચાન્સેલર તરીકેના આટલા વર્ષોમાં પણ કોઈ બદલાવ આવ્યો નહિ. તેઓ એ જ પ્રકારના વસ્ત્રો પહેરતાં, તેમની હેર સ્ટાઈલ બદલાઈ ન હતી અને તેઓ ભાવહીન ચહેરાની નજરને પસંદ કરતાં હતાં. તેઓ એ જ જૂના એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં, તેમણે કોઈ જંગી સંપત્તિ હસ્તગત કરી નહિ કે તેમના સગાંસંબંધીઓ પણ સંપત્તિ અને પ્રભાવની સીડી પર ચડ્યાં નહિ. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઘરમાં તેમના પતિ અને તેમની પાસે સંખ્યાબંધ મદદનીશો ન હતા અને દંપતી તેમના વચ્ચે કામકાજ વહેંચી લેતાં હતાં. ચાન્સેલર તરીકે ૧૬ વર્ષની કામગીરીમાં કેટલાંક મુશ્કેલ પડકારોમાંથી પસાર થવું પડ્યું હોવાં છતાં, તેમની આ સાદગી અને પ્રતિબદ્ધતાએ જર્મન લોકોનો આદર અને પ્રશંસા મેળવ્યાં હતાં.

મર્કેલે ભારત સાથે સારાં સંબંધોના નિર્માણનું કાર્ય કર્યું છે. તેમણે ૨૦૧૧માં તત્કાલીન ભારતીય વડા પ્રધાન સાથે પ્રથમ ઈન્ડો-જર્મન આંતર સરકારી બેઠકમાં અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. આ વ્યવસ્થા સંયુક્ત મિની કેબિનેટ મીટિંગ જેવી હતી અને ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ હાંસલ કરવાની તક આપતી હતી. બર્લિનમાં ૨૦૧૩ની બેઠકમાં હું હાજર રહી હતી. ભારતના તત્કાલીન વિદેશ પ્રધાન દ્વારા શિષ્ટાચાર મુલાકાત દરમિયાન તેમનું નજદીકથી નીરિક્ષણ કરવાની મને તક સાંપડી હતી. તેઓ શાંત અને સક્ષમ વ્યક્તિત્વ હોવાં સાથે આત્મવિશ્વાસથી ભરપૂર જણાયાં હતાં. તેમની સાથે કોઈ મજાક-રમૂજ કરી શકે નહિ. જે કોઈ નેતા તેમનું સ્થાન સંભાળશે તેમણે કડકાઈ સાથેની ભૂમિકા ભજવવી પડશે. આજે વિશ્વ સમક્ષ જે કટોકટી સર્જાયેલી છે તેને ધ્યાનમાં રાખતા જર્મનીમાં મજબૂત નેતાગીરી મહત્ત્વપૂર્ણ બની રહેશે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter